સ્વરૂપસન્નિધાન/ઊર્મિકાવ્યમાં લાઘવ

ઊર્મિકાવ્યમાં લાઘવ
લાઘવને લિરિકનું એક લક્ષણ ગણવામાં આવ્યું છે. આમાં એવી સમજ રહેલી છે કે ઊર્મિકાવ્ય કદમાં ટૂંકું હોય, એટલું જ નહિ પણ એમાં ભાવની સીધી અભિવ્યક્તિ હોય. લાગણીની અતિસંકુલતા એને માફક ન આવે કેમ કે આપણે જેને સંકુલ ભાવ કહીએ છીએ તેની ઘટનામાં લાગણી (Emotion) સાથે ચિત્તના બીજા અનેક વ્યાપારો ભળેલા હોય છે જેનું પ્રગટીકરણ ઊર્મિકાવ્યને અપેક્ષિત એવી સીધી શરગતિને બાધક નીવડવા સંભવ છે. વળી ઊર્મિકાવ્યમાં એક જ ભાવનું સીધું આલેખન ઈષ્ટ છે ને આવો એક જ ભાવ કે લાગણી લાંબા સમય સુધી બીજા વ્યાપારોથી મુક્ત ને એમ શુદ્ધ રહી શકતી નથી. એક વિવેચકે તો એની સમયમર્યાદા – અર્ધા કલાકની વધુમાં વધુ – પણ પણ નક્કી કરી છે. આથી જ કદાચ ઊર્મિકાવ્યનું વલણ ભાવને વિકસાવવા કરતાં તને ઘૂંટવા તરફ વધારે રહેતું હોય છે. એક જ ભાવ ચિત્તમાં લાંબો સમય શુદ્ધ રૂપમાં ન ચાલે એ ખરું, પણ કવિ અનેક ભાવપલટાઓના આલેખન દ્વારા કૃતિમાં લાંબું ચાલી શકે ખરો. હા, આવા ભાવપલટા તે એક જ ભાવના તરંગો જેવા હોય, મૂળ ભાવથી ભિન્ન ન હોય. લિરિકની શરત એ છે કે ભાવ કે લાગણી એમાં એક જ હોય, તે સંકુલ ન હોય. તેની અભિવ્યક્તિ ચોટદાર ને સીધી હોય, તેમાં દલીલો કરવાનો કે બોધ આપવાનો અવકાશ ન હોય, તે પારદર્શક ને બુદ્ધિ તત્ત્વથી મુક્ત હોય.

– જયંત પાઠક,
સંપા : ગુજરાતી ઊર્મિકાવ્યો : પૃ. ૫-૬