ગુજરાતનો જય/૧૨. શાંત વીરત્વ

From Ekatra Wiki
Revision as of 07:34, 30 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. શાંત વીરત્વ|}} {{Poem2Open}} ધોળકાને હાટડે હાટડે બે માણસો ફરતા હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૨. શાંત વીરત્વ

ધોળકાને હાટડે હાટડે બે માણસો ફરતા હતા ને એમાંનો એક બ્રાહ્મણ વેપારી જેવો દેખાતો માણસ, પોતાના ખેસનો છેડો ઘડી વાર આ ખભે તો ઘડી વાર બીજે ખભે ઉલાળતો, અર્ધ અમલદારી અને અર્ધ મહાજનશાહી તોરથી પ્રત્યેક દુકાને કહેતો હતોઃ - "કાં, ચાલો છોને મહાજનમાં? મામા પધારેલ છે.” દુકાનદારો પૈકીના કેટલાક આ નોતરાને હોંશેહોંશે વધાવી લઈને “હા જી ચાલો, મામા પધારેલ છે એમ!” એમ કહેતાં સબોસબ બેઠા થઈ જૂતા પહેરતા હતા. બીજા કેટલાક જમનું તેડું આવ્યું હોય એવી ધાક અનુભવી “આવું છું, હો મહાશય!” એવો જવાબ દઈને ચિંતાતુર મોં કરી ઘડીભર લમણે હાથ દેતા હતા. આખી બજારમાં 'મામા આવેલ છેઃ મામા પધારેલ છે' એવો રણકાર થઈ રહ્યો. ચાલ્યા જતા વ્યાપારીઓના ટોળામાંથી અવાજ ઊઠતા હતાઃ “ઓ સુખપાલ, ઓ ક્ષેમાનંદ, ઊઠો, ઝટ ઊઠો, વેપલો પછી કરજો. મામાનું તેડું છે. નાહકના શીદને આંખે ચડવા જેવું કરો છો?” બોલનારાઓ જાણે કે ઈરાદાપૂર્વક જ આ શબ્દો બોલતા હતા. તેમનો ઈરાદો ચોક્કસ નામો લઈ લઈને અમુક વ્યાપારીઓને પેલા ખેસધારી ગૃહસ્થની આંખે ચડાવવાનો હતો. "કાંઈ નહીં ભા, કાંઈ નહીં. બેસી રહેવા દોને એમને કરવા દોને વેપાર! મામા તે શી વિસાતમાં છે એમને ચમરબંધીઓને!” એમ ટોણો મારતો એ ખેસધારી ગૃહસ્થ પોતાની સાથે ચાલતા એક રાજપૂતવેશધારીને ન ઊઠનારાઓનાં નામ કહેતો હતો. રસ્તામાં નાણાવટ બજારમાં એક નાની-શી હાટડીનાં બારણાં બંધ હતાં. એ જોઈને પેલા ખેસધારીએ તિરસ્કારથી કહ્યું: “આ મોટો મલ્લરાજ ક્યાં મૂઓ છે? વેપલોબેપલો કરે છે કે નહીં આ મંડલિકપુરવાળો તેજપાલ?” ટોળામાંથી કોઈએ કહ્યું: “એ પાણીનાં પાતાળ તો ઊંડાં છે, વામન શેઠ! તાગ લાગે તેમ નથી.” “એને ખબર તો છે કે આજ બપોરે મામા પધારવાના છે ને સૌએ હાજર રહેવાનું છે! આંહીં કાંઈ ન્યાતનો જમણવાર નથી કે કોઈ માનપાન માગે!” "વહુ આણું લઈને આવ્યાં છે, ભાઈ, છેક ભદ્રાવતીથી. અને આ તો તેજપાલ શેઠની ભરજુવાની છે.” "કેટલીક વયનો છે?” "સમજાતું જ નથી. છેલ્લાં પાંચ વર્ષોથી જોઉં છું એવો ને એવો લાલચટક છે.” “કહે છે કે રાતે ગામબહાર રાણકીના મેદાનમાં જઈ મારો બેટો તલવારપટા ખેલે છે.” "અમે તો સાંભળ્યું છે કે વહુને પણ કટારી વીંઝતાં શીખવે છે.” “એની મા મંડલિકપુરમાં ગુજરી ગઈ. એ જબરી હતી. રંડીપુત્ર શે'જાદા બન્યા છે.” "એનો મોટોભાઈ ક્યાં છે?” “એ તો હજુય, કહે છે કે, પાટણ અભ્યાસ કરે છે, મુનિ વિજયસેનસૂરિ પાસે. આ ભાઈને ને સરસ્વતીને હાડવેર, એટલે એ વેળાસર ધંધે લાગી ગયા.” “આ તેજપાલની નાણાવટ કેવીક ચાલે છે?” કોઈએ ધીમેથી કાનમાં કહ્યું: “ભારી નીતિવાન હોવાનો ઘમંડ રાખે, ચોરાટિયો ખેડુ-ગંજ રાખે નહીં. પટ્ટકિલોને વરસ દા'ડે કશું જાણે નહીં, એટલે બે પાંદડે થાય ક્યાંથી?” “પણ વહેવારનો બહુ ચોખ્ખો, ભાઈ!”

નગરશેઠની દુકાનની મેડી પર તકિયાને અઢેલીને એક રાજપૂત બેઠો હતો. એની સુરવાળ, એની ભેટ અને એના પગનો તોડો વગેરે સ્પષ્ટ બતાવતાં હતાં કે આ રાજપૂત અણહિલપુર કે ગુજરાતની નહીં પણ સોરઠની પેદાશ છે. “મામા, જય સોમનાથ,” એમ કહી કહી બેઉ હાથે લળી લળીને માન દેતા વ્યાપારીઓ ટપોટપ બેસી ગયા. એમાંથી કોઈકને જ એ મામા નામે ઓળખાયેલા ક્ષત્રિયે સામો હોંકારો વાળ્યો. એને મન જાણે આ બધાં મગતરાં જ હતાં. એની આંખો ઠરડી જ રહેતી. આંખોના ખૂણાને પોતે અંદરથી જોર કરીને ઈરાદાપૂર્વક જ લાલ રાખતો હોય એમ લાગ્યા કરતું. “ભાઈઓ!” પેલા ખેસ ઉછાળતા વામનદેવે ઊભા થઈ, ફરી એક વાર ખેસનાં છોગાં ઉલાળી, છાતી ને ખભા પર બેચાર વાર ખેસ ગોઠવતે ગોઠવતે કહ્યું: “તમે સૌ જાણો છો કે મહાશય મહાસુભટ સાંગણમામાએ આપણને આંહીં શા માટે એકત્ર કરેલ છે – અરે નહીં, મારી ભૂલ થઈ, મામાને આપણે આંહીં શા સારુ નિમંત્રેલ છે. આપણા રાણાજી વીરધવલ મહારાજને ઘેર કુંવર અવતરેલ છે. અહીં મારે કહેવું જોઈએ કે રાણા વીરધવલ પોતે ભલે પોતાને મહારાજ કહેવરાવવાની ના પાડે, પણ આપણા તો એ મહારાજાધિરાજ જ છે. પાટણના એ વારસદાર છે. અને જેતલદેવીબા આપણાં મહારાણી છે. એમને કુંવર જન્મે એ તો વસ્તીનાં પરમ પુણ્યોનું ને આપણી દિવસરાતની પ્રાર્થનાઓ–માનતાઓનું ફળ છે. મેં પોતે જ મહારાણી જેતલબાને કુંવર ન જન્મે ત્યાં સુધી મિષ્ટનની બાધા રાખી હતી. તમે પણ સૌએ રાખી હશે. હવે આજે આપણે કુંવરપછેડો કરવાનો છે. સૌએ પોતાના અંતરના ઉમળકા આજે ઠાલવી નાખવાના છે. એક પછી એક બોલતા આવો ને હું લખતો આવું છું.” એમ કહી એ માણસે એક તાડપત્રી કાઢી તેના પર લેખણ ચલાવી. "નગરશેઠના...” "લખો પાંચસો દ્રમ્મ.” એક ચિંતાગ્રસ્ત બેઠેલા પુરુષે રકમ કહી. "નહીં નહીં, વાત છે કાંઈ, શ્રેષ્ઠીજી! આ તો કાંઈ અંતરનો ઉમળકો કહેવાય? મામા જેવા લાખેણા પુરુષની પધરામણી કરાવ્યા પછી આમ ખડ શું ખાઓ છો, શેઠ?” એમ કહીને એ ખસધારી વક્તા વામનદેવે મામા સાંગણ તરફ જોયું. મામાએ સહેજ, ઠરડી આંખ નગરશેઠ તરફ કરીને મક્કમ અવાજે ધીમેથી કહ્યું –  “એક મીંડું ચડાવી દો.” "રંગ! શાબાશ નગરશેઠ! મામાએ તમારું મીંડું નહીં પણ ઈંડું ચડાવી દીધું. હાં, બીજાઓ હવે બોલતા આવો.” પણ પછી તો એ ગૃહસ્થ કોઈ કરતાં કોઈને બોલવાની તક આપ્યા વગર પાંચસોના પાંચ હજાર, સોના હજાર, પચાસના પાંચસો એમ મીંડાં ચડાવતે ચડાવતે ટીપ લંબાવ્યે રાખી. એ વખતે મેડીના દાદર પર એક માણસે માથું કાઢ્યું. તેની છાતી, કમ્મર, પગ વગેરે જેમ જેમ દેખાતાં ગયાં તેમ તેમ એ પૌરુષની પ્રતિમા જેવો ભાસ્યો. ફક્ત એ પૌરુષમૂર્તિ પર વસ્ત્રો જાડાં હતાં. "આ આવ્યા, મંડલિકપુરવાળા તેજપાલ શેઠ. મોડું કેમ થયું, શેઠ? મામા ક્યારના યાદ કરે છે.” એમ કહીને એ ખેસ ઉછાળતા વામનદેવે નવા આવનારને ભોંઠો પાડી, બીજાઓને હસાવી હળવા કર્યા. તેજપાલ, નાનપણમાં તેજિગ નામે આપણે ઓળખેલો તે જ આ યુવાન, કશું બોલ્યા વગર છેલ્લી પંગતની પાછળ બેસી ગયો. મોં પરથી એ જરા મૂઢ અને અણસમજુ દેખાતો હતો. બહુ નિહાળીને કોઈ બુદ્ધિશાળી ઉકેલે તો એની આંખોમાં વ્યથાના અક્ષરો વંચાય. “એમ બોઘા બનીને બેસી ન જાઓ, શેઠિયા, ઊઠો,” પેલા ખેસ ઉલાળનારાએ લગભગ પચાસમી વાર ખેસ સરખો કરતે કરતે કહ્યું, “તમે મંડલિકપુરથી આંહીં આવી પુષ્કળ કમાયા છો ને તમારા વડીલો તો છેક કર્ણદેવના વખતથી પાટણના મહારાજાઓનો કસ કાઢતા આવેલ છે એવું સાંભળ્યું છે.” તેજપાલે બેઠાં બેઠાં જ પેલાને વધુ બોલતો અટકાવીને કહ્યું: “મારા વડીલોની વાત કૃપા કરીને આંહીં ન કરો.” આટલા શબ્દોએ મહાજનસમસ્ત પર એક આંચકો માર્યા જેવી અસર કરી. કેમ કે એકાદ વર્ષથી ધોળકામાં આવેલ આ નાનકડા વ્યાપારીને કોઈએ ઊંચે અવાજે બોલતો પણ નહીં સાંભળેલો. “તે ઠીક છે,” વામનદેવે વાગ્ધારા ચાલુ રાખી: “પણ તમે શેઠ, નવા ન કહેવાઓ, તમે આંહીંના મહાજનનો વિનય પણ નથી જાણતા. તમે કૃપાળુમામાને અભિવાદન પણ નથી કર્યું. મૂઢની માફક બેસી ગયા છો. હશે, કૃપાળુમામા તો મોટા મનના છે, એને કાંઈ દુઃખ ધોખો નથી, પણ આપણી સાત પેઢી, આપણાં માવતર, આપણા ઘર-સંસ્કાર... આપણી કિંમત થઈ જાય. આપણી જણનારીનો બોજ...” "શેઠજી!” તેજપાલે જરાક ઊંચા થઈને ફરી પાછો પેલાને બોલતો અટાકાવ્યો, “હું ફરી વિનંતી કરું છું કે મને જે કહેવું હોય તે કહો. મારી જણનારીની વાત આંહીં ન કરો.” “તારી જણનારીની નહીં ભાઈ નહીં, અમે તો અમારી સૌની જણનારીની પ્રસ્તાપી વાત કરીએ છીએ.” પેલો ટીખળ કરવું છોડીને બીજે બળતો થયો. “આપ આ શું લવો છો?” તેજપાલ અરધો બેઠો થઈ ગયો, “સૌની જણનારીઓનો શો અપરાધ છે? સૌની માતાઓ પૂજનીય છે. એમને અહીં ન સંડોવો, વામનદેવજી! મશ્કરીની પણ હદ હોય છે.” એમ બોલીને એ નીચું જોઈ ગયો. પાછળથી એનો હાથ ખેંચીને બેચાર જણા “રહેવા દો ભાઈ, આ સમય નથી, ભૂંડી થશે.” એવા શબ્દ બેસારવા લાગ્યા. પણ મોટાભાગના વ્યાપારીઓને મૂંગી પ્રકૃતિના તેપાલના આ મિજાજે રોમાંચિત કર્યા. ઘણાએ આ મામલો જરા આગળ વધે એમ ઈચ્છયું. પણ તેજપાલને જરાકે તપ્યા વગરનો જોઈ કેટલાકને નિરાશા થઈ. અંદરની ગરમી બહાર ન દેખાડનારો ઘણાને બેવકૂફ લાગે છે. "ચૂપ કરો, મંડલિકપુરના ચમરબંધી! અમારો તો ઠીક, પણ કૃપાળુમામાશ્રીનો તો વિનય રાખો જરાક” વામનદેવ નામનો ખેસધારી આ વખતે ખેસને સંભાળવો ભૂલી જઈને તાડૂકી ઊઠ્યો. “નોંધો એના પાંચસો દ્રમ્મ.” મામા સાંગણે ટાઢાબોળ શબ્દે ફક્ત આટલું જ કહીને, વિનયભેર ઊભેલા તેજપાલને ફક્ત એક જ વાર નજરમાં લીધો. બેઉનાં નેત્રો પરસ્પર ભાલાં અફળાય તેમ અફળાયાં. એમાંથી ઝરેલા તણખા કોઈ ત્રીજાએ જોયા નહીં. વામનદેવ ખેસ ધારીએ હર્ષભેર દોતમાં કલમ બોળતે બોલતે કહ્યું: “ખાસી વાત. પતે છે કજિયો. આ દ્રમ્મ પાંચસો, નાણાવટી શ્રીમાન તેજપાલ આસરાજના.” "શાના પાંચસો?” તેજપાલે વિનયથી પૂછ્યું. “એટલું પણ જણાવવું બાકી રહે છે? કુંવરપછેડાના.” “તો ઠીક! હું સમજ્યો કે દંડના હશે.” તેજપાલ ફક્ત એટલું જ બોલ્યો એટલે ઘણાને ફરી વાર નિરાશા થઈ; આશા તો હતી કે કાંઈક વાંધો પાડશે. “એ છેકી નાખજો.” તેજપાલે વામનદેવને સ્વસ્થ શબ્દ કહ્યું. “શું કહો છો?” "કહું છું કે એ રકમ મારા નામ પરથી છેકી નાખજો.” "એટલે!!! –” "એટલે કે રદ્દ કરી નાખજો.” "શેઠ, મને ભાષાના અર્થો શીખવવા રહેવા દો. ને જે કાંઈ કહેવું હોય તે કૃપાળુ- મામાશ્રીને કહો.” "તો હું મામાશ્રીને પણ કહું છું.” તેજપાલના ઉચ્ચારમાં ઓજસ હતું કે મૂર્ખતા, તે હજુય નક્કી નહોતું થઈ શકતું. મામાનું કાંધ ફર્યું. એણે કહ્યું: “એ છોકરાને આંહીં ઓરો બોલાવો ઓરો.” “તેજપાલ શેઠ, આંહીં મોખરે પધારો કૃપાળુમામાશ્રી પાસે.” વામનદેવે ખેસના છેડા વતી વાહર ખાતે ખાતે અને ગળેથી પસીનો લૂછતે લૂછતે કહ્યું. ને તમામ આંખો તેજપાલ શું કરે છે તે જોવા અધીરી બની રહી. તેજપાલને ચાલવાની સૌએ કેડી કરી આપી. એ મામા સાંગણની સમક્ષ ઊભો રહ્યો ત્યારે મુકાબલે છેક જ બાળક જેવો લાગ્યો. વામનસ્થલીના કુંવર સાંગણનો દેહ પ્રચંડ ભેંસા જેવડો હતો. એમાં સોરઠી ડાકુપણાની દોંગાઈ અને કરડાકી હતાં. “વાણિયું છોને?” એણે તેજપાલને કહ્યું. "જી હા.” "બટકુંક છો! ધોળકામાં વેપલો કરવો છે ને?” "હા જી.” “તો કુંવરપછેડો દેવો પડશે.” “એ તો સૌ સૌની લાગણીની ને શક્તિની વાત છે.” “તું એક જ લાગણીનો મુખત્યાર છો? કુંવરપછેડો તો ગામડે ગામડાંએ ને ઘરે ઘરે આપ્યો છે.” “આપ્યો નથી, તમે પડાવ્યો છે. રાણાજી અહીં નથી. એની ઈચ્છા કોઈ જાણતું નથી.” “રાણાનું શું કામ છે, તિતાલી! હું કહું છું એ જ બસ છે.” “તમે કહો એ ન ચાલે. રાજ રાણા વીરધવલનું છે, મામાનું કે માશીનું નથી, વામનસ્થલીના ધણી! આંહીં ગુજરાત છે, સોરઠ નથી.” “લવારા કરછ, હિંગતોળ?” સાંગણનો પાડા જેવો દેહ ઊભો થઈ ગયો. “જીભ સંભાળો, મામા!” “અરે જીભ સંભાળવાવાળો!” એમ કહેતે સાંગણે તલવાર ખેંચી. તેજપાલે જરાય ધગ્યા વગર સાંગણના પંજાની તલવાર ઝાલનારી મૂઠી પર હાથ મૂકીને મર્મના સ્થળ પર દબાવી. મૂઠી ઊઘડી ગઈ, તલવાર ભોંય પર પડી, તેજપાલે તે ઉપાડી, ઉપાડતાં પલવાર લાગી. મહાજન ઊભું થઈ ગયું, કેટલાક દાદર નજીક હતા તે ઊતરી ગયા, બીજા કેટલાકની છાતીમાં સૂતેલા શૌર્યના દીવા થયા. મામાએ માન્યું કે શત્રુ તલવારનો ઘા કરવા સજ્જ થયો. એણે હિચકારાની રીતે આડા હાથ દીધા. “બીઓ મા, મામા!” એમ કહીને તેજપાલે તલવારને મૂઠેથી ઝાલી જમીન પર પીંછી ટેકવી તલવાર પર ભાર દીધો. તલવાર વટની હતી. તૂટી નહીં, પણ બેવડી વળીને ચીપિયા આકારની થઈ ગઈ. ખેસધારી વામનદેવની આંખો ફાટી ગઈ. સાંગણ સફેદ પૂણી જેવે મોંએ ઊભો. વ્યાપારીઓમાંથી કેટલાક વૃદ્ધો ને જુવાનો તેજપાલની પીઠ પાછળ જમા થઈ ગયા. મામાનો હાથ ભેટની કટાર પર જતો હતો, એટલે તેજપાલે કહ્યું: “કટારી બેવડ નહીં વળી શકે દરબાર, ને સીધી તમારી છાતીમાં ઊતરશે. તકલીફ ઉઠાવો મા” સાંગણે દાદર તરફ નજર કરી. એને જવું હતું. “મામાને રસ્તો દો, ભાઈઓ!” તેજપાલે ગૌરવથી કહ્યું. કેડી પડી ગઈ. મામાએ ચાલતી પકડી. દાદર પર ઊતરીને ડોકું દેખાતું રહ્યું ત્યારે બોલ્યા: “જોઈ લેજે, બેટમજી!” "હું ધોળકામાં જ છું, મામા, ને રાણાની રજા લીધા વગર નહીં ચાલ્યો જાઉં. તમે પણ જાઓ તો સોમનાથની આણ છે. કુંવરપછેડો કે લૂંટ? ધોળા દિવસની લૂંટ! ઘરેઘરની લૂંટ! અને મહાજન ઉપર રહીને લૂંટાવશે! ધિક્ હજો.” એમ કહેતો તેજપાલ નીચે ઊતર્યો. ને એણે ઊભી બજારની વાટ મક્કમ પગલે કાપવા માંડી. એ બોલતો જતો હતો: “કુંવરપછેડાને નામે લૂંટા! કાળી લૂંટ! મહાજન દેશે તો ગરીબો કેમ કરી ના કહેશે? આપણા ધણી કોણ છે, ભાઈઓ! મામો કે રાણો?” "રાણો.” લોકોના ટોળાએ પોતાની હંમેશની પ્રકૃતિ મુજબ આ શબ્દ ઝીલ્યો. તેમણે મામા સાંગણને નાસતો જોયો હતો. નવાજૂની જાણી લીધી હતી. હિચકારાઓ પણ અંદરથી તો વીરપૂજક જ હોય છે, એટલે તેજપાલ સર્વનો વીરાદર્શ બની જતાં વાર ન લાગી. એ બોલતો ગયો: "રાણાજી વીરધવલ આંહીં નથી. એ બાપડાજીવ ભૂખે ને તરસે પાટણ ને ધોળકા વચ્ચે ઘોડાં દોટવે છે. એના હોઠ તો 'પ્રજા મારી પ્રજા!' કહેતાં સુકાય છે, ને આંહીં પ્રજાને પારકાઓ 'મામા' બની ફોલી ખાય છે.” એના પડઘા પ્રજાજનોએ આ રીતે ઝીલ્યા –  “મામા જ કાળાં કામ કરે છે.” "મામો કંસ છે.” “મામો લૂંટારો છે.” “મામો પરદેશી છે.” આવાં સૂત્રો એ જ બજારમાં ગાજી રહ્યાં, જ્યાં એકાદ ઘટિકા પહેલાં 'મામાશ્રી બોલાવે છે' એ શબ્દ કાયરો કંપતા હતા.