તુલસી-ક્યારો/૨. જબરી બા

From Ekatra Wiki
Revision as of 06:17, 31 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨. જબરી બા

“તારી બા જબરું માણસ હતાં!” દાદા દેવુને સાંજ-સવાર એની બાના જબરાપણાનું સ્મરણ કરાવતા. પણ દેવુ એ ‘જબરી’ શબ્દના આધારે બેવડિયા ને ઊંચા, પડછંદ દેહવાળી કોઈક બાઈની કલ્પના કરતો. એવી બાના પુત્ર હોવું એને ગમતું નહીં. “જબરી હતી તેમાં શું?” દેવુ ચિડાઈને મોં બગાડતો. “એણે જ મને હંમેશાં કહાવ્યા કરેલું ...” “શું?” “... કે, બાપુજી, કોને ખબર છે આપણે કોના પ્રારબ્ધનો રોટલો ખાતાં હશું?” “એટલે શું, દાદાજી?” “એટલે એમ કે આપણા ઘરમાં બા-ફોઈ યમુનાફોઈ છે; તારા બાપથી મોટેરા ભાઈ ગુજરી ગયા છે તેનાં વિધવા વહુ તારાં ભદ્રાભાભુ છે; તેની નાની દીકરી અનસૂયાને બરડામાં હાડકું વધે છે. પછી બીજા આપણા ઘરમાં તારાં દાદીમા જે મરી ગયાં છે તેમના નાના ભાઈ – એટલે તારા બાપુના મામા – જ્યેષ્ઠારામ મામા છે. એ બાપડા આંધળા છે. હવે... એ બધાં આપણી સાથે રહે છે, પણ એ તો કશું કમાઈ લાવતાં નથી; કમાય છે તો એકલા તારા બાપ. ને બીજું આવે છે મારું પંદર રૂપિયા પેન્શન. પણ તારા બાપને, એ ભણીને આવ્યા કે તરત, મોટી નોકરી શાથી મળી ગઈ હશે – જાણે છે? … ના, હુંયે જાણતો નથી. પણ બીજા તો કૈંક તારા બાપની જોડેના રખડે છે. તો કોને ખબર છે કે આ આપણા ઘરનાં બધાંમાંથી કોના નસીબનું તારા બાપ નહીં રળતા હોય?” “કહું, દાદા? કહું? મને ખબર છે. કહું? એ... એ યમુના ફોઈના નસીબનું... ના; કહું, દાદા? એ... જ્યેષ્ઠારામ મામાના નસીબનું. ના, ના, ના; રહો, હું કહું : એ... અનસૂયાબેનના...એ ના, ના, ના, દાદા! તમે તો સમજો નહીં ને? હવે ચોક્કસ ને ચોક્કસ કહી દઉં છું, હવે ફરવાનું નથી, હો દાદા! એ... એ કહું? બધાં કરતાં બધાંનાં નસીબનું!” “બસ, તારી બા એમ જ કહેતાં.” “મારી જબરી બા ને? જબરી બા મને નથી ગમતી.” “પણ મને એ બા બહુ ગમતી!” “તમારી પણ બા : લો...ઓ! હો-હો! હી...હી! દાદા તો છે ને કાંઈ! તમારી પણ બા?” “હા, મારી પણ બા. મારા ત્રીસ જ રૂપિયાના પગારમાંથી એ આખા કુટુંબનું ચલાવતી : ખબર છે?” “ને પોતે જબરી હતી તોય શું ઓછું જમતી?” “અરે, મહિનામાં દસ તો ઉપવાસો કરતી. આખું ચોમાસું તો એકટાણાં જ કરતી.” “તો પછી જીવતી શી રીતે?” “જીવતી ન રહી તે એ જ કારણે ને? એ આજ જીવતી હોત તો યમુનાફોઈને ગાંડાંની ઇસ્પિતાલે તારા બાપને તો શું, તારા બાપના બાપને પણ ન લઈ જવા દેત. સિંહણ હતી એ તો!” “ઓ બાપ! જબરી – અને પાછી સિંહણ?” “તારા જેવી જ આંખો. બહુ દયાળુ હતી એ બા.” ‘બા’ બોલની ડોસાના કંઠના તાર પર કશીક ધ્રુજારી ઊઠી તેવું દેવુને લાગ્યું. તેણે પડતી રાતની ભૂખરી પ્રભામાં ડોસાની આંખો પર દીઠાં – બે જળબિંદુઓ. દાદા અને દેવુ આથમતા દિવસના ગોધૂલિ-ટાણે ઘરની નાનકડી મેડીમાં બેઠા બેઠા આમ એક મૂએલા સ્વજનની વાતો કરતા હતા, ત્યારે આઘેથી તેમણે કોઈના બીભત્સ બૂમબરાડા સાંભળ્યા. પસાર થતા રાહદારીમાંથી કોઈકે કહ્યું કે, “માસ્તર, તમારી જમનાને ઘરમાં લઈ લો.” સોમેશ્વર માસ્તરે અને દેવુએ દોડાદોડ બહાર આવી આઘે ઊભેલી યમુનાને દેખી ધ્રાસકો અનુભવ્યો. એના શરીર પર પૂરાં કપડાં નહોતાં. એને આખે દેહે ચાલ્યા જતા લોહીના રેગાડા ફાનસના અજવાળે રાતા તો ન દેખાયા, પણ ભીના ને રેલાતા તો જણાયા. “તેં–તેં–તેં – તારાં–તારાં છાજિયાં લઉં – તેં મને માર ખવડાવવા મોકલી’તી!” એમ બોલતી યમુના સોમેશ્વર દાદાને મારવા દોડી : “હં-અં, તારે મારી માયાનો ખજીનો લઈ લેવો છે. હં-અં, તારે મને ત્યાં ઠાર રખાવવી હતી. હં-અં, મને બધીય ખબર છે : મારી માયા લેવી છે તારે –” એને ફોસલાવવા જનાર સોમેશ્વર દાદાને એણે બે-ચાર લપાટો ને ધુંબા મારી લીધા પછી દેવુ એની પાસે જઈને બોલ્યો : “બા-ફોઈ, હશે; બા-ફોઈ! ચાલો ઘરમાં.” ને ગોવાળ પાછળ ગાય ચાલી આવે એમ યમુનાફોઈ દેવુની પાછળ ઘરમાં ચાલી ગઈ. ત્યાં જતાં જ એ પોતાની નગ્નતાના ભાને છુપાઈ ગઈ. કપડાં એની પાસે ફેંકવામાં આવ્યાં તે પહેરીને અત્યંત શરમાળ પગલે યમુના અપંગ છોકરી અનસૂયા પાસે આવી. બેસીને રમાડવા લાગી. રમાડ્યા પછી એણે પોતાની જાતે જ રસોડામાં જઈને ઢેબરાંનો લોટ બાંધી ઢેબરાં વણવા માંડ્યાં – જાણે એને નખમાંય રોગ નહોતો. દેવુ રસોઈ કરતી યમુના પાસે જઈ બેઠો ને પૂછવા લાગ્યો : “બા-ફોઈ, કોઈએ માર્યાં હતાં તમને?” “બઉ મારે.” “કોણ મારે?” “બધાંય. ખાવા ન દ્યે.” “શા માટે, બા-ફોઈ? તમે કાંઈ તોફાન કર્યું હતું?” “દેવને જોવો છે : અન્સુને જોવી છે : નથી ગમતું : અન્સુને અડવી છે : મારી – મારી – મારી –” એમ કહેતી યમુના રડી પડી. એનાં તૂટક તૂટક વાક્યોનો સળંગ અર્થ દેવુ સમજી શક્યો : યમુનાફોઈને દેવુ ને અનસૂયા બહુ વહાલાં હતાં. તેને મળવાનું વેન લીધું હશે તેથી મારપીટ કરી હશે ઇસ્પિતાલવાળાઓએ. “હેં દાદા!” દેવુ ગરમ પાણીના તપેલા જેવો ઊકળતો ને ખદબદતો સોમેશ્વર માસ્તર પાસે ગયો : “હેં દાદાજી, એ ઇસ્પિતાલમાં શું ગાંડાંને લગાવે છે?” ‘લગાવે’ શબ્દ એ રુઆબથી બોલ્યો. “હા, ભાઈ; બહુ માર મારે.” “તો પછી તમે મને પહેલેથી કહ્યું કેમ નહીં? આપણે બા-ફોઈને ત્યાં મોકલત જ શા માટે?” “ભાઈ, તારા બાપુની ઇચ્છા એને મૂકી આવવાની હતી.” “પણ તમારે મને તો કહેવું હતું ને! મને એવી શી ખબર કે નિશાળોમાં મારતા હોય છે તેવું મંદિરોમાંય મારતા હોય છે ને તેવું ઇસ્પિતાલોમાંય મારતા હોય છે! મને એવી શી ખબર! તમારે મને કહેવું તો હતું, દાદાજી!” દેવુના આ બધા બોલ બળબળતા હૃદયના હતા છતાં હસવું જ ઉપજાવી રહ્યા હતા. દેવુ પોતાની જાતને જે મહત્ત્વ, મોટાઈ, આપી રહ્યો હતો તે ભારી રમૂજી હતી. “તો હવે શું કરવું, દેવુ? લે, હવેથી તને પૂછીને જ પાણી પીવું : પછી છે કાંઈ!” “કરવું શું બીજું! બા-ફોઈને ક્યાંય નથી મોકલવાં. આંહીં જ રાખશું. હું ખરું કહું છું, દાદાજી. તમે ખરું જ માનજો હો, દાદાજી, કે કોને ખબર છે આપણે કોના પ્રારબ્ધનું ખાતાંપીતાં હશું! હું ખરું જ કહું છું.” “ચાલ ચાલ હવે, પાજી, એ તો મેં જ તને કહ્યું હતું!” “તેની હું ક્યાં ના કહું છું? હું પણ તે જ કહું છું ને! હું કહું છું તે જ તમે કહો છો. તમે મને જે કહ્યું છે તે જ હું તમને કહું છું ને!” છોકરો આમ બોલવામાં કશું જ પાજીપણું નહોતો કરતો તેની તો દાદાને ખાતરી હતી. પણ ભોળો છોકરો એવી ભ્રમણામાં પડ્યો હતો કે પોતે જ કેમ જાણે આ નવીન સત્ય શોધી કાઢ્યું હોય! દેવુની દાનત દાદાએ કહેલા સત્યને તફડાવી કાઢીને પોતાના ડહાપણરૂપે બરાડા મારવાની નહોતી. પણ દાદાના એ વાક્યે દેવુમાં એટલું તાદાત્મ્ય કરી નાખ્યું હતું કે એ વાક્ય દાદાએ કહ્યું છે એની જ દેવુને આત્મવિસ્મૃતિ થઈ હતી; પોતાની જ એ સ્વતંત્ર માન્યતા બની ગઈ હતી. આ માન્યતાએ દેવુને રંગી નાખ્યો હતો. એ પૂરું સમજ્યા વિના જ માનતો થઈ ગયો હતો કે, ‘કોને ખબર – આપણે કોના પ્રારબ્ધનું ખાતાં હશું!’