ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/અશ્વ

Revision as of 17:31, 2 January 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અશ્વ
પ્રિયકાન્ત મણિયાર

વ્હેલી પરોઢથી મચ્યો અષાઢનો વરસાદ
ને આછી ઘણી છે આવજા રસ્તા ઉપર,
હું હોટલે ચાની હૂંફાળી બાષ્પને ચાહી રહું જ્યાં રોકવા
ત્યાં સ્ટેન્ડ પર એકલ નિહાળું કોક ગાડી એકધારી
ક્યારની દદડી રહી,
ને એટલા પલળેલા પેખું ચર્મના એ દાબડા
ઘેરા બન્યા અંધાર જેવા અશ્વની આંખો ઉપર
કે વ્યોમથી પડતું હજી પાણી હવે પાછું પડે,
શોષાય ના;
બ્રશ સમી કાપેલ એની કેશવાળીની મહીં તો કેટલું રહે?

ધોધ જે પાણી પડ્યું એમાં ઘણું તો વહી ગયું
એ ઠીક,
નહીં તો ક્યારનો ડૂબી ગયો એ હોત!
ને એય પણ કંઈ ઠીક જેવું થાત.
ને હજુ ઉપરાઉપર વરસી રહ્યાં આ વાદળાં,
લિસ્સી રુંવાટીની થકી લસરી રહ્યાં,
થોડાંક પણ એવાં ભરાયાં કાંધ પરના ભારમાં, સામાનમાં,
ને એટલે ચારે તરફ વ્યાપી વળ્યા આ શીતમાં
અકડાઈ ગયેલું પુચ્છ, આખી કાય,
શું એકાદ ક્ષણ બસ અગ્નિની જ્વાળા સમું ધ્રૂજી ઊઠે;
નીચી નમેલી ડોક એવા એક ઊંડા કંપથી
ઊંચી થઈને શીઘ્ર પાછી એ ક્ષણે નીચી પડી,
અંગ આખાની મહીં વ્યાપી વળી લાચાર ત્યારે
અશ્વની શુંયે વિમાસણ –
સૂર્યનો રથ જે વહે એ સપ્તમાંથી એક પોતે
ક્યાંકથી અહીં આવી પડ્યો?