રચનાવલી/૧૦૮


૧૦૮. શુક્લકાષ્ઠ (રાજેન્દ્ર બનહટ્ટી)


‘મેં પાણી પીધું' એટલું કહેવાને બદલે કોઈ એમ કહે કે ‘હું ફ્રીજ પાસે ગયો. મેં ફ્રીજ ખોલ્યું. પાણીનો બાટલો બહાર કાઢ્યો. ફ્રીજ બંધ કર્યું. ગ્લાસ લીધો. બાટલાનું ઢાંકણ ખોલ્યું. પાણી ગ્લાસમાં રેડ્યું. ઢાંકણ બંધ કર્યું. ફ્રીજ ખોલ્યું. બાટલો મૂક્યો, ફ્રીજ બંધ કર્યું.' – તો આપણા ચહેરા પર એક રમૂજની લહેર જરૂર દોડી જવાની. જ્યોતીન્દ્ર દવેએ વર્ષો પૂર્વે એમના એક હાસ્યનિબંધમાં બસમાં ચડેલી યુવતીએ કંડક્ટરને પર્સ ખોલીને કઈ રીતે પૈસા આપ્યા એનું આવું જ રમૂજપ્રેરક વર્ણન કરેલું. આ રીતે તદ્દન કોઠે પડી ગયેલી સ્વાભાવિક ક્રિયાઓને કોઈ વિસ્તારથી રજૂ કરે ત્યારે જે રમૂજ ઊભી થાય છે એવી રમૂજનો પ્રયોગ મરાઠી વાર્તાકાર રાજેન્દ્ર બનટ્ટીએ એમની એક દીર્ઘ વાર્તા ‘શુક્લકાહ'માં કર્યો છે. પણ લેખકે અહીં રમૂજને હથિયાર બનાવ્યું છે અને એ વિનોદના હથિયાર દ્વારા આપણી આસપાસના નઠોર જીવનનો નજીકથી પરિચય કરાવ્યો છે. મરાઠી આપણી પડોશભાષા છે. કેટલાક મરાઠી લેખકો ગુજરાતી ભાષામાં લગભગ ઘર કરી ગયા છે. વિ. સ. ખાંડેકર, સાને ગુરુજી, આચાર્ય અત્રે, પુ. લ. દેશપાંડે-ને કોણ ઓળખતું નથી? એ જ રીતે નવી પેઢીમાંથી પણ કેટલાંક નામ આગળ આવી રહ્યાં છે. રાજેન્દ્ર બનફ્ટી એમાંના એક છે. ‘ખેલ' નામે એમનો પહેલો વાર્તાસંગ્રહ પ્રકાશિત થયા પછી એમણે ‘સમાનધર્મા’ ‘ગંગાર્પણ’, ‘અવેળ’ ‘આંબ્યાચી સાવલી’ (આંબાની છાયા) વગેરે વાર્તાસંગ્રહો આપ્યા છે. ઉપરાંત, ‘અખેરરે આત્મચરિત્ર' (‘આખરની આત્મકથા’) અને ‘મરણાનંતરચે મરણ' (‘મરણ પછીનું મરણ') જેવી લઘુનવલો પણ આપી છે. અહીં ‘શુક્લકાજ’ દીર્ઘવાર્તા લીધી છે; તે એમના સંગ્રહ ‘કૃષ્ણજન્મ’માં પ્રસિદ્ધ થઈ છે. એમાં ‘શેજારી' (પડોશી) અને ‘કૃષ્ણજન્મ' જેવી બીજા બે દીર્ઘવાર્તાઓ છે. ‘કૃષ્ણજન્મ'નો જયા હેતાએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ‘શુક્લકા’નો અર્થ થાય છે ડફણું. કોઈ ઢોર તોફાની હોય તો એનાં ગળામાં આવું લાકડું બંધાતું હોય છે. ગુજરાતીમાં એને ‘ડેરો’ પણ કહે છે. અહીં વાર્તાના નાયકને સ્કૂટર ચલાવતા અકસ્માત થાય છે. એ અકસ્માત એને કેવો ગળે બંધાય છે અને એની રોજિંદી જિંદગી કેવી હરામ કરી દે છે એનું વિનોદસભર વિગતવાર વર્ણન છે. પણ એ વિનોદની પાછળ આપણા જડ પોલિસતંત્ર અને ન્યાયતંત્ર પરનો વ્યંગ પણ છુપાયેલો છે. આમ, તો આ દીર્ઘ-વાર્તા કાફકાની 'ધ ટ્રાયલ' (મુકદ્દમો)ની યાદ અપાવે છે. કાફકાએ ઉટપુટાંગ તરંગનો આશરો લઈને પોલિસતંત્ર અને ન્યાયતંત્રનું દુઃસ્વપ્ન રચ્યું છે, પણ રાજેન્દ્ર બનટ્ટીએ તદ્દન વાસ્તવિક જમીન પર વિગતોના વિસ્તારથી રમૂજનો આશરો લઈ પોલિસતંત્ર અને ન્યાયતંત્રનો ઠઠ્ઠો રચ્યો છે. વાર્તાનો નાયક કોઈ પ્રકાશક છે; અને પૂનામાં રહે છે. મુંબઈનો કોઈ પ્રસિદ્ધ લેખક કામ માટે પૂના આવે છે અને પ્રકાશકને મળવા બોલાવે છે. પ્રકાશકને બોલાવવા પાછળ લેખકનો આશય પ્રકાશકના સ્કુટર પાછળ બેસી પૂના રેલ્વેસ્ટેશને પહોંચવાનો છે. વાર્તા નાયકના મોઢે જ કહેવાયેલી છે. એટલે રમૂજની ઓર મજા છે : ‘મેં સ્કૂટરને કિક મારી. પાછળ લેખક મહાશય ઠીક ઠીક વજનદાર, એમની આગળ એ મોટી સૂટકેસ આડી. સૌથી આગળ હું ચાલક થોડો નમીને બેઠેલો. આવો આ વરઘોડો ક્વોર્ટરના ફાટકમાંથી બહાર નીકળીને મેન રોડ પર આવ્યો.’ હાલતોડોલતો પ્રવાસ ચાલતો હતો. ત્યાં પોલિસગ્રાઉન્ડ પાસે કોઈ સાઈક્લિસ્ટ આવીને સ્કુટર સાથે અથડાયો. પડતાં જ સાઈક્લિસ્ટ બેશુદ્ધ થઈ ગયો. લેખક પ્રકાશકને મૂકીને જવા તત્પર થયા તો પ્રકાશક બે ટેક્સી લઈ આવ્યા. એકમાં લેખકને રવાના કર્યા. અને બીજીમાં સાઈક્લિસ્ટને હૉસ્પિટલ પહોંચાડ્યો. ટેક્સી સસૂન હૉસ્પિટલ પહોંચી. પ્રકાશકે અત્યાર સુધી બહારથી જ જોયેલી : ‘પ્રચંડ કારખાના જેવી એની ઈમારત. સ્ટેશને આવતાં જતાં દેખાતી. દરદીઓ, ડૉક્ટરો, નર્સોનું કારખાનું જ એ.' પ્રકાશક હૉસ્પિટલની ઈમારતમાં દાખલ થયા. એમને બારીના સળિયા પાછળ એક માથું દેખાયું, વાળભર્યું. પેલાને એક્સિડન્ટની વાત કરી. તો કહેવામાં આવ્યું કે ‘ડ્યુટી પરના પોલિસને રિપોર્ટ કરો.' ત્યાં લાકડાનાં ટેબલ ખુરશી હતાં. ટેબલ પર રજિસ્ટર. પણ પોલિસનો પત્તો નહોતો. લાંબા સમય બાદ પોલિસ આવ્યો. પૂછપરછ કરી. કહે : ‘પંચનામું કરવું જોઈએ.’ જેની હદનો કેસ છે ત્યાં રિપોર્ટ કરવા કહ્યું. નાયક ત્યાંથી જેની પાસે પોતે સ્કૂટર શીખેલા એ નાના શિરસાટ પાસે મદદ માટે પહોંચે છે. શિરસાટ કહે છે : ‘રિપોર્ટ નહીં કરવાનો. જમીને સૂઈ જાઓ નિરાંતે.' પણ નાયકને થાય છે કે ‘બધી માહિતી હું ખોટી આપી શક્યો હોત. જગા ખોટી દેખાડી શક્યો હોત. મારું નામ સિરનામું બધું જ ખોટું દર્શાવી શક્યો હોત અહીં પણ અને સસૂનમાં પણ.' ઘેર ચેન ન પડતા નાયક પિતાના જૂના મિત્ર સ્મોલ કોઝ જજ જગડાળેને મળે છે. જગડાળે નાયકને કાકડે વકીલ પાસે મોકલે. છે. વકીલ સમન્સની રાહ જોવાનું કહે છે. વરસેક વીત્યા પછી ઓચિંતો સમન્સ મળે છે. કેસ દાખલ થાય છે. કોર્ટના ધક્કા શરૂ થાય છે. તારીખો પડ્યા કરે છે. વિટનેસ આવતો જ નથી. નાયક પોતે એની શોધમાં નીકળે છે. અળવીતરા સિરનામાને આધારે આખરે બબ્બેવાર ધક્કા ખાધા પછી અને નાની લાંચ આપ્યા પછી વિટનેસ આવવા કબૂલ થાય છે. નાયકને થાય છે કે ‘ઘણા દિવસ બાટલીમાં ભરાઈ રહેલું બૂચ બહાર નીકળતું હતું. મોઢા પાસે આવ્યું હતું. હળવેથી કાઢવું જોઈએ. નહીં તો પાછું અંદર સરકી જશે.' છેવટે નાયકના અથાક પ્રયત્નો પછી કોઈએક તારીખે જજ, વકીલ વિટનેસને પોતે એકઠા કરી શકે છે. મોક્ષપ્રાપ્તિની ઘડીક નજીક આવીને ઊભેલી લાગે છે. જ સુસ્ત ઘોઘરા અવાજે નાયકને જણાવે છે કે ‘ધિસ ઈઝ ધ લેસન ફોર યૂ. બી કેઅરફૂલ હિઅર આફ્ટર. યુ કેન ગો.’ અને એમ લગભગ ત્રણ વર્ષ પહેલાં અચાનક વળગેલો ડેરો છેવટે નાયકના ગળામાંથી દૂર થયો.... રેઢિયાળ તંત્રોની કામગીરીને વિગતવાર અડફેટે લઈ નાયકના મનોગત દ્વારા રસ ઊભી કરતી આ દીર્ઘ વાર્તાની મજા એના લાંબા લાંબા રઝળપાટ અને ટૂંકા ટૂંકા સંવાદોમાં છે.