અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમશંકર હ. ભટ્ટ /વંકી ધરા

From Ekatra Wiki
Revision as of 15:22, 21 October 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વંકી ધરા

પ્રેમશંકર હ. ભટ્ટ

વંકી ધરા, પગ લથડે, ખૂટતા શ્વાસ, ટકે કેમ કાય?
જોજનફાળે ધપતું જોબન અધવચ્ચે પછડાય,
         ત્યાં અપંગનું શું થાય?

લંગડા કેરી ટેકણલાકડી, આંધળાની આંખ થાજે;
ડગુમગુ ડગલાં ભરનારનો હાથ દોરી તું ધાજે;
         વીરા એટલું કરતો જાજે!

‘કોઈ નહિ, વ્હાલાં લાકડાં વનનાં ભેગાં આવી સૂએ,
એવું કહેનારાં સહુ તારામાં કૈંક વિસામો જુએ!
         એનાં આખરી આંસુ લુહે!

પર્વત કેરી પાંખ ઘસાય, જ્યાં શોષાય સાગરવારિ,
વંટોળમાં વનવૃક્ષ ખડે ત્યાં મૂકને રાંક એંધામી,
         દેજે જીવનસેર છલાવી!

કાળને કાંઠડે આંકજે રેખા, હરખે માનવહૈયાં;
સંભારણું એવું મૂકજે, મૂંગી ઝાલર ઠેક બજૈયા!
         ‘ધન્ય અન્ય કાજે જીવ્યો ભૈયા!’




આસ્વાદ: કાળનો કંઠ અને કાંઠો — જગદીશ જોષી

ગાંધીયુગમાં અનેકાનેક કલમો આપણે ત્યાં આવતી હતી. યુગપુરુષની સીધી કે આડકતરી અસર ઝીલનાર અનેક કવિઓમાં સ્વ. પ્રેમશંકર હ. ભટ્ટનું પણ સ્થાન છે. જેને આપણે મૌલિક કે પ્રમુખ કવિ કહી શકીએ. જે સમગ્ર સાહિત્ય પર છવાઈ જાય, એવા કવિ તો પ્રત્યેક યુગમાં એકાદ-બે જ હોય. આવા કવિઓને ગણવા-ગણાવવા માટે આંગળીઓના વેઢાનો ઉપયોગ પણ બિનજરૂરી છે. પણ આનો અર્થ એમ નહીં કે ગૌણ કવિઓની આપણે અહેલના કરીએ. કવિતાના પ્રવાહને અને તે તે જમાનાનાં સ્વપ્નોને વહેતાં કરવામાં કદાચ આ યુગવર્તી કવિઓ જ સફળ થાય: પણ એ પ્રવાહને વહેતો રાખવામાં, અને જરી રાખવામાં આ ઉપ-કવિઓનું અર્પણ ઓછું આંકી શકાય નહીં. ક્યાંકનું જૂનું અહીંયાં નવું ઠરાવી-ઠસાવી મૌલિકતા માટેનો હઠાગ્રહી દાવો કરનારીઓની જેમ કોઈ યુગમાં ખામી નથી હોતી, એમ પોતપોતાની પ્રતિભાને વાચા આપીને સંતુષ્ટ રહેનાર અને પોતાની ઇયત્તાને ભાવિને કાંઠે લાંગરવા દેનાર વ્યક્તિઓ પણ પ્રત્યેક યુગે મળી જ રહે છે. બાકી આ તો ‘અજબ દુનિયા’ છે; ‘બડે બડે ભડ ગયે ગુમાની શાહ સિકંદર સાર…’

પ્રસ્તુત કાવ્યની પ્રથમ પંક્તિમાં આવતો યતિ ભાવલય સાધી આપે છે. ‘જોજનફાળે’ ધપતા જોબનને પણ અધવચ્ચે પટકાવું પડે, જ્યાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યાં અપંગની તો કથા જ શી? સમદુખિયાનો જ્યાં મેળો ભરાણો હોય ત્યાં એકબીજાને હૂંફ આપીને ટકાવવું ને ટકવું એ જ શિરસ્તો છે. કોકની આંખ તો કોકના પગ ગયાં હોય: કોક શિખાઉ હોય ત્યાં આપણે સૌ એકમેકના ઋણાનુબંધથી જ ટકીએ છીએ. ‘ટેકણલાકડી’ બનીને કોઈના (અને આપણા પણ) જીવનને સભર કરવામાં જ જીવનની સાર્થકતા. ‘જાવાનું’ તો દરેકે છે જ, તો વીરા, તું જતાં જતાં પણ ‘એટલું કરતો જાજે!’

અંતમાં સંગાથ તો લાકડાં જ દેશે – એમ કહેનાર પણ કદાચ તારામાં વિસામો જુએ. આપણે કોઈનો વિસામો ત્યારે જ બની શકીએ જ્યારે આપણે કોઈનું આંસુ લૂછ્યું હોય. આંસુ લૂછવાની પણ કળા છે. અહીં કોની આંખમાં આંસુ નથી? આંસુ વિનાની આંખો તો ખરબચડી હોય છે, ખારાપાટ જેવી. સામી વ્યક્તિ પ્રત્યે ઔપચારિક સહાનુભૂતિ નહીં પરંતુ સજીવ આર્દ્રતા કેળવવામાં જ આપણે માણસ સાબિત થઈએ. ‘મોટા માણસ’ બનવાની કવેળાની ઉત્કંઠા દેખાડનાર પાસે આર્દ્રતા કે સહાનુભૂતિ ન હોય તો તેણે ‘મોટા’ તો ઠીક, પણ ‘માણસ’ બનવા માટે પણ કેળવણી લેવા માટે વનવાસ ભોગવવો પડશે.

જે જીવન, જે જગત એવી વસમી પરિસ્થિતિ સર્જે છે, જ્યાં પર્વતની પણ પાંખ ઘસાય ને સમુદ્રનાં જલ પણ શોષાઈ જાય ત્યાં એક પામર માનવનું શું ગજું? પણ જો દુનિયાની તવારીખને પોતાની એંધાણીથી કોઈએ પણ ઉજ્જ્વલ બનાવી હોય તો તે આ ‘પામર’ માણસે જ! આ એંધાણી ગમે તેટલી રાંક હોય તો પણ ‘કાળને કાંઠડે’ જે એ એંધાણી આંકી શકે છે તે, આંકવાની શક્તિને લીધે જ સ્તો, જીવન ધન્ય બનાવી શકે છે.

કાળને કાંઠે કર્તવ્યની, પ્રેમની રેખા મૂકી જવાથી – મૂંગી ઝાલરને મુખરિત કરી દેવાથી – માનવહૈયાં હરખે એવું કંઈ ‘સંભારણું’ મૂકી જવાથી જ ‘જીવ્યું સાચું જીવ્યું ગણાય.’ પારકાંને પોતીકાં માનીને જે અન્ય કાજે જીવી જાણે છે તે જ જીવનને જીતી જાણે છે. છેલ્લી પંક્તિને અવતરણચિહ્નમાં મૂકી કવિ અંગ્રેજી કવિતાના સંસ્કારને ઝીલ્યાનું સૂચન આપે છે.

શ્રી ડોલરરાય માંકડ કહે છે: ‘આવા ચિન્તનશીલ સ્વભાવને લીધે કવિમાનસ ઉપર વધુમાં વધુ ઊંડી છાપ કાલબલની પડી લાગે છે. કાલબલનું અકલ્પ્ય અને અદમ્ય સ્વરૂપ એમણે ફરીફરીને ગાયું છે.’ પરંતુ આ કાલબલનેપણ એક વાર તો સ્તબ્ધ કરી મૂકે એવી માનવતાનું ગીત ગાવામાં ગાંધીયુગનો કવિ પાછો પડે ખરો! (‘એકાંતની સભા'માંથી)