મરણોત્તર/૪૦

From Ekatra Wiki
Revision as of 11:01, 8 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૦

સુરેશ જોષી

ઈશ્વરના મનમાંથી કોઈ ઘનીભૂત શંકાના જેવી તોળાઈ રહેલી આ રાત ધીમેધીમે ઝાકળના લઘુક ચરણે ચાલવા માંડે તે પહેલાં, મૃણાલ, મારે તને મારામાં વસતા એક પડછાયાને તારામાં ઉછેરવા આપવો છે. એ દાન માટેનું આ જ ઉત્તમ મુહૂર્ત છે. અંધારથી લિપ્ત આ પ્રકાશમાં તું કેવળ મને એક આકૃતિ રૂપે જ જોઈ શકશે, વ્યક્તિરૂપે નહીં. હું પણ તારી આંખોના રહસ્યને જોઈ શકીશ નહીં, તું કદાચ જાણતી નથી, પણ પડછાયો ઉછેરી શકાય છે. પણ એને હૃદયની જોડાજોડ રાખશે તો જ એ ઊછરશે. આ સંસારમાં જીવીને મેં જાણ્યું છે કે અહીં વ્યક્ત થવા કરતાં લુપ્ત થવાની જ મોટી આવશ્યકતા હોય છે. આ પડછાયાની ઓથે તારું જે ગુહ્ય હશે તે વધુ ગુહ્ય બનશે. એની શીળી છાયામાં તારા માનીતા બેચાર શબ્દોને તું નિશ્ચિન્ત બનીને મૂકી દઈ શકીશ. એકાદ નામ પણ કદાચ તને એવું પ્રાપ્ત થયું હોય જેને હોઠ પર લાવવાનું સુધ્ધાં સાહસ તારે કરવું ન હોય તો તું એને સહેલાઈથી એ પડછાયામાં સંગોપી દેજે. તારા આંસુની અંત:સ્રોતા ફલ્ગુને કાંઠે આ પડછાયાની ઘટા વિસ્તરશે તો વિષાદનો ચહેરો પણ ખીલી ઊઠશે. અને તું તો જાણે જ છે કે પડછાયાને જળ ભૂંસી શકતું નથી. એ પડછાયો અવળો નથી, સવળો નથી; માનીતો નથી, અણમાનીતો નથી. એ પડછાયો કોઈની આકૃતિની ચાડી ખાતો નથી. તારા એકાન્ત પર એ એની ઘટા વિસ્તારશે. એને તારી પાછળ પાછળ ફરવાની ટેવ પાડી નથી. તું એને સાવ ભૂલી જશે તો એ દયામણે મોઢે તારા તરફ જોઈ નહીં રહે. તું જાતે જ કોઈ વાર એ પડછાયાને આવેશથી ચૂમીને ગુલાબોનું વન ઊભું કરી દેવા લલચાઈ જશે, પણ એ પડછાયો તો નિ:સંગ છે, તટસ્થ છે. તારાં અણગમતાં વર્ષો એને સોંપી દેજે, એ વર્ષો પડછાયા ભેગા પડછાયારૂપ થઈ જશે. એ પડછાયાનો કશો ભાર નથી, એ શીતળ છે પણ એમાં આંસુનો ભેજ નથી. આમ તો એ સૂર્યપુષ્પની જ એક ખરી ગયેલી પાંખડી છે, પણ એ કણ કણ થઈને વેરાઈ નહીં જાય. એ તારા હૃદય પાસે રહેશે, પણ એને એ ઢાંકી નહીં દે. તારા ઉઘાડા પડી જતા સ્મિતને માટે એ તને ગમે એવું આછું આવરણ બની રહેશે. મૃણાલ, એ પડછાયો આછો થઈને નષ્ટ થઈ જાય તે પહેલાં હું તને એ આપી દેવા ઇચ્છું છું. સમુદ્રનાં મોજાં ઊછળીને પાછાં પોતાનાં જ જળને જુએ છે તેમ તું કેવળ તને જ જુએ છે તે હું જાણું છું. પણ આ પડછાયો તારી દૃષ્ટિની આડે નહીં આવે. તું એને ઉછેરશે તો કદાચ ધીમે ધીમે તને એ વહાલો લાગશે, પણ એ તારા તારી જ પ્રત્યેના પ્રેમનું માત્ર નિમિત્ત બનશે, કારણ કે પડછાયાના બાહુપાશમાં તો કોઈ જકડાતું નથી.