રચનાવલી/૧૦૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦૭. ઇંધણ (હમીદ દલવાઈ)


૪૫ વર્ષની વયે કીડનીની ખરાબીને કારણે જીવન સંકેલી લેનાર હમીદ દલવાઈ મરાઠી સાહિત્યમાં મહત્ત્વનું નામ છે. કોંકણના રત્નગિરિ જિલ્લામાં ચિપળૂણ પાસેના મિરજોળી ગામમાં નિમ્ન મધ્યમવર્ગીય મુસ્લીમ પરિવારમાં જન્મેલા આ લેખક નાનપણથી જ રાષ્ટ્રીય સેવાદળમાં જોડાઈને બિનસાંપ્રદાયિકતા અને સમાનતાવાદી વિચારધારાના ઘેરા સંસ્કારો વચ્ચે ઊછરે છે અને જીવનનિર્વાહ માટે મુંબઈમાં આવી ‘મરાઠા' દૈનિકમાં લેખનકાર્ય શરૂ કરે છે; અને રાજકારણમાં ઝંપલાવે છે. અલબત્ત રાજકારણમાં એમના ગુરુ રામમનોહર લોહિયા અને ‘ઇન્ડિયન સેક્યુલર સોસાયટી'ના એ. બી. શાહ જેવા આગેવાનો હતા. આથી જ રાષ્ટ્રજીવનના મુખ્ય પ્રવાહોથી કપાઈ ગયેલા રૂઢિવાદી મુસ્લીમો અંગે અને મુસ્લીમ કાયદા – શરિયત અંગે અંદરની સૂઝથી બુદ્ધિપૂર્વક સાતમા દાયકા દરમ્યાન અભ્યાસ આદરે છે. એટલું જ નહીં પણ અવારનવાર પોતાની કોમ વિશે અભિપ્રાયો પણ પ્રગટ કરતા રહે છે. આ અંગે એમને એક બિનરાજકીય ‘મુસ્લીમ સત્યશોધક મંડળ'ની પણ સ્થાપના કરેલી. મુસ્લીમોમાં જાગૃતિ લાવવા, પછાત મુસ્લીમ કોમમાં પ્રગતિશીલતાનો આદર્શ સ્થાપવા એમણે પુરુષાર્થ કરેલો અને જીવનભર મુસ્લીમ તેમજ હિન્દુઓના કટ્ટરપંથી વલણોનો પ્રતિકાર કરતા ઝઝૂમેલા. ‘મુસ્લીમ જાતિનું સ્વરૂપ : કાર્ય અને ઉપાય’ તેમજ ‘ઈસ્લામનું ભારતીય ચિત્ર' એમના મુસ્લીમ સમાજને લગતાં મરણોત્તર પુસ્તકો છે. એમણે ‘લાત' (૧૯૬૧) નામે વાર્તાસંગ્રહ આપ્યો છે; જેમાં ગ્રામજનતામાં વ્યાપકપણે ફેલાયેલાં જૂના પૂર્વગ્રહો, અવરોધો, રીતરિવાજો, માન્યતાઓ પ્રત્યે વાચકને સભાન કરી વાચકને ઢંઢોળવાનો અને ઉત્તેજિત કરવાનો પ્રયત્ન છે. પરંતુ એમનો મરાઠી લેખક તરીકેનો યશ તો એમની સાતમા દાયકામાં માર્ગસ્તંભ બનેલી નવલકથા ‘ઇંધણ’ (૧૯૬૫) છે. આ નવલકથા પ્રકાશિત થઈ ત્યારે સાહિત્ય અને સમાજ ક્ષેત્રે ખાસ્સો વિવાદ જન્માવ્યો હતો. મરાઠી ભાષા પરનો લેખકનો કાબૂ અને ખાસ તો મુસ્લીમો દ્વારા બોલાતી મરાઠી ભાષાનું સુન્દર રૂપ એમાં જોવા મળે છે. પણ એ સાથે જરા યે સંડોવાયા વગર લેખકે સ્વાતંત્ર્યોત્તર ભારતના નવા ગામડાનું સ્વરૂપ અને એનો બદલાતો ચહેરો બિહામણી રીતે આપણી સમક્ષ ખુલ્લાં કર્યાં છે. એક રીતે જોઈએ તો આ નવલકથા એમની આત્મકથા જેવી છે. કોંકણ, કોંકણનું એક ગામ, એની વશિષ્ઠી નદી, એના ડુંગર ઢોળાવો, એનાં ડાંગરનાં ખેતરો, એની ઊડતી ધૂળ, એનું ધુમ્મસ, એનો તાપ, એનું વરસાદી પૂર – બધું જ લેખકના અનુભવમાંથી આબાદ રીતે અહીં ઊતર્યું છે. ખાસ તો લેખકનો રાજકારણ સાથેનો જીવતો સંપર્ક એમાં કામમાં આવ્યો છે. આઝાદી પછીનું કોંકણનું આ ગામ કેવું બદલાતું આવે છે, ગામની વિવિધ જાતિઓ અને એમની વચ્ચેના સંબંધો કેવા વણસતા આવે છે, જમીનદાર અને ગણોતિયાઓ વચ્ચેના સંબંધો કેવા બગડતા જાય છે, ધીમે ધીમે કોમવાદ અને જ્ઞાતિવાદ કેવા વકરતા આવે છે અને ધર્મને નામે ટંટાફિસાદમાં સપડાતા ગામડાના રાજકારણમાં સ્ત્રીપુરુષનો સંબંધ કઈ રીતે નિમિત્ત બને છે એનો લેખકે પ્રત્યક્ષ ચિતાર આપ્યો છે. આમ તો પંદર વર્ષ પહેલાં ગામ છોડીને મુંબઈ ચાલ્યો ગયેલો અને ત્યાંના સક્રિય રાજકારણમાં ડૂબેલો આ નવલકથાનો નાયક હૃદયરોગનો હૂમલો થયા બાદ આરામ માટે ગામમાં પોતાના પરિવારમાં આવે છે. સદંતર બદલાઈ ગયેલા ગામમાં ખેલાતા ધાર્મિક રાજકારણ વચ્ચે લાચારી અનુભવી છેવટે મુંબઈ પાછો ફરે છે – એ બે છેડાઓ – (બસમાંથી ઊતરે છે અને બસમાં પાછો ચઢે છે) વચ્ચેની આ કથા છે. આ કથા નાયકને પોતાને મોંએ કહેવાયેલી છે. નવલકથામાં બનતી ઘટનાનો નાયક સાક્ષી છે. હૃદયરોગના હૂમલા પછી આરામ માટે આવેલો નાયક જુએ છે કે પરિવાર દુઃખ, દેવું અને માનહાનિના અનેક પ્રસંગોમાંથી ગુજરી ચૂક્યો છે અને અચાનક લાગેલી આગમાં ઘરમાં રહેલા લોકો સપડાઈ જાય અને યોગાયોગ બહાર ગયેલો માણસ બચી જાય એમ પોતે બચી ગયો છે. પણ પછી તરત જ નાયક એક પ્રસંગમાં સંડોવાય છે. ખેતરમાં જાણીજોઈને ઢોર ઘુસાડતા ગણોતિયાઓને ગાળો દેવા જતાં નાયકનો મોટોભાઈ મુશ્કેલીમાં મુકાય છે અને એ મુશ્કેલી દૂર કરવા માટે પ્રયત્ન કરવા જતાં નાયકને બદલાયેલા ગણોતિયાઓના મિજાજનો અને બદલાયેલા ગ્રામજનોના વ્યવહારોનો પરિચય થાય છે. ત્યાં એવામાં આફ્રિકાથી કમાઈને આવેલો ઈશાક ગામમાં દાખલ થતાં ગામનું રાજકારણ ઓર વિફરે છે. ઈશાક મહારકોમની લખમીને ઘરમાં રાખી હોવાથી મુસ્લીમો અને હિન્દુઓ વચ્ચે તણાવ ઊભો થાય છે અને એ તણાવ આખરે મહાલક્ષ્મીની પાલખીની યાત્રા વખતે હુલ્લડમાં અને સ્ત્રીઓ પરના બળાત્કારમાં પલટાઈ જાય છે. આયાત કરેલા મુસ્લીમો ગામની સ્ત્રીઓને ધમરોળે છે. નાયક મુસ્લીમોને કશુંક કહે છે તો એમને એ ગમતું નથી અને નાયક જો હિન્દુઓને કશુંક કહે છે તો એના પર લોકોને વિશ્વાસ બેસતો નથી. એક પાત્ર નાયકને સ્પષ્ટ કહે છે : ‘તું પારકાની જેમ અલિપ્તપણે આ ગામમાં આવ્યો ત્યારે જ.... પંદર વરસ સંબંધ તોડ્યો ત્યારથી જ ગામના લોકોને ઉપદેશ આપવાનો અધિકાર તે ગુમાવ્યો છે. આ કાળ દરમ્યાન તારા અને એના જીવનમાં જ ફરક પડ્યો તે તેં કદી જાણ્યો નહિ.’ ગામનો મુસ્લીમવાડો, બ્રાહ્મણવાડો, નાવીવાડો, મહારવાડો, કણબીવાડો – વગેરેના ચાલી આવેલાં ગણિત ખોરવાઈ ગયાં છે. ગામમાં પોલિસ આસન જમાવીને બેઠી છે. અને ચારેતરફ ભયનું વાતાવરણ છે. શહેરના રાજકારણમાંથી ગામમાં આવેલો નાયક ગામના રાજકારણમાં નિષ્ફળ જાય છે. એ કોઈને બચાવી શકતો નથી, અને ગામ છોડે છે. લેખકે કથાને ત્યાં અટકાવી નથી. પણ છેલ્લા સાતમા પ્રકરણમાં ગામથી મુંબઈ પાછા ફરતા નાયકના મનમાં રમતાં ગામનાં પાત્રો અને ગામની ઘટનાઓને નાયકની કલ્પનાથી પછી આગળ વધારી છે. માર્શલિંગ વાર્ડમાં શંટિગ થતી માલગાડીના ડબા નક્કી થયેલ સાંધા પર અલગ થઈ જુદી જુદી વિવક્ષિત જગાએ પહોંચે છે એ રીતે જીવનના પાટા ઉપરથી આગળ સરકતાં પાત્રો નાયકને દેખાવા લાગે છે. એમાં પણ પૂર્વે થયેલા હુલ્લડનો ઓથાર કેન્દ્રમાં આવી જાય છે. અનેક પ્રયત્નો અને પુરુષાર્થ પછી પણ જૂથવાદ અને કોમવાદમાં ફસાતી પ્રજાની સમસ્યાનો ઉકેલ આ નવલકથામાં નથી પણ આ સમસ્યાની ગંભીરતાને લેખકે પૂરેપૂરી ઉપસાવી છે. સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી પ્રકાશિત આ મરાઠી નવલકથાનો શશિન ઓઝાનો ગુજરાતી અનુવાદ ‘ઇંધન’ (૧૯૯૭) ઘણી મર્યાદાઓ સહિતનો છે, છતાં મૂળ કથાનું વાતાવરણ પહોંચાડે છે.