કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૧૦. રાતાં ફૂલ

From Ekatra Wiki
Revision as of 08:01, 22 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૦. રાતાં ફૂલ

ઝવેરચંદ મેઘાણી

[પહેલી કડી લોકગીતની]
એક ઝાડ માથે ઝૂમખડું
ઝૂમખડે રાતાં ફૂલ
ભમર રે રંગ ડોલરિયો.

એક ડાળ માથે પોપટડો
પોપટડે રાતી ચાંચ
ભમર રે રંગ ડોલરિયો.

એક પાળ માથે પારેવડું
પારેવડે રાતી આંખ
ભમર રે રંગ ડોલરિયો.

એક મો’લ માથે મરઘલડો
મરઘલડે માંજર લાલ
ભમર રે રંગ ડોલરિયો.

એક નાર માથે ચૂંદડલી
ચૂંદડીએ રાતી ભાત્ય
ભમર રે રંગ ડોલરિયો.

એક માત-કાખે બાળકડું
બાળકના રાતા ગાલ
ભમર રે રંગ ડોલરિયો.

એક બેન માથે સેંથલિયો
સેંથલિયે લાલ હીંગોળ
ભમર રે રંગ ડોલરિયો.

એક ગોખ માથે ભાભલડી
ભાભજના રાતા દાંત
ભમર રે રંગ ડોલરિયો.

એક પ્હાડ માથે પાવળિયો
પાવળિયે લાલ સિંદોર
ભમર રે રંગ ડોલરિયો.

એક આભ માથે ચાંદરડું
ચાંદરડે રાતાં તેજ
ભમર રે રંગ ડોલરિયો.

એક સિંધુ-પાળે સાંજલડી
સાંજડીએ રાતા હોજ
ભમર રે રંગ ડોલરિયો.

૧૯૨૯
(સોના-નાવડી, પૃ. ૨૩૪)