અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુલા ભાયા ‘કાગ’/સુખડ ઘસાઈ ગઈ

From Ekatra Wiki
Revision as of 10:02, 20 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુખડ ઘસાઈ ગઈ

દુલા ભાયા ‘કાગ’

પેઢીઉં ઘસાઈ ગઈ રે... સુખડની પાણા પરે રે...
ઓરીસાને ના’વી... ચંદનની સુવાસ.
કાયમ વસ્યો છે રે... શિવજીના કંઠમાં રે...
કાળે નાગે તોયે તજી નઈં કડવાશ. — પેઢીઉં.

તનડાં ઘસાઈ ગ્યાં રે... તપેલીમાં કડછી તણાં રે
ના’વ્યો એને... ક્ષીર ભોજનનો સ્વાદ.
ગોવિંદના હાથમાં રે... આખો અવતાર ગયો રે...
કાઢ્યો નહિ... શંખે રૂપાળો સાદ. — પેઢીઉં.

કૌરવો કૃષ્ણના રે... સાચા સંબંધી હતા રે...
તોયે એને... વધ્યું વિઠ્ઠલ સંગે વેર,
વ્યાસ કેરી કલમે રે... અઢારે પુરાણો લખ્યાં રે...
લેખણને ના’વી... લખેલાની લ્હેર. — પેઢીઉં.

આખો ભવ ગાળ્યો... ગાયું કેરા આઉમાં રે...
ઈતડીને દૂધની ન થઈ ઓળખાણ,
વૈકુંઠમાં વસિયો રે... ગરુડ ગોવિંદ સંગે રે...
તજ્યું નહિ... સાપ ભરખનું ભાણ. — પેઢીઉં

માળા સંગે મેલી રે... પટારાના પેટમાં રે...
કીધી એને... વેરાગની વાતું ‘કાગ’
ઓઝલથી નીકળી રે... મ્યાન અળગું કરી રે...
ખાવા લગી.. માથાનું ભોજન ખાગ. — પેઢીઉં.