તુલસી-ક્યારો/૧૬. સસરાને દીઠા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૬. સસરાને દીઠા

નવી બાને ઓળખી, અને દેવુનો હાથ ઢીલો પડ્યો. પથ્થર એની હથેળીના પરસેવામાં રેબઝેબ બન્યો. ને પછી ધીરે ધીરે એ પથ્થર હાથમાંથી સરી પડી પૃથ્વીને ખોળે ચાલ્યો ગયો. આમ કેમ બન્યું? ખુન્નસ ક્યાં ગયું? દાઝ કેમ ટક્કર ઝીલી ન શકી? દેવુએ દીઠી – પોતે કલ્પી હતી તેનાથી સાવ જુદી જ એ સ્ત્રીની મુખાકૃતિ. કલ્પી હતી બહેકેલી, ફાટેલી, બેશરમ અને નફ્ફટાઈના રંગો ઉછાળતી મુખાકૃતિ : પ્રત્યક્ષ દીઠી વેદનાભરી, લજ્જાભરી, શોકાર્ત અને પરવશ નારી-પ્રતિમા. જાણે એ તો આકુલ અને દિશાશૂન્ય બની ગઈ હતી. સાથીદાર સ્ત્રીઓ એને આમતેમ ખેંચતી હતી. સાથીદાર પુરુષો પણ એને આગળ થવા ધકાવી રહ્યા હતા. એની અનિચ્છાને સાથીદારો જોરદાર શબ્દોના ચાબુકો લગાવી ઉત્તેજિત કરતા હતા. એની દશા તળાવમાં માછલાંના ઠેલા ખાતા કોઈ નિર્જીવ લાકડાના ટુકડા જેવી, પવનની ઘૂમરીમાં ચક્કર ચક્કર ચકડોળે ચડેલા કોઈ અજીઠા પડિયા જેવી, દેખાઈ. સાથીઓમાંથી એક પુરુષ ટોણા મારી રહ્યો : “ભણીગણી બંડખોરીનાં ભાષણો પણ કરતી હતી. આજે કોણ જાણે એ બધું ક્યાં ગયું!” “સ્ત્રીઓ તો, બસ, બોલવે જ શૂરી હોય છે. કરી દેખાડવાનો મોકો મળે છે ત્યારે તો છાતી બેસી જ જાય છે! કાલે કોર્ટમાં ઊભીશ ત્યારે તારું શું થશે, હેં કંચન? યાદ રાખ : જો ત્યાં તારી જીભ થોથરાઈ છે ને, તો … …” એ પુરુષે બાકી રહેલું વાક્ય શબ્દોથી નહીં પણ આંખોના ડોળાના ઘુરકાટ વડે પૂરું કર્યું. એના ડોળા આખા ટોળા પર પથરાઈ વળ્યા. “એ તો, ભાસ્કરભાઈ,” ઉપલું બોલનારને બીજી સ્ત્રીએ કહ્યું : “તમારે એની જુબાની થાય ત્યારે સામે જ જોઈ ઊભવું પડશે; નહીંતર એ કાંઈકને બદલે કાંઈક ભરડી મારશે!” ટોળાની પાછળ પાછળ થોડે અંતરે ચાલ્યો જતો દેવુ આ વાર્તાલાપ સાંભળતો ઊકળતો હતો, કંપતો હતો, ફાળ ખાતો હતો – જાણે કોઈ રાક્ષસી માયાના ઓળા તળે પોતે ચાલ્યો જતો હતો. ને એણે ઓળખ્યો – નવી બાના મદદગાર ને રક્ષણહાર એ સ્ત્રી-સન્માનના આદર્શધારી ભાસ્કરને. એ ભાસ્કરે પેલી સૂચના આપનાર સ્ત્રીનો બરડો થાબડ્યો તે પણ દેવુએ જોયું. પોતે આ દૃશ્યને અને આ વર્તનને જોવા ટેવાયેલો નહોતો. દેવુની અશક્ત લાગણીઓ જાણે કે તાતી-તીણી સોટીઓ બનવા તલસી ઊઠી. પિતાનું ઘર નજીક આવતું હતું. ટોળું ‘શેમ શેમ’ના શોર ધીરે ધીરે ઉઠાવતું હતું. એની વચ્ચે નવી બા અકળાતી અકળાતી નીચે જોઈ મ્લાન વદને ચાલતી હતી, ને એની પીઠ થાબડતો ભાસ્કર કહેતો હતો : “હિંમત રાખ! બહાદુર બન!” મકાન નજીક આવ્યું. કંચને મહામહેનતે ઊંચું માથું કરી મકાન તરફ જોયું. જોતાંની વાર એ ઝબકી. સૂર્યાસ્ત થઈ ગયો હતો. વીજળીના દીવા ઝળહળતા હતા, દીવાના એ ઝળહળાટમાં પતિના ઘરના બગીચાનાં ફૂલઝાડ વચ્ચે એણે એક પુરુષને ઊભેલ દીઠો : ઊંચી દેહકાઠી, ઉઘાડે શરીરે જનોઈના સફેદ ત્રાગડા ઝૂલતા હતા. કપાળ પર ચાંદલો હતો. હાથ જોડી પ્રશાંત મને ઊભો ઊભો એ સાઠેક વર્ષનો પુરુષ ગંભીર સંધ્યાના કોઈ નિગૂઢ આત્માને નમતો હતો. ‘શેમ શેમ’ શબ્દોથી ચમક્યા–ઝબક્યા વગર એનું મોં પ્રાર્થનામાં ભીંજાતું હતું. એને દેખતાં જ કંચન થંભી, ટોળામાંથી પાછી ફરી. ઉતાવળે પગે એ નાસી છૂટી. એને શું થયું તેની સમજ ન પડતાં સૌ થોડી વાર થોભ્યાં. પછી બધાં પાછાં કંચનને પકડવા દોડ્યાં. બૂમો પડતી હતી : “બીકણ! બાયલી! નિર્માલ્ય!” બધાં એ બોલતાં રહ્યાં અને કંચને દોટ કાઢી. એ કઈ ગલી તરફ દોડી ગઈ તેની કોઈને જાણ નહોતી. બધાં ધીમાં પડ્યાં. ફક્ત ભાસ્કર ઉતાવળે કંચનની શોધમાં ચાલ્યો. અરધી દોડતી ને અરધી ચાલતી એ નારી પાછળ પાછળ જોતી હતી. એને દોડતી દેખી દેવુ પણ ગલીમાં આગળ દોડ્યો ગયો હતો. ગલીને ખૂણે એક આસોપાલવના ઝાડ હેઠળ એ છાયામાં ઊભો હતો. આસોપાલવની બાજુએ જ કોઈકના બંગલાના ચોગાનમાંથી રાતરાણીનાં પુષ્પો છૂપી સુગંધ છોડી રહ્યાં હતાં. દેવુએ બાને દોડતી આવતી દીઠી. સીધે માર્ગે એ દોડી જશે ત્યારે પથ્થર લગાવવાનો લાગ મળશે એવી એને આશા હતી. ત્યાં તો કંચન પણ સીધો માર્ગ છોડી આસોપાલવની છાયા હેઠળ થાક ખાવા ઊભી રહી. દેવુ અને કંચન લગોલગ થઈ ગયાં. દેવુએ કંચનની છાતીની હાંફે હાંફે સ્પષ્ટ શબ્દો સાંભળ્યા : “હાશ! હાશ! હે ભગવાન! આમાંથી છોડાવો!” શામાંથી છૂટવા માગતી હતી આ યુવતી? પોતાને પ્રાપ્ત થયેલી સ્વતંત્રતામાંથી? પોતાને સાંપડેલી નૂતન યુગના પૂજકોની સહાનુભૂતિમાંથી? પુરુષના જુલમો ઉઘાડા પાડવાની પોતાને આવતી કાલે જ મળવાની તકમાંથી? શામાંથી? હાંફતી હાંફતી એ ફરી વાર બોલી : “ઓ બા!” અને, કોણ જાણે કેમ પણ, દેવુના હાથમાંથી બીજો પથ્થર પણ નીચે પડી ગયો, ને જીભેથી શબ્દ છૂટી ગયો : “બા!” ‘બા!’ એવા ઉચ્ચારણને ન ટેવાયેલી હોવા છતાં કંચન કોણ જાણે કયા ભાવથી, કયા કુતૂહલથી, કઈ દિલસોજીથી એ ઉચ્ચારણ કરનાર તરફ ફરી. ઘાટી વૃક્ષછાયા જાણે કે કોઈ કુમળા કિશોરને ખોળામાં લપેટી રહી હતી. બેઉની વચ્ચે એક દૃષ્ટિ થઈ શકી નહીં ને કંચન ‘કોણ છો, અલ્યા?’ એટલું પૂછવા જાય છે, ત્યાં તો એની પાછળ એના ખભા પર ભાસ્કરનો પહોળો પંજો જરા જોરથી પડ્યો. ‘બા’ શબ્દ બોલનાર બાળકને કંચન પૂરો પારખે તે પૂર્વે તો એને આ પંજાના મૂંગા પછડાટથી ચોંકી પાછળ જોવું પડ્યું. “અરે! અરે!” ભાસ્કરે વાણીને માર્દવભીની કરી : “આટલી ચમકે છે શાને વારુ!” બોલતે બોલતે ભાસ્કરનો હાથ કંચનના ખભા પરથી ચઢીને એના માથા પર ફરવા લાગ્યો. એણે કહ્યું : “તું ચમક ના. હું તારી સાથે જ છું. ચાલ, આપણે ફરીને જઈએ.” “ના, પણ...” કહેતે કંચને ભાસ્કરનો હાથ પોતાના શરીર પરથી હળવેથી દૂર કર્યો. “વારુ! કંઈ નહીં! કાંઈ નહીં કરું. નિર્ભય રહે. પણ મને કહે તો ખરી : તું કેમ પાછી નાઠી?” ભાસ્કર પાસે તો મૃદુતાનો પણ અખૂટ ખજાનો હતો. “મારા – મારા સસરા જેવા મેં દીઠા કોઈક.” કંચને સાડી સંકોરતે સંકોરતે કહ્યું. “ક્યાં દીઠા? કોણ તારા સસરા?” “બગીચામાં સંધ્યા કરતા દીઠા.” “ઓળખી કાઢ્યો?” “ઓળખાઈ જાય તેવા છે. મને એમની લજ્જા આવે છે. એ કાલે કોર્ટમાં હાજર રહેવાના હશે. શું થશે?” “તો શું છે?” “હું એમની સામે કેમ કરી ઊભી રહી શકીશ?” “ઘેલી! વેવલી! શી લાગણીવશતા! એ બાપડાની શી તાકાત છે કે કોર્ટમાં ઊભોય રહી શકે? હું એના કાનમાં કીડા ખરે તેવો મામલો મચાવીશ – જોજે તો ખરી! ચાલ હવે!” એમ કહેતે કહેતે એણે ફરીથી કંચનના દેહ પર હાથ થાબડવા પ્રયત્ન કર્યો. પણ કંચન જાણે ત્યાં ઊભેલા આસોપાલવની છાયાની જનશૂન્યતાથી પણ શરમાતી હોય તેમ એ હાથને દૂર ઠેલી ચાલી. “આ શા ચાળા માંડ્યા છે?” અપમાન પામ્યા જેવો ભાસ્કર પોતાના સત્તાવાહી અવાજ પર ફરી પાછો આવતો થયો. “પગે લાગું, ભાઈસા’બ! અત્યારે નહીં ...” કંચન રગરગતી હતી. “પણ આ તે શા લાગણીવેડા! હવે છેક આજે ઊઠીને! આટલા દિવસ તો …” “છોડો મને, બાપુ! પગે લાગું!” કહેતી કંચન જેમ જેમ પેલા ‘બા’ શબ્દોચ્ચાર કરનાર તરફ ચમકતી નજર નાખતી નાખતી દૂર નાસતી હતી તેમ તેમ ભાસ્કર વધુ ને વધુ આક્રમણકારી બની રહ્યો હતો. “હું તને કાંઈ નથી કરતો, જરાય સતાવવા નથી માગતો. આ તો સુંદર આસોપાલવની છાયા છે ને રાતરાણી ક્યાંકથી મહેકે છે ને, એટલે તને બીધેલીને જરા શાંતિ મળે માટે ...” પણ એના શબ્દોમાં કે ઝાડની છાયામાં કે રજનીગંધાની સૌરભમાં કંચનને ન જંપવા આપે તેવો એ ઉચ્ચાર ત્યાં જાણે કે પૃથ્વીના દુ:ખિત હૃદયમાં બાકોરું પાડીને નીકળી ચૂક્યો હતો : ‘બા!’ ‘બા’ શબ્દ બોલનાર એ અજાણ્યું બાળક ત્યાંથી છેટે સરી ગયું હતું; બે દીવાલો જ્યાં મળતી હતી તેના ખૂણાને અઢેલીને લપાઈને ઊભું હતું : જાણે એ કોઈ માતૃહીન ભિખારી બાળક હતું. “તું ત્યાં શું જોઈ રહી છે?” ભાસ્કર કંચનને ઠપકો દેવા લાગ્યો. “ચાલો હવે, મારે જલદી ‘આશ્રય-ધામ’માં પહોંચી જવું જોઈએ.” કંચને ઉતાવળ માંડી. પતિગૃહ ત્યજાવીને ભાસ્કરે કંચનને તે જ દિવસથી શહેરના ‘આશ્રય-ધામ’માં મૂકી દીધી હતી. બંડ કરનારી, જુલમોમાં સપડાયેલી, અન્યાય સામે શિર ઊંચકીને નાસી છૂટનારી સ્ત્રીઓને માટે ‘આશ્રય-ધામ’ શરણાગતિનું સ્થાન હતું. “આપણે થોડું ફરીને જઈએ.” “મોડું થાય. નાહક ત્યાં સૌ વહેમાય.” “ન જ વહેમાય. તું ક્યાં બીજા કોઈની સાથે છે – મારી સાથે છે ને? મારી સાથે આવનાર ઉપર જે વહેમાય તેની ખબર કેમ લેવી તે હું જાણું છું. ચાલ તું તારે!” એમ કહીને કંચનના બરડા ઉપર ફરી હાથ થાબડનાર ભાસ્કર હસ્યો. એ હાસ્યથી આસોપાલવનાં પાંદડાં જાણે હાલી ઊઠ્યાં. ને એ હાસ્યથી પેલા ખૂણામાં છુપાયેલો છોકરો દેવુ સવિશેષ સંકોડાયો.