અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૌમ્ય જોશી/ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ

From Ekatra Wiki
Revision as of 08:28, 30 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ

સૌમ્ય જોશી

આ સ્યોરી કેવા આયો સું ન ઘાબાજરિયું લાયો સું;
હજુય દુખતું હોય તો લગાડ કોન પર ન વાત હોંભર મારી.
તીજા ધોરણમો તારો પાઠ આવ છૹ ‘ભગવોન મહાવીર’.
અવ ભા ના પાડતા’તા તોય સોડીન ભણાવા મેલી મોંડમોંડ.
તે ઈણે ઈસ્કૂલથી આઈને પથારી ફેવરી કાલ.
ડાયરેક્ટ ભાને જઈન કીધું
ક આપડા બાપ–દાદા રાક્ષસ તો મહાવીરના ભગવોનના કોનમાં ખીલા ઘોંચ્યા.
હવ ભાની પરશનાલિટી તન ખબર નૈ,
ઓંખ લાલ થાય એટલે શીધ્ધો ફેંશલો.
મને કે’ ઈસ્કૂલેથી ઉઠાડી મેલ સોડીન.
આ તારા પાઠે તો પથારી ફેવરી હાચ્ચન.
હવ પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું મુંય માનું સું.
પણ ઈન ઓછી ખબર હતી તું ભગવોન થવાનો
ને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો
ઈનું તો ડોબું ખોવઈ જ્યું તો ગભરઈ જ્યો બિચારો
બાપડાના ભા મારા ભા જેવા હશે
આ મારથી ચંદી ખોવાઈ જઈતી તો ભાએ ભીંત જોડે ભોડું
ભટકઈન બારી કરી આલી’તી ઘરમોં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારા લીધે
દિમાગ બરાબર તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા
વોંક ઈનો શી. હાડીહત્તર વાર ખરો
પણ થોડો વોંક તારોય ખરોક નઈં?
અવ બચારો ચ્યોંક જ્યો
તો બે મિનિટ આંશ્યું ફાડીન ઈનું ડોબું હાચવી લીધું હોત તો શું તું ભગવોન ના થાત?
તારું તપ તૂટી જાત?
અવ ઈનું ડોબુંય ઈનું તપ જ હતુન ભઈ?
ચલો અેય જવા દો
તપ પતાઈન મોટો મા’ત્મા થઈન, બધાન અપદેસ આલવા મંડ્યો પસીય તન ઈમ થ્યું ક પેલાનું ડોબું પાસું અલાઉં?
તું ભગવોન, માર તન બઉ સવાલ નહીં પૂસવા
મું ખાલી એટલું કઉસું ક વોંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીન પેલો પાઠ કઢાયન ચોપડીમથી,
હખેથી ભણવા દેને મારી સોડીન
આ હજાર દેરાં શી તારાં આરસનાં તો એક પાઠ નઈ હોય તો કંઈ ખાટુંમોરું નઈ થાય
તોય તન એવું હોય તો પાઠ ના કઢાઈસ બસ
ખાલી એક લીટી ઉમેરાય ઈમોં
ક પેલો ગોવાળિયો આયો’તો,
સ્યોરી કઈ જ્યો સ,
ન ઘાબાજરિયું દઈ જ્યો સ.



આસ્વાદ: દેવનો માનવ કરે, એ કલાકાર – ઉદયન ઠક્કર

‘મારા બળદો પર નજર રાખજો, હોંકે. હું હમણાં આવ્યો…’ કહીને એક ગોવાળ ચાલતો થયો. મહાવીર ભગવાન તપ કરતા હતા, તેમણે કશું સાંભળ્યું નહીં. પાછો આવીને ગોવાળ પૂછે, ‘મારા બળદો ક્યાં?’ મહાવીર ધ્યાનમગ્ન, મૌન. ગોવાળનો પિત્તો ગયો. ‘કંસ’ નામની વનસ્પતિના કાંટા એણે મહાવીરના કાનમાં ઉતારી દીધા. તોય મહાવીર શાંત રહ્યા.

કથા આટલી છે. પણ સૌમ્ય જોશી કથાકાર નથી, કલાકાર છે. આ જ પ્રસંગને તે ગોવાળિયાના દૃષ્ટિકોણથી કહે છે. કાવ્યનું શીર્ષક જુઓ — ભગવાનને અને ભરવાડને જોડજોડે બેસાડાયા છે. માનવનો દેવ કરે એ કથાકાર, દેવનો માનવ કરે એ કલાકાર.

જેઠો આવતાંવેંત કહે છે ‘સ્યોરી કેવા આયો સું.’ ખીલા જેઠાએ ઠોકેલા? ના, એ તો કોઈ બીજાએ, અઢી હજાર વર્ષ પહેલાં. તોયે મનુષ્યજાતિના પ્રતિનિધિ તરીકે જેઠો આ કૃત્યનું ઉત્તરદાયિત્વ સ્વીકારે છે. (ગોવાળિયો છે તો પ્રામાણિક, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી આપે છે! ) જેઠો કંઈ ખાલી હાથે નથી આવ્યો, ઘાબાજરિયું લાવ્યો છે. અઢી હજાર વર્ષથી કોઈ ગોવાળે ક્ષમા માગી ન હોવાથી, મહાવીરનો ઘા આજેય લીલો છે. જેઠો અણગમતી વાત સંભળાવવા માગે છે. ભગવાનના કાન નરવા હોય તો જ સરવા થઈ શકે ને? પેલા ગોવાળનું નહોતું સાંભળ્યું, આ ગોવાળનું તો સાંભળશે ને?

આત્મીયતા હોય તેને તુંકારે બોલાવાય. ગોપીઓએ કૃષ્ણને સંદેશો મોકલ્યો હતો, ‘માને તો મનાવી લેજો, (નહીંતર) ઓધાજી! મારા વહાલાને વઢીને કહેજો રે!’ જેઠો વહાલાને વઢીને કહે છે.

જેઠાને વાંકું ક્યાં પડ્યું? તીખા સ્વભાવના ભાના વિરોધ છતાં તેણે છોડીને નિશાળે મૂકી. મહાવીરનો પાઠ ભણીને છોડી ગોવાળોને રાક્ષસ માનતી થઈ ગઈ.

ગોવાળિયો રાક્ષસ હતો? ઢોર ખોવાયાં એ રાતે એનો ચૂલો નહીં ચેત્યો હોય. જઠરની આગ મસ્તકે પહોંચતાં કેટલી વાર? ‘બે મિનિટ… ડોબું હાચવી લીધું હોત તો શું તું ભગવોન ના થાત?’ — ધારો કે તમે લોકલ ટ્રેનમાં બેઠા બેઠા હનુમાનચાલીસા વાંચો છો. ડબ્બામાંથી બહાર લટકતા પેસેન્જરનો હાથ સળિયા પરથી સરકવા લાગે તો તમે એને ઝાલી લેશો? કે હનુમાનચાલીસા વાંચ્યા કરશો? ઈસુએ પૂછ્યું છેૹ

સામે સન્મુખ ઊભેલા બંધુને પ્રેમ ના કરે પોથીમાંના પ્રભુને એ ક્યાંથી પ્રેમ કરી શકે?

એક બાજુ નારાયણ, બીજી બાજુ દરિદ્રનારાયણ. મહાવીર જ્ઞાનયોગી તો ગોવાળિયો કર્મયોગી. મીરાંબાઈ સાચાં હતાં પણ તેથી કંઈ મધર ટેરેસાને ખોટાં ન કહેવાય. પ્રત્યેક વસ્તુમાં આંશિક સદ્ અને આંશિક અસદ્ હોય એવો સ્યાદવાદ અને અનેકાન્તવાદનો જૈન સિદ્ધાંત છે.

મહાભારતના આદિપર્વમાં કથા આવે છે. માંડવ્ય ઋષિ તપ કરતા હતા, તેવામાં ચોર આશ્રમમાં ઘૂસ્યા. ઋષિ કશું બોલ્યા નહીં. થોડી વારે રાજાના રખેવાળોએ ઋષિને ચોરોની ભાળ પૂછવા માંડી. ઋષિ ચૂપ રહ્યા. આશ્રમમાંથી ચોરો મળી આવતાં રખેવાળો ચોરોને અને ઋષિને રાજા સમક્ષ લાવ્યા. રાજાએ સૌને શૂળીએ ચડાવ્યા. ઘણા દિવસો સુધી માંડવ્યનું મૃત્યુ ન થયું. આખરે તેઓ નિર્દોષ હતા એનું ભાન થતાં રાજાએ તેમને શૂળી પરથી ઉતાર્યા. શૂળીનો અંશ ઋષિના શરીરમાં રહી ગયો. ત્યારથી તેઓ ‘અણી - માંડવ્ય’ તરીકે પ્રખ્યાત થયા.

જ્યાં બોલવાનું હોય ત્યાં બોલવું જ જોઈએ.

સૌમ્ય જોશી કવિ ઉપરાંત નાટ્યકાર છે. ભરવાડની એકોક્તિરૂપે રચાયેલા આ કાવ્યને બોલાતી ભાષાના આરોહ - અવરોહનું બળ મળ્યું છે. આ જ વાત તળપદીને બદલે શિષ્ટ નાગરી ભાષામાં લખવા જઈએ તો લાખના બાર હજાર થઈ જાય. આ કાવ્ય ઐતિહાસિક થઈને રહી નથી જતું પણ સમકાલીન બને છે, કારણ કે જેઠો આજની ભાષા બોલે છે. ‘સ્યોરી, પરશનાલિટી, ઈસ્કૂલ, ડાયરેક્ટ’ જેવા શબ્દો તેની જીભે ‘ઈઝીલી’ ચડી ગયા છે. સૌમ્યે કવિતા લખી નથી પણ તેની વાચિક ભજવણી કરી છે.

(‘આમંત્રણ’)