ચાંદનીના હંસ/૩૨ પવન

Revision as of 11:54, 16 February 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પવન

હેંગર પર ટાંગેલ ખમીસમાં
ઊડું ઊંડું પવન
મને સઘન બનાવે છે.
વાદળની જેમ ફુલાવે છે મારી છાતી
અને મ્યાન જેવી મજબૂત કરે છે મારી બાંય.
હિમછાયા પર્વતના ખોળે સૂતેલાં જંગલો ખૂંદી
દરિયે વીંટળાઈ આવતા પવન
કાંઠે આવી ઊઘડે છે.
શહેરમાં ભૂલો પડે છે.
શ્વાસમાં રમણે ચડે છે.
અને ભિશ્તીની છલોછલ પખાલ જેવું તંગ કરી મૂકે છે મારું ખોળિયું.
રગેરગમાં ધસમસતા પવનોનું અભિસરણ
મને ફરી ફરીને ફેરવે છે મારામાં.
મારી અજાણી ખાઈઓમાં ગબડાવતો
ધૂંધળાં મેદાનો ઠેકતો
જળઘોડો બની લઈ જાય છે જળના છેક છેલ્લા તળિયે.
વરખ જેવા ચીપકેલા તારાઓ
અને મસમોટા જળચરની આંખ જેવો ચંદ્ર
મને સંદેશાઓ પહોંચાડે છે દૂરના.
પાંપણોની ધારે એકાકાર ક્ષિતિજ.
હું કશુંક કહેવા ઇચ્છું —
અને પરપોટે ઊંચકાઈ આવતો પવન ફાટી પડે છે અવાજના કાંઠાઓ પર.

૨૮-૮-૭૮