કાશ્મીરનો પ્રવાસ/કાશ્મીરનું સ્વપ્ન

From Ekatra Wiki
Revision as of 04:39, 12 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાશ્મીરનું સ્વપ્ન|}} <poem> ક્યાંઈ છે ખુબ ધીટ વનનાં ઝાઝાં ફૂલો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કાશ્મીરનું સ્વપ્ન

ક્યાંઈ છે ખુબ ધીટ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં,
વેલીના નવરંગથી લટકતાં સારાં પટોળાં ધર્યાં;
ક્યાંઇ છે તૂટીને પડેલ ભુખરાં પાનો વિના ઝાડવાં,
જોગીનો ધરી વેષ ભેખ લઈને જાણે બિચારાં પડ્યાં.

ક્યાંઈ છે સુઘરી તણા લટકતા માળા નદીની પરે,
નીચે મોર કળા કરે પ્રિય કને લીલા ગલીચા પરે;
ક્યાંઈ છે ફરતાં યૂથો ગજ તણાં ભાંગે ધણી ડાળીને,
તેઓનાં બચલાં રમે જલ વિષે માતા કને દોડીને.

છે ક્યાંઇ અતિ ઘોર ગંભીર ગુફા, કાળી ઘટા ઝાડની,
કાળી તે દિસતી છવાઇ જઈને અંધારી છે તે ઘણી;
વ્હે છે જોસ ભરી નદી અહિં તહિં, નાળાં પડ્યાં વિખરી,
કુંજોમાં ઝરણાં વહે ખળકતાં, છોળો ઉડે પાણીની.

જ્યાં છે એવી નદી ઘણી, બરફના ઝાઝા જ્યહાં ડુંગરા,
એવો કાશ્મીર દેશ છોડી દઈને જાઉં હવે હું ક્યહાં?
                                                     
૧૮૯૨ -કલાપી