ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વિદ્યાવિલાસ-પવાડુ’

Revision as of 04:31, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘વિદ્યાવિલાસ-પવાડુ’ [ર.ઈ.૧૪૨૯] : પીંપલગચ્છના જૈન સાધુ હીરાણંદસૂરિની દુહા, ચોપાઈ, સવૈયા ઇત્યાદિની દેશીઓમાં રચાયેલી ૧૮૯ કડીની આ કૃતિ(મુ.) આમ તો લોકકથા પર આધારિત છે, પરંતુ એમાંની વાર્તાનું મૂળ વિનયચંદ્રકૃત સંસ્કૃત ‘મલ્લિનાથ મહકાવ્ય’માં મળે છે. માલવદેશની ઉજ્જયિની નગરીના શ્રેષ્ઠી ધનસાગરનો સૌથી નાનો પુત્ર ધનસાગર પિતાએ ઘરમાંથી કાઢી મૂકવાને લીધે શ્રીપુર નગરમાં પંડિત પાસે વિદ્યાભ્યાસ કરવા માટે રહ્યો. વિદ્યાપ્રાપ્તિમાં ઠોઠ હોવાને લીધે તે મૂર્ખચટ્ટ નામથી ઓળખાયો, પરંતુ પછી પોતાની વિનયશીલ પ્રકૃતિને લીધે મૂર્ખચટ્ટમાંથી વિનયચટ્ટ બન્યો, અને સરસ્વતીની કૃપાથી વિનયચટ્ટમાંથી વિદ્યાવિલાસ બન્યો. શ્રીપુર નગરના પ્રધાનપુત્ર મનમોહનના પ્રેમમાં પડેલી રાજપુત્રી સૌભાગ્ય સુંદરીને પછી તે પ્રધાનપુત્રના કહેવાથી બનાવટ કરી પરણ્યો ને આહડ નગરમાં આવીને રહ્યો. ત્યાં મૃદંગવાદનથી સૌભાગ્યસુંદરીના મનને જીતી લઈ એ નગરની રાજકુંવરી ગુણસુંદરી સાથે પણ લગ્ન કર્યા અને અંતે ઉજ્જયિનીના રાજાને હરાવી ઉજ્જયિનીનો રાજા બન્યો. એક વખત જૈન મુનિના ઉપદેશથી તેણે દીક્ષા લીધી. કથાના અંતમાં કંઈક અપ્રસ્તુત રીતે આવતા સદાચારબોધને બાદ કરતાં બુદ્ધિચાતુરીવાળી સમસ્યાબાજી, અદ્ભુતનું તત્ત્વ, કેટલાંક વર્ણનો વગેરેને લીધે રોચક બનેલી, રાજદરબાર, વાણિજ્ય ને સામાન્ય જનજીવને લગતી વીગતોને લીધે તત્કાલીન સામાજિક જીવનને ઉપસાવતી તથા મધ્યકાલીન ગુજરાતીના ભાષાસ્વરૂપને જાળવતી આ કૃતિ ઘણી રીતે ધ્યાનપાત્ર છે.[ભો.સાં.]