કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૯. અમે

From Ekatra Wiki
Revision as of 08:31, 19 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૯. અમે


અમે રે સંસારિયાં ને અમે રે સંજોગિયાં,
અમને ગેરુડો વ્હાલો ને અમને વ્હાલો રે ગુલાલઃ
ગેરુડો વ્હાલો ને અમને વ્હાલો રે ગુલાલ.

વેરને વલોણે મનખો માગે છે હથિયાર,
માગે કોઈની ઓથ, કોઈના ઝીલવા પ્રહાર,
અમને વ્હાલી રે તલવારું, અમને વ્હાલી લાગે ઢાલઃ
અમને ગેરુડો વ્હાલો ને અમને વ્હાલો રે ગુલાલઃ
અમે રે સંસારિયાં ને અમે રે સંજોગિયાંo

સતને મેદાને રમતા ગમે રે રણધીર,
લાભને દેનારું ગમતું ખોરું રે ખમીર,
વનના કેસરી વ્હાલા ને વનના વ્હાલા રે શૃગાલઃ
અમને ગેરુડો વ્હાલો ને અમને વ્હાલો રે ગુલાલઃ
અમે રે સંસારિયાં ને અમે રે સંજોગિયાંo

મનડામાં સામસામાં વાસના-વેરાગ,
તનડામાં સામસામાં તૃષ્ણા ને ત્યાગ,
રૂડા લાગે રે વાયસ, રૂડા લાગે રે મરાલઃ
અમને ગેરુડો વ્હાલો ને અમને વ્હાલો રે ગુલાલઃ
અમે રે સંસારિયાં ને અમે રે સંજોગિયાંo
(દીપ્તિ, પૃ. ૧૪૨)