તુલસી-ક્યારો/૧૫. ‘સુકાઈ ગયા છો!’

From Ekatra Wiki
Revision as of 08:10, 31 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. ‘સુકાઈ ગયા છો!’| }} {{Poem2Open}} “શા માટે પણ મારો જીવ …” એટલું બોલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૫. ‘સુકાઈ ગયા છો!’

“શા માટે પણ મારો જીવ …” એટલું બોલતે વીરસુતે જ્યારે ભડોભડ બારણાં ખોલ્યાં ત્યારે એણે ભયભીત પુત્ર દેવુને દીઠો. કેમ જાણે રોજની વેળાએ આવ્યો હોય તેમ દેવુ બોલ્યો : “બાપુજી, ચા પી લો.” પ્રોફેસર વીરસુતે પોતાની દૃષ્ટિ સામે દીઠું – પોતાનું બાળક નહીં પણ જાણે પોતાનું પાપ : કુદરતનો જાણે પોતાના ઉપર કટાક્ષ : પોતાની ગત પત્નીએ જાણે પકડાવેલો એક મોટો પથ્થર. કોઈક ત્રાહિત સત્તા જાણે પોતાના યૌવન પર આ અત્યાચાર કરી નાસી ગઈ છે! જેને પોતે કદી ચાહી નહોતો શક્યો તે સ્ત્રીએ કેમ જાણે પોતાની આશાભરી યુવાવસ્થાનાં કિરણો શોષી લઈને એક અંગાર સળગાવી પોતાના જીવનમાં ચાંપી દીધો હોય! આવડું બાળક મારે હોઈ જ કેમ શકે? હું અભ્યાસ કરતો હતો ત્યારે આ શિશુને અવતરવા હક્ક જ શો હતો? હું શું આવડા છોકરાનો બાપ હોઈ શકું? દેવુની હાજરીનો એને સર્પદંશ લાગ્યો. મૂએલી પત્ની એના જોબન સાથે આ કશીક છલભરી રમત કરી ગઈ હતી. એને પોતે કોઈ દિવસ ખોળામાં બેસાર્યો નહોતો, એક રમકડું પણ આણી દીધું નહોતું. વૅકેશનમાં પતિ આવશે ને એકાદ ઝબૉલાનું કપડું, એકાદ ફૂટબૉલ, એકાદ નાનું ઍરોપ્લેન લેતા આવશે – એવી આશા સેવતી બેઠેલી પત્નીને મળતી વખતે વીરસુત યાદ કરી આપવાનું ચૂકતો નહીં કે, ‘આ તો તારી દેહલોલુપતાનું પાપી વિષફળ છે... …’ વગેરે વગેરે. એવો છોકરો આવડો મોટો કેમ કરતાં થઈ ગયો? હજુય મોટો ને મોટો થતો કેમ જાય છે? જેમ જેમ એ વયમાં ને ઊંચાઈમાં વધે છે તેમ તેમ એ જાણે કે જગતની સમીપ મારી નાલાયકી અને મારી વધતી જતી ઉમ્મર પોકારી રહે છે. હું ક્યાં આનો બાપ બનવા જેવડો ઉંમરવાન આધેડ બની ગયો છું! હું હજુ યૌવનના ઉંબરમાં પગ મૂકી રહ્યો છું. મારી જોડીના જુવાનો તો હજી પ્રણય કરી રહેલ છે! ચાનો પ્યાલો દેવુના હાથમાં થંભી રહ્યો છે ત્યાં તો આવા આવા વિચારોની એના માથાના પોલાણમાં કંઈક સુસવાટીઓ બોલી ગઈ. એ ઉતાવળી જીભે કહેવા જતો હતો કે, ‘અહીં મારી ચેષ્ટા જોવા આવેલ છો ને? તારી બાની શિખવણી મુજબ મારા પર વેર લેવા આવેલ છો ને?’ પરંતુ એટલું બોલતાં પહેલાં એની જીભને ઝાલી રાખનારું કોણ જાણે કેવુંય રાંકપણું એણે દેવુના ગોળ નાના ચહેરામાં દીઠું. એણે પ્યાલો દેવુના હાથમાંથી લીધો કે તરત દેવુએ કહ્યું : “બાપુ, અમે હમણાં જ આવ્યા. પણ હું તો દાદાજીથી નાસીને આવ્યો છું.” “કેમ?” “તમારી પાસે જલદી આવવાનું મન થયું. ને મામાજી મૂકવા આવ્યા.” “ક્યાં છે?” “એ રહ્યા – ગ્યાસલેટના ડબાવાળી ઓરડીમાં બેઠા છે. એ તમારાથી ડરે છે, બાપુ! કોણ જાણે કેમ, પણ એ ડરે છે!” “તું નથી ડરતો?” “ના.” “કેમ?” ‘કેમકે તમે મારો ચાનો પ્યાલો લીધો.’ દેવુ મનમાં બોલ્યો. દેવુનું મનમાં બોલવું બાપને બીકથી ભરેલું જ ભાસ્યું. આ છોકરો હજી ડરી રહ્યો છે. ડરે છે તેથી જ મને ફોસલાવે છે; ને મારી ખુશામત કરે છે. જે જુવાનને પત્નીએ તિરસ્કારી–તરછોડી–ધુતકારી પારકાને હાથે માર ખવરાવ્યો હતો, જે પ્રોફેસરને મિત્ર ગણતા માનવીએ પોતાના જીવનમાં અંતર્ગત સંસાર પરત્વે પણ તાબેદાર ગુલામ બનાવ્યો હતો, તેના તેજોવધ ઉપર જાણે આ છોકરાની ખુશામતે ટાઢા જળની ધારા રેડી. પિતાએ ચા પી લીધી ત્યાં સુધી બાળક નોકર જેવો બની ઊભો રહ્યો. પિતાના ઘરમાં પેસનાર બાળકને પિતાની ગૃહસામગ્રી ફેંદવાનો, દીવાલ પરની તસવીરો પલંગ પર ચડીચડીને જોવાનો, તોડવાનો, ફોડવાનો ને શાહી કે ગુંદર ઢોળવાનો જન્મસિદ્ધ હક્ક હોય છે. એવા એક પણ હક્કનો ઉપયોગ કર્યા વગર દેવુ ઊભો રહ્યો, એ પિતાને સારું લાગ્યું. ચાનો ખાલી પ્યાલો ઉઠાવીને દેવુ પિતાના મોં પર તાકતો જ ઊભો હતો. “શું જુએ છે?” પિતાએ કડકાઈ બતાવવાનો દુર્લભ મોકો પોતાના સતત અપમાનિત જીવનમાં અત્યારે મેળવ્યો. “તમે સુકાઈ ગયા છો. દાદાજી દેખે તો શું કહે?” એમ કહી બાળક બીજી બાજુ જોઈ ગયો. ‘તમે સુકાઈ ગયા છો’ એટલું જ વાક્ય : વીરસુતની ખોપરીની કોઈ એક અંધારી અવાવરુ ગુફાનાં દ્વારને ધકેલીને અંદરની રજ ઉરાડતો, ઘણાં વર્ષો પૂર્વે મગજના ભોંયરામાં સુષુપ્ત પડેલો આ સૂર કોનો સળવળી ઊઠ્યો? આ જ વાક્ય મને કોણ કહેતું હતું? કોઈક વારંવાર કહેતું; ને સાંભળતી વારે સખત કંટાળો છૂટતો. સામો હું જવાબ વાળતો : ‘તારે તેની કશી ખોટ પડી છે!’ ... હા, હા, યાદ આવ્યું : દેવુની પરલોકે પળેલી બા જ એ બોલ બોલતી. રજાઓમાં જ્યારે જ્યારે ન-છૂટકે મળવા જવું પડતું, ત્યારેત્યારે આ નાના છોકરાને મારા ખોળામાં મૂકવા પ્રયત્ન કરતી એ સ્ત્રીના હાથને અને હાથમાંના બાળકને હું તરછોડી નાખતો. ને એ તરછોડવું ગળી જતી; કોઈને ખબર પણ ન પડી જાય તે આવડતથી એ અપમાનને પી જતી. પોતે જાણે પોતાની જાતને જ એ અપમાનનું ભાન ન થવા દેવા માટે બોલી ઊઠતી કે, ‘તમે બહુ સુકાઈ ગયા છો!’ આ છોકરોય શું એ દિવસોની અભાન સ્થિતિમાં સાંભળેલો પોતાની બાનો એ બોલ યાદદાસ્તમાં મઢી રાખી આજે ઉચ્ચારતો હતો? પ્રોફેસરને આ બધું નહોતું ગમતું. દીકરો બોલે તે તો ગમતું હતું; પણ એના બોલ્યા પરથી જે ભૂતકાળ યાદ આવતો હતો તેની અકળામણ થતી હતી. પણ આ છોકરો મારા પર શાં શાં વીતકો વીતી રહેલ છે તે જાણતો હશે? જાણતો ન હોય એમ બને નહીં. ભદ્રાભાભી બધું જ જાણીને બેઠાં છે; એમણે પણ કહ્યું જ હશે ને! “ભદ્રાબાએ તને કાંઈ કહ્યું?” એણે પૂછ્યું. “કહ્યું કે મારાં બા થોડા દિવસ માટે મારા મામાને ઘેર ગયાં છે.” એટલું બોલી દેવુએ ફરી મોં ફેરવી લીધું. એના અનુચ્ચારણમાંથી જ બધી માહિતી બોલી રહી હતી. વીરસુતના મન પર તો એક જ અસર ઘૂંટાઈ ગઈ : ભદ્રા આટલા દિવસથી ઘરમાં હતી, ને આટલી આટલી આબરૂહાનિની પરંપરાની તલેતલ સાક્ષી હતી, છતાં એક પણ વાર એકાદ શબ્દ પણ એ સંબંધે ઉચ્ચાર્યો નહોતો. છોકરો સર્વ વીતકોની જાણ લઈને આવેલ છે, પણ એક ઇશારોય કરતો નથી. આ લોકો મને મહેણાંટોણાંય કેમ મારતાં નથી? મારો ત્યાગ કરીને કેમ ચાલ્યા જતા નથી? એવું કાંઈક અવળું વેણ બોલત તો તો એમને ખખડાવી નાખી આંહીંથી હાંકી કાઢવાનું પણ એક કારણ મળી જાત! પણ વીરસુતના હાથમાં આ સ્વજનોએ એકેય હથિયાર આપ્યું નહીં. એણે દેવુને કહ્યું : “ભદ્રાબાએ ચા પીધી?” “ના.” “તું પાજે. અને સાથે કશુંક ખવરાવજે. એમણે ત્રણ દિવસથી ઉપવાસો કર્યા છે.” બોલાઈ તો ગયું, પણ પછી બીક લાગી કે કદાચ દેવુ ઉપવાસનું કારણ પૂછશે. પરંતુ એવું કશું જ પૂછ્યા વગર દેવુ બહાર નીકળી ગયો. એના ગયા પછી વીરસુત ફરી ટેબલ પર બેઠો. એનું ચિત્ત ટેબલ પરથી ચાલી નીકળ્યું હતું તે પાછું આવતું નહોતું. આવતી કાલે તો કેસ ચાલવાનો છે. એ દુષ્ટાનો અને એના રક્ષક ભાસ્કરનો પૂરેપૂરો ભવાડો કરવો છે. શહેરનો એક પક્ષ પણ પોતાના પક્ષે ઊભો રહેનાર છે. ત્રણ-ચાર દંપતી-જીવન પર ભાસ્કરે શિરજોરી ચલાવી હતી, તેઓ પોતપોતાની દાઝ એકઠી કરીને વીરસુતની સહાયે ઊભવાનાં છે. વકીલો પણ પોતાની વહારે ધાનાર છે. અને કેટલાક ખાટસવાદિયા લોકો પણ આ તમાશામાં રોનક પૂરવા વીરસુતના પક્ષે ઢોલકી વગાડવા લાગ્યા હતા. વીરસુતનો પુરાવો મજબૂત કરવા એક વ્યક્તિ તો ઘરમાં જ બેઠી હતી. એ હતી ભદ્રા. ભદ્રાને અદાલતમાં તેડી જવાનું કાર્ય જરા કઠિન હતું; પણ દેવુ આવ્યો છે એટલે એમાં સરળતા થવાની આશા હતી. આવી કડીઓ અંતરમાં ગોઠવતો વીરસુત પોતાના કટ્ટર નિશ્ચયની વધુ ને વધુ કદર કરી રહ્યો હતો. ત્યાં દેવુએ પાછા આવીને ખબર દીધા : “બાપુજી, ભદ્રાબાએ ચા સાથે દશમી પણ ખાધી છે. તમે ચા પીધી એટલે એમણે પણ પીધી છે. એ કહે છે કે તમે ખાશોપીશો તો એ પણ ખાશેપીશે.” “વારુ!” એમ કહી વીરસુત ભદ્રાની પાસે અદાલતમાં આવવાની વાત મૂકવાનો સમય વિચારી રહ્યો. સાંજનો સમય હતો. દેવુ બહાર નીકળી પડ્યો. એણે વીણીવીણીને થોડા વધુ પથ્થરો – ગોળાકાર સુંદર પથ્થરો : ઘાટીલા, વજનદાર અને ઘા કરવામાં ફાવે તેવા સરખા પથ્થરો – પણ પોતાનાં બંને ખિસ્સાંમાં ભર્યા. પોતાનો ઘા કેટલો દૂર જઈ શકે છે, ને પોતાની તાક કેવીક ચોક્કસ છે, એ નક્કી કરવા એણે ઝાડનાં પાંદડાં પર પથ્થરો ફેંકી પણ જોયા. ફેંકતો ફેંકતો એ વિશેષ દૂર નીકળી ગયો. સારી પેઠે એકાંત મળતી ગઈ. આવી નિર્જનતામાં જો નઠારી નવી બા મળી જાય તો મારું કામ પાકી જાય, એવી એવી કલ્પના એના નાનકડા માથાને ધગાવી રહી. એવામાં એણે સ્ત્રીઓનું એક ટોળું દીઠું. બીજી સ્ત્રીઓ એમાંની એક સ્ત્રીને હાથ પકડીને ખેંચી રહી હતી. સાથે બે-ત્રણ પુરુષો પણ હતા. જે સ્ત્રીનો હાથ ખેંચાઈ રહ્યો હતો તે જાણે કે આગળ વધવા આનાકાની કરતી હતી. દેવુ જેમ નજીક પહોંચ્યો તેમ તેણે પેલી હાથ ખેંચનારીઓના સ્વરો પણ સાંભળ્યા. “ચાલ તું તારે! રસ્તો કાંઈ કોઈના બાપનો નથી – આ તો જાહેર રસ્તો. હિંમત કરીને નીકળ : શું કરી નાખવાનું છે કોઈ?” “કરી તો શું નાખશે કોઈ?” પેલી સ્ત્રી જવાબ દેતી હતી : “પણ મને એ જગ્યા, એ ઘર – બધું જ હવે ખાવા ધાય છે.” “ચાલ ચાલ. એની આંખોને ચગદતાં જ ચાલ્યાં જઈએ. એની છાતી પર થઈને ચાલીએ. અમસ્તાં કંઈ આપણે ઊંચાં નથી આવી શકવાનાં!” બીજીએ કહ્યું : “અમે તો એને ‘શેમ! શેમ!’ પોકારવાનાં. ચાલ.” એમ બોલતી એ સ્ત્રીઓ પેલી અચકાતી સ્ત્રીને લેતી આગળ વધી, ને દેવુએ એ અચકાતી સ્ત્રીને ઓળખી : એ જ નવી બા! એના હાથ સળવળી ઊઠ્યા.