અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/દૂર દખ્ખણ દેશમાં

From Ekatra Wiki
Revision as of 13:04, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દૂર દખ્ખણ દેશમાં

રાજેન્દ્ર શુક્લ

જત જણાવાનું તને કે દૂર દખ્ખણ દેશમાં,
ઓતરાદા વાયરા વાતા સહજ સંદેશમાં.

પર્વતો, સાગર, વનો, ને મંદિરોની મૂર્તિમાં,
કોણ મલકે છે મધુર આ જુદા જુદા વેશમાં.

આ પરસ્પર પામવાનો શો પરમ પરચો મળે,
પારકું લાગે નહીં કોઈ મને પરદેશમાં!

કેટલા કોશો વટાવી એક પલકારે અહીં,
સ્પર્શનાં વલયો ભરે છે શ્વાસના પરિવેશમાં!

દૃશ્યની પાછળ અહો દૃશ્યાવલી, દૃશ્યાવલી,
ક્યાંય અવગુંઠન સમું કૈં યે નથી લવલેશમાં...
(૧૪ ઑગસ્ટ, ૧૯૭૮)