ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ અખાજી

From Ekatra Wiki
Revision as of 09:25, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદ (અખાજી) : ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં રચાયેલાં અખાજીનાં ૨૫૦ જેટલાં મુદ્રિત પદો મુખ્યત્વે બ્રહ્મતત્ત્વના સ્વરૂપને, એના અનુભવને તથા બ્રહ્મજ્ઞાની-સંત-ગુરુના સ્વભાવ અને મહિમાને ગાય છે તેમજ ગુરુશરણ ને સંતસંગતનો તથા જીવભાવ છોડી શિવપદ પામવાનો બોધ કરે છે. એમાં શૃંગારભાવનો આશ્રય લેતાં પદો વેદાંતી અખાના વિલક્ષણ ઉન્મેષ તરીકે ખાસ ધ્યાન ખેંચે છે. એમાં નટવર કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કામક્રીડા સુધીનો શૃંગાર આલેખાયો છે, સખીભાવની પ્રબળ અભિવ્યક્તિ છે, અસૂયા ને રીસ જેવા મનોભાવોને પણ અવકાશ મળ્યો છે અને સંવાદના માધ્યમનો પણ અવારનવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ છતાં અખાને એમાં પરબ્રહ્મ સાથેનો યોગ અભિપ્રેત છે એના સંકેતો પણ સાંપડ્યા જ કરે છે. બ્રહ્માનુભવની અલૌકિક સ્થિતિનાં ચિત્રાત્મક વર્ણનો પણ પ્રભાવક છે. ગુરુશરણ ને સંતસંગતનો વળીવળીને બોધ કરતા આ તત્ત્વદર્શી કવિ “ગુરુ મારો નવ અવતરે, નવ ધરે ગર્ભવાસ” જેવાં ગુરુલક્ષણવર્ણનો પણ આપે છે ને સગુરાનો નહીં પણ નગુરાનો મહિમા કરે છે એ એની ગુરુભાવનાની વિલક્ષણતા બતાવે છે. અખાની સહજ ને સમૃદ્ધ દૃષ્ટાંતકલા ઉપરાંત “જીવ ખોઈને જીવવું” જેવાં માર્મિક ઉપદેશવચનો, “તે હું જગત જગત મુજ માંહે. હું નિર્ગુણ ગુણનો ભંડાર” જેવી બ્રાહ્મી અવસ્થાની ખુમારીભરી ઉક્તિઓ, “હુંએ હુંને ખોળી કાઢ્યો ભાઈ, હુંએ હુંને ખોળી કાઢ્યો” જેવા નિર્મળ આનંદઉદ્ગારો એના કવિતત્ત્વનો સુખદ સ્પર્શ આપણને કરાવે છે. આત્મકથાત્મક, ઉદ્બોધનાત્મક (કેટલાં બધાં પદો સંતોને ઉદ્દેશીને છે!), રૂપકાત્મક એમ વિવિધ શૈલીભેદોનો વિનિયોગ કરતાં; હોરી, ધમાર, ભજન, કીર્તન, પ્રભાતિયાં, વિષ્ણુપદ આદિ પ્રકારભેદો બતાવતાં; પત્ર, વરસાદ, ખેતી, બજાણિયાના ખેલ જેવાં નવીન રૂપકોનો આશ્રય લેતાં અને પ્રસંગોપાત્ત યોગમાર્ગની પરિભાષા યોજતાં છતાં સામાન્ય રીતે દુર્બોધતાથી મુક્ત ને ક્યારેક તળપદી બાનીમાં ચાલતાં આ પદો અખાના સાહિત્યસર્જનનો લોકગમ્ય અને નોંધપાત્ર ગુણવત્તાવાળો વિભાગ છે. [જ.કો.]