અનુનય/તરસી તરસી

Revision as of 01:02, 27 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તરસી તરસી

તરસી તરસી ટેકરીઓ પર
વરસી વરસી વ્હાલ
ભલાજી તમે અમોને ભીનાં ભીનાં
વાદળ જેવાં
તાર તારથી ટપક ટપકતાં કીધાં
તેના સુખને સાટે
આપી દઉં બે છાતી પરના સૂરજ-ચંદર
આપું અબ્બી હાલ!

પરથમ પહેલું મસ્તક મૂક્યું
તમે ભલાજી વરતી લીધું નામ;
નામને અખ્ખર અખ્ખર ઊઘડ્યો
ગમતી ગંધ લઈ અલબેલો અલ્લડ કામ!
બાણ બાણથી ઠામઠામથી વીંધાયું
આખ્ખું ઊંડેરું આભ!

અમારી જાત
હવે તારલા ભરી ટપકતી રાત!

૧૮-૯-'૭૫