સ્વાધ્યાયલોક—૨/સી. પી. સ્નો


સી. પી. સ્નો

સી. પી. સ્નો જાન્યુઆરીની ૮મીએ લંડનથી સીધા અમદાવાદ આવ્યા. અમદાવાદ મૅનેજમેન્ટ ઍસોસિયેશનના ઉપક્રમે વિક્રમ સારાભાઈ સ્મારક વ્યાખ્યાનમાળામાં ૧૯૭૭ના જાન્યુઆરીની ૧૦–૧૧મીએ સુપ્રસિદ્ધ અંગ્રેજ નવલકથાકાર અને ચિંતક સી. પી. સ્નોનાં બે વ્યાખ્યાનો યોજવામાં આવ્યા હતાં એ માટે. એ તો સત્વરે જ કહી દેવું જોઈએ કે લૉર્ડ સ્નો ૭૧ વર્ષના બાળક છે. હસે છે બિલકુલ બાળક જેવું, સરલ અને નિર્દોષ. આ લખનારને (શ્રી ઉમાશંકર જોશી અને કુ. નંદિની જોશી સાથે) ૯મીએ સાંજે ચારથી સવા પાંચ લગી એમની હોટલ પર એમને મળવાનું થયું. મુખ્યત્વે સાહિત્યિક અને સાંસ્કૃતિક જગતની આપણા યુગની અનેક વિશિષ્ટ વ્યક્તિઓ અને ઘટનાઓ વિશે વાતો ચાલી. ત્યારે વારંવાર એમના આ શિશુસુલભ હાસ્યનો અનુભવ થયો. વચમાં એમને પૂછ્યું  તમે ભારતમાં પહેલી વાર આવો છો? એમણે કહ્યું  હા, હું ભારતમાં પહેલી વાર આવું છું. આરંભમાં જ ઉમાશંકરે પૂછ્યું  હમણાં નવી નવલકથા લખવાનું ચાલતું હશે? એમણે કહ્યું  હા. પણ કદાચ હું હવે નવી નવલકથા નહિ લખું પણ નવલકથાઓ વિશે લખીશ. મારે મારી પ્રિય નવલકથાઓ વિશે અને નવલકથાકારો વિશે એક પુસ્તક લખવું છે. હમણાં જ મેં ટ્રોલોપ વિશે એક પુસ્તક લખ્યું છે. લોકોને ગમ્યું છે. પણ ટ્રોલોપ નાના નવલકથાકાર છે. મારે બાલ્ઝાક, ડિકિન્સ, દૉસ્તોયૅવ્સ્કી, ટૉલ્સ્ટૉય આદિ મોટા નવલકથાકારો વિશે લખવું છે. નંદિનીએ પૂછ્યું  તમે વીસેક વરસ પૂર્વે એવું વિધાન કર્યું હતું કે ૨૦મી સદીના અંત લગીમાં વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેનું અંતર અદૃશ્ય થયું હશે. હજુ તમને લાગે છે કે ઇતિહાસ તમારું આ વિધાન સાચું પાડશે? એમણે કહ્યું  ઇતિહાસ અત્યંત સમર્થ છે. હા, હજુ પણ મને લાગે છે કે ઇતિહાસ મારું આ વિધાન સાચું પાડશે. આ લખનારે પૂછ્યું  તમારા બે સંસ્કૃતિઓ વિશેના વ્યાખ્યાનનો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શો પ્રતિભાવ હતો? એમણે કહ્યું  એ વિશે હજુ મારા પર જગતભરમાંથી પત્રો આવે છે. આ વ્યાખ્યાન કર્યું ત્યારથી હું જ્યારે જ્યારે એ અંગે મોં ખોલું છું ત્યારે ત્યારે વિવાદ જાગે છે. તરત જ ઉમાશંકરે ઉમેર્યું  મોં ખોલવા માટે માણસ પાસે એ સારામાં સારું કારણ છે. તરત જ એ બાળકની જેમ હસ્યા. ૧૬મીએ એ અમદાવાદથી મુંબઈ ગયા અને ૧૯મીએ ત્યાંથી લંડન ગયા. ૧૬મીએ અમદાવાદથી વિદાય થયા તે પૂર્વે એક મિત્રને એમણે અમદાવાદમાં સાહિત્ય અને વિજ્ઞાનની વ્યક્તિઓ અને સંસ્થાઓનો જે અનુભવ થયો એને આધારે કહ્યું  અહીં મને લંડનમાં થાય એવો જ હાર્દિક અને બૌદ્ધિક આત્મીયતાનો અનુભવ થયો છે. મારે વહેલામાં વહેલી તકે અહીં ફરીથી આવવું પડશે, મારાં પત્ની અને મારા પુત્ર સાથે. એમનાં પત્ની પામેલા હૅન્સફર્ડ જૉન્સન સ્વયં અગ્રણી નવલકથાકાર અને વિવેચક છે. એમના પુત્ર ફિલિપે જગતને ઉપયોગી થવા કેમ્બ્રિજમાં ચીની ભાષાનો અભ્યાસ કર્યો છે. સાબરમતી આશ્રમમાં ૯મીએ સાંજે અંગ્રેજીમાં ‘ધ્વનિ અને પ્રકાશ’ એ અમદાવાદમાં એમનો પ્રથમ કાર્યક્રમ હતો. આ એક મધુર અકસ્માત હતો. રાતે નવ વાગ્યે આશ્રમમાંથી વિદાય થયા ત્યારે એમણે કહ્યું  અત્યંત હૃદયદ્રાવક છે. અને પછી ઉમેર્યું  હું જ્યાં જાઉં છું ત્યાં અમારાં દુષ્કૃત્યો જોઉં છું. અમે કહ્યું  તમે તમારી જાત પ્રત્યે કંઈક ક્રૂર થાઓ છો. ૧૦મીએ સવારે દસ વાગ્યે લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિરના નાજુક અને નમણા મકાનમાં સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓનું એમની સાથે મિલન યોજ્યું હતું. ૧૫૦ જેટલા શ્રોતાઓ હશે. લંડનથી જ એમણે લખ્યું હતું કે બે સ્મારકવ્યાખ્યાનો સિવાય અમદાવાદમાં એ કોઈ ઔપચારિક વ્યાખ્યાન કરશે નહિ. એટલે અહીં એમણે એક ટૂંકું અનૌપચારિક અને પ્રાસંગિક એવું પ્રાસ્તાવિક પ્રવચન કર્યું. પછી અડધો-પોણો કલાક પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ થયો. પ્રશ્નો બુદ્ધિને ઉશ્કેરે અને હૃદયને ઉત્તેજે એવા હતા. એમના ઉત્તરોમાં બુદ્ધિનું તેજ અને હૃદયનો પ્રકાશ હતો. એમનું વિવિધરંગી વ્યક્તિત્વ છે. પણ એમાં સાહિત્યનો રંગ સૌથી વધુ સુંદર અને સમર્થ છે એનો એમાં આત્મીય પરિચય થયો. એક ઉત્તરમાં તો એમણે એક માર્મિક વિધાન કર્યું  મને યુવાનવયે વ્યક્તિમાં અલ્પ શ્રદ્ધા હતી, પણ સમષ્ટિમાં અનલ્પ શ્રદ્ધા હતી. હવે આ વયે મને સમષ્ટિમાં એટલી અનલ્પ શ્રદ્ધા નથી. પણ એનો અર્થ એ નથી કે વ્યક્તિએ નિષ્ક્રિય રહેવું. વ્યક્તિએ સમષ્ટિ માટે બધું જ કરી છૂટવું જોઈએ. અમદાવાદમાં નવેક દિવસ રહ્યા એમાં એમણે વિજ્ઞાન, ઉદ્યોગ અને સંચાલનની અગ્રણી સંસ્થાઓમાં બૌદ્ધિક સમાજનો પરિચય કર્યો અને એની સમક્ષ અનૌપચારિક પ્રવચનો કર્યાં. ૧૨મીએ એક દિવસ માટે વડોદરા ગયા. ત્યાં સારાભાઈ કેમિકલ્સના કાર્યનો તથા કાર્યકરોનો પરિચય કર્યો. વડોદરાના મૅનેજમેન્ટ ઍસોસિયેશનના ઉપક્રમે ‘સાયન્ટિફિક રેવૉલ્યૂશન આઉટસાઇડ ધ વેસ્ટ’ (પશ્ચિમેતર જગતમાં વૈજ્ઞાનિક ક્રાન્તિ) એ વિષય પર વ્યાખ્યાન કર્યું. ૧૦મી અને ૧૧મીએ રોજ સાંજે છ વાગ્યે ‘જયશંકર સુંદરી નાટ્યાગૃહ’માં સ્મારકવ્યાખ્યાનો યોજ્યાં હતાં. પ્રત્યેક વ્યાખ્યાનમાં ૯૦૦થી ૧૦૦૦ જેટલા શ્રોતાઓ હતા. ૧૦મીના વ્યાખ્યાનનો વિષય હતો  સાયન્સ ઍન્ડ ટેક્નોલૉજી — અવર કૉમન પ્રૉબ્લેમ્સ’ (વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન — આપણા સમાન પ્રશ્નો); ૧૧મીના વ્યાખ્યાનનો વિષય હતો  ‘સાયન્સિઝ પાર્ટ ઇન સોસાયટી’ (સમાજમાં વિજ્ઞાનનું અર્પણ). પ્રથમ વ્યાખ્યાનના આરંભે એમણે ભારતની વિજ્ઞાનનીતિનો પુરસ્કાર કર્યો અને એનું નિર્માણ કરવામાં સદ્ગત વિક્રમ સારાભાઈનું પણ કર્તૃત્વ છે એ પ્રતીતિ સાથે આ વ્યાખ્યાન એમણે વિક્રમ સારાભાઈને અને પોતાના તથા ભારતના પરમ મિત્ર, ભારતની વિજ્ઞાનનીતિના પુરસ્કર્તા અને આયુષ્યનાં અંતિમ વર્ષોમાં ભારતના યંત્રવિજ્ઞાનના સર્જનમાં સહાયકર્તા પ્રસિદ્ધ અંગ્રેજ વિજ્ઞાની બ્લેકેટને અર્પણ કર્યું. પછી એમણે વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનનો સંબંધ સમજાવ્યો અને બન્ને વિશે જગતમાં ક્યાં કેમ અને કેવી અણસમજ અને ગેરસમજ છે એ સ્પષ્ટ કર્યું. વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન વચ્ચે સીમારેખા આંકવી ક્યારેક શક્ય છે અને ક્યારેક અશક્ય છે. છતાં પ્રત્યેક સ્વતંત્ર અને સ્વાયત્ત પ્રક્રિયા છે. વિજ્ઞાન એટલે ભૌતિક વિશ્વ વિશે ચિંતન અને દર્શન, યંત્રવિજ્ઞાન એટલે ભૌતિક વિશ્વનું પરિવર્તન. વિજ્ઞાન નિર્દોષ અને નિરુપદ્રવી છે. છતાં મનુષ્ય જ્યારે વિજ્ઞાનનો વિરોધ કરે છે ત્યારે વાસ્તવમાં એને યંત્રવિજ્ઞાનનો વિરોધ અભિપ્રેત છે. એ યંત્રવિજ્ઞાનનો વિરોધ કરે છે કારણ કે કોઈ કોઈ યંજ્ઞવિજ્ઞાન ક્યારેક દોષિત અને ઉપદ્રવી હોય છે. યંત્રવિજ્ઞાન એ મિશ્ર વરદાન છે. ક્યારેક એ શાપરૂપ હોય છે, ક્યારેક એ આશીર્વાદરૂપ છે. એથી એ સદાય આહ્વાનરૂપ છે. પણ એકંદરે એ આશીર્વાદરૂપ છે. કારણ કે યંત્રવિજ્ઞાનને કારણે તો ભૂતકાળમાં મનુષ્ય પશુમાંથી મનુષ્ય થયો છે. અને ભવિષ્યમાં એણે સુખી અને સમૃદ્ધ મનુષ્ય થવું હશે તો તે એકમાત્ર યંત્રવિજ્ઞાન દ્વારા જ શક્ય છે. એ માટે યંત્રવિજ્ઞાન સૌથી વધુ સબળ છે. આ ભૂમિકા સાથે એમણે કૃષિ ક્રાન્તિ અને ઔદ્યોગિક ક્રાન્તિ દ્વારા યંત્રવિજ્ઞાનનો આછો ઇતિહાસ આલેખ્યો. અને આજે જ્યારે મનુષ્ય યંત્રવૈજ્ઞાનિક ક્રાન્તિના ઉંબર પર ઊભો છે ત્યારે દુર્ભાગ્યે ભારત અને ઇંગ્લૅન્ડ એ ક્રાન્તિના કેન્દ્રમાં નથી, ક્યાંક પરિઘ પર છે. એનું કારણ એક વિચિત્ર વક્રતામાં છે કે ઔદ્યોગિક ક્રાન્તિ ઇંગ્લૅન્ડમાં વધુ પડતી વહેલી જન્મી અને ભારતમાં વધુ પડતી મોડી જન્મી. પરિણામે આજે ભારત અને ઇંગ્લૅન્ડના સમાન પ્રશ્નો છે  અન્ન અને આજીવિકા. આ પ્રશ્નોનો ઉત્તર યંત્રવિજ્ઞાન છે અને યંત્રવિજ્ઞાનનો ઉત્તર યંત્રવૈજ્ઞાનિક શિક્ષણ છે. વ્યાખ્યાનને અંતે ભારતમાં યંત્રવિજ્ઞાન અને યંત્રવૈજ્ઞાનિક શિક્ષણ માટે માર્મિક અને મૂલ્યવાન સૂચનો છે. આ વ્યાખ્યાનમાં ‘બે સંસ્કૃતિઓ’નું જાણે કે અનુસંધાન છે. વ્યાખ્યાનો લખીને લાવવાની યજમાનોની વિનંતી હતી એટલે પ્રથમ વ્યાખ્યાન લખીને લાવ્યા હતા તે વાંચ્યું હતું. પણ વ્યાખ્યાન વાંચવાનું પોતાને ગમતું નથી એ પ્રસ્તાવ સાથે બીજું વ્યાખ્યાન એમણે મૌખિક કર્યું. આરંભે એમણે અમેરિકામાં જે આંકડા સુલભ છે એને આધારે તો અમેરિકા અને રશિયામાં જેટલી સંખ્યામાં વિજ્ઞાનીઓ છે એટલી જ સંખ્યામાં ભારતમાં વિજ્ઞાનીઓ છે એમ ફલિત થાય પણ વસ્તીના સંદર્ભમાં અને અમેરિકા અને રશિયામાં જેટલી શક્તિ(એનર્જી)નો ઉપયોગ થાય છે એથી બહુ ઓછી શક્તિનો ભારતમાં ઉપયોગ થાય છે એના સંદર્ભમાં અંતે ભારતમાં વિજ્ઞાનીઓની સંખ્યા અસમાન અને અલ્પ છે એમ સિદ્ધ કર્યું. અને પછી પ્રિય મિત્ર બ્લેકેટનું સ્મરણ કર્યું અને પોતે બ્લેકેટની જેમ સમાજની તાત્કાલિક ભૌતિક જરૂરિયાતોના સંદર્ભમાં વિજ્ઞાનીનો વિચાર કદી કર્યો નથી એવો પ્રિય મિત્ર સાથે અસંમતિનો એકરાર કર્યો. કોઈ પણ સમાજ અને સંસ્કૃતિમાં વિજ્ઞાન અને વિજ્ઞાનીને સ્થાન હોવું જોઈએ એટલું જ નહિ, એ બન્ને માટે આદર હોવો જોઈએ એવો આગ્રહ પ્રગટ કર્યો. વિજ્ઞાન અને વિજ્ઞાની સ્વભાવત: જ મનુષ્યની તાત્કાલિક ભૌતિક જરૂરિયાતો સંતોષી શકે નહિ એથી એ અર્થમાં એ નિરુપયોગી છે, અવ્યવહારુ છે. છતાં એ આનંદપૂર્ણ છે અને અંતે અર્થપૂર્ણ પણ છે. કોઈ કાળે પરોક્ષપણે એ જરૂરિયાતો સંતોષવામાં સહાયરૂપ થાય, અને એ અર્થમાં ઉપયોગી અને વ્યવહારુ પણ હોય, એથી કોઈ પણ સમાજ અને સંસ્કૃતિમાં જેમ એક ભૂખ્યા બાળકનું હોવું એ દુર્ભાગ્ય છે તેમ જ વિજ્ઞાન અને વિજ્ઞાનીનું ન હોવું પણ દુર્ભાગ્ય જ છે. વચમાં એમણે ઉદાહરણ રૂપે પ્રસિદ્ધ ગણિતપ્રતિભા રામાનુજનની ‘સુંદર કથા’નું નિરૂપણ કર્યું અને આ વ્યાખ્યાન એમણે રામાનુજન તથા હાર્ડીને અર્પણ કર્યું અને અંતમાં એમણે કૉન્ટમ ફિઝિક્સ, કૉસ્મોગ્રાફી અને જેનેટિક્સ(અણુવિજ્ઞાન, અવકાશવિજ્ઞાન અને જીવાણુવિજ્ઞાન)ની સિદ્ધિઓ અને ભાવિ શક્યતાઓનું વેધક વાણીમાં વર્ણન કર્યું. કહો કે એક ભવ્ય સુંદર કાવ્ય જ રચ્યું. આ વ્યાખ્યાનમાં જાણે ‘ભાતભાતના લોક’નું અનુસંધાન છે. આમ, પ્રથમ વ્યાખ્યાનનો વિષય હતો અણુવિજ્ઞાન અને બીજા વ્યાખ્યાનનો વિષય હતો વિજ્ઞાન. બીજા વ્યાખ્યાનને અંતે વ્યાખ્યાનો, વ્યાખ્યાતા અને શ્રોતાઓને અનુરૂપ પ્રશ્નોત્તરી પણ હતી. આશા છે કે અમદાવાદ મૅનેજમેન્ટ ઍસોસિયેશન આ સ્મારક-વ્યાખ્યાનો એમની પરંપરા પ્રમાણે માત્ર અંગ્રેજીમાં જ નહિ પણ અનુવાદ રૂપે ગુજરાતીમાં પણ સત્વરે પ્રગટ કરશે. એથી આપણા યુગના એક વિલક્ષણ ચિંતકના વિચારો ગુજરાતમાં અને ભારતમાં અન્યત્ર સુલભ થશે.

૨૯ જાન્યુઆરી ૧૯૭૭

*