ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દર્શનવિજય-૧

Revision as of 12:26, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દર્શનવિજય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયતિલકસૂરિની પરંપરામાં રાજવિમલશિષ્ય વાચક મુનિવિજયના શિષ્ય ચંદરાજાનું અદ્ભુતરસિક વૃત્તાંત વર્ણવતા એમના, ૯ અધિકાર, ૫૮ ઢાળ અને ૧૪૫૪ કડીના દુહાદેશીબદ્ધ ‘ચંદચરિત  ચંદ્રાયણ/ચંદમુનિ-પ્રેમલાલચ્છી-રાસ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, કારતક સુદ ૫/૧૦, ગુરુવાર; મુ.)માં કથારસનું પ્રાધન્ય છે તેમ છતાં વર્ણનો, દૃષ્ટાંત વિનિયોગ, સમસ્યા-વિનોદ, આંતરપ્રાસાદિ રચના-ચાતુર્યમાં કવિનું કાવ્યકૌશલ્ય પ્રગટ થાય છે. એમનો અનુક્રમે ૧૫૩૭ અને ૨૨૨ કડીના ૨ અધિકારમાં રચાયેલો ઢાળબદ્ધ ‘વિજ્યતિલકસૂરિ-રાસ’ (પ્રથમ અધિકાર ર.ઈ.૧૬૨૩/સં. ૧૬૭૯, માગશર વદ ૮, રવિવાર; બીજો અધિકાર ર.ઈ.૧૬૪૧/સં. ૧૬૯૭, પોષ સુદ-, રવિવાર; મુ.) છેક હીરવિજયસૂરિના સમયથી ધર્મ સાગરની વિવિધ પ્રરૂપણાને કારણે તપગચ્છમાં સાગરપક્ષ અને વિજયપક્ષ એવાં બે તડાં કેવી રીતે ઊભાં થતાં ગયાં એનો ઇતિહાસ વીગતે આલેખે છે. જેમાં બાદશાહ જહાંગીરે દરમ્યાનગીરી કરેલી એવા આ ઝઘડાનો ઇતિહાસ અહીં બહુધા વિજયપક્ષના દૃષ્ટિબિંદુથી વર્ણવાયો છે. આ ઉપરાંત કવિએ વિવિધ રાગોની ૫૯ કડીની ‘નેમિજિન-સ્તવન/નેમીરાગમાળા-સ્તવન’ (ર.ઈ.૧૬૦૮/સં. ૧૬૬૪, પોષ-૨), તથા ‘દંડક પ્રકરણ વિચાર-ષટ્ત્રિંશિકા-બાલાવબોધ’ એ કૃતિઓ રચેલી છે. કૃતિ : ૧. આકામહોદધિ : ૧ (+સં.); ૨. ઐરાસંગ્રહ : ૪(+સં.). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧,૩ (૧); ૩. મુપુગૂહસૂચી.[ર.ર.દ.]