કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૯. હાલો ગલૂડાં રમાડવા જી રે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯. હાલો ગલૂડાં રમાડવા જી રે

ઝવેરચંદ મેઘાણી

[શેરીમાં કૂતરી વિંયાય એ શેરીનાં બાળકો માટે આનંદ, નૃત્ય અને પશુપ્રેમના ઉમળકા ઠાલવવાનો અવસર બને છે.]
કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં
ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

માડીને પેટ પડી ચસ! ચસ! ધાવે
વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

માતાને માથડે ચડતાં ને ચાટતાં,
જોગણનાં જાણે લટૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

રાતાં માતાં ને રોમે રોમે સુંવાળાં,
હોય મીઠાં ગાલ-મસૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

બાને વા’લાં છે જેમ વીરો ને બેની,
કાળવીને વા’લાં કુરકુરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

મોટાં થાશે ને મારી શેરી સાચવશે,
જાગશે રાતે બ્હાદુરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

ટીપુડો દીપુડો ડુંગરડે ઘૂમશે,
ગોધેન ભેળા વોળાવિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

મોતિયો ને માનિયો ઝોકે રોકાશે,
વાછરુ ને પાડરુ ભળાવિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

ડાઘિયો ને ડૂઘિયો ખેતરમાં જાશે
વાસુ રે’શે બે રખોલિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

કાળિયો ને લાળિયો પાદર પસાયતા
બાઉ! બાઉ! આલબેલ બોલિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

ગોળ-ઘી-લોટના શેરા બનાવ્યા
કાળવીનાં પેટડાં પૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

પેટ ભરીને માડી બાળક ધવરાવે
ધાવીને પોઢે ટીપૂડિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે!

૧૯૨૮
(સોના-નાવડી, પૃ. ૨૩૧-૨૩૨)