ગુજરાતી એકાંકીસંપદા/કૅબિનની અંદરનો માણસ

From Ekatra Wiki
Revision as of 12:31, 8 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કૅબિનની અંદરનો માણસ
સતીશ વ્યાસ
પાત્રો

સુલેમાન
ભીખો
મનસુખ
રશ્મિ
મોહનકાકા
શ્રીમતી મેઢ
ચાવાળો
મુલાકાતી
માતા
યુવતી

(જોતાંની સાથે જ કોઈ સરકારી ઑફિસની પ્રતીતિ કરાવે એવાં ચેતનવિહીન ટેબલખુરશીઓ, એમની ઉપર ફાઇલોના થોથર લાદીને આરામ ફરમાવી રહ્યા છે. ડાબી તરફ વિંગમાં એનું અલાયદાપણું સૂચવતી એક કૅબિન છે. મંચના અંધારા વચ્ચે પ્રકાશ કેવળ આ કૅબિનમાંથી તગતગી રહ્યો છે. બેબાક નીરવતાના આ માહોલને છંછેડતો, કોઈનો તાળું ખોલવાનો અવાજ સંભળાય છે. ઑફિસનો પટાવાળો હાથમાં ચાવીનો ઝૂડો રમાડતો પ્રવેશે છે. સ્પૉટલાઇટ હવે આ પટાવાળાની નોંધ લઈ એને અનુસરે છે. પટાવાળાની નજર કૅબિનના તગતગતા પ્રકાશ પર પડતાં એને આશ્ચર્ય થાય છે. પછી થોડો ભયભીત થાય છે. જરા સાવધ થઈ, ચીવટ દાખવી, ત્વરાથી એ કૅબિનમાં જાય છે. તરત જાણે કોઈએ બહાર ખદેડ્યો હોય એમ એ બહાર આવે. થોડી વાર વિમાસણમાં ઊભો રહે છે. કૅબિન પાસેના ઉભડક સ્ટૂલ પર બેસી પડે છે. પછી પાછો ઊભો થઈ, વિંગની બહાર જઈ પાણીનો પ્યાલો ટ્રેમાં લઈને કૅબિનમાં જાય છે. ક્ષણવાર પછી બહાર આવે છે. ફરી કૅબિનની બહાર વિચારમાં ઊભો રહી બેએક ડગ આગળ ચાલી પાછો ઊભો રહે છે. ત્યાં સુલેમાન વોરા પાન ખાતાં પ્રવેશે છે.)

સુલેમાનઃ કેમ ભીખા, મૂઢની જેમ શું વિચારે છે?
ભીખોઃ હં…? હા… હા… અ… કંઈ નીં. હા, કંઈ હો ની. બસ ખાલી એમ જ.
સુલેમાનઃ ના, ના. કંઈક તો છે. હાં, હે જ. નહીંતર આમ…?
ભીખોઃ આજે તો… આજે તો… મને તો કંઈ હમજાતું નીં મલે.
સુલેમાનઃ ક્યા સમજ મેં નહીં આતા?
ભીખોઃ એ જ કે સાહેબની પાંહે ઑફિસની ચાવી…
સુલેમાનઃ ચાવી!
ભીખોઃ હા, ચાવી!
સુલેમાનઃ ચાવી તો તારી પાસે રહે છે ને?
ભીખોઃ એ જ વાત છેની! ચાવી મારી પાંહે, મારા કબજામાં જ રહેતી છે… પન… તો પછી?
સુલેમાનઃ ક્યા તો પછી!
ભીખોઃ તો પછી, સાહેબ!
સુલેમાનઃ ક્યા ‘સાહેબ સાહેબ’ લગા રખ્ખા હૈ? જો કહેના હૈ સાફ સાફ જલદી કહ દે! ના, ઊભો રહે, પહેલાં મને મસ્ટરમાં સહી કરી આવવા દે.

(સુલેમન ખિસ્સામાંથી કાંસકો કાઢી વાળને ઑફિસલાયક બનાવે. પાન ખૂણામાં પડેલી થૂંકદાનીમાં થૂંકી નાંખે. જરા કપડાં ઉપર નજર નાખી, બુશશર્ટ ઠીક કરી, કૅબિનમાં જાય. સાપના રાફડામાં પગ મુકાઈ ગયા પછી તરત ખેંચી લેવાય એમ સુલેમાન બહાર આવે. હજી ભીખો તો માથું હલાવતો આંટા મારતો હોય.)

સુલેમાનઃ હાં તો બોલ, ક્યા કહેતા થા?
ભીખોઃ આજે જિયારે મેં ઑફિસનું બાન્નું ખોઈલું ને, હવારે, ને જેવો મેં અંદર આઈવો તો હું જોયું, ખબર છે?
સુલેમાનઃ હું જોયું?
ભીખોઃ જોયું, સાહેબની કૅબિનની લાઇટ ચાલુ!
સુલેમાનઃ તે હશે, કાલની લાઇટ ચાલુ રહી ગઈ હશે.
ભીખોઃ નૈ, એવું ની મલે. કાલના તો મેં જ લાઇટ છેલ્લે બંધ કીધેલી.

(દરમ્યાન મનસુખ પટેલ અને રશ્મિ શાહ પ્રવેશે.)

મનસુખઃ શું છે ભીખા, કઈ લાઇટની વાત કરે છે?
ભીખોઃ આ સાહેબની કૅબિનની સ્તો.
મનસુખઃ અચ્છા, અચ્છા રશ્મિ, રોટલાપત્રકમાં મતું મારી આવીએ.

(બન્ને જરા રઘવાટમાં કૅબિનમાં દાખલ થાય. કૅબિને એમને ઓકી નાખ્યા હોય એમ તરત જ એ બન્ને બહાર આવી. પોતાની ખુરશીઓ પર ગોઠવાય. જાણે કોઈ ઘગઘગતી ભઠ્ઠીમાંથી બહાર આવ્યા હોય એમ બન્ને પરસેવે રેબઝેબ. રૂમાલ-નૅપ્કિનથી મોં લૂછે.)

ભીખોઃ કૅબિનની – લાઇટ જોઈને પેલ્લાં તો મને અચરજ થિયું. પછી થોડી બીક હો લાગી.
મનસુખઃ હવે એમાં બીક શાની?
ભીખોઃ લે, બીક ની લાગે કે? મને તો વેમ હો ગિયો કે કોઈ ચોર-લૂંટારો તો ની હોય ને મહીં?
રશ્મિઃ પછી?
ભીખોઃ મેં તો બીતો બીતો દાખલ થિયો, અંદર સાહેબ તો હાજરાહજૂર!
મનસુખઃ કાલના કદાચ ઘરે જ નહીં ગયા હોય!
ભીખોઃ ની રૈ! કાલના તો એ ગિયા. એમની ગાડી ગેઈ પછી મેં પોતે તાળું મારેલું!
રશ્મિઃ એટલે તું એમ કહેવા માગે છે કે તાળું ખોલ્યું એ પહેલાંના સાહેબ અંદર છે!
ભીખોઃ એ જ તો રામાયણ કરતો છું કેવારનો! આઈ તમે સીતાના હરણ જેવું કઈરું!
રશ્મિઃ કદાચ ઑફિસની ડુપ્લિકેટ ચાવી એમની પાસે રાખતા હશે.
ભીખોઃ હા, હોં. એવું હોય બી ખરું. આપને બધાં નિયમિત આવીએ છીએ કે ની એની ખાંખત રાખવા ડુપ્લિકેટ ચાવીથી બાન્નું ખોઈલું ઓહે ને વેલ્લા આવી ગિયા ઓહે!
સુલેમાનઃ હોગા, હમે ક્યા? હમ કહાં દેર સે આતે હૈ? જુઓ ને હજી સુધી આપણાં મિસિસ મેઢ…
મનસુખઃ આપણાં મિસિસ?
સુલેમાનઃ આઈ મીન એટલે કે, યાની… એ મિસિસ મેઢ ને આપણા –
મનસુખઃ પાછું આપણા?
સુલેમાનઃ હાં, મિસિસ મેઢ અને મોહનકાકા હજી ક્યાં આવ્યા છે?
મનસુખઃ મોહનકાકા? હેડક્લાર્ક છે ભાઈ, આવી પહોંચશે બન્ને સજોડે!
રશ્મિઃ સજોડે ન કહેવાય કાંદા! જોડે જોડે કહેવાય.
મનસુખઃ એ તો એમ જ કહેવાય, ક્યોં સુલેમાન?
સુલેમાનઃ દેખ મનસુખ, હમેં ઐસીવૈસી બાતોં મેં મત ડાલ. વૈસે ભી મોહનચાચા મુઝપે નારાજ સે રહેતે હૈ, ઔર એસી બાતેં સૂન કે–
મનસુખઃ લો, આ ગઈ સવારી!…

(મોહનકાકા અને સગર્ભા મિસિસ મેઢ રીઢું હસતી, બધા સામે જોતી, કૅબિન તરફ જાય. મિસિસ મેઢે પર્સમાંથી પેન બહાર કાઢી રાખી છે. ફ્રીજનું બારણું ખોલી ઝડપથી બંધ કરી દેવાનું હોય એમ બન્ને તરફ પાછા આવે. મિસિસ મેઢ કંઈક વધુ પડતાં ગભરાયેલાં છે.

મનસુખઃ કાકા, મિસિસ મેઢ તો હમણાં મોડાં પડે એ સમજ્યાં, પણ તમે કેમ?
મોહનકાકાઃ હવે જીભ સખણી રાખ ને પટેલિયા. નથી શોભતો જરાયે.

(મનસુખ હસે. મિસિસ મેઢ પણ ગભરાટ ત્યજી હળવી મુસ્કાન સાથે પોતાની જગા લે. મોહનકાકા એમને બેઠેલાં જોઈ, પોતાની જગા પર બેસે.)

મેઢઃ આજે તો સાહેબ વહેલા આવી ગયા લાગે છે?
મનસુખઃ કેમ, ડર લાગે છે?
મેઢઃ હેં…? ના, ના. આ તો અમસ્તું.
મનસુખઃ સાહેબ રોજ તમારાથી વહેલા આવી જ જાય છે ને?
રશ્મિઃ આજે અમારા બધાથી પણ વહેલા આવી ગયા છે!
ભીખોઃ અરે, તમારા બધાથી તો ઠીક, પન સાહેબ તો મારાથી હો વેલ્લા આવી ગયેલા છે જો. મેં કેવારનો સલમાનભાઈને એ જ કે’તો છું.
મોહનકાકાઃ તારાથીયે વહેલા? એટલે ઑફિસની ચાવી તો તારી પાસે રહે છે?
સલેમાનઃ સાબ પાસે ડુપ્લિકેટ ચાવી હશે. એનાથી તાળું ખોલીને–
મનસુખઃ એટલું વહેલું શું દાટ્યું હશે એમને અહીંયાં?… શકોરું?
રશ્મિઃ હશે ઑફિસનું કંઈ કામ?
મોહનકાકાઃ કામ વળી સાહેબોને કેવું? કામ હોય કર્મચારીઓને! સક્કરમીની જીભ ને અક્કરમીના ટાંટિયા!
મનસુખઃ હવે બોલ્યા તે સાચું મોહનકાકા! આવું સાહેબને સંભળાવી દો તો ખરા.
મોહનકાકાઃ ના હોં ભાઈ, એ તો મનમાં જ માંડવાનું ને મનમાં જ રાંડવાનું. મારે હવે રિટાયર્ડ થવાનેય ક્યાં ઝાઝી વાર છે?
મેઢઃ તમે તો આમ સાહેબોનું સાંભળી સાંભળીને જ વરસો કાઢી નાંખ્યાં.
મોહનકાકાઃ સાચી વાત. હવે કાઢ્યાં એટલાં ક્યાં કાઢવાનાં છે? આ જતી ઉંમરે ક્યાં સામે થવાના ધખારા કરીએ?
મનસુખઃ જતી ઉંમર શેની? જુવાનિયાને શરમાવે એવા અડીખમ લાગો છો, કેમ મેઢબહેન, સાચી વાત ને?
મોહનકાકાઃ બેસ બેસ હવે! ડાહ્યો થા મા. હવે તો જેમ વીતી ગઈ એમ રગશિયે જ વિતાવી દઈએ ને પેન્શને પહોંચીએ એટલે હરિ ઓમ તત્ સત્.
રશ્મિઃ કાકા તમારે કદી સાહેબ સાથે ઝઘડો થયો જ નથી?
મોહનકાકાઃ આપણે એક વાત જાણીએઃ માલિકને મૂઢે ને ગઘેડાની પૂઠે ઊભા રહેવાય જ નહીં!
મનસુખઃ કાકા, એવા ને એવા રહ્યા.
મોહનકાકાઃ આમ ગપાટા માર્યા વગર કામ શરૂ કરો, કામ.
મેઢઃ (ફાઇલ જોતાં જોતાં) સાહેબ કદાચ છે ને જોવાજાણવા વહેલા આવ્યા હશે, આપણામાંથી કોણ મોડું આવે છે.
મનસુખઃ એની ચિંતા તમારે હોય કે કાં તો આ મોહનકાકાને!
મોહનકાકાઃ જો મનસુખિયા, એલફેલ ન બોલતો.
ભીખોઃ મોહનકાકા, આ સાહેબને ઘેરે કંઈ કામ ની ઓહે? રોજ્જે તમે બધાં જાઓ પછી કેટલીયે વારે એ ઘેરે જવા નીકળે. આજે તો આવી હો કેટલા વેલ્લા પૂઈગા?
મનસુખઃ ઘરે બૈરી જોડે બનતું નહીં હોય. એટલે આખો દહાડો ગુડાઈ રહેતો હશે અહીંયાં?
મેઢઃ ના રે ના. એમનાં વાઇફ ઘણાં સુશીલ છે. હું મળી છું એમને. સાવ સીધાં.
મનસુખઃ આપણા આ ભાઈ સીધા નહીં હોય ને!
મેઢઃ ના, ના. મને તો સાહેબ પણ સીધા લાગ્યા છે. આપણે વહેલાં-મોડાં થઈએ, કંઈક ભૂલચૂક કરીએ – મેમો આપ્યો છે એમણે? હાં, મોઢામોઢ કહી દે થોડું, પણ પછી કાંઈ નહીં! નહીં કશી ખટપટ, નહીં રોકટોક! કામથી કામ!
સુલેમાનઃ હાં, બાત તો સચ હૈ.
મોહનકાકાઃ તોય તમે બધાં – હા, બધાં જ એનાથી ડરો છો, કેમ?
મનસુખઃ કોણ ડરે છે? બૉસ હોય તો એના ઘરનો! – અહીંયાં શું છે?
રશ્મિઃ ઘરના શાના? બૉસ તો અહીંના જ ને? બૉસ એટલે બૉસ વળી. મને તો એમની પાસે જતાં થોડો ડર લાગે.
મેઢઃ મનેયે–
સુલેમાનઃ વૈસે તો મુઝે ભી કભી કભી લગતા હૈ.
ભીખોઃ મોહનકાકા? તમને?
મોહનકાકાઃ હેં – હા, હા. તને?
ભીખોઃ મને હો…
મનસુખઃ આપણે તો રાજ્જા બિન્ધાસ્ત. ડરેફરે મારી બલા.

(એવામાં કૅબિનમાંથી કૉલબૅલનો અવાજ સંભળાય છે. બધા સફાળા. બધાંની નજર કૅબિન પર અને ચહેરો કૅબિનની દિશામાં. ભીખો અંદર જાય. એક ફાઇલ લઈ બહાર આવે. ફાઇલ મોહનકાકાને આપે. મોહનકાકા કશુંક લખીને સુલેમાનને આપે.)

મોહનકાકાઃ સુલેમાન, આ આજે ને આજે પૂરું કરવાનું છે.
મનસુખઃ (બગાસું ખાતાં) એ ભીખા, જરા જો ને. હજી સામેથી ચા કેમ નથી આવી?
ભીખોઃ જઈ આમ સાહેબ.

ભીખો જાય.

રશ્મિઃ સાહેબને ચાની ટેવ નહીં હોય?
મેઢઃ ઘરેથી થર્મોસમાં લાવતા હશે.
મનસુખઃ બાય ધ વે મેઢબહેન, આજે લંચબૉક્સમાં શું છે?
મેઢઃ હાંડવો.
મનસુખઃ વેરી નાઇસ.
મેઢઃ તમે?
મનસુખઃ હું તો મૂઠિયાંવાળો છું – તમે મોહનકાકા?
મોહનકાકાઃ હમણાં બૉક્સ ખોલીને જુએ છે–કોણ? જે હોય એ અંદર!
મનસુખઃ સુલેમાન તુમ ક્યા લાયે હો બે? કબાબ કિ બિરયાની?
રશ્મિઃ મૂંગો મર ને મનસુખિયા. સાલો. બધાનું લન્ચ બગાડશે.

(ચાવાળો આવે. બધા ચા પીતાં પીતાં.)

મેઢઃ સાહેબને આપણી સાથે ચાનું કે લન્ચ લેવાનું મન નહીં થતું હોય?
રશ્મિઃ એ અધિકારી કહેવાય, આપણી સાથે ન બેસે.
મોહનકાકાઃ હા જ તો. એમણે સ્ટેટસ તો જાળવવું જ પડે ને! નહિતર આ મનસુખિયા જેવા જરાયે મર્યાદા નો રાખે.
મનસુખઃ સ્ટેટસવાળા ન જોયા હોય તો મોટા! (થોડી વારે ચાની ચૂસકી લીધા પછી) મોહનકાકા, આ મેઢબહેનનું મોઢું કેવું પ્રફુલ્લિત લાગે છે, નહીં?
મેઢઃ હવે મૂંગો રહે ને છાનોમાનો.
મનસુખઃ હં તો જનરલ વાત કરું છું. જુઓ, સુલેમાનની દાઢીયે કેવી શોભે છે! એક આ રશ્મિનું ડાચું લાગે થોડું દીવેલિયું.
રશ્મિઃ તું મોટો ફુગ્ગાવાળા મોઢાવાળો! ખબર છે. સાહેબ પાસે જઈ આવ, તુંયે થઈ જઈશ દીવેલિયો!
મનસુખઃ બેસ બેસ. મને તો આ સાહેબ પણ દીવેલિયા મોઢાવાળો જ લાગે છે! હેં ને ભીખા. સાહેબનું મોઢું જોયું છે ને? કેવા લાગે છે?
ભીખોઃ કેમ તે તમે કૅબિનમાં ની જતા મલે?
મનસુખઃ હું તો જાઉં છું એવો જ કામ પતાવીને બહાર. નાહકનું એમના જેવાનું મોઢું જોઈને દુઃખી થવાનું! આ તો તું વારંવાર એમની પાસે જાય – એટલે?
ભીખોઃ આપને તો ભઈ, કામથી કામ. ફાઇલ આપી કે નીચી મૂડીએ જવાનું ને નીચીએ બહાર. કંઈ કામ ની મલે એમના મોઢાનું.
મનસુખઃ સુલેમાન, તેં કદી જોયો છે સાહેબનો ચહેરો?
સુલેમાનઃ ન્હૈં ભાઈ, હમને ભી ગૌર સે તો નહીં દેખા, યે મોહનચાચા હમ સે સીનિયર હૈ યહાં – એમણે જોયો હશે.
મોહનકાકાઃ (થોડી વારે) ના હોં, મનેયે સાલું, એમના ચહેરામહોરાનું તો ધ્યાન નથી.

(દરમ્યાન ચાવાળો બધાંના કપરકાબી લઈને જાય.)

મોઢઃ મારે તો સાહેબ પાસે ખાસ જવાનું થતું જ નથી.
રશ્મિઃ મારેયે એવું જ છે ને? તમે બધાં સીનિયર્સ હો પછી અમારા જેવાને તો સાહેબ પાસે જવું જ ન પડે ને?
મનસુખઃ મારું બેટું આ તો ખરું કહેવાય નૈ? આપણા રોજબરોજના સાહેબનો ચહેરો જ આપણે ભાળ્યો નથી. હેં? મેઢબહેન, તમે એમના ઘરેય ગયાં છો, ત્યાં તો સાહેબને જોયા હશે ને?
મેઢઃ જ્યારે જ્યારે એમને ઘરે ગઈ છું ત્યારે એકલાં એમનાં વાઇફ જ મળ્યાં છે. સાહેબ તો ક્યાંક બહાર ગયા હોય.
રશ્મિઃ આ મોહનકાકા સાહેબના ઘરે જઈ આવ્યા છે!
મોહનકાકાઃ ભઈલા! મારુંયૈ આ મેઢબહેન જેવું જ છે. હું ગયો હોઉં કંઈ કામ લઈને, સાહેબને મળવા, સાહેબ હોય જ નહીં. એટલે ધોયેલા મૂળા જેવો પાછો.
સુલેમાનઃ ઘરે ન મળ્યા હોય પણ તમારા કોઈના ઘરે મહેમાન બનીને નથી આવ્યા?
મોહનકાકાઃ ના. સાહેબ, ક્યાંય, કોઈને ઘરે જતા નથી.
મનસુખઃ નવાઈ, નહીં? માળું કોઈ બહારનું આપણને પૂછે, તમારા સાહેબ કેવા? ને આપણે જવાબ જ ન આપી શકીએ, એ કેવું? ઑફિસમાં સાહેબને આવતા કે જતા પણ જોતાં નથી!
રશ્મિઃ ક્યાંથી જોઈએ? આપણાથી વહેલા આવી જાય. આપણે જઈએ પછી જાય. જોયો હોય તો આ ભીખાએ ચહેરો જોયો હોય આવતાં-જતાં.
ભીખોઃ ની ભાઈ, મેં તો એ આવે તિવારે નીચી મૂડીએ ને જતા ઓહે તિવારે હો એમ જ! મારા બાપાએ મને કે’યલું કે સાહેબ લોકોના હામ્મે મોઢે ઊભા ની રે’વાનું એટલે બાઈ, એમના ચહેરાની સરત ની મલે.
મોહનકાકાઃ સાહેબે આખી આ કૅબિનની, અને એના પ્રકાશની રચના એવી કરી છે ને – ચહેરો દેખાય જ નહીં.
ભીખોઃ હા, ખાલી કાળો કાળો ઓળો દેખાય!
મોહનકાકાઃ જાણે કશું બોલતા પણ હોતા નથી.
ભીખોઃ ખાલી ફાઇલ આપની સામ્મું પડી હોય.
મોહનકાકાઃ એની ઉપર થોડી એમની નોંધ હોય – એ જઈ લેવાની.
રશ્મિઃ એમને મળવા આવનારા પણ – કેટલા ઓછા!

(ત્યાં જ બહારથી કોઈ મુલાકાતીનો પ્રવેશ. મુલાકાતી પહેલાં મોહનકાકાને મળે. પછી ભીખાને કાર્ડ આપે. ભીખો કૅબિનમાં જાય, થોડી વારે બહાર આવી, મુલાકાતીને અંદર જવા સૂચવે. મુલાકાતી અંદર.)

મેઢઃ આ ગયા ને? બહાર આવે એટલે પૂછી જોઈએ. ત્રણ-ચાર વાર મળવા આવી ગયા છે. કદાચ એ સાહેબના ચહેરાનું વર્ણન કરી આપે.
મોહનકાકાઃ એમનેય ચહેરો ક્યાંથી દેખવાનો?
મનસુખઃ એય ભીખા, એક કામ કર. અંદર જા. લૅમ્પનું મોઢું સાહેબના મોઢા સામે કરી દે. અમે બધા તારા ગયા પછી તરત અંદર આવી જઈશું, સાહેબનું મોઢું જોવા.
ભીખોઃ ની રે ભાઈ, મારું કામ ની. નોકરી જાય!
મેઢઃ મનસુખભાઈ, તમે ભારે હિંમતવાળા, તમે જ એ કામ–

(મુલાકાતી બહાર આવે.)

મનસુખઃ એ ભાઈ.
મુલાકાતીઃ બોલો?
મનસુખઃ એક વાત પૂછવી છે, પૂછું?
મુલાકાતીઃ પૂછો.
મનસુખઃ સાહેબનો ચહેરો જોયો છે?
મુલાકાતીઃ કેમ?
મનસુખઃ બસ અમથું, જોયો છે ખરો?
મુલાકાતીઃ એવી નવરાશ કોને છે? કોટેશન્સ આપી, સહી કરાવી, પાછા. બધાંનાં મોઢાં જોવા રહીએ તો પારેય ન આવે. અમે તો કૅબિન, ને અંદરની ખુરશીને ઓળખીએ.

(જાય છે.)

મેઢઃ મારે કાલની રજા લેવી છે, સાહેબ પાસે જવું છે, પણ હિમ્મત ચાલતી નથી.
મનસુખઃ કેમ, ગાયનેક પાસે જવું છે?
મેઢઃ મજાક છોડો. જોકે જવું છે તો ડૉક્ટર પાસે જ.
મનસુખઃ સામટી રજા લઈ લો ને! થોડાં વહેલાં–
મેઢઃ મૂંગા રહો મૂંગા હવે, હજી તો ઘણી વાર છે. આ તો કાલે, જરા રૂટીન ચેક-અપ.
મોહનકાકાઃ જાઓ ને. સાહેબ ના નહીં પાડે.
મેઢઃ સાહેબ પાસે જતાં પગ ધ્રૂજવા માંડે છે. એમની કૅબિનનું વાતાવરણ જ એવું લાગે છે ને કે–
મનસુખઃ તમે લેડીઝ બધી બીકણ જ રહેવાની! અમારા જેવા હોય તો, આ ફટ જઈને કહી દઈએ–

(કૅબિનમાંથી કૉલબૅલ વાગે. બધાના ચહેરા યંત્રવત્ કૅબિનની દિશામાં સ્થિર. ભીખો જઈને બહાર આવે.)

ભીખોઃ મનસુખભાઈ, સાહેબ બોલાવે છે.
મનસુખઃ મને?
ભીખોઃ હા, તમને!
રશ્મિઃ ત્યારે મનસુખ, લૅમ્પને જરા સાહેબના મોઢા તરફ ફેરવતો આવજે ને! આજે તો સાહેબનું મોઢું જોઈ જ લઈએ.
મોહનકાકાઃ હા, હોં મનસુખલાલ, તો તમે હિંમતવાળા ખરા!
સુલેમાનઃ હાં, હાં, દિખા મનસુખભૈયા, સબ કો અપની હિંમત કા નઝારા–

(મનસુખ જરા ગભરાય. હિંમત ભેગી કરવાના પ્રયાસો કરી કૅબિનમાં જાય. કૅબિનમાંનો વધતો-ઘટતો પ્રકાશ બે વચ્ચે ચાલતી વાત દરમ્યાન સાહેબના વધતા જતા ક્રોધને અને મનસુખની નરમાઈને પ્રગટ કરે. પ્રકાશ સ્થિર થયા પછી મનસુખ ધીમે ધીમે, ગભરાયેલો હોય એવો, બહાર આવે.

ભીખોઃ કેમ મનસુખભાઈ, ખખડાવી લાઈખા કે હું?
મનસુખઃ (સ્વસ્થ હોવાનો ડોળ કરતાં) ખખડાવે? હં-હૈં? ખખડાવે? મને આ મનસુખ પટેલે? હવે ખખડાવ્યા ખખડાવ્યા!
મોહનકાકાઃ ત્યારે અંદર શું કામ બોલાવ્યા હતા?
મનસુખઃ એ તો – એ તો ટેન્ડરવાળી ફાઇલ કેમ પૂરી કરી નથી – હા, એમ કહેવા. મેં તો ફટ ચોપડાવી દીધી – એ તો બે દિવસ પહેલાં પૂરી કરીને તમારા ટેબલ પર મૂકી દીધી છે, તમે સાહેબ છો કે કોણ? હાં, આપણે પટેલિયા – કોઈનીય સાડીબાર નહીં.

(ભીખો પાણીનો ગ્લાસ લઈ આવે. મનસુખને આપે. જાણે એક જ ઘૂંટડે પી જવાનો હોય એમ મનસુખ સડસડાટ ગટગટાવી જાય. પીને એની ખુરશી પર બેસી પડે. એવામાં એક યુવતી, એની માતા સાથે પ્રવેશે.)

યુવતીઃ (ભીખાને) પપ્પા છે અંદર?
મેઢઃ આવો આવો બહેન. પહેલી વાર ઑફિસમાં આવ્યાં!
માતાઃ મને ઑફિસે આવવું ગમતું નથી. પપ્પુએ જીદ કરી આવવું પડ્યું.
મોહનકાકાઃ સારું થયું બહેન – કોઈક વાર અમેય સાહેબનાં સગાંઓને મળીએ ને? મઝામાં? ભીખા, બહેનને ખુરશી આપ.

(ભીખો ખુરશી આપે.)

માતાઃ હા, મઝામાં.
મોહનકાકાઃ દીકરી તું? ખાસ્સી મોટી થઈ ગઈ છે! શું કરે છે હમણાં?
યુવતીઃ બી.એ.ના છેલ્લા વર્ષમાં.
મોહનકાકાઃ એમ! સારું સારું. પછી આવી જાઓ આપણી ઑફિસમાં!
યુવતીઃ ના હોં. આવી ઑફિસબૉફિસ આપણને ન ફાવે. પપ્પાને જોઈ લીધા! હેં ને મમ્મી! મારે તો ભણીને સ્ટેટ્સ જવું છે.
માતાઃ પપ્પુ, વાતો પછી, મોડું થાય છે. પપ્પાને મળી લે. જલદી નીકળવું છે.
રશ્મિઃ (સુલેમાન–મનસુખને) આમને પેલી વાત પૂછી લો.
મનસુખઃ કઈ?
રશ્મિઃ ચહેરો! સાહેબનો! કેવો દેખાય છે એ!
મનસુખઃ હા, હા. બરાબર ને મેઢબહેન?
મેઢઃ બહેન, હમણાં અમારી વચ્ચે વાત ચાલતી હતી, આપણા સાહેબ કેવા દેખાય છે?
યુવતીઃ કેમ, તમે તો રોજ…
સુલેમાનઃ નહીં બહેનજી! એમણે અંદર લૅમ્પ એ રીતે ગોઠવ્યા છે કે આપણો ચહેરો દેખાય પણ આપણને એમનો ચહેરો દેખાય નહીં. દેખાય ખાલી પડછાયો.
યુવતીઃ પપ્પા પણ કમાલ છે ને! એ તો હેન્ડસમ છે, હેન્ડસમ! મમ્મીએ એટલે તો લવમૅરેજ કરેલાં. હેં ને મમ્મી?
માતાઃ (શરમાઈને) એનું શું છે, આટલે વર્ષે?
યુવતીઃ મમ્મી પપ્પાનો લેઇટેસ્ટ ફોટો પર્સમાં કાયમ સાથે રાખે છે.
માતાઃ શું તુંય તે?
મેઢઃ એમ! બતાવો ને, પ્લીઝ.
રશ્મિઃ હા, હા.

(બધાં ટોળે વળીને જુએ છે.)

સુલેમાનઃ વાહ! સાહેબ તો શૂટ-ટાઈમાં હીરો લાગે છે!
યુવતીઃ પપ્પાનાં કપડાં? અપ ટુ ડેટ. ફીટ! કરચલી એક પણ ન ચાલે. ઇસ્ત્રી ટાઇટ… કપડાં પર નાનો સરખો ડાઘ પણ નહીં. મોંઘામાં મોંઘું કાપડ ને ઊંચામાં ઊંચી સિલાઈ. આ ઉંમરે પણ કોઈ યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિ છે પપ્પામાં!
રશ્મિઃ બહેન! સાહેબનો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો છે?
યુવતીઃ પપ્પા ને ગુસ્સો? ઊલટાના અમે ગુસ્સે થઈએ તો એને હસી કાઢે.
માતાઃ હાં, એ ક્યારેય ગુસ્સો નથી કરતા.
રશ્મિઃ બોલવાનું ઓછું હશે.
માતાઃ ના રે ના! ઘરમાં હોય તો કંઈક ને કંઈક બોલબોલ કર્યા જ કરે.
યુવતીઃ ઊલટું બોલતા બંધ કરવા ટોકવા પડે. ઘણી વાર કહું ગાંધારી આંખે પાટા બાંધી રાખતી હતી એમ તમે મોઢે પાટો બાંધી રાખો.
રશ્મિઃ અમે બધાં તો એમનાથી ખૂબ ડરીએ છીએ! એમની કૅબિનમાં લગભગ અંધારું જ હોય!
માતાઃ નવાઈ કહેવાય! એમને અંધારું જરાય ગમતું નથી. ઘરની બધી લાઇટો મોડે સુધી એ ચાલુ જ રાખે. રાતે પણ ભાગ્યે જ ઘરમાં અંધારું હોય.
મનસુખઃ તો પછી અહીં કૅબિનમાં આવી લાઇટની વ્યવસ્થા?
મેઢઃ સાહેબના મોઢા તરફ લૅમ્પ ફેરવીને આવ્યા નહીં ને? તમને યાદ નહોતું કરાવ્યું? બસ, ખાલી જીભ ચલાવી જાણો, ને એય અહીંયાં, અમારી આગળ, બાકી અંદર? મીંદડીના મેં… (હસે)
યુવતીઃ ઊભા રહો, હું જ અંદર જઈ પપ્પાના મોઢા બાજુ લૅમ્પ ફેરવી દઈશ. મમ્મી, તું બેસ અહીં. હું આવું–
મેઢઃ ઊભાં રહો. હું પણ સાથે–

(બન્ને અંદર જાય થોડી વાર પછી કૅબિનમાં પ્રકાશ વધે છે. એકાએક એક મોટી ચીસ સાથે યુવતી પાછા પગલે ડઘાયેલી, ભયત્રસ્ત પાછી આવે છે. મિસિસ મેઢ પણ એની પાછળ લથડતી ચાલે બહાર નીકળે છે. એમનાં અધોવસ્ત્રોમાંથી લોહીની ધારા વહેતી દેખાય. એ તમ્મર ખાઈ નીચે પડવાની તૈયારીમાં, બધાં એની આસપાસ જાણે કૅબિનની ચાર દીવાલ બનીને વીંટળાઈ વળે છે…) (સતીશ વ્યાસનાં શ્રેષ્ઠ એકાંકી)