અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/ઓતરાદા વાયરા, ઊઠો!

From Ekatra Wiki
Revision as of 08:38, 20 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઓતરાદા વાયરા, ઊઠો!

ઝવેરચંદ મેઘાણી

ઓતરાદા વાયરા, ઊઠો ઊઠો હો તમે —
         ઓતરાદા વાયરા, ઊઠો!
કૈલાસી કંદરાની રૂપેરી સોડ થકી
         ઓતરાદા વાયરા, ઊઠો!

ધૂણન્તાં શિવ-જોગમાયાને ડાકલે
         હાકલ દેતા, હો વીર, ઊઠો!
ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે
         પુરપાટ ઘોડલે છૂટો! — ઓતરાદા.

ધરતીના દેહ પરે ચડિયા છે પુંજ પુંજ
         સડિયેલાં ચીર, ધૂળ, કૂથો;
જોબનનાં નીર મહીં જામ્યાં શેવાળ-ફૂગ :
         ઝંઝાની વાર, તમે ઊઠો! — ઓતરાદા.

કોહેલાં પાંદ-ફૂલ ફેંકી નાખો રે, ભાઈ!
         કરમાતી કળીઓને ચૂંટો;
થોડીઘણી વાર ભલે બુઝાતા દીવડા :
         ચોર-ધાડપાડ ભલે લૂંટો! — ઓતરાદા.

છોને છુંદાય મારી કૂણેરી કૂંપળો :
         સૂસવતી શીત લઈ છૂટો;
મૂર્છિત વનરાજિનાં ઢંઢોળો માથડાં,
         ચીરો ચમકાટ એનો જૂઠો! — ઓતરાદા.

ઊઠો, કદરૂપ! પ્રેતસૃષ્ટિના રાજવી!
         ફરી એક વાર ભાંગ ઘૂંટો :
ભૂરિયાં લટૂરિયાંની આંધીઓ ઉરાડતા
         હુહુકાર-સ્વરે, કાળ, ઊઠો! — ઓતરાદા.

કવિઓના લાડકડા મલયાનિલ મંદ મંદ!
         રહેજે ચંદનની ગોદ સૂતો;
નથી નથી પર્વ પુષ્પધન્વાનું આજ : ઘોર
         વિપ્લવના ઢોલકા ધડૂકો! — ઓતરાદા.

(સોના-નાવડી, ૧૯૯૭, પૃ. ૧૨)