ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુરાકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search



પુરાકથા/પુરાકલ્પન (Myth) : કોઈ એક વ્યક્તિ દ્વારા નહિ, પણ કોઈ લોકપરંપરાના સહિયારા વારસારૂપ રચાયેલી કથા. પુરાકથાનાં મૂળ અને એનાં કર્તૃત્વ અજાણ્યાં છે. એવું માનવામાં આવે છે કે એનો ઉદ્ભવ માનવસંસ્કૃતિના ઉષ :કાળ સાથે સંકળાયેલો છે. હેર્ડર જેવા વિદ્વાનના મત અનુસાર અનુભવ અને અર્થની અભિવ્યક્તિ સાધવા મથતી આદિકાળની માનવજાતે એક બાજુથી ભાષા ખીલવી હોય અને બીજી બાજુથી આવી પુરાકથાનું નિર્માણ કર્યું હોય. માનવસંસ્કૃતિના ઉષ :કાળમાં ભાષા જેમ વિધિવિધાનો (rituals) સાથે સંકળાયેલી હતી તેમ આ કથા પણ કોઈક વિધિવિધાનો અને પર્વોની ઉજવણીઓ સાથે સંકળાયેલી હોય એવું મનાય છે. પુરાકથામાં નિરૂપિત કાળ અતિ દૂરનો ભૂતકાળ હોય છે. સાહજિકતા અને સામૂહિકતા એ આ કથાના ગુણો છે. સર્વજનીનતા અને કાલાતીતતા જેવાં લક્ષણોને કારણે એનું આકર્ષણ ઘણું છે. પુરાકથા એ સાહિત્યકૃતિ માટેનું કાચું દ્રવ્ય છે. આવી કથાઓને સાહિત્યિક માવજત પાછળથી અપાય છે. ઇસ્કિલસ, પ્રમીથીઅસ, ઇન્દ્ર, ઉર્વશી વગેરેની કથાઓ આનાં ઉદાહરણરૂપ છે. પ.ના.