તુલસી-ક્યારો/૪. સસરો

From Ekatra Wiki
Revision as of 06:31, 31 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. સસરો|}} {{Poem2Open}} પ્રોફેસર પુત્રના આ કાગળની વાત કોઈને કર્યા વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪. સસરો

પ્રોફેસર પુત્રના આ કાગળની વાત કોઈને કર્યા વગર માસ્તરસાહેબે ચૂપચાપ માંદી અનસુને પોતાની સાથે હેળવવા માંડી. બધાં જ છોકરાં દાળિયા-રેવડી જેવા ખાદ્ય પદાર્થથી જ રીઝી જાય છે એ વાત માંદલી અનસુએ ખોટી પાડી : દાદાજી પાસેથી ‘ખાઉ ખાઉ’ લઈ-કરીને એ પાછી માની સોડમાં જ ભરાઈ બેસતી! દાદાને મૂંઝવણ થતી હતી કે, માથી દીકરીને નોખી પાડવાનો કયો કીમિયો કરવો? ધીરે ધીરે એને યાદ આવ્યું. બહુ જ નાનેથી મા વગરના થયેલા દેવુને તો દાદા સાથે પ્રીત બંધાતાં મુશ્કેલી નહોતી પડી; પણ પોતાના જ પુત્ર વીરસુતની બાલ્યાવસ્થા એને યાદ આવી. પોતે ‘રાધે ગોવિંદ રાધે, શેરા-પૂરી ખાધે!’ ગાતાં, તાળોટા વગાડતાં વીરસુતની સન્મુખ નાચતા ને કૂદતા હતા. અનસુ પાસે પણ એણે નાચગાન અને તાળોટા આદર્યા. મીઠાઈએ ન કરેલું કામ નૃત્ય-ગીતે કર્યું. અનસુ માંદી માંદી પણ દાદાની સાથે નાચતી ને ગાતી થઈ; દાદા સાથે જ સૂવા લાગી. દાદા અનસુના સંપૂર્ણ કેદી બન્યા તે પછી જ તેણે ભદ્રા વહુને પોતાની પાસે તેડાવ્યાં. બારણાની સહેજ આડશ લઈને ભદ્રા ઊભી રહી. સસરાની આંખો ભદ્રાને ભાળતી ત્યારે ત્યારે અચૂક હંમેશાં એક જ ઠેકાણે ચોંટી રહેતી. આજે પણ એ આંખો ત્યાં જ ચોંટી : ભદ્રાના માથા ઉપર. ત્યાં એ આંખોને શું જોવાનું હતું? મૂંડાવેલા માથા પરના નવા ઊગેલ કેશના કોંટા સફેદ ઓઢણાની આરપાર અણીઓ કાઢતા હતા તેને જાણે કે સસરાની આંખો ગણતી હતી. એ અણીઓ સસરાની આંખોમાં ઘોંચાતી હતી. પુત્રવધૂના વૈધવ્યનો વધુમાં વધુ કરુણ એને એ કેશવિહોણો વેશ લાગતો હતો. તે સિવાય તો પોતે તપાસ લેતા ને સંતોષ પામતા કે વહુનો દેહ દૂબળો નથી પડ્યો; ને વહુનાં થોડાં થોડાં દેખાતાં હાથનાં આંગળાં એમને ખાતરી કરાવતાં કે ભદ્રાને નખમાંયે રોગ નથી. એમણે વાત ઉચ્ચારી : “જુઓ છો ને – છોકરાં સાચવી જાણું છું કે નહીં, હેં બેટા? જુઓ, અનસુને મેં તમારી પાસે પડાવી લીધી છે ને!” જવાબમાં ભદ્રાએ ઘૂમટાની આડશે મંદ મંદ હસતાં, એ ઘૂમટામાં છુપાયેલા પોતાના ચહેરા સામે તાકી ઊભેલા દેવુને કહ્યું : “દેવ! દાદાજીને કહે કે તમે એકલા સસરા જ ક્યાં છો? – તમે તો સાક્ષાત્ સાસુજી પણ છો ને! અનસુને મારો હેડો છૂટ્યો એટલે હું તો શાંતિ પામી છું.” “તો પછી, બચ્ચા, થોડા દી નાનુભાઈને ત્યાં એકલાં અમદાવાદ જઈ આવશો? નાની વહુ બિચારી મૂંઝાતી લાગે છે. ભાઈનો તો કાગળ આવેલો કે, ચિંતા કરશો મા. પણ મારો જીવ કેમ રહે? હું પંડે જ જાઉં એમ થયું. પણ મારા જવાથી વહુને શી સહાય મળે? એ કરતાં તો તમે જ જઈ આવો.” ભદ્રાએ કશો ઉત્તર ન આપ્યો. દેવ તો ભદ્રાના ચહેરા સામે જોઈ રહેલો હતો. ભદ્રાની આંખોમાં સહેજ ચમકાટ ને ગાલો પર લાલ લાલ થોડો ધગધગાટ એણે જોયો ખરો; પણ એવા રંગભાવોનો અર્થ સમજવા જેટલી ઉંમરે હજુ દેવુ નહોતો પહોંચ્યો. “તમને તમારી મરજી વિરુદ્ધ મારે લેશમાત્ર નથી મોકલવાં, હોં કે! વળી પાછાં કહેશો કે કીધું નહીં!” ડોસા ગર્વિષ્ઠ અવાજે બોલ્યા. વિધવા પુત્રવધૂની માનસિક સ્વતંત્રતાનું પાલન કરવાનો પોરસ એના અવાજમાં રણકી રહ્યો. “દાદાજી કહેતા હોય તો મને શો વાંધો છે?” ભદ્રાએ દેવુને જ્યારે આમ કહ્યું ત્યારે એના બોલમાંયે સન્માનદાયક સસરો હોવાનો પોરસ ગુંજ્યો. “ના, એમ ન બોલો, બચ્ચા! તમને ન ગમે ત્યારે સોઈ-ઝાટકીને ના પાડી દેવાની તમને છૂટ છે. મારે કાંઈ તમે વધારાનાં નથી. ન જવાનું કંઈ ખાસ કારણ હોય તો કહો તમેતમારે : બેલાશક કહો – હા, બેલાશક!” ડોસાના મોંમાં જ્યારે ‘બેલાશક’ શબ્દ ગાજતો ત્યારે એની ડોક ઘૂમતા પારેવાની જેમ ફૂલતી. “કહે ને, દેવ, મારું મન હોય-ન-હોય એવો તો વિચાર જ દાદાજીએ નથી કરવાનો. મારું મન જ છે – જે દાદાજી કહે તે કરવાનું.” “તો જઈ આવો, દીકરા! પણ, આમ જુઓ, એક શરતે : ઘરની દરદાગીનાની પેટીઓની ચાવી હું આંહીં નથી સાચવવાનો. એ જોખમ મારી કેડ્યે ન રહે – માથાકૂટ કરાવવી નહીં. આ વખતે બધી જ ચાવીઓ ભેગાં લઈને જવું હોય તો જાવ. ને ઘી-ગોળ-ખાંડ પણ એકાદ મહિનો હાલે એટલાં કાઢી દઈને બાકીનાંને કબાટમાં મૂકી ચાવી સાથે લેતાં જાવ. મારાથી એ બધી પંચાતમાં નહીં પહોંચાય. પોતાનું છે તેની સાચવણ પોતે જ રાખવી પડશે. ચાવીઓનો ઝૂડો મારાથી નહીં વેઠાય. હા, સાથે લઈને જાવ – બેલાશક!” દાદાને બોલે બોલે ભદ્રાબાના મુખ ઉપર ઊર્મિઓનાં જે મંડળો પુરાતાં હતાં, ભાવનાના કણેકણની જે ઢગલીઓ પડતી હતી, તેનું તો દેવુને એ ટાણે કોઈ જંગી પ્રદર્શન સાંપડી ગયું હતું. એની ડોક ઊંચે જોઈ જોઈ દુખવા આવી હતી તો પણ એની જિજ્ઞાસા ખૂટતી નહોતી. ભદ્રાના રંડવાળ ચહેરા પર ભાવોની ભરતી આવ-જા કરતી હતી. તેનું એક કારણ હતું : ત્રણેક વર્ષો પર ન્યુમોનિયાએ એકાએક સમળી ઝડપે તેમ ઝડપી લીધેલા સ્વામીની સાથે એનો મેળ બહુ મધુર હતો. સ્વામીની હયાતીમાં જે પ્રેમ અને સન્માન એ આ ઘરમાં પામી હતી તે કરતાં તો અદકેરાં સન્માન સસરાએ એને માટે કુટુંબમાં જમાવી દીધાં હતાં. ઘરેણાં તો માસ્તરસાહેબના ઘરમાં અલ્પ હતાં. પોતાના લગ્નટાણાના દાગીના જ વારંવાર ભંગાવી તેના રૂપાન્તરમાંથી જ એમણે બે દીકરાનાં લગ્ન કર્યાં હતાં. તેમાં દેવુની બાએ ઘરખર્ચમાં કોશીર (કરકસર) કરી કરી સસરાની આમદાનીમાંથી જે બચત નિચોવેલી તેનું પણ થોડું સોનુંરૂપું ઉમેરાયું હતું. દેવુની બાના પિયરના થોડા દરદાગીના તેમ જ આણાનાં વસ્ત્રોની જુદી પેટી રાખી હતી તેને તો માસ્તરસાહેબે વીરસુતનો સ્પર્શ સુધ્ધાં થવા દીધો નહોતો. છતાં તે પેટીની ચાવી એમણે ભળાવી હતી ભદ્રાવહુને. ભળાવતી વેળા ભદ્રાની આનાકાનીની એમણે આ શબ્દોમાં ખબર લીધી હતી કે, “બેલાશક, તમારે જ ચાવી સાચવવી પડશે. ના કહેવા જેટલું અભિમાન ક્યાંથી કાઢ્યું? દેવુ શું તમારો નથી? દેવુનું છે તે શું તમારે લૂંટાવા ને પીંખાવા દેવું છે!” “પણ એમાંથી કાંઈ હેરફેર થાય તો –” “એ પેટી કો’ક દિવસ ખાલીખમ માલૂમ પડશે તો પણ મારે કબૂલ છે. ચાવી તો તમારે જ સાચવવાની છે – બેલાશક તમારે.” તે પછી સસરાની ને વિધવા પુત્રવધૂની ખરી કસોટી તો વીરસુતનાં બીજાં લગ્ન પછી થઈ હતી. લગ્ન તો પોતે અમદાવાદમાં જ પતાવ્યાં હતાં; પણ તે પછી એકાદ-બે વાર એ નવી નવી પત્ની કંચનને લઈને પિતાને ઘેર આવ્યો હતો. ચાવીઓનો પ્રશ્ન તે વખતે ઉગ્ર બન્યો હતો. પોતે કુટુંબનો એકનો એક રળનાર છતાં ઘરની ચાવી પોતાની પત્નીને ન મળી શકે, નાનીમોટી પ્રત્યેક ચીજ માટે વિધવા ભદ્રાભાભીને જ વિનંતી કરવી પડે, એ વાત અસહ્ય હતી. એમાં વીરસુત પોતાનું ને પોતાનાં નવાં સુશિક્ષિત પત્નીનું અપમાન માનતો હતો. ખરેખર, અવિશ્વાસ સમું બીજું કંઈ અપમાન નથી. પણ વરવધૂ બન્ને આવા કોઈ અસંતોષે ધૂંધવાતાં હતાં તેની ભદ્રાને તો સરત જ નહોતી રહી. એ તો ઊલટું દેર-દેરાણી ઘેર આવ્યાં બાદ બે-ચાર જ દહાડે સસરાની પાસે કમાડની અરધ આડશે હાથ જોડ્યા જેવા કરીને ઊભી ઊભી દેવુની મારફત પરવાનગી માગતી હતી કે, “દેવુ, દાદાજીને કહે – જો મારા પર ક્રોધ ન કરે તો એક વાત માગવા આવી છું.” “વાહ વાહ! મઝાની વાત!” દાદાજીએ હાંસી કરી : “હું પણ ઘરમાં વાઘ-દીપડો જ છું ખરો ને! ઓટલે બેઠો બેઠો કેમ જાણે સામા ઉપર ઘે-ઘે-ઘે-ઘે જ ન કરતો હોઉં! હું જ તમને પૂછું છું, બાપ, કે કયે દહાડે મેં તમારા પર ક્રોધ કર્યો છે?” “દેવ, દાદાજીને કહે : એવું કેમ પૂછો છો?” “બેલાશક પૂછું છું વળી, બેલાશક! નહીંતર તો પછી સીધું પૂછતાં શું ભાલાં વાગે છે?” “તો... કંચનગૌરીને મારે દાગીના પહેરાવવા છે.” “કોના – તમારા? ખબરદાર...” “ના, મારા તો જુનવાણી ઘાટના છે; એમના ગળામાં નહીં ઓપે.” “ત્યારે... શું દેવની બાના?” “હા જ તો!” “દેવની વહુ સિવાય કોઈથી એ પહેરાય કે?” દાદાના આ એકદમ અજાણ્યા બોલથી ચમકેલો દેવુ ભદ્રાબાની સામે જોતો જોતો એવો તો ખસિયાણો પડેલો કે તે પછી જ્યારે જ્યારે દાદાજી જોડે ભદ્રાબાને વાતો કરાવવી હોય ત્યારે ત્યારે એ પહેલી જ શરત ભદ્રાબા સાથે એ કરતો કે, ‘વહુ-ફહુવાળું કશું ન બોલાય તો હું આવું.’ ભદ્રાએ તરત જ સસરાને દબાવ્યા : “કંચનગૌરી પણ દેવની બા જ છે ને!” “છે છે : હું ક્યાં ના કહું છું? પણ – પણ – એમ કાંઈ ...” ચતુર સસરો તે દિવસે ગેંગેં-ફેંફેં થઈ ગયેલો; કારણ કે પોતાને આવતી વહુ પ્રત્યે છૂપો કશોક અણગમો છે એવો એને પોતાના અંત:કરણ માટે અંદેશો પડેલો અને બીક જ લાગી ગયેલી કે આ વાત જો ક્યાંક કંચનગૌરીને કાને જશે તો અત્યારથી જ ઝેરી ઝાડનાં મૂળ ઘાલી જશે. એણે તરત જ ભદ્રાને કહ્યું : “તો પછી એમાં પૂછવાની શું વાટ જોતાં હતાં? તમે સ્વતંત્ર છો. તમારી બાબતમાં તમે કુલમુખત્યાર છો. બેલાશક પહેરવા આપો – બેલાશક.” જ્યારે ભદ્રાએ દેવનાં મૂએલાં બાની પેટી ઉઘાડી, તેમાંથી નાની-મોટી દાબડીઓ ખુલ્લી કરી દેરાણી કંચનને એ ઓરડામાં બોલાવ્યાં, ને કહ્યું : “બેસો, દેવને એની અડવી બા ગમતી નથી; એને તો બાને શણગારવી છે : બેસો જોઉં!” પણ એ ઝીણા-મોટા દાગીના ભદ્રાના હાથમાં ઠઠ્યા રહ્યા, દાબડીઓ ઉઘાડી હતી તે બંધ કરવાનુંય ભાન ભુલાયું, ભદ્રા ને દેવ ત્યાં ને ત્યાં થીજી ગયાં – ચિતરામણમાં આલેખાઈ ગયાં; કેમકે કંચનગૌરી ફક્ત આટલું જ બોલીને ચાલતાં થયાં હતાં : “મારું આ ઘરમાં શું છે? મારે દાન નથી લેવું. અડવી લાગીશ તો મઢાવશે જેને દાઝશે તે!” આ તો એક આગલો પ્રસંગ અમને યાદ આવી ગયો એટલે કહી દીધો. મૂળ મુદ્દો તો ભદ્રાને અમદાવાદ મોકલવાની સસરાની આવડતનો હતો.