અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/સદ્ય ત્યાં પ્હોંચો તને!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સદ્ય ત્યાં પ્હોંચો તને!

રાજેન્દ્ર શુક્લ

જત જણાવાનું તને કે શબ્દને સીમા નડે,
નારિયેળીનાં દ્રુમો શું મોન આકાશે અડે.

એ જ તું ધરતી અને આ એનું એ આકાશ હું,
દૂર દખ્ખણ દેશમાં પણ એ જ રંગો ઊઘડે.

શી ઋણાનુબંધની ઊંચાઈઓ પ્રગટ્યા કરે,
દૂરથી દેવાલયોનાં ગોપુરમ્ નજરે ચડે!

પંથ આ પૂરો કરીને ત્યાં અટકવું આપણે,
જે ગુહાના દ્વારથી ‘હું કોણ?’નો ઉત્તર જડે!

શ્વાસનાં આરોહણો આ પ્રાણના અરુણાચલે,
સદ્ય ત્યાં પ્હોંચો તને જે કૈં મને હ્યાં સાંપડે...
(૧૯ ઑગસ્ટ, ૧૯૭૮)