દેવદાસ/પ્રકરણ ૪

From Ekatra Wiki
Revision as of 18:01, 14 August 2022 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આમ ને આમ એક વરસ તો વીતી ગયું. પણ હવે વીતતું નહોતું. દેવદાસની માતા ભારે ધાંધલ કરવા લાગી. સ્વામીને બોલાવી તેણે કહ્યું, “દેવો તો છેક ઠોઠ થઇ ગયો- હવે ગમે તે કંઇક ઉપાય કરો.” તે વિચાર કરી બોલ્યા, “દેવાને કલકત્તા જવા દો. નગેનને ઘેર રહેશે તો ખાસ્સો ભણશે પણ ખરો.” નગેનબાબુ દેવદાસના મામા થતા. વાત સૌએ જાણી. પાર્વતી સાંભળીને ગભરાઈ ઊઠી. દેવદાસ એકલો મળ્યો ત્યારે એનો હાથ પકડી ડોલતી ડોલતી બોલી, “દેવદા, તું કલકત્તા જવાનો કે શું?” “કોણે કહ્યું ?” “મોટા કાકા કહે છે.” “છટ્- હું કદી જવાનો નથી.” “અને જો જબરદસ્તીથી મોકલી આપશે તો ?” “જબરદસ્તી ?” દેવદાસે એ વખતે મોઢાનો એક એવો ભાવ ધારણ કર્યો કે જે ઉપરથી પાર્વતી બરાબર સમજી ગઈ કે જબરદસ્તીથી કંઈ પણ કામ તેની પાસે કરાવે તેવું આ જગતમાં કોઈ નથી. એને પણ એ જ જોઈતું હતું એટલે અત્યંત આનંદમાં આવી જઈ, ફરી એક વાર તેનો હાથ પકડી, ફરી એક વાર ડોલી, આમતેમ ફરી, તેનાં મોં સામું જોઈ, હસીને બોલી, “જોજે જતો નહિ હોં, દેવદા !” “કદ્દી પણ નહિ.” પરંતુ તેની આ પ્રતિમા સચવાઈ નહિ. તેના બાપે સારી પેઠે ઉધડો લીધો એટલું જ નહિ પણ ધમકી આપી અને જરા ખોખરો કરીને પણ ધર્મદાસની સાથે તેને કલકત્તા રવાના કરી દીધો. જવાને દિવસે દેવદાસના મનમાં ખૂબ ક્લેશ થયો. નવે સ્થળે જવાનું છે એટલા પૂરતાં પણ આનંદ કે કુતૂહલ તેને થયાં નહિ. પાર્વતીને તે દિવસે તેને કેમે કરી છોડવાનું મન થતું નહોતું. કેટલીય રડારોળ કરી, પણ કોણ તેનું કહેવું સાંભળે ? પહેલાં તો રીસમાં ને રીસમાં થોડીવાર લગી તો દેવદાસ સાથે તે બોલી પણ નહિ; પરંતુ આખરે જ્યારે દેવદાસે તેને બોલાવી કહ્યું, “પારુ, પાછો જલ્દી આવીશ; જો નહિ આવવા દે તો નાસી આવીશ.” ત્યારે, પાર્વતીએ સ્વસ્થ બની, પોતાના ક્ષુદ્ર હૃદયની અનેક વાતો કહી સંભળાવી. ત્યાર પછી, ઘોડાગાડીમાં બેસી, ચામડાની બેગ લઇ માતાના આશીર્વાદ અને આંખમાં આંસુનું છેલ્લું બિંદુ ‘કપાળમાં ચાંલ્લાની જેમ’ ધારણ કરી દેવદાસ ચાલ્યો ગયો. પાર્વતીને કેટકેટલું દુઃખ થયું ! આંખનાં આંસુની કેટકેટલી ધારા ગાલ ભીંજવી વહેવા લાગી ! કેટકેટલા અભિમાનથી તેની છાતી ફાટવા લાગી ! શરૂઆતના કેટલાક દિવસો તેના આમ ને આમ વીત્યા ત્યાર બાદ એક દિવસે એકાએક પ્રાતઃકાળે ઊઠીને જોયું, તો આખા દિવસમાં તેને કંઈ કરવાનું હતું જ નહિ. આજ પહેલાં નિશાળ છોડી દીધી ત્યારથી સવારથી સાંજ લગીનો બધો સમય માત્ર ધાંધલ તથા તોફાનમસ્તીમાં જ પસાર થતો-કેમ જાણે કેટલુંય તેને કરવાનું હોય નહિ ! જાણે વખત જ ટૂંકો પડતો હોય નહિ ? હવે વખતનો પાર નથી, કામ લગીરે શોધ્યું જડતું નથી ! સવારે ઊઠી કોક દિવસ કાગળ લખવા બેસે, દસ વાગી જાય, બા ગુસ્સે થઇ જાય. દાદી સાંભળીને કહે, “અરે છોને લખતી. સવારના પહોરમાં દોડાદોડી કરતાં આવું લખવું-વાંચવું શું ખોટું ?” * વળી પાછો જે દિવસે દેવદાસનો કાગળ આવે તે દિવસ પાર્વતીનો બહુ સુખનો દહાડો. દાદરવાળા ઓરડામાં બારસાખમાં ઊભી ઊભી કાગળ હાથમાં લઈને આખો દિવસ વાંચ્યા કરતી. આખરે બે મહિના વીતી ગયા. પત્ર લખવાનું અને મેળવવાનું હવે પહેલાંના જેટલું રહ્યું નથી. ઉત્સાહ જાણે થોડો થોડો ઓસરતો ગયો છે. એક દિવસ પાર્વતીએ સવારમાં તેની બાને કહ્યું, “બા, હું હવે નિશાળે જઈશ.” “કેમ ?” તેમને થોડુંક આશ્ચર્ય થયું હતું. પાર્વતીએ માથું હલાવી કહ્યું : “મારે બસ જવું જ છે.” “તે જજે. નિશાળે જવાની મેં વળી તને ક્યે દહાડે મના કરી છે, મા ?” તે જ દિવસે બપોરે પાર્વતી દાસીનો હાથ પકડી, બહુ દિવસની છોડી લીધેલી સ્લેટ તથા ચોપડી શોધી કાઢી પેલી પુરાતન જગાએ જઈ શાંત ધીર ભાવે બેઠી. દાસીએ કહ્યું, “ગુરુમહાશય, પારુને હવે મારપીટ કરશો નહિ; પોતાની મેળે જ ભણવા આવી છે. જયારે તેનું મન હશે ત્યારે ભણશે, જયારે નહિ હોય ત્યારે ઘેર જતી રહેશે.” પંડિતમહાશય મનમાં મનમાં બોલ્યા : “તથાસ્તુ” મોટેથી બોલ્યા, “ભલે, એમ કરશું.” એક વખતે તેમને એમ પણ થઇ આવ્યું કે લાવ પૂછી જોંઉ કે પાર્વતીને પણ શા માટે કલકત્તા મોકલી દીધી નહિ ? પણ એ વાત એમણે કહિ નહિ. પાર્વતીએ જોયું તો એ જ ઠેકાણે એ જ બાંકડા ઉપર મોનિટર ભૂલો બેઠેલો છે ! તેને જોઈ પહેલાં તો એક વાર હસવું આવવા જેવું થયું પરંતુ બીજી જ ક્ષણે જ આંખમાં પાણી આવ્યાં. ત્યાર બાદ તેને ભૂલો ઉપર ગુસ્સો ચડ્યો. મનમાં થયું, જાણે આણે જ દેવદાસને ગૃહત્યાગ કરાવ્યો છે. આમ ને આમ પણ ઘણા દિવસો વીતી ગયા. *

ઘણે દિવસે દેવદાસ ઘરે પાછો આવ્યો. પાર્વતી પાસે દોડી આવી - ખૂબ વાતચીત થઇ. તેને બોલવાનું બહુ હતું નહી- ના, હતું, પણ બોલી શકી નહિ. પરંતુ દેવદાસે ખૂબ વાતો કરી. બધી લગભગ કલકત્તાની વાતો હતી. ત્યાર બાદ, એક દિવસ ઉનાળાની રજા પૂરી થઇ. દેવદાસ કલકત્તા ચાલ્યો ગયો. આ વખતે પણ રડારડ તો થઇ, પરંતુ પેલી વખતના જેવી તેમાં ગંભીરતા રહી નહિ. *

વળી પાછાં ચાર વર્ષ વીતી ગયાં.! આ થોડા વર્ષોમાં દેવદાસના સ્વભાવમાં એટલું બધું પરિવર્તન થઇ ગયું હતું કે એ જોઈ પાર્વતી છાનીમાની રડી રડી વારંવાર આંખો લૂછતી આજ પહેલાં દેવદાસમાં જે બધું ગામડિયાપણું હતું તે શહેરમાં રહેવાથી બિલકુલ રહ્યું નહોતું. હવે વિલાયતી જોડા, સુંદર પહેરણ, ફક્કડ ધોતિયું, સોટી, સોનાની ઘડિયાળ, અછોડો, બટન-આ બધું ન હોય તો તેને ભારે શરમ આવતી. ગામડામાં નદીતીરે ફરવાની હવે એને ઈચ્છા થતી નહિ; પરંતુ તેને બદલે હાથમાં બંદૂક લઇ શિકારે નીકળવામાં તેને બહુ આનંદ આવતો. નાની પુંટિ માછલી પકડવાને બદલે મોટી માછલી રમાડવાની ઈચ્છા થતી. એટલું જ નહિ, સમાજની વાત, રાજનીતિ ચર્ચા, સભા-સમિતિ-ક્રિકેટ, ફૂટબોલની ચર્ચા ! હાય રે ! ક્યાં એ પાર્વતી અને તેનું તાલસોનાપુર ગામ ! બાલ્યસ્મૃતિથી જડાયેલી સુખની એકબે વાતો, હવે તેને યાદ આવતી નહિ એમ નહોતું પરંતુ વિવિધ કાર્યના ઉત્સાહમાં એ બધી વાતોને હવે લાંબા વખત માટે હૃદયમાં સ્થાન મળતું નહિ ! ફરીથી ઉનાળાની રજા પડી. આગલ વરસે ઉનાળાની રજામાં દેવદાસ બહારગામ ફરવા ગયો હતો, ઘેર ગયો નહોતો. એ વેળા પિતામાતા બંનેએ આગ્રહપૂર્વક કાગળ લખ્યો હતો, તેથી મરજી ન હોવા છતાં પણ દેવદાસ બિસ્ત્રો-સામાન બાંધી તાલસોનપુર જવા માટે હાવડા સ્ટેશને આવી પહોંચ્યો. જે દિવસે તે ઘેર આવ્યો, તે દિવસે તેનું શરીર જોઈએ તેવું સારું નહોતું તેથી બહાર નીકળી શક્યો નહિ. બીજે દિવસે પાર્વતીને ઘેર આવી તેણે બૂમ મારી, “કાકી !” પાર્વતીની બાએ સ્નેહપૂર્વક બોલાવ્યો, “આવ ભાઈ, બેસ.” કાકીની સાથે થોડીક વાતચીત કરી લીધા પછી દેવદાસે પૂછ્યું, “પારુ ક્યાં, કાકી ?” “મને લાગે મેડે છે.” દેવદાસે ઉપર આવી જોયું તો પાર્વતી સંધ્યાદીપ સળગાવે છે. તેણે બોલાવી, “પારુ!” પહેલાં તો પાર્વતી ચમકી ઉઠી, પછી પ્રણામ કરીને આઘી ખસી, ઊભી રહી. “શું કરે છે, પારુ ?” એ કહેવાની હવે જરૂર નહોતી, એટલે જ પાર્વતી ચૂપ રહી, પછી, દેવદાસને શરમ આવવા લાગી, બોલ્યો, “જાઉં છું, સાંજ પડી ગઈ. શરીર સારું નથી.” દેવદાસ ચાલ્યો ગયો !