– અને ભૌમિતિકા/એકાંત


એકાંત

ઝરડાઈને આવતું બપોરી એકાંત
ચરે મારી આસપાસ.
આકાશને ચીતરી લઉં એવી વિશાળ
આ ભૂમિમાં બાવળની નીચે થાકેલ હું
પસાર થઈ ગયેલ કેડીઓને વાગાળતો
બેઠો છું શાન્ત.
દૂર દૂર કબૂતર જેમ ઝૂકતું આભ
ને આ પૃથ્વીનું મિલન...!
—કે મૃગજળ પીએ મારી આંખ?
પાંખ તો ફફડે નહિ
લીલાં વન કેમ કરી સાંભળું?
સામે આ વળાંક લેતું વ્હેણ
ને ખળખળતો શબ્દ તો ઊડી ગયો
મૌનની વરાળ થઈ આભમાં...
સૂર્યનું માછલું એકલું તરફડે રેતમાં...
મારા હાડકામાંના પોલાણમાં ક્યારેક
પ્રજ્વળી ઊઠતા એકલતાના સફેદ લૂણ જેવો
બે ય કિનારે જામી ગયેલ ઊસ...
ઝાંખરામાં વીંટળાયેલ
સૂનકાર પણ સળવળે નહિ ક્યાંય...
તૃણ તો ક્યાંથી ફરકે?
ફૂંક મારી જન્માવું પવન :
(જરી ફરકે જો રૂંંવાટું)
ને ફાટું ફાટું થતી કપાસની કેરી જેવો
તડકો ય કેવો તંગ...?
કદાચ દિશાઓની દીવાલો
દોડી આવીને ભીંસી દે
તે પહેલાં
ખરેલ આ અસંખ્ય શૂળોમાંથી
પગતળિયે ભોંકી દઉં એક
ને ડારી દઉં
આ પ્રજ્વળતા એકાંત ને...!

જુલાઈ ૧૯૬૯