લીલુડી ધરતી - ૨/આશાતંતુ

From Ekatra Wiki
Revision as of 11:11, 4 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આશાતંતુ|}} {{Poem2Open}} ‘ક્યાં ગઈ મારી ચમેલી ?’ એવી સંતુની ચીસોના ઉ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આશાતંતુ

‘ક્યાં ગઈ મારી ચમેલી ?’ એવી સંતુની ચીસોના ઉત્તરમાં વખતી એને આશ્વાસન આપતી હતી : ‘સતીમાં તારી ચમેલીને લઈ ગ્યાં છે, ને સતીમાં જ તને પાછી દઈ દેશે, હોં !—’

ઊજમને નવાઈ લાગતી હતી. સંતુની આ બાલિશ પૃચ્છાનો વખતી ઉત્તર જ શા માટે આપે છે ? શું એ જાણતી નથી કે સંતુના રથ ફરી ગયા છે અને આ બધા પ્રશ્નો એનો લવારો જ છે, અને એનો જવાબ આપવાનો જ ન હોય ? અને છતાં વખતી એ બાલિશ પ્રશ્નોના જવાબ આપે છે, ને એમાં વળી વારેવારે સતીમાનું નામ શા માટે લે છે ?

અને આ સતું પણ ગાંડી તે સળંગ ગાંડી જ છે ને ? વખતીને મોઢેથી સતીમાનું નામ પડે છે, ને કેવું સાચું માની બેસે છે ! કેમ જાણે એની ‘ચમેલી’ને સતીમા સાચે જ લઈ ગયાં હોય, અને સાચે જ એ પાછી આપવાનાં હોય !

પણ ના, આ વખતી ડોસી તો કાંઈક વધારે ઊંડી લાગે છે. એ સંતુને કેવળ ફોસલાવતી નથી. હા, એ કથળી પડેલ કે કજિયે ચડેલા બાળકને છાનું રાખતી હોય એ ઢબે સંતુને પટાવે છે, સાંત્વન આપે છે; પણ એ બધી ક્રિયા પાછળ એની કોઈક ઊંડી રમત દેખાય છે, કોઈક સુયોજિત વ્યૂહ વરતાય છે.

શો હશે એ વ્યુહ ? ​ એ સમજવું ઊજમના ગજા બહારનું કામ હતું.

વખતીનો વ્યુહ તો જે હોય તે. પણ એણે કરેલાં સંતુનાં મનામણાંને પરિણામે એક દેખીતો લાભ તો થયો જ. અત્યાર સુધી પોતે માની લીધેલા પોતાના બાળકની ખોજમાં બહાવરી બનીને ગામ આખામાં ભટકતી સંતુનો જીવ હવે આશાતંતુએ બંધાયો. એના હિજરાતા હૈયાને સાચે જ ધરપત વળી કે સતીમાએ હમણાં મારી ખોવાયેલી ચમેલીને સાચવી રાખી છે, ને એ મને પાછી આપશે.

વિચક્ષણ વખતી તો વળી એમ પણ ઉમેરવા લાગી કે તારી ચમેલી કોઈથી નજરાઈ ન જાય, એ ઉદ્દેશથી સતીમાએ પોતાના ખોળામાં સાચવી રાખી છે. એ જતન કરીને તારા જણ્યાને ઊઝેરી રહ્યાં છે. એનું ટાણું થાશે એટલે એ તને પાછી જડશે.

અને સંતુ તો રાજીરાજી થઈ ગઈ. આજ સુધી એ ગામમાં જેને ને તેને પૂછ્યા કરતી હતી : ‘ક્યાં ગઈ મારી ચમેલી ? કોણે ચોરી છે મારી ચમેલી ? ક્યાં સંતાડી છે મારી ચમેલી ?’ હવે એ જે કોઈ મળે એને મોઢે એક જ સમાચાર આપતી : ‘સતીમાને ખોળે મારી ચમેલી ખોવાણી છે, અને સતીમાને થાનકેથી જ એ પાછી જડશે.’

ભોળુડી સંતુ ! આશાને તાંતણે બંધાયેલી સંતુ ! એણે તો વખતીના એક અમથા આશ્વાસન ઉપર ઊંચા ઊંચા આશા–મિનારા બાંધી દીધા. પોતાની ચમેલી પાછી મળે પછી એનાં કેવાં લાલનપાલન કરવાં, એને શુ પહેરાવવું, શું ઓઢાડવું, એને માટે કેવાં મજાનાં રમકડાં લેવાં, એની રજેરજ વિગત એણે વિચારવા માંડી.

અને એક દિવસ તો શેરીમાં નથુસોની સામે મળ્યો, એને સંતુએ કહી પણ દીધું :

‘નથુબાપા ! મારી ચમેલી પાછી જડે કે તરત સતીમાનું છત્તર ઘડી દેજો, હોં ! મેં માનતા માની છે, ઈ પૂરી કરવી પડશે !’

સંતુની આવી કાલીઘેલી વાણી સાંભળીને નીંભર નથુસોની ​ તુચ્છકારભર્યું હસ્યો ને મૂંગો મૂંગો ચાલતો થઈ ગયો.

અને પછી તો, રહેતે રહેતે ઊજમને પણ વખતીએ લગાવેલો તુક્કો સાનુકૂળ જણાયો. એ તુક્કાએ સંતુના ગાંડપણને ધીમે ધીમે કાલાઘેલા ભોળપણમાં પલટાવી નાખ્યું. પેલા ઉગ્ર ઉન્માદ કરતાં આ ભોળું ભાવુકપણું લાખ દરજ્જે સારું હતું, સહ્ય હતું, એમ ઊજમને તેમ જ હાદા પટેલને પણ સમજાયું.

આ ભાવકપણાનું એક પરિણામ એ આવ્યું કે સંતુએ રોજ સવારે ઊઠીને સતીમાના થાનકે જવાનું વેન લીધું.

‘ભાભી ! હાલ્યની વાડીએ ? થાનકમાં જઈને જોઉં તો ખરી સતીમાએ મારી ચમેલીને રમતી મેલી હોય તો ?’

સાંભળીને આરંભમાં તો ઊજમ ખિજાતી અને કહેતી : ‘એમ ક્યાં ચમેલી રસ્તામાં રેઢી પડી છે ? સતીમાએ જાણે કે તારે સારુ ઠારી મેલી હશે, તી તું જાતાંવેત ઉપાડી આવ્ય !’

પણ સંતુ આવી શાણી વાત સાંભળવા જ નહોતી માગતી. એને એક જ રઢ હતી : સતીમાને થાનકે જઈને રોજ પોતાની બાળકીની તપાસ કરવાની.

આખરે, સંતુની આ ‘બાળહઠ’ સમક્ષ ઊજમે નમતું આપવું જ પડ્યું. ખુદ હાદા પટેલે એને સૂચન કર્યું કે સંતુને રાજી કરવા એને રોજ સતીમાને થાનકે લઈ જવી.

અને પછી તો ખુદ ઊજમને પણ આ સુચન અનુકૂળ જણાયું. દુષ્કાળનું વરસ જેમતેમ કરીને પૂરું કર્યું, અને પછી નવા વરસની તૈયારી માટે એ રોજ સાથી જોડે વાડીએ જવા માંડી ત્યારે સંતુને એકલી ઘરે મુકવાને બદલે પોતાની સાથે લઈ જવાનું એને સુગમ થઈ પડ્યું. રોજ ઊઠીને સંતુ ઊજમ જોડે વાડીએ જાય, સતીમાના થાનકમાં ઉત્સુકતાથી ચમેલીની તપાસ કરે, ક્યાંય એ નજરે ન ચડે એટલે નિરાશ થઈને નિસાસો મૂકે, અને તુરત, ‘આજ નહિ તો કાલ જડશે’ એવી શ્રદ્ધા સાથે એ પાછી આવે. ​ સંતુનો આ નિત્યક્રમ પછી તો ગામ આખમાં જાણીતો થઈ ગયો. દેરાણી-જેઠાણી પાદર તરફ નીકળે ને સીમને કેડે ચડે ત્યારે સામાં મળનાર માણસો સંતુને પૂછે: ‘એલી સંતુ ! ક્યાં હાલી?’ સંતુ ભોળે ભાવે જવાબ આપે : ‘મારી ચમેલીને ગોતવા !’

સાંભળીને, કોઈ માણસ આ વેદનામૂર્તિ પ્રત્યે અનુકમ્પા અનુભવે, કોઈ એની મશ્કરી કરે, કાઈ આવી વેવલી શ્રદ્ધાની વ્યર્થતા સમજાવે. કોઈ વળી આ શ્રદ્ધાને બળવત્તર પણ બનાવે : ‘હા જડશે, હોં ! સાચે જ જડશે તારી ચમેલી !’

અને એવામાં ઊજમે અને સંતુએ થાનકમાં એક અચરજ જોયું. આગલી સાંજે ઊજમ વાડીમાંથી કડબ વાઢીને ગઈ ત્યારે સતીમાના ફળા ઉપર છેલ્લી નજર કરતી ગઈ હતી. સવારે આવીને જોયું તો ફળા ઉપર સોનાનું ખોભરું ચડી ગયું છે અને ઊગતા સૂરજનાં કોમળ કિરણમાં એ ઝગમગતું સોનું વધારે ઝળહળી રહ્યું છે.

‘ભાભી ! આ ફળાને સોનું કોણ મઢી ગયું ?’ સંતુએ પૂછ્યું.

‘ભગવાન જાણે ! ને કાં સતીમા પંડ્યે જ જાણે !’ કહીને ઊજમે અનુમાન કર્યું: ‘કોઈની માનતા ફળી હશે—’

‘પણ આ તો કો’ક છાનુંછપનું આવીને ખોભરું ચડાવી ગ્યું લાગે છે—’

‘તો કો’કની છાની માનતા ફળી હશે—’

‘છાની માનતા ?’

‘હોય, ઘણાં ય દુ:ખિયાં છાની માનતા માને... સમજુબા છાનું છત્તર નો’તાં ચડાવી ગ્યાં ? ને ઝમકુએ છાની માનતા નો’તી માની ? એમ આ ખોભરું ય કો’ક છાનું—’

‘પણ સોનાનું ?’

‘ઈ તો જેવો જેનો લાભ ! ઝાઝો લાભ થ્યો હોય તો ઝાઝું નાણું ખરચે. સોનું શું, હીરામોતી ય વાવરે.’

અને જોતજોતામાં તો વાયરે વાત ફેલાઈ ગઈ. ​ ‘સતીમાના ફળા ઉપર કો’કે સોનાનું ખોભરું ચડાવ્યું છે.’

અને આ નવું કૌતક જોવા માટે વાડીએ માણસોનાં નોર પડ્યાં.

‘કોઈની બવ મોટી મનખા ફળી લાગે છે.’

‘પણ કોની ? આ દકાળ વરહમાં આટલું સોનું કોના ઘરમાંથી નીકળ્યું ?’

થોડા દિવસ તો આ વિશે રસિક તર્કવિતર્ક ચાલ્યા.

‘નથુસોની મોડી રાત સુધી દીવી બાળીને ફૂંકણી ફુંકતો ખરો. આપણને શી ખબર કે સતીમાનું ખોભરું ઘડતો હશે !’

‘પણ ઘડાવ્યું કોણે ? આટલો ગરથ કોના ગૂંજામાંથી નીકળ્યો ?’

‘દુકાળ વરહમાં અન્નને ને દાંતને તો વેર થઈ ગ્યાં છે, ને આટલું સોનું વાવરવાનું કોને સૂઝયું ?’

‘હશે કો’ક ખમતીધર આસામી; હશે કો’ક ચીંથરે વીંટ્યું રતન ?—’

આ ચીંથરે વીંટ્યું રતન કોણ, એની જાણ સાવ અણધારી રીતે ને એથી ય અણધારી વ્યક્તિને મોઢેથી થઈ.

ગામ આખાનાં વતાં કરનારો અને મોટાં મોટાં માણસની ચાકરી કરનારો ટપુડો વાળંદ ક્યાંકથી વાત સાંભળી આવ્યો કે સતીમાના ફળા ઉપર સોનાનું ખોભરું ચડાવનાર તો અમથી સુથારણ છે. અને એ વાળંદે પોતાના એકેએક કળને કાને આ વાત નાખી દીધી. ટપુડાએ રજૂ કરેલી આ બાતમીનું સમર્થન પણ વિચિત્ર રીતે મળ્યું. વખતી ડોસીએ અમથીને પૂછ્યું: ‘એલી આ વાત સાચી છે ? સતીમાને સોનાનું ખોભરું તેં ચડાવ્યું છે ?’

અમથીએ આ પ્રશ્નનો હકારમાં કે નાકારમાં ઉત્તર આપવાને બદલે, પોતાની હાંસી થઈ રહી છે એમ સમજીને વખતીને ઊધડી જ લીધી.

‘ચડાવ્યું તી ચડાવ્યું, ક્યાં કોઈના બાપની ચોરી કરી છે ?... સતીમા તો આખા ગામનાં છે. ક્યાં કોઈનાં સુવાંગ છે ?’ ​ અને પછી તો, વખતીને પડતી મેલીને આખા ગામને ઉદ્દેશીને અમથીએ સંભળાવવા માડ્યું : ‘ચડાવ્યું, ખોભરું ચડાવ્યું, સાડીસત્તર વાર ચડાવ્યું ! હવે છે કાંઈ... આટલું સોનું મેં ક્યાંથી કાઢ્યુ એમ ? તમારે આંગણે માગવા તો નથી આવી ને ? પાતાળ ફોડીને કાઢ્યું... ખોડા ઢેઢ પાસેથી માગ્યું. એની તમારે શેની પંચાત..?’

અને અમથીની શી માનતા ફળી, અને શા નિમિત્તે એણે આટલું મોટું ખર્ચ કરી નાખ્યું, એનો અણસાર પણ આ પુણ્યપ્રકોપમાંથી જ આપમેળે મળી રહ્યો.

‘મને મારો છોકરો પાછો જડ્યો, ને મારી મનખા ફળી એની. આ માનતા કરી, એમાં ગામના કેટલા ટકા ગ્યા ? ખરચ મેં કર્યું ને ઠાલા તમે શું કામે પારકી ચંત્યા કરીને દૂબળાં થાવ છો ? ઠાલી મોફતની ભોઈની પટલાઈ શું કામ કરો છો ?’

અને માથાભારે અમથીએ તો કોઈની કશી પરવા કર્યા વગર, ઝનૂનમાં ને ઝનૂનમાં પોતાની ભાવિ યોજના પણ આ પ્રસંગે જ જાહેર કરી દીધી.

‘આ હજી તો મેં સતીમાની આનાથી ય મોટેરી માનતા માની રાખી છે. હજી તો મારે માતાની દેરી માથે સોનાનું ઈડું ચડાવવું છે. તે દી સહુ જોઈ રે’જો, ને દાઝે બળજો તમતમારે—’

સાંભળનારાંઓ તો મોંમાં આંગળાં નાખી ગયાં. આ દલ્લી દેખો ને બમ્બઈ દેખો કરીને રોટલાનાં બટકાં ને લાસાં કાવડિયાં ઊઘરાવનારી પાસે આટલું સોનાનું જોર ક્યાંથી આવ્યું ?

આ ભેદ ઉકેલવાનું ટપુડા વાળંદનું ગજું નહોતું. એમાં તો વલ્લભ મેરાઈ જેવા જાણકારોએ જ શહેરમાં જઈને સાંભળેલા ગામગપાટાને આધારે અનુમાનો તારવ્યાં :

‘ઈ તો અરબસ્તાનમાંથી પાણીને મૂલે સોનું ઢસરડી આવી છે. એમાંથી સતીમાને શણગારે છે—’

‘ના, અરબસ્તાનમાંથી નહિ, કાબુલમાંથી. કાબુલીવાળા ભેગી ​ ફરતી, ને સોનાની દાણચોરીના ધંધા કરતી—’

‘ને આવતાંવેત સમજુબા હાર્યે સહીપણાં–બેનપણાં કરી નાખ્યાં છે. એટલા ઉપરથી જ હધું ય સમજી જાવ ની ? સોનાના વેપારમાં ઠકરાણાંનો ને અમથીનો આઠ આઠ આની અરધિયાણ ભાગ છે—’

વલ્લભે એક ભેદી બાતમી આપી એ સાંભળીને લોકો તાજુબ થઈ ગયાં. એણે કહ્યું કે પેલું ‘દલ્લ્લી દેખો’વાળું દેશી સિનેમા તો અમથી દેખાવ ખાતર લઈને ફરતી. એની પેટીનું આખું પતરું સોનાનું હતું, ને અંદર બેવડાં પાટિયાના પોલાણમાં ઠાંસોઠાંસ લગડી ભરી હતી. નથુ સોનીએ રાતોરાત ઉજાગરા કરીને આ બધું ઓગાળી નાખ્યું, ને શહેરમાં જઈને ચોક્સીની હાટે વેચી ય નાખ્યું.

‘આ અમથી તો સાચે જ ચીંથરે વીંટ્યું રતન નીકળી ! ઈને તો સતીમાના દહેરા ઉપર સોનાનું ઈડું શું, આખેઆખું દહેરું જ સોનાનું ઘડાવે તો ય પોસાય એમ છે.’

‘આ ગિરજો તો સાચે જ લાડકો છોકરો નીકળ્યો ! આ તો સોનાને મૂલે ઘરમાં પડ્યો ગણાય.’

‘આપણા સોનાને મૂલે નહિ, ઓલ્યા અરબસ્તાની સોનાને મૂલે... એટલે સાવ સસ્તો, પાણીને મૂલે જ પડ્યો ગણાય.’

‘ને વળી આ ખોભરું ચડાવીને ધરાતી નથી, ને ઓલ્યું ઈંડું ચડાવવાની વાત કરે છે, ઈ શેની માનતા માની હશે ?’

‘શાદૂળ જેલમાંથી છૂટીને પાછો આવે એની. અમથીને પહેલા ખોળાનો તો શાદૂળ જ ગણાય ને ! ઈ તો આ ગિરજાથી ય વધારે લાડકો—’

આવી આવી વાતો સાંભળીને હવે સંતુની ધીરજ ખૂટી ગઈ. એને થયું : ‘સતીમા સહુને ફળે છે, ને મને કેમ હજી નથી ફળતાં ?’

*