ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અદભુતરસ

Revision as of 09:21, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અદ્ભુતરસ : વિસ્મય આ રસનો સ્થાયી ભાવ છે. જગન્નાથે અલૌકિક વસ્તુના દર્શન કે શ્રવણને કારણે ઉત્પન્ન વિકાસ નામની માનસિક વૃત્તિને વિસ્મય કહી છે. અદ્ભુતરસનો આલંબનવિભાવ કોઈ અલૌકિક કે આશ્ચર્યજનક પદાર્થ હોય છે. ઉદ્દીપનવિભાવમાં આવા આશ્ચર્યજનક પદાર્થોનું વિવેચન આવી શકે. અદ્ભુતરસના અનુભાવોમાં સ્તંભ, સ્વેદ, રોમાંચ, સ્વર, ગદ્ગદ થવું તેમજ સંભ્રમનો સમાવેશ થાય છે. વિતર્ક, આવેગ, સ્મૃતિ, હર્ષ, મતિ વગેરે આ રસના સંચારી ભાવ છે. આ રસનો રંગ પીળો હોય છે અને દેવતા બ્રહ્મા છે. ભરતમુનિ અદ્ભુતરસના બે ભેદો પાડે છે : દિવ્યજ અદ્ભુતરસ અને આનંદજ અદ્ભુતરસ. દિવ્યના દર્શનથી દિવ્યજ અદ્ભુત અને હર્ષ કે આનંદથી આનંદજ અદ્ભુતરસ નિષ્પન્ન થાય છે. શારદાતનય અદ્ભુતના વાચિક, આંગિક તેમજ માનસિક એમ ત્રણ પ્રકાર પાડે છે. ધ્યાન, નેત્રવિસ્તાર, પ્રસન્ન ચહેરો, દૃષ્ટિ, આનંદાશ્રુ, રોમાંચ, અનિમેષ નજર, મનની ચંચળતા, માનસ અદ્ભુતનાં રૂપ છે. આંગિકમાં ઊઠી ઊઠીને પડવું, પરસ્પર આશ્લેષ, કૂદવું, નાચવું વગેરે આવે છે. હાહાકાર, શાબાશીના ઉદ્ગારો, મોટેથી હસવું, આનંદનું ગીત અને મોટેથી બોલવું એ વાચિક અદ્ભુતનો આવિષ્કાર છે. આ રસના બીજી રીતે દૃષ્ટ, શ્રુત, સંકીર્તિત તેમજ અનુમિત એમ પણ ભેદ પાડવામાં આવ્યા છે. જોવાથી આશ્ચર્ય થાય તે દૃષ્ટ, અલૌકિક કાર્યના શ્રવણથી શ્રુત, આશ્ચર્યપૂર્વક પ્રશંસા કરવાથી સંકીર્તિત અને અલૌકિક ઘટનાનું અનુમાન થવાથી થતા વિસ્યમને અનુમિત. બાળકૃષ્ણનું ખુલ્લું મુખ જોઈને યશોદાની ઉક્તિમાં દૃષ્ટ અદ્ભુતરસ રહેલો છે. આવા અન્ય ભેદો સ્વયંસ્પષ્ટ છે. નાટકને અંતે હંમેશાં અદ્ભુતરસ યોજવો એમ ભરત કહે છે. વિ.પં.