સ્વાધ્યાયલોક—૪/બીજા વિશ્વયુદ્ધ પછીનું અમેરિકન સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બીજા વિશ્વયુદ્ધ પછીનું અમેરિકન સાહિત્ય

૧૯૪૫ના જુલાઈની ૧૬મીએ લૉસ આલામોસમાં ઓપનહાઈમરે અણુબૉમ્બનો સફળ પ્રયોગ કર્યો, તરત જ પ્રમુખ ટ્રુમેને જપાન પર અણુબૉમ્બના ઉપયોગનો નિર્ણય કર્યો. ઓગસ્ટની ૬ઠ્ઠીએ હિરોશિમા પર ‘ફેટ બોય’નો અને ૯મીએ નાગાસાકી પર ‘લિટલ બોય’નો ઉપયોગ થયો અને સપ્ટેમ્બરની ૨જીએ બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. ઇતિહાસકારોએ આ ઘટનાનું માત્ર અમેરિકન સમાજ, સંસ્કૃતિ અને સાહિત્યના જ સંદર્ભમાં નહિ પણ સમસ્ત મનુષ્યજાતિના સમગ્ર જીવનના સંદર્ભમાં મૂલ્યાંકન કરવાનું રહેશે. કારણ કે આ ઘટનાથી બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો પણ સાથે સાથે મનુષ્યજાતિના ઇતિહાસમાં એક નવા યુગનો — અણુયુગનો આરંભ થયો. વળી આ ઘટનાથી બીજા વિશ્વયુદ્ધમાં સાથી રાજ્યોનો વિજય થયો એનું મોટા ભાગનું શ્રેય અને વિશ્વના રાષ્ટ્રસમૂહમાં સૌથી મહત્ત્વનું સ્થાન સ્વાભાવિક જ અમેરિકાને પ્રાપ્ત થયું. પરિણામે પોતાની દૃષ્ટિમાં અને વિશ્વનાં અન્ય રાષ્ટ્રોની દૃષ્ટિમાં અમેરિકાનું એક નવું સ્વરૂપ પ્રગટ થયું. આ શ્રેય, આ સ્થાન અને આ સ્વરૂપ એ એક મહાન જવાબદારી છે એનું અમેરિકાની પ્રજાને — સવિશેષ તો સંવેદનશીલ એવા અમેરિકાના સાહિત્યકારોને જ્ઞાન થયું. એથીસ્તો હમણાં જ જોઈશું તેમ બીજા વિશ્વયુદ્ધ પછીનું અમેરિકન સાહિત્ય એ મુખ્યત્વે ચિંતા અને ચિકિત્સાનું, વિદ્રોહ અને વિડંબનાનું સાહિત્ય છે. નવું પરિમાણ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકાના સાહિત્યમાં મુખ્યત્વે થૉરો, એમર્સન અને વ્હીટમેનને કારણે અમેરિકનત્વ સિદ્ધ થયું હતું. ૨૦મી સદીના પૂર્વાર્ધમાં મુખ્યત્વે પાઉન્ડ, એલિયટ આદિ કવિઓ; ફોકનર, હેમિંગ્વે આદિ નવલકથાકારો તથા ઓ’નીલ આદિ નાટ્યકારોને કારણે એમાં આંતરરાષ્ટ્રીયતાનો સંદર્ભ સિદ્ધ થયો હતો. એમાં આ બીજા વિશ્વયુદ્ધ પછીના સાહિત્યકારોને કારણે એક નવું પરિમાણ પ્રાપ્ત થયું છે. અમેરિકાના સ્વાતંત્ર્યની દ્વિશતાબ્દીના આ વર્ષમાં અણુયુગના પ્રથમ ત્રણ દાયકા પૂરા થાય છે. આ ત્રણ દાયકાના અમેરિકન સાહિત્યનાં મુખ્ય પરિબળો અને પ્રવાહોનો અલ્પ પરિચય કરવાનો અહીં ઉપક્રમ છે. આ ત્રણ દાયકા દરમ્યાન અમેરિકાનો સમાજ સતત ઉપરતળે થતો રહ્યો છે. એની સંસ્કૃતિમાં સતત ઊથલપાથલ મચી રહી છે. અમેરિકન પ્રજાના રાજકીય, આર્થિક, સામાજિક, બૌદ્ધિક, ભૌતિક, નૈતિક, આધ્યાત્મિક અને ધાર્મિક જીવનમાં સતત ભારે અસાધારણ પરિવર્તનો થયાં છે. અને આ સૌની વચમાં અમેરિકાના સાહિત્યમાં અમેરિકાના સમાજ અને સંસ્કૃતિની વાસ્તવિકતાની અને અમેરિકન પ્રજાની પોતાપણાની ખોજ ચાલી રહી છે. બીજા વિશ્વયુદ્ધ પછી શીત યુદ્ધ, કોરીઆનું યુદ્ધ, વિયેટનામનું યુદ્ધ એવી યુદ્ધ પરંપરા, મેકાર્થીવાદ, જૉન અને રૉબર્ટ કેનેડી તથા માર્ટિન લ્યુથર કીંગની હત્યા, વિરોધી રાષ્ટ્રો સાથે સંવાદ (દેતાંત), અતિસમૃદ્ધિ, દરિદ્રતા અને વસતિની વૃદ્ધિ અંગે સભાનતા, પ્રદૂષણ, હબસીઓ પ્રત્યે રંગભેદ, યહૂદીઓ પ્રત્યે ધર્મભેદ, સ્ત્રીઓ પ્રત્યે જાતિભેદ, ઉપ-સંસ્કૃતિ (સબ કલ્ચર), શ્યામશક્તિ (બ્લેક પાવર), યહૂદીવાદ, (સેમાઈટિઝમ), સ્ત્રીસ્વાતંત્ર્ય આંદોલન (વિમેન્સ લિબ), યુવાશક્તિ (યુથ પાવર), મુક્ત જાતીયજીવન (પર્મિસિવનેસ), સોમરસ (ડ્રગ્સ), ૧૯મી સદીના અંતિમ દાયકામાં ફ્રાંસ અને ઇંગ્લાંડના ડેન્ડીઝમનું જેમાં સ્મરણ થાય છે તે નાગાબાવાવાદ (હિપ્પીઝમ) અને એની વિવિધ આવૃત્તિઓ, વિચ્યુતો (ડ્રોપ-આઉટ્સ), સમૂહજીવનગૃહો (કોમ્યુન્સ), પ્રતિ-સંસ્કૃતિ (કાઉન્ટર-કલ્ચર) જ્ઞાનયંત્ર (કૉમ્પ્યૂટર), સામૂહિક નિયંત્રણ અને સંદેશવ્યવહારનાં સાધનો, સમૂહસંસ્કૃતિ (માસ કલ્ચર), આદિ અનેક ઘટનાઓમાં આ પરિવર્તનોની પ્રતીતિ થાય છે. આ પરિવર્તનનું રહસ્ય છે અમેરિકાનો મુક્ત અને ખુલ્લો સમાજ તથા એની વ્યક્તિસ્વાતંત્ર્ય અને વિચારવાણીસ્વાતંત્ર્યની સંસ્કૃતિ. વિદ્રોહ અને વિસંવાદ આ પરિવર્તનોને પરિણામે આ ત્રણ દાયકા દરમ્યાન અમેરિકાના સમાજમાં અનેક વિદ્રોહો અને વિસંવાદોનો, પ્રતિકારો અને પ્રતિક્રિયાઓનો જન્મ થયો છે. એમાં મુખ્યત્વે રોષ, આક્રોશ, ધિક્કાર, તિરસ્કાર, હિંસા, ક્રૂરતા, અલગતા, અરાજકતા, શૂન્યતા, પોકળતા આદિ ઉગ્ર ભાવો અને તીવ્ર ઉદ્રેકો પ્રગટ થયા છે. તો સાથે સાથે અમેરિકન જીવનમૂલ્યો અને જીવનશૈલી અંગે સતત આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ પણ થયું છે. અમેરિકાના ભૂતકાળને સમજવાનો અને ભવિષ્યકાળને સાક્ષાત્ કરવાનો સતત પ્રયત્ન અને પુરુષાર્થ પણ થયો છે. આ સર્વમાં કેવળ અમેરિકન પ્રજાના ચૈતન્યનો જ પરિચય થાય છે, અને અમેરિકન સાહિત્યમાં જે સર્જકતા અને પ્રયોગશીલતા છે, જે જ્વલંત ભાષા અને જીવંત મૂલ્યો છે એ આ ચૈતન્યનો જ ચમત્કાર છે. આ સમયમાં સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, ઈશ્વરશાસ્ત્ર, તત્ત્વચિંતન, વિવેચન, વિજ્ઞાન, યંત્રવિજ્ઞાન આદિ અનેક વિષયો પર વિપુલ સાહિત્યનું સર્જન થયું છે. એમાં સમકાલીન જીવનની ચિકિત્સા અને ભવિષ્યના જીવનની ચિંતા પ્રગટ થાય છે. એમાં વાસ્તવનું વિશ્લેષણ છે અને સ્વપ્નનું સર્જન છે. એથી આ યુદ્ધોત્તર યુગનો વારંવાર ‘સભાનતાનો યુગ’ (એઈજ ઑફ અવેરનેસ) તરીકે અથવા ‘વિવેચનનો યુગ’ (એઈજ ઑફ ક્રિટિસિઝમ) તરીકે ઉલ્લેખ થાય છે. એ કવિતા, નાટક આદિ સ્વરૂપોમાં સર્જનાત્મક સાહિત્યના સર્જકોને જેટલું આહ્વાનરૂપ છે એટલું જ આધારરૂપ છે. એ દ્વારા એક અભૂતપૂર્વ અને અદ્વિતીય વૈચારિક વાતાવરણ રચાયું છે. એ સર્જનાત્મક સાહિત્યને માટે પ્રેરક અને પોષક બળ પુરવાર થયું છે. આ ત્રણ દાયકા દરમ્યાનમાં અમેરિકન ભાષામાં નવલકથા, કવિતા કે નાટક જેવાં સર્જનાત્મક સાહિત્યસ્વરૂપો નહિ પણ આ નિબંધ–બલકે, બૃહદ્ નિબંધ જેવું વિવેચનાત્મક સાહિત્યસ્વરૂપ એ સર્વોપરી સાહિત્યસ્વરૂપ છે. આ ચિંતનાત્મક ગદ્યસ્વરૂપનો, નિબંધનો ઉચ્ચતર પત્રકારત્વ તરીકે પણ વારંવાર ઉલ્લેખ થાય છે. ભિન્ન પ્રકારનો નાયક ૧૯મી સદીમાં હોથોર્ન અને હેન્રી જેમ્સને કારણે અને ૨૦મી સદીના પૂર્વાર્ધમાં ફૉકનર અને હેમિંગ્વેને કારણે અમેરિકન સાહિત્યમાં નવલકથાની એક મહાન પરંપરા છે. વળી યુદ્ધની નિકટના ભૂતકાળમાં જેમણે નવલકથા રચવાનો આરંભ કર્યો હતો એવા કેટલાક નવલકથાકારોના સર્જનનું આ ત્રણ દાયકા દરમ્યાન અનુસંધાન રહ્યું છે. પણ યુદ્ધોત્તર સમયમાં જેમણે નવલકથા રચવાનો આરંભ કર્યો એમનો એક તદ્દન ભિન્ન પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યક વાતાવરણમાં એક તદ્દન ભિન્ન પ્રકારનો અનુભવ હતો. એથી એમની નવલકથામાં એક તરફ ભિન્ન પ્રકારનો નાયક પ્રગટ થાય છે અને તે છે વિદ્રોહી–શહીદ. આ નવલકથામાં અનિવાર્યપણે વિભિન્ન અને વિશિષ્ટ વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ છે. ૧૯૬૧માં કવિ રૉબર્ટ લોવેલે કહ્યું હતું, ‘સેલિન્જર કે સૉલ બેલોની પ્રમાણભૂતતા જેનામાં હોય એવો નવો કવિ મળવો મુશ્કેલ છે.’ એમાં સૂચન છે તે પ્રમાણે આ સમયમાં સર્જનાત્મક સાહિત્ય સ્વરૂપોમાં નવલકથા સર્વોપરી છે. સૉલ બેલો (જ. ૧૯૧૫) અને નોર્મન મેઈલર (જ. ૧૯૨૫) આ સમયના અગ્રણી નવલકથાકારો છે. સૉલ બેલોની નવલકથાઓમાં વિચારતત્ત્વનો અને નોર્મન મેઈલરની નવલકથાઓમાં ઊર્મિતત્ત્વનો મહિમા થયો છે. રાઈટ મોરિસ, બર્નાડ માલામુદ, જે. ડી. સેલિન્જર, કુર્ત વોનેગટ, જેમ્સ પર્ડી, ટ્રુમન કેપોટ, જોન હોકસ, વિલિયમ સ્ટાયરન, જોન બાર્થ અને જોન અપડાઈક આ સમયના મહત્ત્વના નવલકથાકારો છે. આ ઉપરાંત યુદ્ધ નવલકથા, દક્ષિણની નવલકથા, યહૂદી નવલકથા, હબસી નવલકથા, અલગતા અને અરાજકતાની નવલકથા, બીટ આંદોલનની નવલકથા, કટાક્ષ અને ઍબ્સર્ડની નવલકથા, વિજ્ઞાનની નવલકથા આદિ પ્રકારની નવલકથાના પણ અનેક સર્જકોનું આ સ્વરૂપમાં ગણનાપાત્ર અર્પણ છે. ૧૯મી સદીમાં પો, એમિલી ડિકિન્સન અને વ્હિટમનને કારણે અને ૨૦મી સદીના પૂર્વાર્ધમાં પાઉન્ડ, એલિયટ, ફ્રોસ્ટ, સેન્ડબર્ગ, વોલેસ સ્ટીવન્સ, વિલિયમ કાર્લોસ વિલિયમ્સ, હાર્ટ ક્રેઈન, કોનરેડ એઈકીન, જોન ક્રો રૅન્સમ, એલન ટેઈટ આદિને કારણે અમેરિકન સાહિત્યમાં કવિતાની એક સમૃદ્ધ પરંપરા છે. આ સમયના કવિઓ પર એમાંથી વ્હિટમન, પાઉન્ડ, સેન્ડબર્ગ, ફ્રૉસ્ટ અને વિલિયમ્સનો પ્રભાવ છે. કારણ કે આ કવિઓ પૂર્વમાંથી એટલે કે યુરોપમાંથી નહિ પણ પશ્ચિમમાંથી, સંસ્કૃતિમાંથી નહિ પણ પ્રકૃતિમાંથી એમની પ્રેરણા પામે છે. રૉબર્ટ લોવેલે કહ્યું છે તેમ હવે અમેરિકામાં બે પ્રકારની કવિતા છે, પરિપક્વ (કૂક્ડ) અને અપરિપક્વ (રૉ). આ બે પ્રકારનો ‘નિબદ્ધ’ (કલોઝ્ડ) અને ‘મુક્ત’ (ઓપન) એવાં વિશેષણોથી પણ વારંવાર ઉલ્લેખ થાય છે. રિચર્ડ એબર્હાર્ટ, સ્ટેનલી કુનિટ્ઝ, રૉબર્ટ પેન વોરેન, કેનેથ રેક્સરોથ આદિ સંધિકાળના કવિઓ છે. રૉબર્ટ લોવેલ (જ. ૧૯૧૭) આ સમયના અગ્રણી કવિ છે. એમના પ્યુરિટન ભૂતકાળના નરકમાંથી કેથલિક ધર્મના કરુણ દ્વારા મોક્ષ એ એમની કવિતાનો મુખ્ય વિષય છે. થીઓડર રીથકે, જોન બેરીમેન અને એલન જિન્સબર્ગ આ સમયના મહત્ત્વના કવિઓ છે. આ ઉપરાંત પરંપરાગત આકારવાદી કવિઓ, મધ્યમમાર્ગી અને રોમેન્ટિક કવિઓ, બ્લેક માઉન્ટનના કવિઓ, સાન્ફ્રાન્સિસ્કોના કવિઓ, ન્યુ યોર્કના કવિઓ, બીટ કવિઓ, બ્લેક કવિઓ આદિ કવિઓનું પણ આ સ્વરૂપમાં ગણનાપાત્ર પ્રદાન છે. અનેક સામયિકો, સંચયો, પ્રકાશનગૃહો, પુસ્તક કેન્દ્રો, યુનિવર્સિટીઓ અત્યારે અમેરિકામાં આ કવિતાને પ્રચલિત અને લોકપ્રિય કરવામાં સહાયરૂપ છે. નાટકોની મૌલિક પરંપરા ૨૦મી સદીના પૂર્વાર્ધમાં ઓ’નિલથી સારોયાન લગીના અનેક નાટકકારોને કારણે અમેરિકન સાહિત્યમાં નાટકની એક મૌલિક પરંપરા છે. પણ યુદ્ધોત્તર સમયમાં યુરોપનાં ઍબસર્ડ નાટક (થિયેટર ઑફ ધ ઍબસર્ડ) અને ક્રૂરતાનાં નાટક (થિયેટર ઑફ ક્રૂઅલ્ટી)નો પણ પ્રભાવ છે. ટેનેસી વિલિયમ્સ (જ. ૧૯૧૪) અને આર્થર મિલર (જ. ૧૯૧૫) તથા એડવર્ડ એલ્બી (જ. ૧૯૨૮) આ સમયના અગ્રણી નાટકકારો છે. વિલિયમ્સ અને મિલર યુરોપના નાટકની અસરથી મુક્ત છે. એમણે અમેરિકન નાટકની મૌલિક પરંપરાના વારસાને વધુ સમૃદ્ધ કર્યો છે. આ બે નાટકકારો એકમેકથી તદ્દન ભિન્ન છે. વિલિયમ્સના નાટકને મનોવૈજ્ઞાનિક સંદર્ભ છે અને મિલરના નાટકને સામાજિક સંદર્ભ છે. એલ્બીના નાટકમાં મનુષ્ય મનુષ્ય વચ્ચેની અમાનુષિતાનો અનુભવ કેન્દ્રસ્થાને છે. આ ઉપરાંત અન્ય સાહિત્યસ્વરૂપોના સર્જકોનાં મૌલિક નાટકો તથા અન્ય સાહિત્યસ્વરૂપોની કૃતિઓના રૂપાંતર — નાટકો, મધ્યમમાર્ગી રંગભૂમિ, ઑફ — બ્રૉડવે (બ્રૉડવેથી દૂર) રંગભૂમિ, ઑફ–ઑફ — બ્રૉડવે (બ્રૉડવેથી દૂર — દૂર) રંગભૂમિનાં નાટકો, હબસી નાટકો, મિશ્ર સ્વરૂપનાં નાટકો, બનંતી નાટકો (હૅપનિંગ્સ) આદિ અનેક પ્રકારનાં નાટકોની પણ નોંધપાત્ર સિદ્ધિ છે. નાટકને ફિલ્મ અને ટેલિવિઝનની સ્પર્ધાનો સામનો કરવાનો થાય છે. તો એને અન્ય કળાઓ — ચિત્ર, સંગીત, નૃત્ય આદિ–ના સર્જકો સહાયરૂપ પણ થાય છે. નાટક એ અમેરિકન સાહિત્યનું સૌથી વધુ પ્રયોગશીલ સ્વરૂપ છે. આ ત્રણ દાયકાના અમેરિકન સાહિત્યમાં યહૂદી અને હબસી સાહિત્યકારોનું અસ્તિત્વ અને એમના સાહિત્યની સિદ્ધિ અને સમૃદ્ધિ તથા યુરોપ અને એશિયાની ચિંતનધારાઓની અસર સવિશેષ નોંધપાત્ર છે. એમાં ઍબ્સર્ડનો, અસ્તિત્વવાદનો આધાર અને અતિવાસ્તવવાદની અભિવ્યક્તિ તરત જ ધ્યાન ખેંચે છે. તાજેતરમાં કેટલાક સાહિત્યકારોએ સર્જનનું ‘અચ્યુતમ્’ કર્યું છે અને તેઓ મૌનને શરણે ગયા છે, તો કેટલાક સાહિત્યકારોના સર્જનમાં વિકૃતિ અને વિક્રિયાનો પ્રવેશ થયો છે એ પણ અહીં નોંધવું જોઈએ. આજના અમેરિકન સાહિત્યમાં જેટલી વિવિધતા અને વિપુલતા છે એટલી કદાચ મૂલ્યવત્તા અને મહાનતા નથી, જેટલી પ્રયોગપ્રીતિ છે એટલી રિદ્ધિસિદ્ધિ નથી. અમેરિકાના સ્વાતંત્ર્યની દ્વિશતાબ્દીના આ વર્ષમાં સહેજે પ્રશ્ન પૂછવાનું થાય કે હવેના શતકમાં અમેરિકન સાહિત્યની શી ગતિવિધિ હશે? આજના અમેરિકન સમાજ અને સંસ્કૃતિની ગમે તે સ્થિતિ અને પરિસ્થિતિ હોય પણ એના સાહિત્યમાં મનુષ્યના ગૌરવની અને મનુષ્યત્વની ખોજ છે. વળી આરંભે કહ્યું તેમ અમેરિકાનો સમાજ મુક્ત અને ખુલ્લો સમાજ છે. એની સંસ્કૃતિ વ્યક્તિસ્વાતંત્ર્ય અને વિચાર-વાણી-સ્વાતંત્ર્યની સંસ્કૃતિ છે. એથી એ સાહિત્ય તથા સમાજ અને સંસ્કૃતિનું ભાવિ ઊજળું છે. અને એ કારણે તથા અમેરિકન સંસ્કૃતિનું યુદ્ધોતર જગતમાં મહત્ત્વનું સ્થાન છે અને અમેરિકન સાહિત્યને આંતરરાષ્ટ્રીયતાનું પરિમાણ છે એ કારણે મનુષ્યજાતિનું ભાવિ પણ ઊજળું છે.

૧૯૭૬


*