ચિલિકા/જ્યાંમહુરી

From Ekatra Wiki
Revision as of 20:40, 4 February 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જ્યાં મહુરી પાવો દુઃખને ધોઈ નાખે છે




સાંભળો: જ્યાં મહુરી પાવો દુઃખને ધોઈ નાખે છે — યજ્ઞેશ દવે


દસેક દિવસથી આહવામાં પડાવ છે. પહાડો સામાન્ય રીતે મને નથી ગમતા. એક ક્લોસ્ટ્રોફોબિક ઇફેક્ટ થાય છે – પુરાઈ ગયા જેવી, મૂંઝાઈ ગયા જેવી લાગણી થાય છે. પણ આહવા ઊંચાઈ પર છે અને થોડા ખુલ્લામાં વસ્યું છે, ચારે તરફ નાનામોટા ડુંગરા છે – પણ દૂર. ક્ષિતિજને ઊંચો ચોકીપહેરો નથી. રાતે આખા આકાશનો ચંદરવો તણાયેલો જોઈ શકાય છે અને આહવાના ઊંચાઈવાળા વિસ્તારમાંથી દૂર દૂરનાં થીજી ગયેલાં હરિત નીલ મોજાંઓ જેવી ગિરિમાલા અને જંગલોનો અબાધિત પ્રદેશ દેખાય છે. ભૂપાલીના આલાપ જેવી સાંજનો રક્ત શ્યામ ધૂસર અંધકાર ગાઢ થતો જાય છે. તેની રક્તાભ ઝાંય ગાઢી થઈ કથ્થાઈ કાળામાં પલટાતી જાય છે. નીચે છૂટુંછવાયું ગામ ફેલાઈને પડ્યું છે. આહવાની સરકારી કચેરી, રહેણાંકનાં પાકાં મકાનો અને વાંસની ગાર લીંપી ભીંતોવાળા છાપરછાયા કસ્બાઓ એક વિરોધ રચે છે. ઢોળાવ ઊતરતી એક ટેકરીની કેડીની કેડે બેસી હું પણ મેદાનમાં ઊતરી આવું છું, અહીંના આંબાપાડા વિસ્તારમાં. બે-ત્રણ દિવસ પહેલાં એક મહુરી પાવો વગાડતા મસ્તીમાં રહેતાં રડુભાઈ પાંડુભાઈની ઓળખાણ થઈ છે. અખાત્રીજના ભવાડા ઉત્સવમાં તે મળી ગયેલો. સ્થાનિક આયોજક શ્રી ગુલાબભાઈ ગવળીએ ઓળખાણ કરાવેલી. ચડ્ડી અને બુશર્ટ પહેરેલો. તાંબાવર્ણા ચહેરા પર ડાંગના અને જિંદગીની તડકીછાંયડીના ચાસ પડેલા. મળ્યો ત્યારે પહેલાં તો તરત જ હાથ જોડ્યા. ચિક્કાર પીધેલો. મહુડો રગેરગમાં, આંખમાં, બોલચાલમાં બધે ચડી ગયેલો. અમે રેકોર્ડિંગ કરવા માટે માનભેર આમંત્રણ આપ્યું તો ભોળું ભોળું હસતા-શરમાતા પ્રૉમિસ આપ્યું હતું કે અખાત્રીજનો ઉત્સવ પત્યે કાલે રેકોર્ડિંગમાં આવશે. આ મહુરી પાવો એ આપણી સાદી વાંસળી કરતાં જુદો. ઉપરનીચે એમ બંને તરફ છેદ. વચ્ચે એક નાની ભૂંગળી. આ ભૂંગળીથી ફૂંક મારી વગાડવાની. આંગળીઓ ફેરવવાથી સૂરો નીચેનાં છિદ્રોમાંથી નીકળે અને સૂરોને પુરાવતા સ્વરો ઉપરનાં ડામર-લાખથી બુરેલાં નાનાં છિદ્રોમાંથી નીકળે. અહીંના લોકો કહે છે કે સવારની નીરવ ઠંડી શાંતિમાં દળણું દળતી સ્ત્રીઓનો થાક આ મહુરી પાવો હરે. અખાત્રીજને બીજે દિવસે રાહ જોઈ. દેખાયો નહીં. ત્રીજો દિવસ ગયો, રાહ જોઈ, દેખાયો નહીં. થયું તેનું ઘર ગોતી તેને ઘરે જ પકડવા દે. પૂછતા પૂછતા ઘર ગોતતા ગયા. મહુરી પાવાવાળો આખા આહવામાં એક જ. આંબાપાડા કસ્બામાં પહોંચતા જ પરસાળો, બારીઓ, બારણાંઓ રસ્તામાં ડોકિયાં કરવા લાગ્યાં. બહારથી હળવી બૂમ પાડી. ઘરવાળી અંધારા ઓરડામાંથી પરસાળના ઉંબરે આવી ઊભી. કાછડો વાળેલી સાડી, નાકમાં મોટી નથ. સતત હસતી વખતે તમાકુથી કાળા ડાઘાવાળા સફેદ દાંત દેખાતા. તે કહે ‘ઘરે ની હુતો’. પછી સંકોચથી આછું આછું હસ્યા કરે. પોતાનાં અને પાડોશીનાં બેચાર છોકરાંએ સમાચાર આપેલા તેથી હળી કાઢી દોડતો આવ્યો. હાથ જોડી રામ રામ કર્યા. અમે પ્રેમથી ઊધડો લીધો કે ‘કેમ ન આવ્યા?’ તે ડાંગીમાં કહે: આખી રાતનો ઉજાગરો હતો તે સૂઈ ગયેલો. બીજે દિવસે એકલા આવતાં થોડો સંકોચ થયો. અમે પાવો સાંભળવાની ઇચ્છા રોકી ન શક્યા. એ અશ્રુત સ્વરો કદી સાંભળ્યા ન હતા. અમે સાંભળવાની ઇચ્છા કહી કે તરત જ અંધારિયા ઘરમાંથી પાવો લાવી નાની ખુલ્લી લીંપેલી પરસાળમાં વગાડવા લાગ્યો. એક પછી એક ધૂનો. એ પાવાનો હળવી હલકભર્યો નરમ મીઠો અવાજ અપૂર્વ હતો. તે સૂરો સાથે કોઈ સ્મૃતિઓ જોડાયેલી ન હતી. તેથી તેના સૂરો કશા અપરિચિત પ્રદેશોમાં, મનની કુંવારી ભૂમિમાં યાત્રા કરાવતા હતા. તેણે જે ધૂનો વગાડી તેમાં એક ધૂન હતી ‘વાંઝણી સ્ત્રીની ધૂન’. આ ધૂન વિશે સમજાવતાં કહે છોકરાંવાળી મા તો છોકરાંવને નવરાવે, ખવરાવે, ધવરાવે, સુવરાવે તેટલો સમય પૂરતો પણ આરામ પામે. જ્યારે વાંઝણી સ્ત્રીને તો જાણે આખો દિવસ કામ કામ ને કામ. એક તરફ છોકરાં ન હોવાનું દુઃખ ને ઉપરથી આ કામ. એવી સ્ત્રીઓની શરીરની પીડા અને મનનું દુ:ખ આ ધૂન સાંભળી હળવાં થાય. માનવીય પ્રેમ, અનુકંપા અને ઊંડી સમજથી હું તો ઘાયલ. અમે ના ન કહી ત્યાં સુધી મન ભરી વગાડ્યું. આંગણાંમાં જ થતો આ ખેલ જોઈ છોકરાંઓ અને પાછલા ઝૂંપડાની બાઈ પણ થાંભલીને અઢેલી ઊભાં રહી ગયાં. નાનકડી પરસાળ અને ઓટલે બેઠેલાં છોકરાંવને બતાવી પૂછ્યું કે તારાં કેટલાં? તો એક બાર-તેર વરસની છોકરીને બતાવીને કહે ‘આની મા મરી ગઈ.’ બીજા આઠેક વરસના છોકરાને દેખાડીને કહે ‘આની બિચારાની મા પણ મરી ગઈ. મેં પૂછ્યું, ‘તો આ ઘરમાં છે તે?’ તો કહે ‘બે-ચાર મા વગરના છોકરાંઓનું કોણ ધ્યાન રાખે? એટલે લગન કર્યાં.’ બેત્રણ લગનથી બેચાર છોકરાંઓ થયેલાં. સંકોચ અને Taboos વગરના અને સહજતાભર્યા આ સમાજમાં મારો સવાલ જ અસ્થાને હતો. છૂટા પડતી વખતે સાંજ વધુ ધૂંધળી થઈ ગઈ હતી. ઝૂંપડીઓમાંથી નીકળતા ધુમાડાથી દૂરનું મેદાન અને શેરી ગાઢ થવા લાગ્યાં હતાં. તેની ઘરવાળી અને છોકરાઓ સાથે વાતો કરતાં કરતાં તેને તાન ચડી કે અચાનક જ મહુરી પાવો વગાડતો વગાડતો નૃત્યની ચાલના આગળપાછળ હળવાં પગલાં લેતો ગાલ ફુલાવી પાવો વગાડતો વગાડતો અદ્ભુત નાચવા લાગ્યો. નાચવા માટે તેને લગ્ન-પ્રસંગ કે કોઈ પર્વ-ઉત્સવના નિમિત્તની જરૂર ન પડી. સંસારમાં તેને દુઃખ તો હશે પણ આ મહુરી પાવો, મહુડો અને નાચ તેને ધોઈ નાખતાં હશે. તેના નૃત્યમાં શાસ્ત્રીયતા ભલે ન હતી પણ કશુંક અનન્ય પ્રાકૃત લાસ્ય હતું. જીવનના સ્ફુર્ત ઉત્સમાંથી આવિર્ભૂત થતો ઉત્સાહ હતો. છૂટા પડતી વખતે અમે અહીંનું લોકધાન નાગલીના રોટલાની ઇચ્છા કરી અને રેકોર્ડિંગ માટે સ્ટુડિયો પર આવે ત્યારે સાથે બાંધી લાવે તેવી વિનંતી કરી. તેણે ઉંબરામાં ઊભેલી પત્ની તરફ નજર મેળવી અમારી આ પરોણાગત સ્વીકારી. તે તો સમજી ત્યારનું હસવા જ લાગેલી. અંધારામાં હાથ ફરકાવતા અમે કસ્બામાંથી વિદાય લીધી. બીજે દિવસે સાંજે પાંચેક વાગે સ્ટુડિયોમાં હાજર. ઇન્દ્રસભામાં ભૂલા પડ્યા જેવી તેની દશા હતી. બીજું કાંઈ બોલ્યા વગર હાથ જોડ્યા પછી તરત જ મેલી થેલીમાંથી સુદામા તાંદુલ કાઢે તેમ છાપામાં ચીવટપૂર્વક વીંટેલા રોટલા કાઢી અમને આપ્યા. રેકોર્ડિંગ કદી કરાવ્યું ન હતું છતાં અમારી સૂચનાઓ તરત જ સમજી ગયો. રેકોર્ડિંગ પૂરું થયા પછી તેનો જ મહુરી પાવો સાંભળવા બુથમાં બોલાવ્યો. સાંભળીને આખો ચહેરો કુતૂહલ, આશ્ચર્ય અને આનંદથી ચમકી ઊઠ્યો. તેનો સૂર પહેલી વાર તેનાથી જુદો પડ્યો. અમે કહ્યું કે ‘આજે સાંજે સાત વાગે જ તારો મહુરી પાવો રેડિયો પર આવશે. આખા ડાંગમાં ગામડે ગામડે ઘરે ઘરે, ડુંગરે ડુંગરે, ખીણે ખીણમાં તારો પાવો સંભળાશે. ને રેડિયો પર તારું નામ પણ આવશે, સાંભળજે.’ સાંજે તે કાર્યક્રમ સાંભળે છે કે નહીં તે જોવા ફરી પહોંચ્યા તેના ઘરે. કાર્યક્રમ પૂરો થવાની થોડી જ વાર હતી. પોતાની ઘરવાળી આડોશ-પાડોશની એકબે સ્ત્રીઓ-છોકરાં ભેગાં થઈ, સાંભળતાં હતાં. કાર્યક્રમ પૂરો થયે તેનું નામ રેડિયો પર બોલાયું ત્યારેક કશુંક માની ન શકાય તેવા આશ્ચર્યાનંદથી તે સાંભળી રહ્યો. અહીંના સ્થાયી ભાવ હાસ્યની એક હળવી લહેર દોડી ગઈ. તેની મોટી છોકરીને સ્ટુડિયોનું વર્ણન કરે: ‘મોટો સરસ ઠંડો રૂમ તેમાં બેસી આપણે વગાડવાનું. આપણા સિવાય કોઈ ન હોય.’ અમે કહ્યું, ‘તારી છોકરીને ડાંગી ગીત ગાવા લેતો આવજે.’ છોકરી તેની બહેનપણીઓ સામે જોઈ હસીને શરમાઈ ગઈ. અમે પૂછ્યું કે, ‘તારા દીકરાને મહુરી પાવો શિખવાડે છે ને!’ તો અફસોસથી કહે, ‘ની સીખતો સાયેબ.’ તેની પછીની પેઢી તો ઓયે ઓયે, ઈલુ ઈલુની છે તેનું અમને પણ દુઃખદ ભાન હતું. મહુરી પાવો સાંભળનારા અમે ભલે છેલ્લા ન હોઈએ પણ વગાડનારો તો તે છેલ્લો જ છે, તેનો અફસોસ થયો. છેલ્લાં દસેક વરસથી આકાશવાણીમાં સેંકડો લોકોનું રેકોર્ડિંગ કર્યું છે પણ તે દિવસે જે મજા આવી છે તે મજા ક્યારેય આવી નથી. સાર્થકતા, તૃપ્તિ અને પ્રાપ્તિની લાગણીથી અમે બંને ભર્યા ભર્યા હતા. ઓછી જરૂરિયાત, ઓછાં બંધન, ઓછી આંટીઘૂંટીવાળા અને સહજ સ્ફુર્ત આનંદના આવિર્ભાવથી ભર્યા ભર્યા તે માણસમાં મને આપણી માનવજાતિનું દૂર વીસરાઈ ગયેલું ભોળું બાળપણ દેખાયેલું. હજીય ઘણી વાર આંખો બંધ કરું છું ને મોડી સાંજના પ્રકાશમાં પરસાળમાં મહુરી પાવો લઈ નાચતી છાયાચિત્ર જેવી તેની છાયા દેખાય છે.