કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૧૧. વિસરાઈ જાશું

From Ekatra Wiki
Revision as of 06:17, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. વિસરાઈ જાશું| }} <Poem> નજર મેળવીશું ને ખોવાઈ જાશું; કથાઓ બનીશું ને ચર્ચાઈ જાશું. કહી દો કે, ‘મંજૂર છે પ્રેમ તારો’ હકૂમત કરી કાળ પર છાઈ જાશું. વસંતોના જોબનને લાલી તો મળશે, ભલે! ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૧. વિસરાઈ જાશું


નજર મેળવીશું ને ખોવાઈ જાશું;
કથાઓ બનીશું ને ચર્ચાઈ જાશું.

કહી દો કે, ‘મંજૂર છે પ્રેમ તારો’
હકૂમત કરી કાળ પર છાઈ જાશું.

વસંતોના જોબનને લાલી તો મળશે,
ભલે! રક્ત સિંચીને કરમાઈ જાશું.

તમે ઋણ કાઢ્યા કરો સાતભવનું,
ન પ્હોંચી વળાશે તો વેચાઈ જાશું.

સભા પર કરો એક પારેખ-દૃષ્ટિ
હજારો ને લાખોમાં પરખાઈ જાશું.

ગગનમાં ઝગીશું સિતારા બનીને,
અગર આંસુઓ થઈને વેરાઈ જાશું.

નજીવી રમતમાં થયા જન્મ-ફેરા,
ખબર શી અમોને કે બંધાઈ જાશું?

અમે આપ વિસ્તરશું બ્રહ્માંડ થઈને
દિલે આપના જો સમેટાઈ જાશું.

ગમે તેમ જીવી જશું તોય અંતે
બહુ શાનથી શૂન્ય વિસરાઈ જાશું.

(શૂન્યનો વૈભવ, પૃ. ૧૩૯)