રવીન્દ્રપર્વ/પંચામૃતની પ્રસ્તાવના

From Ekatra Wiki
Revision as of 07:40, 6 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પંચામૃતની પ્રસ્તાવના|}} {{Poem2Open}} ચિરંજીવી, અનાવિલ, ભૂમાની પ્ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પંચામૃતની પ્રસ્તાવના

ચિરંજીવી, અનાવિલ, ભૂમાની પ્રાપ્તિ માટે માનવ સંસારના આદિ કાળથી મથતો આવ્યો છે. એ સદેપ્સિત ઇષ્ટસિદ્ધિની અનુભૂતિ માટે ત્રણ રાજમાર્ગો ભારતવર્ષના સાધકોએ નિર્દેશેલા છે: સંસારની બધીય વસ્તુઓમાંથી આસક્તિ ખેંચી આત્માની સહાયથી પરમ તત્ત્વને પામવાનું કહેતો જ્ઞાનમાર્ગ, યજ્ઞયાગાદિકના અનુષ્ઠાનની મદદથી સ્વર્ગપ્રાપ્તિ સુલભ કરતો કર્મમાર્ગ અને અનન્ય આરાધના અને ઉપાસનાના સામર્થ્યે પ્રભુને મેળવવાનું સહજ બનાવતો ભક્તિમાર્ગ. આ ત્રણે નિષ્ઠાઓ પરાત્પરને જુદી જુદી દૃષ્ટિએ જુએ છે, અને જગત અને જીવ સાથેના એના સમ્બન્ધ વિશે પણ ત્રણેમાં મતૈક્ય નથી. જ્ઞાનમાર્ગ પરમ તત્ત્વને નિર્ગુણ, નિરાકાર, નિવિર્શેષ, ભૂતમાત્રમાં અનુસ્યૂત રહેલું, એક અને અદ્વિતીય માને છે. જગતની સત્યતા આ મતે સાપેક્ષ અને વ્યાવહારિક માત્ર. પારમાથિર્ક દૃષ્ટિએ એના સિવાયનું બધું જ મિથ્યા. રવીન્દ્રનાથ પોતે જ કહે છે તેમ જ્ઞાનમાર્ગ એમને અભિપ્રેત નથી. ‘વૈરાગ્યસાધને મુક્તિ? એ ના ખપે મને,’ કવિ તો ભક્તિમાર્ગના ચિર પ્રવાસી છે. એમને મન જગત ઈશ્વર જેટલું જ સત્ય છે. અનન્ત જગતમાં વ્યક્ત રૂપે વ્યાપી રહેલા પરમ તત્ત્વને અનાદૃત કરીને કરેલી સાધના એમને મન મુક્તિ નથી, બન્ધન માત્ર જ છે.સાગર, શૈલ, કાન્તાર, કાનન, તૃણ, પર્ણ, રૂપ, રસ, ગન્ધ, શબ્દ, સ્પર્શ, દેહ, મન, આનન્દ, વિષાદ, સકલ સંસારમાં નિવિર્શેષતયા એકરૂપે મહાનન્દ તેની અનુભૂતિ એ જ એમને મન સાચી ભક્તિ. એમનો ભક્તોિત સામ્પ્રદાયિક પ્રણાલીઓમાં અવરુદ્ધ ન બનતાં કે આચારની જડતાથી પરિસીમિત ન થતાં અનેક ધારાએ ઊભરાઈને સમસ્ત વિશ્વમાં પોતાના પરમારાધ્ય ઇષ્ટ દેવને જુએ છે, પામે છે અને મહાનન્દે માણે છે. ભક્તિ એમને મન માત્ર ધ્રુવા સ્મૃતિ જ નથી; માત્ર પ્રપત્તિ જ નથી. એકને અનેકમાં જોવો પામવો, પ્રીછવો, એ જ સાચી ભક્તિ. નિજનાં સ્વત્વને વિશ્વતોમુખી સર્વત્વમાં એકરૂપ કરી દેવું એમાં જ માનવજીવનની સાચી મુક્તિ. પોતાના જીવનની પ્રત્યેક ક્રિયામાં, પ્રાણના સ્પન્દને સ્પન્દને એ ભગવદ્સ્પર્શનો સાક્ષાત્કાર અનુભવે છે, અને એથી જ એ શુભ સ્પર્શથી પુલકિત થઈ ઊઠેલું એમનું દર્શન જગતના ભક્તિસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. એનો ઇષ્ટ દેવતા માત્ર આરાધ્ય નથી, ગન્તવ્ય કે પ્રાપ્તવ્ય નથી. ભક્તાધીન એ પણ પોતાના ભક્તને પામવા એટલો જ ઉત્સુક છે. અહીં આ ઝંખના એકપક્ષી નથી. સાધ્ય અને સાધક બન્ને એકબીજાને પામવા સામસામા આવે છે. ઇષ્ટદેવનું પોતાના ભક્તને મળવા માટેનું આરોહણ અને ભક્તિનું પોતાના ઇષ્ટ દેવની સમીપ જવા માટેનું અવરોહણ, એક અરવિન્દ દર્શનને બાદ કરતાં, જગતના ભક્તિસાહિત્યમાં અન્યત્ર મળવું વિરલ છે. એમની ભક્તિમાં વિહ્વળતા કે ભાવોન્માદમત્ત કે ઉદ્ભ્રાન્ત ઉચ્છલફેનતા નથી. બધાય પ્રેમમાં તૃપ્તિ, બધાંય દુ:ખમાં ક્ષેમ, સકલ અંગે એનો સ્પર્શ, પ્રશાન્તિપ્રદાતા મહાનન્દની સદૈવ સર્વત્ર અનુભૂતિ એ જ એમને મન સાચી ભક્તિ, સાચી મુક્તિ. વાણી : આષાઢ-શ્રાવણ, ૨૦૦૪