ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલ્પનવર્તી મનોવિજ્ઞાન અને વિવેચન

Revision as of 12:36, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કલ્પનવર્તી મનોવિજ્ઞાન અને વિવેચન (Imaginal psychology and criticism) : દેરિદાના વિરચનવિચાર સાથે જેમ્ઝ હિલ્મનનો કલ્પનવર્તી મનોવિજ્ઞાનવિચાર ખાસ્સું સામ્ય ધરાવે છે. બંનેએ પશ્ચિમના વિચારજગતમાં ચાલ્યા આવતા અગ્રિમતાક્રમ અને વિરોધોના તર્કને ઊથલાવી નાખ્યા છે. સંકેતક પર સંકેતિતનો, શબ્દ પર અર્થનો, કલ્પન પર સંપ્રત્યય (Concept)નો જે વિશેષાધિકાર હતો એ વિશેષાધિકારનો દેરિદા અને હિલ્મને છેદ ઉડાડ્યો છે. હિલ્મને બતાવ્યું કે જ્યારે જ્યારે આપણે કલ્પનનો અર્થ પૂછીએ છીએ ત્યારે ત્યારે કલ્પનાની સામે અપરાધ કરીએ છીએ. કલ્પન શું કહેવા માગે છે એનું અર્થઘટન કરવું એ વિશ્લેષણના હેતુનું મિથ્યાગ્રહણ છે. કલ્પનને કલ્પન રાખવું અત્યંત મહત્ત્વનું છે કારણ કે કલ્પન આપણને કલ્પનાશીલ શક્યતાઓની વચ્ચે મૂકે છે. પરંતુ ફ્રોય્ડ અને યુંગે કલ્પનોને વિશદ પ્રતીકાત્મક અર્થમાં અનુવાદિત કરેલા. આની સામે હિલ્મન, જ્યારે કલ્પન સંકુલ અને સર્વાશ્લેષી છે, એવો આગ્રહ રાખે છે ત્યારે જોઈ શકાય છે કે અમૂર્ત સંપ્રત્યયની સર્વસામાન્યતાને બદલે એ મૂર્ત કલ્પનની વૈયક્તિકતા પર ભાર મૂકે છે. ટૂંકમાં, હિલ્મનને મતે સ્વપ્નનું અર્થઘટન તો વિરહસ્યીકરણનો પ્રયત્ન છે. સ્વપ્ન જોનારે કલ્પનને સંપ્રત્યયમાં રૂપાન્તરિત કર્યા વિના, એને વિરહસ્યીકૃત કર્યા વિના, એનું અર્થઘટન કે એનો અનુવાદ કર્યા વિના સંવેદવું જોઈએ. કલ્પનનો સંપર્ક ગુમાવીએ તો જ કલ્પનનું અર્થઘટન જન્મે છે. ચં.ટો.