ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યાલંકાર

Revision as of 08:53, 13 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કાવ્યાલંકાર : ભામહનો છઠ્ઠી સદીના મધ્યભાગનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો પ્રથમ ઉપલબ્ધ ગ્રન્થ. ભારતીય કાવ્યશાસ્ત્રનો ક્રમબદ્ધ ઇતિહાસ ભામહના આ ગ્રન્થથી આરંભાય છે. ભરતનું ‘નાટ્યશાસ્ત્ર’ આનાથી પ્રાચીન મનાય છે પણ એનો નિરૂપ્ય વિષય દૃશ્યકાવ્ય-નાટક છે અને નાટકને દૃષ્ટિમાં રાખી કાવ્યાંગોની ચર્ચા એમાં ગૌણભાવે કરાયેલી છે જ્યારે ભામહે ‘કાવ્યાલંકાર’માં કાવ્યાંગોની સ્વતંત્ર રૂપે પ્રતિષ્ઠા કરી કાવ્યશાસ્ત્રને પૃથક્ શાસ્ત્રનું રૂપ પ્રદાન કર્યું. ભરત જો નાટ્યાલોચનની પરંપરાના પ્રવર્તક છે, તો ભામહ કાવ્યાલોચનની પરંપરાના પ્રવર્તક છે એવું આ ગ્રન્થ દ્વારા ફલિત થાય છે. આ ગ્રન્થ કારિકારૂપમાં છે અને છ પરિચ્છેદોમાં વિભક્ત છે. પહેલા પરિચ્છેદમાં પ્રયોજન, હેતુ, લક્ષણ, વગેરેનું નિરૂપણ છે, તો બીજા પરિચ્છેદમાં ગુણ અને અલંકારની; ત્રીજા પરિચ્છેદમાં અલંકારની; ચોથા પરિચ્છેદમાં દોષની; પાંચમા પરિચ્છેદમાં ન્યાયવિરોધી રસની અને છઠ્ઠા પરિચ્છેદમાં શબ્દશુદ્ધિની ચર્ચા છે. એટલેકે કુલ ૪૦૦ શ્લોકોમાં કાવ્યશરીર, અલંકાર, દોષ, ન્યાયનિર્ણય અને શબ્દશુદ્ધિ – એમ પાંચ વિષયનું નિરૂપણ છે. અહીં લક્ષણ અને ઉદાહરણ બંને ભામહે રચેલાં છે. અપવાદરૂપ ત્રણચાર ઉદાહરણ અન્યની રચનાઓમાંથી ઉદ્ધૃત થયાં છે. ભામહપૂર્વે શબ્દાલંકાર અને અર્થાલંકારનો અતિવાદ હતો; અને તે બેનો સમન્વય કરતાં એમણે ‘शब्दार्थौ सीतौ काव्यम्’ જેવું મહત્ત્વનું કાવ્યલક્ષણ આપ્યું છે. એમાં કાવ્યના વ્યવચ્છેદક ધર્મનો નિર્દેશ નથી પણ ભામહ પૂર્વેની ભૂમિકાનો સંકેત જરૂર છે. ભામહ અલંકારનો કાવ્યના વિધાયક તત્ત્વ તરીકે સ્વીકાર કરી એની મહત્તા સ્થાપે છે અને રસનો પણ ‘રસવત્’ ઇત્યાદિ અલંકાર અંતર્ગત સ્વીકાર કરે છે. એટલેકે ભામહ અલંકારવાદી આચાર્ય છે અને અલંકારસંપ્રદાયના પ્રવર્તક છે. ભામહ વૈદિક ધર્મોપાસક અને કાશ્મીરનિવાસી હતા. તેમના પિતાનું નામ ‘રક્તિત્રગોમી’ હતું. આ સિવાય કોઈ વિશેષ માહિતી એમને અંગે મળતી નથી. ચં.ટો.



કાવ્યાલંકાર : રુદ્રટનો નવમી સદીના પ્રારંભનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. ૧૬ અધ્યાયોમાં વિભક્ત આ ગ્રન્થમાં ૪૯૫ કારિકાઓ અને ૨૫૩ ઉદાહરણો છે. પરંતુ ૧૨મા અધ્યાયમાં ૪૦મા શ્લોક પછી ૧૪ શ્લોકને પ્રક્ષિપ્ત ગણીએ તો કુલ ૭૩૪ શ્લોકસંખ્યા થાય છે અને તે મુખ્યત્વે આર્યાછંદમાં છે. રુદ્રટે કાવ્યલક્ષણ, કાવ્યભેદ, શબ્દશક્તિ, વૃત્તિ, દોષ, અલંકાર, રસ, નાયકનાયિકાભેદ વગેરેનું વિવરણ કર્યું છે. એમણે ભામહ, દંડી, ઉદ્ભટ કરતાં વધુ વ્યવસ્થિત રીતે અલંકારોનું વિવેચન કર્યું છે. અલંકારના ‘વાસ્તવ’, ‘ઔપમ્ય’ ‘અતિશય’ અને ‘શ્લેષ’ એવા ચાર વૈજ્ઞાનિક વર્ગ પણ બતાવ્યા છે. કાવ્યમાં રસનું મહત્ત્વ સ્થાપિત કરનાર રુદ્રટ ભરત પછી રસસિદ્ધાન્તના નોંધપાત્ર સમર્થક છે. એમણે ‘પ્રેયાન્’ નામે દશમા રસનું નિરૂપણ કર્યું છે. રુદ્રટના જીવનસંબંધે કોઈ વધુ માહિતી ઉપલબ્ધ નથી. માત્ર એમના ટીકાકાર નમિસાધુના જણાવ્યા પ્રમાણે એમનું બીજું નામ ‘શતાનન્દ’ છે, અને સામવેદી પિતાનું નામ ‘વામુક ભટ્ટ’ છે. ચં.ટો.