ગુજરાતનો જય/૫. ગુરુ અને શિષ્યો

From Ekatra Wiki
Revision as of 07:11, 30 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. ગુરુ અને શિષ્યો|}} {{Poem2Open}} રાજગુરુ કુમારદેવનો સોળ વર્ષનો દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫. ગુરુ અને શિષ્યો

રાજગુરુ કુમારદેવનો સોળ વર્ષનો દીકરો સોમેશ્વર ત્રણ દિવસથી રોજ મધ્યાહને મંડલિકપુરને માર્ગે બબ્બે ગાઉને પલ્લે જઈ વાટ જોતો ઊભો રહેતો. રોજ અરધી રાત સુધી સુરભિ ગાયનું દૂધ તાંબડી ભરીને ગરમ કરી સાચવી રાખતો. ત્રણ છોકરા પિતાની પાઠશાળામાં ભણવા આવનાર હતા. નજરે તો કદી દેખ્યા નહોતા. પણ પિતાજી ઉપરનો પત્ર વાંચ્યો હતો. ન દીઠેલા ને ન જાણેલા છોકરાઓ પ્રત્યે સોમેશ્વરના આ કુદરતી પ્રેમનું એક કારણ એ હતું કે એ ત્રણેય એક વિધવા માતાના ગરીબ પુત્રો હતા. પિતાજી ઉપર પત્ર લખનારી પણ એ વિધવા માતા જ હતી. ગામડા ગામમાં રહેનારી એ ગરીબ શ્રાવિકાના અક્ષરો કેવા રૂપાળા હતા! માતા વગરનો સોમેશ્વર આવી એક માતાના અણદીઠા સ્વરૂપની વિધવિધ કલ્પના કરી રહ્યો. ત્રણેય જણાને માટે બેસવાની માટીની બેઠકો એણે પાઠશાળામાં અને વેદિની આસપાસ કેટલાય દિવસથી લીંપી રાખી હતી. ત્રણેય માટેની મગદળની છ જોડ તેલથી મર્દીને મૂકી રાખી હતી. ચોથે દિવસે કાલો આવી પહોંચ્યો. ટારડા ટટ્ટુ ઉપર બેવડ વળીને બેઠેલા - મોટેરા લુણિગની ખાંસી દૂરથી સંભળાઈ. નાના બે ભાઈઓનાં ધૂળભર્યા મોઢાં દેખાયાં. કુમારદેવ પોતે બહાર આવીને ઊભા હતા. તેણે લુણિગને ટટ્ટુ પરથી તેડીને ઉતાર્યો. લુણિગની હાંફણમાં છાતીની કાંચકી ગાજતી હતી. લથડિયાં લેતો એ ગુરુજીને ચરણે પડ્યો. “તું, ભાઈ, માંદો માંદો કેમ આવી કપરી મુસાફરી કરીને આવ્યો?” ગુરુ કુમારદેવને દયા આવી. "બાએ બહુ વાર્યો,” વસિગે જવાબ દીધો, “પણ એ માને જ શાનો?” “તમારાં બા કુશળ છેને?” “હા. આપને પ્રણામ કહાવ્યા છે.” ત્રણેય ભાઈઓ લીંપેલી બેઠકો પર સ્વસ્થ થયા ન થયા ત્યાં તો સોમેશ્વરે તેમને વધાઈ દીધીઃ “સરસ્વતીમાં મેં એક નવીન જ પાણી-પાટ શોધી રાખી છે. એનું નામ હજુ કોઈએ નથી પાડ્યું. મેં નક્કી કરી રાખ્યું છે.” “શું?” “કુંઅર-પાટ!” “શા પરથી?” “તમારી બાના નામ પરથી.” બેઉ ભાઈઓની આંખો સામસામી થઈ. વસ્તિગે પૂછ્યું, “તમે જોયાં છે અમારી બાને? મળ્યા છો?” “ના, પણ કલ્પી તો લીધાં જ છે.” “શા પરથી?” “એમના કાગળ પરથી; ને જે બાકી હતું તે તમારા મોં પરથી.” એણે વસ્તિગનો ચહેરો ચીંધાડ્યો. “સાચું,” તેજિગે કહ્યું, “વસ્તિગ બા પર ઊતર્યો છે ને હું મારા બાપુ પર.” "તમારાં બાનો સ્વભાવ શાંત અને ગંભીર હશે, ખરું? એટલે જ કુંઅર-પાટનું પાણી શાંત અને ઊંડું છે, એટલું જ પાછું સ્વચ્છ છે.” આવા આવા ઉદ્ગારો વડે સોમેશ્વર બેઉ નાના વણિકપુત્રોનો વહાલસોયો બન્યો. અને પોતાની જનેતાની નામધારી નદી-પાટમાં નહાવા જવાની ઇચ્છા બન્નેના અંતરમાં જાગી ઊઠી. ધૂબકા મારી મારીને ઊંચી ભેખડો પરથી તેમણે ખાબકીખાબકી એ પાણીમાં દેગડીઓ ચડાવી. "માના હૈયામાં પણ હેતની આવી જ દેગ ચડે છે,” વસ્તિગ નહાતો નહાતો બોલે છે: “જુઓ, હું જાણે માને ખોળે પડ્યો છું. મા મને અધ્ધર તરાવી રહી છે.” એણે પાણી પર ચત્તા સૂતે સૂતે કહ્યું: “ને જુઓ તો!” એણે ડૂબકી મારી તળિયેથી તાગ લાવી, મૂઠી ઉઘાડીને ચકચકિત રેતી દેખાડતે દેખાડતે કહ્યું, “માનું હૃદયતલ અદલ આવું જ ચોખ્ખું ને ચકચકિત છે.” “વસ્તિગ તો મોટા કવિ થશે.” સોમેશ્વર બોલી ઊઠ્યો. “એકલા કવિ થવામાં શો આનંદ છે?” વસ્તિગે કોગળા ઉડાડતાં કહ્યું. "ત્યારે?” “મને તો થાય છે કે હું અનેક કવિઓને દેશપરદેશથી આંહીં તેડાવું ને તેમને ઈનામો આપું.” “તારી સ્તુતિ કરવાનાં?” તેજિગે ટોણો માર્યો. “નહીં.” “ત્યારે શું મૃગાક્ષી-મીનાક્ષીઓનાં વર્ણન કરવાનાં? પેલા ક્ષત્રિયે કહેલું તે યાદ છે ને?” "યાદ છે. એણે આપણને વખતસર ચેતાવી દીધા છે.” "હું તો એને મારી પાડત.” તેજિગનો સ્વર તપ્યો. "કેમ? કોણ હતું?” સોમેશ્વરે પૂછ્યું. "હતો કોઈક કાબરચીતરી દાઢીવાળો ને શણગારેલી સાંઢણી પર બેઠેલો બિહામણો બોલકણો ક્ષત્રિય. અમારી ઠઠ્ઠા કરતોકરતો ચાલ્યો ગયો.” "ત્યારે તો એ જ રાણા લવણપ્રસાદ: એ તો ધોળકાના મંડળેશ્વર: પિતાજીના તો એ ગાઢ મિત્ર છે. તમને ખીજવ્યાની વાત એણે જ પિતાજીને કરેલી. આપણી એકની એક પાઠશાળા ચાલે છે તે પણ તેના જ પ્રતાપે.” “પાઠશાળામાં એ આવે છે?” તેજિગે કંટાળાભેર પૂછ્યું. "હા! વારંવાર.” "ત્યારે તો માર્યા!” તેજિગ ખસિયાણો પડ્યો, “મેં પથ્થર ઉપાડેલો તે એણે તો જોયો હતો. ક્ષત્રિય છે એટલે ડંખીલો જ હશે.” "ના રે ના!” સોમેશ્વરે ખાતરી આપી, "લવણપ્રસાદબાપુ તો ખોળામાં ચડીને એની દાઢીના વાળ ખેંચીએ તોયે વહાલ કરે એવા ગરવા છે. આંહીંના સર્વાધિકારી નિમાવાના છે, પણ પિતાજીને એ કહેતા હતા કે આંહીં પાટણનો પુનરુદ્ધાર કોઈરીતે થઈ શકે તેમ નથી, એટલે એ તો સૌને કહે છે કે ચાલો ધોળકું જમાવો. બાપુને પણ પાઠશાળા ધોળકે ફેરવવા કહે છે, પણ બાપુને પાટણ છોડવું અસહ્ય છે. બાપુ તો કહે છે કે હું મનુષ્ય નથી, વૃક્ષ છું. ભૂમિનો સ્થાન બદલો કરી શકું નહીં. આંહીં જ સુકાઈશ ને આંહીં જ સમાઈશ. પણ મંડળેશ્વરે મારી માગણી કરી છે. મોટો થઈને હું ધોળકે જઈશ.” “ત્યાં કોની પાસે?” "મંડળેશ્વરને એક દીકરો છે. છુપાવીને રાખેલ છે. એ મોટો થઈ ધોળકાનો રાણો નિમાશે ત્યારે મારે એના રાજગુરુ બનવાનું છે.” "ચાલો હવે, બહાર નીકળીએ.” તેજિગના મોં પર એ બોલતી વેળા ચિંતા હતી. "બાના ખોળા જેવા જળમાંથી મને તો બહાર ન નીકળવું ગમતું નથી.” વસ્તિગ બોલ્યો. આવી વાતો કરતા કરતા, સરસ્વતીમાં નહાઈ કરી ત્રણેય પાછા વળ્યા, ત્યારે આશ્રમની નજીક લુણિગની ખાંસીનાં ઉપરાઉપરી જોશભર્યા ઠસકાં સંભળાયાં. ત્રણેય જણા દોડી જઈને જુએ છે તો લુણિગ પોતાને માથે અને પોતાની બગલમાં, એ ચોમેર પડેલાં ખંડિયેરમાંથી ખંડિત મૂર્તિઓના પથ્થરો ઉપાડીઉપાડી ઠેબાં ખાતોખાતો ગોઠવતો હતો. “તમે આ શું કરો છો, ભાઈ!” વસ્તિગે ઠપકો દીધો, “છાનામાના સૂઈ રહેવાને બદલે...” . "જુઓ... તો... ખર... રા.” ઉધરસના બળખા થુંકતો લુણિગ સમજાવવા લાગ્યોઃ “આવી સુંદર કોતરણી... રઝળી... રહી છે, આમ તો જુઓ, આ દેવપ્રતિમાનાં કોઈએ... ક્રૂરે.. નાક... કાન જ છેદી નાખ્યાં છે.” "મ્લેચ્છોએ.” સોમેશ્વર બોલ્યો. “બહુ થયું, લો ચાલો!” વસ્તિગે એના હાથમાંથી ને માથા પરથી ખંડિત પથ્થરો ઉપાડી લઈને કહ્યું, “એ બધું જ હું ઠીક કરી આપીશ. તમે ભલા થઈને સૂઈ રહો.” મહામહેનતે તેમણે લુણિગને બિછાને સુવરાવ્યો. એ બિછાનું કાયમનું બન્યું. લુણિગે ત્યાં પડ્યાં-પડ્યાં આગળના ચોગાનમાં ઝાડની છાંયડી નીચે મધપૂડાના ગણગણાટ જેવો મહારવ સાંભળ્યો. ગુરુ કુમારદેવની પાઠશાળા ચાલી રહી હતી. વેદનાગ્રસ્ત લુણિગે એકલા પડ્યા પડ્યા રડી લીધું. અભ્યાસમાં જોડાવાની આશા એણે સદાને માટે ગુમાવી. એકાએક એની નજર બારીની બહાર ગઈ. ખંડિયેરો, વનો, જંગલો અને સરસ્વતીના તીરને પાર કરતી ચાલી જતી એ નજરે ક્ષિતિજ ઉપર કાજળઘેરા એક પર્વતને સ્પર્શ કર્યો. પહાડ ઓળખાયો. એ તો આબુરાજ હતો. ગુજરાતની સીમાદોરી ઉપર ઊભેલો એ જોગંદર ગિરિરાજ લુણિગની નજીકનજીક – છેક હૃદયના દ્વારે આવીને થંભ્યો. બાળપણનાં સંભારણાં એના અંતરમાં રમતાં થયાં. એક વાર માતાપિતાની સાથે આબુની યાત્રા કરી હતી. એની નાનકડી આંખોએ વિમલ-વસહીનું જિનમંદિર જોયું હતું. જોયું ત્યારથી જ એના મનમાં કોડ જન્મ્યો હતો. પણ એ ગુપ્ત મનોરથની વાત એણે આજ સુધી કોઈને કહી નહોતી. માબાપની ગરીબીએ એની જીભને તાળું લગાવ્યું હતું. આબુના ધ્યાનમાં દિવસે દિવસે ઊંડું ઊતરતું એનું હૃદય એકતાર બન્યું. બે-ત્રણ દિવસ થયા. વસ્તિગ ને તેજિગ સંસ્કૃત કાવ્ય, વ્યાકરણના અને રાજનીતિશાસ્ત્રના ઊંચા અભ્યાસમાં તલ્લીન બન્યા. સોમેશ્વર એમનો ચોથો ભાઈ બની રહ્યો. પણ એક બાબતમાં બેઉ ભાઈઓ જુદા બેસી કાંઈક ગુસપુસ ગુસપુસ કર્યા કરતા હોય એવી સોમેશ્વરને શંકા પડી. એણે પિતાજીને કહ્યું કે કોઈક છૂપી વાત બેઉ ભાઈઓને સતાવી રહી જણાય છે. છૂપી રીતે એ વાત પોતે પકડી હોય કે પછી અનુમાન કર્યું હોય, પણ ગુરુ કુમારદેવે તેમને એકાંતે લઈ જઈ એક દિવસ કહ્યું: “મેં દોષ કર્યો છે. એક વાત કહેતાં હું ચૂકી ગયો છું. તમારે બેઉ ભાઈઓએ દરરોજ તમારાં માતાપિતાના ઇષ્ટદેવને વંદના કરવા દેરે જઈ આવવું જોઈએ.” બેઉ ભાઈઓ સામસામે જોઈ સહેજ હસ્યા ને પછી વસ્તિગે કહ્યું: “માએ તો એ ભલામણ કરી હતી પણ અમે સંકોચાતા હતા.” "શા માટે?” “આપને ગમે કે...” "બચ્ચાઓ મારા” કુમારદેવે બેઉને ખોળા નજીક ખેંચીને મૃદુ સ્વરે કહ્યું, "મને જો ન ગમે તો મારું બ્રાહ્મણપણું શું? તમને સ્વધર્મી મટાડીને હું પરધર્મી કરવા કેમ ઇચ્છું? તમે સમભાવી બનો, ને કોઈક દિવસ ભવિષ્યમાં, ગુજરાતની ભૂમિને આ ધાર્મિક વૈરબુદ્ધિમાંથી બહાર કાઢો, એ જ મારી તો અભિલાષા છે. સર્વ નદીઓ એક જ સાગરમાં ઠલવાય છે, સર્વ ધર્મો એક જ ઈશ્વરમાં લય થાય છે. સર્વ માર્ગો ગુજરાતના પુનરુદ્ધારની ટોચે લઈ જાઓ! સર્વ વ્યક્તિગત સિદ્ધિઓનો ફૂલહાર ગૂંથાઓ અને મા ગુજરાતને કંઠે આરોપાઓ!” બોલતે બોલતે ગુરુજી જાણે કોઈ મહાસ્તવનમાં ઊતરી ગયા. એનાં નેત્રો મીંચાઈ ગયાં. એનો કંઠ વધુ ને વધુ ઘેરો બનતો ચાલ્યો. એ વૃદ્ધ શિવભક્તના વદન પર વસ્તિગે ને તેજિગે ઓજસ્વતી કોઈ ભવિષ્યવાણી એક સુંદર સ્વપ્ન આલેખતી નિહાળી. પોથીનાં પાનાંમાંથી નહોતું મળતું તે જાણે બેઉને ગુરુદેવના આ શબ્દોમાંથી સાંપડ્યું. તે દિવસથી એમને બેઉને અભ્યાસમાં નવદર્શન થવા લાગ્યું.