ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુરાકલ્પન

From Ekatra Wiki
Revision as of 07:28, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



પુરાકલ્પન : પાશ્ચાત્ય ચિંતનમાં ‘પુરાકલ્પન’ સંજ્ઞા પ્રાચીન સમયથી મૂર્ત પુરાણકથાનો નિર્દેશ કરતી રહી છે. પણ આધુનિક સમયમાં એ સંજ્ઞાને એના આ રૂઢ અર્થ સાથે સંકળાયેલા સૂક્ષ્મ અર્થભેદો પ્રાપ્ત થયા છે. પૌરાણિક વાસ્તવના નિર્માણમાં કામ કરતી પ્રતીકાત્મક પુરાચેતનાનો ખ્યાલ અને પ્રતીકાત્મક નિર્મિતિઓનો ખ્યાલ પણ એની સાથે જોડાયેલો છે. આથી સાવ ઊલટું, આધુનિક યુગના ચિંતકો વર્તમાન માનવસંયોગો અને સમસ્યાઓનો વિચાર કરતાં વાસ્તવિકતા વિરુદ્ધ ભ્રાન્તિનું જગત એવો વિરોધ ઉપસાવે છે. ત્યાં એનો અર્થ સાવ બદલાઈ જાય છે પણ ‘પુરાકલ્પન’ના અર્થબોધની બીજી મોટી મુશ્કેલી એ છે કે એનું વિશ્વ સુરેખ અને અલગ કોટિનું રહ્યું નથી. ધર્મદર્શન, વિધિવિધાન, સામાજિક સંસ્થાઓ અને પરંપરાઓ, લોકસાહિત્ય અને શિષ્ટસાહિત્ય ઉપરાંત અન્ય લલિતકળાઓમાં એ વિસ્તર્યું છે. એટલે ધર્મતત્ત્વચિંતન, સમાજશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, મનોવિશ્લેષણવાદ, સંસ્કૃતિવિચાર એમ જુદાં જુદાં ક્ષેત્રોમાં પરસ્પરથી સાવ ભિન્ન પરિપ્રેક્ષ્યમાં અને સાવ ભિન્ન ભૂમિકાએથી એની વ્યાખ્યાવિચારણા ચાલી છે. આથી એમાં સરળતાથી સંગતિ સાધી ન શકાય તેવી વિચારણાઓના નોખા પ્રવાહો જોવા મળે છે. જગતની વિકસિત-અણવિકસિત લગભગ બધી જ પ્રજાઓને ધર્મગ્રન્થો, વિધિવિધાન, સાહિત્ય આદિ કોઈ ને કોઈ પરંપરા રૂપે પુરાણકથાઓનો નાનોમોટો વારસો મળ્યો છે. ઐતિહાસિક સમય પૂર્વે ઘણુંખરું પુરાણકથાઓ રચાઈ ચૂકી હોવાનું જણાય છે. સૃષ્ટિનાં અદ્ભુત કરાલ દૃશ્યોના પરિવેશ વચ્ચે આદિમ સમાજે દિવ્ય અલૌકિક પુરુષો અને અતિપ્રાકૃતિક ઘટનાઓ પર આધારિત પુરાણકથાઓ રચી છે. એમાં બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની અદ્ભુત કથાઓ, સ્વર્ગ – પૃથ્વી – પાતાળ જેવાં ભુવનોની કલ્પના, દેવદેવતાઓની લોકોત્તર ચમત્કારોની કથાઓ, દેવદાનવના સંઘર્ષો, દિવ્યશક્તિવાળા મહામાનવોની કથાઓ, વિશ્વપ્રકૃતિની અકળ ઘટનાઓ, માનવ, પ્રાણી કે પંખીનું દેવરૂપે કે દેવોનું પ્રાણી, પંખી કે માનવરૂપે પ્રગટીકરણ એવી એ અદ્ભુત બનાવોની લીલામયી કથા છે. એમાંનાં ચરિત્રો, પ્રસંગો, દૃશ્યો – પ્રતીકાત્મક વિશ્વનું આગવું તંત્ર રચે છે. એ વિશ્વ બૌદ્ધિક ચિંતનની કોઈ કોટિમાં, કોઈ વિભાવનામાં ઢાળી શકાય નહિ. કપોલકલ્પિતનાં તત્ત્વોથી સભર એવું એ કથાવિશ્વ સ્વત : છે. અને માનવસમાજને સંપ્રજ્ઞ અને અસંપ્રજ્ઞ બંને સ્તરોએ એકીસાથે પ્રભાવિત કરે છે. પુરાણકથાઓના ઉદ્ભવસ્રોતો, તેના ગર્ભિત કે પ્રગટ અર્થો, તેની સંરચનાઓ, આદિ પાસાંઓના આ વિષયના અભ્યાસીઓએ ઘણી ઝીણવટથી અભ્યાસ કર્યો છે. એમાં ધર્મ અને વિધિવિધાન સાથેના સંબંધોની વિચારણા આગવું મહત્ત્વ ધારણ કરે છે. પુરાણકથાઓ ધાર્મિક વિધિવિધાનના ભાગ રૂપે જન્મી છે કે વિધિવિધાનોના નિર્માણમાં પુરાણકથાઓ ચાલક બળ રહી છે. એવા વિરોધી મતોય અસ્તિત્વમાં આવ્યા છે, પણ જગતની અનેક આદિમ જાતિઓએ જે પુરાણકથાઓ જાળવી રાખી છે તે કોઈ પ્રસિદ્ધ ધર્મ સાથે સંકળાયેલી નથી. એ રીતે પુરાણકથાઓના ઉદ્ભવની ઘટના ધર્મસંસ્થાથી કોઈક રીતે સ્વતંત્ર હોવાનું સમજાય છે. પણ ધર્મસ્થાપના સાથે જન્મેલી કે તેની સાથે સંકળાઈ ગયેલી પુરાણકથાઓ Sacred ગણાઈ છે, અને દંતકથા – પરીકથા – પ્રાણીકથા જેવી લોકકથાઓથી જુદો ઊંચો મોભો ધરાવે છે. હકીકત એ છે કે ધર્મ સાથે સંયોજિત અને સુવિકસિત પુરાણકથાઓ વિશ્વની સંચાલક – નિયામક શક્તિ વિશે, વિશ્વજીવનના પ્રવાહો વિશે, અમુક આસ્થા માન્યતા કે ધારણા પ્રગટ કરે છે. કેટલાંક દૃષ્ટાન્તોમાં સમાજરચના, શાસન, કાનૂન, નીતિમત્તા કે આચારવિચારનાં ધોરણોને લગતા નિર્દેશો એમાં મળે છે. પુરાણકથાઓ દ્વારા સમાજજીવનને એકત્ર કરનારું બળ મળ્યું છ . જીવનનાં શ્રેયાશ્રેય, સદ્અસદ, નૈતિકઅનૈતિક એવા મૂલ્યબોધની એમાં ભૂમિકા મળી હોય છે. સમાજ અને સંસ્કૃતિનાં જતન અને સંવર્ધનમાં પુરાણકથાઓએ આમ આગવી રીતે અર્પણ કર્યું છે. આધુનિક સાહિત્યકારોએ પોતાની વર્ણ્યવસ્તુ લેખે અનેક વાર જાણીતાં પૌરાણિક વૃત્તાંતો કે તેમાંનાં મુખ્ય પાત્રો કે ઘટના લઈ તેમાં નવું રહસ્ય પ્રગટાવ્યું છે. કેટલીક વાર પોતાની કૃતિની રૂપરચના અર્થે પુરાણકથાનો સંરચનાત્મક સિદ્ધાંત કે તેમાં સૂચિત વિધિવિધાનની તરેહને લક્ષમાં લીધી છે. કેટલીક વાર અસંપ્રજ્ઞાત સ્તરના ગહનતર સંઘર્ષો અને તણાવો પૌરાણિક પાત્રોના આશ્રયે રજૂ કર્યા છે. વળી અસ્તિત્વમૂલક સંવેદનાઓની ખોજ કરતાં પુરાણકથાઓનાં પ્રતીકો/ આદ્યરૂપોને અભિવ્યક્તિમાં ગૂંથી લીધાં છે. પ્ર.પ.