મરણોત્તર/૪૧
સુરેશ જોષી
કોઈ વાર શ્વાસના સીમાડા જ્યાં પૂરા થાય છે તેની પેલી પારનું જગત મારી આંખો સામે તરવરવા લાગે છે. ત્યાં હજી ઉદ્ભિજનો પણ જન્મ થયો નથી. સૂર્યચન્દ્ર હજી જન્મ વેળાની ઓરમાં વીંટળાયેલા છે. મરણ પૃથ્વી પર ઊડતી રજકણમાં વેરાયેલું છે. હજી એનો આકાર બંધાયેલો નથી. દુસ્સાહસથી બોલાઈ ગયેલા શબ્દને સંકેલી લેવા જેમ હોઠ જલદી બીડાઈ જાય તેમ પ્રકટ થઈ ચૂકેલા સમુદ્રને એના કાંઠાઓ પોતાની વચ્ચે બીડી દેવા ઇચ્છે છે. પૃથ્વીને જળનો હજી એનો ઘનિષ્ઠ સંસ્પર્શ થયો નથી. યૌવનને ન ઓળખવાને કારણે એના ઉદ્ગમને ઢાંકવા ન શીખેલી કન્યાની જેમ એ ફેરફુદરડી ફરે છે. પવન હજી બોલતાં શીખ્યો નથી. સમુદ્ર પાસે હજી એ માંડ થોડા સ્વર કે ઉદ્ગાર જ શીખ્યો છે. પર્વતો સાથે અથડાઈને એ થોડા વ્યંજનો શીખ્યો છે. પર્વતો પણ પોતાની ઉત્તુંગતાને વિસ્મયથી જોતા ઊભા રહી ગયા છે. સમય એક કુંવારી અપરિમેયતા માત્ર છે. પથ્થરોના મુખ પરથી હજી નક્ષત્રની આભા પૂરેપૂરી ભુંસાઈ ગઈ નથી. ક્યાંક ક્યાંક શિશુની કાલી કાલી વાણીના જેવા તારાઓ છેક ક્ષિતિજ સુધી ઝૂકીને પૃથ્વીને કાનમાં કશુંક કહ્યા કરે છે, પણ એ કશા મર્મ વિનાની વાણી છે, એ કેવલ શ્રવણસુખ માટે છે. શતાબ્દીઓના પડેલા વિશાળ ચક્રાકાર દીર્ઘ ભ્રમણપથને પૃથ્વીએ હજી જોયા પણ નથી. હજી વિમાસણમાં પડવાની કે અકારણ મૂંઝાવાની પણ એની વય થઈ નથી. સ્વપ્નોનેય એણે છૂપાં રાખ્યાં નથી. એ તો ઝરણાં બનીને દોડી ગયાં છે.
પણ મૃણાલ, એ તો ક્ષણભરનો મોક્ષ. ફરી પાછો હજારો યુદ્ધોના રક્તકર્દમને ખૂંદતો હું આ તરફ ચાલ્યો આવું છું. કેટલાય ખણ્ડિત રાજપ્રાસાદોના બોખા ગવાક્ષોમાંથી હું ચાલ્યો આવું છું. ત્યાં હવે કોઈ રૂપમતીનાં વેણ રણકતાં નથી. હજારો વિકલાંગ દેવદેવીઓના ભંગાર વચ્ચે થઈને હું ચાલ્યો આવું છું. આશીર્વાદ આપવાને તત્પર દેવના હાથની પાંચ આંગળીઓ પણ હું ભેગી કરી શક્યો નથી. મહાનગરોમાં વિષના ફુવારા ઊડે છે, ચીસોનાં વન ઊગી નીકળ્યાં છે. ઈશ્વરના હાહાકાર જેવાં છાયાહીન વૃક્ષો ઊભાં છે. તાવથી ધગધગતા કપાળ પર મૂકેલાં પોતાંના જેવો સમુદ્ર છે. થાકીને પડી ગયેલા કોઈ વૃદ્ધ પંખીના જેવો ચન્દ્ર સરોવરના જળમાં ઝિલાઈ રહ્યો છે. તેજાબમાં બોળેલા ખોટા સિક્કા જેવો સૂર્ય તગતગી રહ્યો છે. મૂગા માણસના કણ્ઠમાંની અનુચ્ચારિત વાણી જેવા અસંખ્ય માનવીઓની ભીડ વચ્ચેથી હું ચાલ્યો આવું છું. વિષાદના ભોંયરાની ભીનાશ શોધતો મારો જીવ કશીક આશાથી તારી આગળ આવીને અટકી જાય છે.