ભારતીય કથાવિશ્વ૧/જાતકકથાઓ

From Ekatra Wiki
Revision as of 02:34, 7 November 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભારતીય કથાસાહિત્યમાં જાતકકથાઓ

ભારતીય કથાસાહિત્યમાં જાતકોનું સ્થાન અનન્ય છે. એવું મનાયું છે કે જાતકકથા જગતમાં પ્રાચીનતમ છે અને સાથે સાથે વિશાળ પણ છે. મોટે ભાગે આ કથાઓ ઈ.સ. પૂર્વે પાંચમી સદીથી માંડીને ઈ.સ.ની બીજી સદી સુધીમાં રચાઈ હોવી જોઈએ. જુઓ સુજાતા, માયાદેવીનું સ્વપ્ન ( ઝીમર, ૩૧). વળી બૌદ્ધ સાહિત્ય સિવાય પણ બીજા સાહિત્ય સાથેનું સામ્ય જોવા મળશે. જોકે ત્રિપિટકમાં મહાભારત કે રામાયણના ઉલ્લેખ આવશે. સાથે સાથે દેવધમ્મ જાતક, દસરથ જાતકમાં મહાભારત અને રામાયણ સાથેનું સામ્ય જોવા મળે છે. જો જાતક કથાઓ આ મહાકાવ્યો પૂર્વે રચાઈ હોય તો રામાયણ કે મહાભારતમાં જાતક સાહિત્યના પ્રભાવે એ ત્યાં જોવા મળી હોવી જોઈએ. બની શકે કે કોઈ પ્રાચીન પરંપરા આ પ્રકારની કથાઓ પાછળ હોવી જોઈએ. ડો. ભાંડારકર માને છે કે પતંજલિના મહાભાષ્ય સુધી રામાયણનો ઉલ્લેખ નથી. (ઉદ્ધૃત ભદંત આનંદ કૌૈશલ્યાનંદ — જાતક-૧, પૃ.૨૫) સામાન્ય રીતે આપણે વાલ્મીકિના ક્રૌંચવધ શ્લોકને આદિ શ્લોક માનીએ છીએ અને એ રીતે રામાયણ પ્રાચીનતમ ગ્રંથ ગણાયો, જ્યારે કેટલાક વિદ્વાનો મહાભારતને પ્રાચીન માને છે. પાંચમી સદીના બુદ્ધઘોષ તો કહેશે કે રામાયણ-મહાભારતની કથા જ્યાં થતી હોય ત્યાં જવું ન જોઈએ. (એજન પૃ.૨૫) એવી જ રીતે ઘટ જાતકની કથા લઈએ તો કૃષ્ણજન્મથી માંડીને દ્વારકાનિવાસ સુધીની ઘટનાઓ તેમાં જોવા મળે છે. સોમદેવરચિત કથાસરિત્સાગર ગુણાઢ્યકૃત બૃહત્કથા પર આધારિત છે. કથાસરિત્સાગરની કેટલીક વાર્તાઓ જાતકકથા સાથે સામ્ય ધરાવે છે, એનો અર્થ એવો થયો કે બૃહત્કથાએ જાતકોનો આધાર લીધો હોવો જોઈએ. એવી જ રીતે પંચતંત્રની, હિતોપદેશની ઘણી કથાઓનાં મૂળિયાં જાતકમાં મળી આવશે. જાતકકથામાંથી પંચતંત્રમાં જઈ પહોંચેલી કથાઓનો અનુવાદ નૌશેરવાંના કોઈ રાજવૈદ્યે કર્યો હતો. આજે એ મૂળ અનુવાદ મળતો નથી. પણ આઠમી સદીમાં તેનો અરબીમાં જે અનુવાદ થયો તે યુરોપમાં પ્રસર્યો. ભદન્ત આનંદે નિર્દેશ કર્યો છે તે પ્રમાણે આઠમી સદીમાં બગદાદના ખલીફાને ત્યાં એક ખ્રિસ્તી સંત હતા. તેમણે એક ગ્રીક કથા લખી હતી. આ જોસેફ એટલે ગૌતમ બુદ્ધ. આ ગ્રંથમાં થોડુંઘણું બુદ્ધચરિત્ર છે અને ઘણી જાતકકથાઓ છે. આમ સન્ત જોસેફના રૂપે ભગવાન બુદ્ધ રોમન કેથોલિક ખ્રિસ્તીઓ દ્વારા સ્વીકૃત જ નહીં, પૂજનીય પણ છે. જેવી રીતે પ્રત્યેક ભાષાના લોકસાહિત્યમાં વ્યક્તિના જન્મ પૂર્વેથી માંડીને મૃત્યુ પર્યંત — ના, મૃત્યુ પછી પણ લગભગ બધી બાબતો વિશે આલેખન જોવા મળે છે એવી રીતે જાતક કથાસાહિત્યમાં પણ જીવનની — વ્યક્તિજીવનની તેમ જ સમાજજીવનની — બધી બાજુઓને સ્પર્શવામાં આવી છે. નવરસરુચિરાં તો આ કથા હોય જ, તે ઉપરાંત વિવિધ કથા-કસબને પણ અહીં આવરી લેવામાં આવ્યા છે. કોઈ ઇટાલિયન વિદ્વાને અરેબિયન નાઇટ્સની ઘણી કથાઓનું મૂળ જાતકમાં છે એવું કહ્યું હતું. જાતકકથાઓમાં મોટે ભાગે વર્તમાનકથાની સમાન્તરે અતીત કથાઓ છે, અને આ અતીત કથાઓનું ઐતિહાસિક મૂલ્ય હશે. સામાન્ય રીતે કથાઓનો આરંભ વારાણસીના બ્રહ્મદત્ત રાજાના નિર્દેશથી થાય છે. પરંતુ આવો રાજા થયો જ નહીં હોય. આ નામ કોઈ પદાધિકાર હશે.

સંસ્કૃત ભાષાસાહિત્યની જેમ પ્રાકૃત ભાષાસાહિત્ય પણ વ્યાપક છે, એ વિના સંસ્કૃતિનું જ્ઞાન અધૂરું રહી જાત એવો રાહુલ સાંકૃત્યાયનનો પ્રસિદ્ધ મત અતિશયોકિતપૂર્ણ છે એવું કોઈ નહીં કહે. સૌથી વધારે મહત્ત્વનું તો ગૌતમ બુદ્ધનું વિરલ વ્યક્તિત્વ પાલિ સાહિત્ય દ્વારા આપણી સમક્ષ ઊઘડી શક્યંુ છે, વીસમી સદીમાં રવીન્દ્રનાથ ઠાકુરે ગૌતમ બુદ્ધ પર અસામાન્ય કક્ષાનો નિબંધ લખ્યો છે તે તો સાહિત્યરસિકો જાણે જ છે. ગુજરાતીમાં સુન્દરમે ગૌતમ બુદ્ધ પર ‘બુદ્ધનાં ચક્ષુ’ કાવ્ય રચીને સૌ ગુજરાતી ભાષકો વતી તેમને ભાવપૂર્ણ અંજલિ આપી છે. પાલિ નામકરણ તો પાછળથી થયું (આ અને બીજી આધારભૂત વિગતો ભરતસિંહ ઉપાધ્યાય કૃત ગ્રંથ ‘પાલિ સાહિત્ય કા ઇતિહાસ’માંથી તારવી છે), પહેલી વાર પાલિ શબ્દનો પ્રયોગ ચોથી પાંચમી સદીના આચાર્ય બુદ્ધઘોષનાં લખાણોમાં મળે છે. આ વિદ્વાને અને ત્યાર પછીના સમયના પંડિતોએ પાલિનો અર્થ ‘બુદ્ધવચન’ એવો કર્યો હતો, પાછળથી તેનો અર્થ ‘મૂળ ત્રિપિટક’ રૂપે થવા માંડ્યો. મહાભારતમાં જેવી રીતે યક્ષ યુુધિષ્ઠિરને પ્રશ્નો પૂછે છે તેવી જ રીતે દેવરાજ ઇન્દ્ર પણ ગૌતમ બુદ્ધને પ્રશ્નો પૂછે છે. આ પ્રશ્નોત્તરનો નિર્દેશ ફાહિયાન જેવા ચીની યાત્રીઓએ પણ કર્યો છે. સુન્દરિકા નદી પર યજ્ઞ કરી રહેલા ભારદ્વાજ નામના બ્રાહ્મણે ગૌતમ બુદ્ધને જોઈને પહેલો પ્રશ્ન કર્યો હતો — તમે કઈ જાતિના છો? ત્યારે ગૌતમ બુદ્ધે ઉત્તર આપ્યો — ‘જાતિ ન પૂછો, આચરણ પૂછો. હલકા કુટુંબની વ્યક્તિ પણ ધૃતિમાન, જિતેન્દ્રિય અને પરમ જ્ઞાની થઈ શકે છે.’ અન્યત્ર પણ બુદ્ધ કહે છે: ‘જે અપરિગ્રહી હોય, કશું લેવાની ઇચ્છા ન રાખે તેને હું બ્રાહ્મણ કહીશ. જે સ્વસ્થ ચિત્તે ગાળ, વધ અને બંધનને સહી લે છે, જે ક્ષમા આપી જાણે છે તેને હું બ્રાહ્મણ કહું છું.’

જો કે સ્ત્રીઓ વિશેના તેમના વિચારો સંદિગ્ધ હતા. પટ્ટશિષ્ય આનંદને તેમણે કહ્યું હતું, જો ધર્મવિનયમાં સ્ત્રીઓ પ્રવજ્યા ન લેતી હોત તો સદ્કર્મ હજાર વર્ષ ટકત, પણ હવે સ્ત્રીઓ પ્રવજ્યા લેવા માંડી છે એટલે સદ્ધર્મ પાંચસો વરસ જ ટકશે. એટલું જ નહીં, બ્રહ્મચર્ય વિશેની તેમની વિચારણા અતિવ્યાપક છે. સ્ત્રીના શબ્દો સાંભળવા, તેનાં ગીત સાંભળવા એ પણ બ્રહ્મચર્યભંગ ગણાય. 

તે સમયે ખેડૂતોની સ્થિતિ કેવી હતી તેનું વર્ણન પણ અહીં જોવા મળે છે. ‘મારી ડાંગર પાકી ગઈ છે. દૂધ દહોવાઈ ગયું છે. નદી કાંઠે સ્વજનોની સાથે રહું છું. કુટીર છે, ચૂલો સળગે છે, હે દેવ, હવે વરસવું હોય તો વરસો. અહીં માખીમચ્છર નથી. મેદાનમાં ઊગેલા ઘાસને ગાયો ચરે છે. પાણી વરસશે તો તે પણ વેઠી લે છે. મારી પત્ની વફાદાર અને ચંચળ છે. લાંબા સમયની મારી પ્રિય સંગિની છે. તેના કશા અવગુણ કાને પડતા નથી. હવે વરસવું હોય તો વરસો. બળદ, વાછરડાં મારે ત્યાં છે. ગાભણી ગાયો છે અને યુવાન ગાયો છે, વૃષભ પણ છે. હવે હે દેવ, વરસવું હોય તો વરસો.’ આ પ્રકારનું પ્રસન્ન જીવન જીવતા માનવીઓ વિશે આ સાહિત્ય કહે છે. વળી બૌદ્ધ ધર્મ શુષ્ક જીવનનો ઉપદેશ આપતું નથી. મોર, ક્રૌંચ જેવાં પંખીઓ, સુંદર પર્વતો, કુંજરવાળા પર્વતો, પંખીઓ ધરાવતા પર્વતોથી પ્રસન્ન થતા ભિખ્ખુઓનું વર્ણન પણ વચ્ચે વચ્ચે આવશે. કેટલીક વખત બૌદ્ધ સાહિત્યમાં ભિક્ષુણીઓ પોતાના ભૂતકાળ અને વર્તમાન વચ્ચે તુલના પણ કરે છે ‘એક સમયે મારા માથામાં સુવાસિત પુષ્પોની વેણી હતી, અને એ જ મસ્તકમાંથી આજે દુર્ગંધ આવે છે.’ કેવા પ્રકારની સ્ત્રીઓએ પ્રવજ્યા લીધી? પુત્રોની અકૃતજ્ઞતા તથા પતિઓની ધૂર્તતાને કારણે, બુદ્ધશિષ્યને પોતાના રૂપસૌંદર્યથી આકર્ષી ન શકનાર સ્ત્રીઓએ હતાશાને કારણે પ્રવજ્યા લીધી હતી. જાતકકથાઓમાં તથા અન્યત્ર બોધિસત્ત્વ શબ્દનો ઘણો ઉપયોગ થયો છે. જે ભવિષ્યમાં બુદ્ધ થવાના છે તે બોધિસત્ત્વ. સમગ્ર બૌદ્ધસાહિત્યમાં જાતક સૌથી વધુ લોકપ્રિય છે. બુદ્ધકાલીન ભારતીય સંસ્કૃતિની માહિતી સૌથી વધુ જાતકમાંથી મળે છે. રામાયણ અને મહાભારતના ઘણા અંશો બૌદ્ધ પછીના છે. આજે રામાયણમાં આશરે ૨૪૭૦૦ શ્લોક છે. પરંતુ બૌદ્ધ સમયમાં રામાયણમાં માત્ર ૧૨૭૦૦ શ્લોક હતા — અર્થાત્ પાછળના કવિઓએ રામાયણનો વિસ્તાર કર્યો છે. વળી મહાકાવ્યો અને જાતકકથાઓ વચ્ચેની સમાનતા પણ નોંધપાત્ર છે.

અન્ય પ્રાકૃત કથાસાહિત્યમાં અનેક પ્રકારની કથાઓ જોવા મળે છે. અને તેમાંની કેટલીક તો માધ્યમિક શાળાઓનાં પાઠ્યપુસ્તકોમાં પણ સ્થાન પામી છે. દા.ત. પુત્રવધૂની પરીક્ષા. અહીં કેટલીક કથાઓનું અનુસંધાન મહાભારત સાથે પણ જોવા મળશે. દા.ત. સુકુમાલિયા નામની પ્રવજ્યાધારિણી યુવતી મૃત્યુ પામીને સ્વર્ગની દેવી થાય અને બીજા જન્મમાં દ્રુપદ રાજાને ત્યાં દ્રૌપદી તરીકે જન્મે. અહીં સમાજજીવનની કેટલીક ભયાનક વાસ્તવિકતાઓનું આલેખન પણ જોવા મળે છે. દા.ત. એક કથામાં વિજય નામનો ચોરોનો આગેવાન સંુસુમા નામની યુવતીને ઉઠાવી ગયો અને તેનું માથું કાપીને કૂવામાં ફેંકી દીધું. એ દરમિયાન યુવતીનો પિતા પુત્રીને શોધવા નીકળ્યો અને ભૂખેતરસે પીડાઈને તેણે પોતાની પુત્રીનું માંસ ભક્ષણ કર્યું. ‘અન્તગડદસાઓ’ નામની કૃતિમાં કૃષ્ણને લગતી કથા પણ છે. દ્વીપાયન ઋષિના ક્રોધને કારણે દ્વારકા નગરીનો નાશ થયો. કૃષ્ણ જ્યારે દક્ષિણમાં સ્થળાંતર કરી રહ્યા હતા ત્યારે જરાકુમારના બાણથી ઘવાઈને તેઓ મૃત્યુ પામ્યા અને પછી નરકમાં ગયા. અહીં સાસુની હત્યા કરનારી યુવતી પણ જોવા મળશે. વળી કેટલીક સ્ત્રીઓ ઉપર અમુક પ્રકારના ગ્રંથના વાચનની મના ફરમાવવામાં આવી હતી. આજે આપણે ગોવધ પર પ્રતિબંધ મૂકવાની વાતો સાંભળીએ છીએ. પરંતુ આ સમયે તો ગોહત્યા પર એવો કોઈ પ્રતિબંધ ન હતો. એટલું જ નહીં પણ ગોમાંસભક્ષણનો પણ કોઈ નિષેધ ન હતો. ‘વિવાગસયુય’ (વિપાકશ્રુત) નામની એક કથામાં ઉત્પલા નામની સ્ત્રીને સગર્ભાવસ્થામાં ગાય, બળદનું માંસ ખાવાનો દોહદ થયાની વાત આવે છે. અહીં રાજ્યસત્તાના લોભે જન્મદાતાઓ સાથેના ક્રૂર વર્તાવની કથાઓ પણ જોવા મળશે. ‘નિર યાવલિયા’ નામના સૂત્રના કોઈ અધ્યયનમાં શ્રેણિક અને અજાતશત્રુની એક કથા છે. આ કથામાં અજાતશત્રુ પોતાના રાજ્યાભિષેક પછી માતાને મળવા જાય છે, ઉદાસ માને જોઈને જ્યારે અજાતશત્રુ પ્રશ્ન પૂછે છે ત્યારે મા ઉત્તર આપે છે. ‘તેં તારા પિતાને કારાવાસમાં નાખ્યા હોય તો મને આનંદ ક્યાંથી થાય?’ પુત્ર પોતાનાં કારણો કહે છે ત્યારે મા પ્રત્યુત્તર આપે છે — ‘તું જ્યારે મારા ઉદરમાં હતો ત્યારે મને તારા પિતાનું માંસ ખાવાનો દોહદ થયો, ત્યારે તો કોઈક રીતે રાજાને ઇજા પહોંચાડ્યા વિના રાણીની ઇચ્છા પૂરી થઈ. બૌદ્ધ કથાઓ પ્રમાણે રાણીને રાજાના જમણા ઘૂંટણનું લોહી પીવાની ઇચ્છા થઈ હતી. એટલું જ નહીં કારાવાસમાં પડેલા રાજાને મળવા જતી રાણી પોતાના માથામાં ભોજન સંતાડીને લઈ જતી હતી, શરીરે સુગંધિત જળ લગાવતી, રાજા એને ચાટીને પોતાની તરસ છિપાવતો હતો. અજાતશત્રુને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે માતાની મુલાકાતો બંધ કરાવી અને ક્રોધે ભરાઈને પિતાના પગ કપાવી નાંખ્યા અને મીઠાવાળા તેલમાં તળાવ્યા. પરિણામે રાજાનું મૃત્યુ થયું. આમ સત્તા માનવીની પાસે કેવાં કેવાં કાર્યો કરાવે છે તે પણ જોવા મળશે.

ક્યારેક જ્ઞાનગોષ્ઠી પણ ચાલે. ‘તું તન્દુલવૈચારિક’ નામની કૃતિમાં સ્ત્રીના પર્યાયોની લૌકિક વ્યુત્પત્તિઓ પણ જોવા મળશે. પુરુષોને નારી જેવો બીજો કોઈ શત્રુ નથી એટલે એ નારી, અનેક પ્રકારની કલા વડે પુરુષોને મોહ પમાડે એટલે મહિલા, પુરુષોનો મદોન્મત્ત બનાવે એટલે પ્રમદા, પુરુષોને સ્ત્રીઓના હાવભાવ ગમે એટલે રામા, પુુરુષોની કાયામાં રાગ ઉત્પન્ન કરે એટલે અંગના, અનેક પરિસ્થિતિઓમાં પુરુષોનું લાલનપાલન કરે એટલે લલના, યોગ-વિયોગ દ્વારા પુરુષોને મોહ પમાડે એટલે યોષિતા, પુરુષોના અનેક ભાવોનું વર્ણન કરે એટલે વનિતા. વ્યવહારભાષ્યમાં મનુસ્મૃતિને અનુસરી કહેવાયું છે- બાળપણમાં સ્ત્રી પિતાના આશરે, લગ્ન પછી પતિના આશરે, વિધવા થયા પછી પુત્રના આશરે સ્ત્રી રહે છે. અર્થાત્ સ્ત્રી કદી સ્વતંત્ર રહેતી નથી. આપણને પ્રખ્યાત નાટ્યકાર ઇબ્સનનું ‘ધ ડોલ્સ હાઉસ’ યાદ આવી જાય.