લીલુડી ધરતી - ૨/મહેણાંની મારતલ

From Ekatra Wiki
Revision as of 06:19, 4 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મહેણાંની મારતલ|}} {{Poem2Open}} શ્રાવણના એ છેલ્લા સોમવાર પછી સંતુન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મહેણાંની મારતલ

શ્રાવણના એ છેલ્લા સોમવાર પછી સંતુની સ્થિતિ દિવસે દિવસે વધારે વિષમ બનવા માંડેલી, હરખ અને અજવાળીકાકી વચ્ચે ઊભી શેરીએ જે ચડભડાટ અને પછી ગાળાગાળી થઈ ગયેલાં એના પડઘા આ દેરાણી-જેઠાણી વચ્ચે દિવસો સુધી ગાજતા જ રહેલા.

દેરાણીને મેણાંટોણાં મારવાની એક પણ તક ઊજમ છોડતી નહોતી. હાલતાં ને ચાલતાં, રોટલા ઘડતાં, ઢોરને નીરણ કરતાં કે ગમાણમાં વાશીદું કરતાં એ સંતુને માથામાં મારતી :

‘હવે તો ડેલી બારું નીકળ્યું નીકળાતું નથી, ભોંઠપનાં માર્યાં નાકું વળોટવું ય ભોંભારે થઈ પડ્યું છે.’

આવે પ્રસંગે સંતુ બહુધા મૂંગી રહેતી તેથી ઊજમ વધારે ઉશ્કેરાતી :

‘પાણી ભરવા જાઉં છું ને કૂવે પાણિયારિયું મને પૂછી પૂછીને પીંખી ખાય છે.’

સંતુ કહેતી : ‘ઈ પૂછનારિયુંને ને પીંખી ખાનારિયું ને ય ખબર્ય પડશે કે જબાપ દેનારી જડી’તી—’

‘તેં તો લાજશરમ નેવે મેલી એટલે ઝટ કરતીક ને જબાપ દે જ દે ? તને થોડી ઠુમરના ખો૨ડાની સોના જેવી આબરૂ સાચવવાની ચંત્યા છે !’

‘ને તમે ગામ આખામાં ગોકીરો કરીને ઈ સોના જેવી આબરૂ ​ કેવીક સાચવો છો ઈ હું જાણું છું –’

‘જીભડો બવ વધ્યો લાગે છ ! લાજતી નથી ને માથેથી ગાજ છ ?’

‘હું શું કામ લાજું ?’ સંતુ ફરી ફરીને એક જ દલીલ કરતી, હતીઃ ‘મે કાંઈ કાળું કબાડું કર્યું છે? મેં કાંઈ છાનું–છિનાળવું કર્યું છે?’

સંતુની આ દલીલ સામે ઊજમનો આક્ષેપ તો તૈયાર જ હતો. આજ સુધી એ અનેક વાર આ આક્ષેપનું પુનરુચ્ચાણ કરી છૂટી હતી અને એના ઉત્તરમાં સંતુ તરફથી જે જડબાતોડ જવાબ મળતો એની ઊજમને આકંઠ અનુભવ થઈ ચૂક્યો હોવાથી હવે એ આક્ષેપ કરવામાં એને બહુ રસ પણ રહ્યો નહોતો. તેથી જ તો દેરાણીના અપરાધનું વર્ણન કરવાને બદલે એણે માત્ર રોષ જ ઠાલવ્યો :

‘જીભડો વધ્યો છે એટલે બોલવે શૂરીપૂરી છો.' એમ છણકો કરીને પછી કામે વળગતાં ઊજમે અસ્પષ્ટ ગણગણાટ કર્યો : ‘જેને નહિ લાજ એને કાચું રાજ–—’

એક દિવસ હાદા પટેલ વાડીએથી આવ્યા ત્યારે ખડકીમાં પગ મૂકતાં જ રાંધણિયામાં સંતુ અને ઊજમ વચ્ચે ચાલી રહેલો ચડભડાટ કાને પડ્યો અને તેઓ થંભી ગયા. પુત્રવધૂઓની ગોઠડી કાને પડી જાય તો ય એનું શ્રવણ ટાળવાને ટેવાયેલા આ શાણા શ્વશુરને આજે વાતચીતનો વિષય વિચિત્ર લાગતાં એમણે ન છૂટકે એ દિશામાં કાન માંડ્યો તો કર્કશા ઊજમ રોજને રાબેતે ગોબરની હત્યાનો કકળાટ માંડીને બેઠી હતી અને એ હત્યાનું સંતુ ઉપર આરોપણ કરી રહી હતી. વચ્ચે વચ્ચે માંડણનું નામ, ઝબકી જતું હતું. શાદૂળનો ઉલ્લેખ આવી જતો હતો અને સંતુના ભાવિ બાળક જોડે એ બે વ્યક્તિઓનાં નામ જોડાઈ રહ્યાં હતાં. અગાઉ તો આવા આક્ષેપોને સોઈઝાટકીને પાછા વાળનારી સંતુ આજે કોણ જાણે ​કેમ પણ નિઃશબ્દ ડૂસકાં વડે જ જવાબ આપી રહી હતી.

સાંભળીને હાદા પટેલ ડઘાઈ ગયા. આ વિષયની જે લોકવાયકાઓ એમને કાને આવી હતી, એ તો આ સાગરપેટા માણસે સાવ હસી કાઢી હતી. પણ એ જ વાયકાઓનું ઊજમને મુખેથી ઉચ્ચારણ સાંભળીને એમને અદકો આઘાત લાગ્યો; અને એમાં એ સંતુનાં દૈન્યસૂચક ડૂસકાં સાંભળીને તો મોટી વહુ ઉપર એવી દાઝ ચડી કે ઘડીભર તો થઈ આવ્યું કે પુત્રવધૂ અને શ્વશુર વચ્ચેની સઘળી મર્યાદાઓ લોપીને રાંધણિયાની અંદર ધસી જાઉં અને આવી હીન વાણી ઉચ્ચારી રહેલી ઊજમની જીભ જ ખેંચી કાઢું; પણ બીજી જ ક્ષણે એ વિચાર માંડી વાળ્યો. સાંભળેલાં વેણ ખમી ખાધાં. રખે ને પોતાની દરમિયાનગીરીની કશી ગેરસમજ થાય એ બીકથી એમણે તત્કાળ તો કડવો ઘૂંટડો ગળી નાખ્યો અને ઊજમની જીભાજોડીને આગળ અટકાવવાના સંકેત તરીકે મોટેથી ખોંખારો ખાધો.

અસ્ત્રાની ધાર જેવી ઊજમની જીભ તો એકાએક અટકી ગઈ પણ ક્યારની ક્રંદન કરી રહેલ સંતુનાં ડૂસકાં કાંઈ ચાંપ દાબવાથી બત્તી બુઝાઈ જાય એટલી ઝડપે થોડાં બંધ થઈ જવાનાં હતાં ? એના મૂંગા રુદનમાં હવે એક વધારે ચિંતા ભળી. ઉજમે ઉચ્ચારેલા નાલેશીભર્યા મેણાંઓ શ્વશુર સાંભળી ગયા હશે ? જેઠાણી મારી ઉપર જે નરાતાળ જૂઠાં આળ ચડાવી રહી છે એ એમને કાને પડી ગયાં હશે ?

અને સંતુના સંતપ્ત હૃદયમાં એક વધારે સંતા૫ ઉમેરાયો. એ શ્રાવણિયા સોમવારે અજવાળી કાકી ઊભી શેરીએ જે ન–બોલ્યાંનાં વેણ બોલી ગયાં, એ સસરાના કાન સુધી પહોંચ્યાં હશે ? એમણે એ ગામગપાટા સાંભળ્યા હશે તો મારે વિષે કેવો હીન અભિપ્રાય બાંધી બેઠા હશે ?... પણ તો પછી એમણે સાચી વાત શી છે એ ​ અંગે કશી પૂછગાછ કેમ નથી કરી ? આ મહત્ત્વના પ્રશ્નમાં હજી ય તેઓ મૂંગા કેમ રહ્યા છે ? અરે, ગામલોકો કહે છે એમ હું ગોબરની હત્યારી હોઉં ને મેં પાપાચાર પણ કર્યો હોય તો ઘરના મોભી મને ખાસડું મારીને ઘરમાંથી તગડી કમ નથી મેલતા ? આ બધી કુથલી એમને કાને પહોંચી હશે, ને છતાં ય લોકલાજે મૂંગા રહેતા હશે ? તો તો એમના મન પર કેટલો બધો હૈયાભાર તોળાઈ રહ્યો હશે ? અને એ કૂથલી એમને કાને નહિ પહોંચી હોય તો પણ અત્યારે જેઠાણીને મોઢેથી ઉચ્ચારાયેલાં વેણ તો એમણે કાનોકાન સાંભળ્યાં જ હશે ? અને એ સાંભળ્યા પછી એમના મન ઉપર કેવી છાપ પડી હશે? હાય રે, મને કેવી કપાતર ગણી બેઠા હશે ? જે માણસની સામે મેં ખોળો પાથર્યો, ને જેણે મારી લાજ રક્ષવા ઉતાવળે ઉતાવળે આણું કરી લીધું, એ દેવ જેવા સસરાની નજરમાં હું કેટલી હલકી પડી ગઈ હોઈશ ?

સંતુને ઘડીભર તો થઈ આવ્યું કે તે દિવસે નંદવાયેલું બેડું પાછું લાવવા માટે માતાએ શાદૂળભાની હોકી સ્ટીક પાછી સોંપી દેવાનું ને એ રીતે નાકલીટી તાણવા જેવું સૂચન કરેલું ત્યારે પોતાનું સ્વમાન રક્ષવા માટે લાજ-લોકાચાર બાજુ પર મૂકીને શ્વશુર સમક્ષ ખોળો પાથરેલો, એવી જ રીતે આજે ફરી વાર લાજનો ઘૂમટો ઊંચો કરીને આ શિરછત્રસમા વડીલ સમક્ષ અંતરની વેદના ઠલવી દઉં. શ્વશુરના મનમાં જે અનેકાનેક શંકા-કુશંકાઓ ઘોળાઈ રહી હશે એનું સાચી વાત કરીને સમાધાન કરી આપું, ને એ રીતે એમની જોડે મારો ય હૈયાભાર હળવોફૂલ કરી નાખું. ગામમાં જે ગપગોળાના ગોબારા ચડ્યા છે એ કેટલા પોલા છે એ તોડીફોડીને કહી દઉં. મેં કાંઈ કરતાં કાંઈ જ પાપ નથી કર્યું, એટલી પેટછૂટી વાત કરી દઉં...પણ વળી વિચાર આવ્યો કે મારી કીધી વાત એ માનશે ખરા ગામના ઝેરીલા માણસો એ એમના કાનમાં ઝેર રેડ્યાં હશે એમાં એકાદ બે અમૃતબિંદુની શી અસર થાય ? ઊલટાની કાંઈ ગેરસમજ ​ તો નહિ થાય? સામે ચાલીને હું વાત કરવા જાઉં તો ગુનેગાર તો નહિ ગણાઉં ને ?....અરે, હવે હું કયે મોઢે આવા મઢેલ ને મોભાદાર સસરાને મારું મોઢું બતાવું ? એના કરતાં તો બહેતર છે હું બુડી મરું !...

સાંજે વાળુટાણા સુધી સંતુ મૂંગી જ બેઠી રહી. ઊજમે એને જમવાનું સૂચવ્યું ત્યારે એ ‘નથી ખાવું’ એટલો જ મિતાક્ષરી ઉત્તર આપીને મૂંગી થઈ ગઈ.

ઊજમે પૂછ્યું : ‘શુ કામે નથી ખાવું ?’

સંતુ ફરી બે જ શબ્દો બોલી :

‘નથી ભાવતું—’

જ્યાં ને ત્યાં વાંકું જ જોવા ટેવાયેલી ઊજમે આમાંથી પણ અવળો અર્થ તારવ્યો :

‘ક્યાંથી ભાવે ! શાદૂળભા જેવાંની ડેલીએ સાત ભાત્યની સુખડી જમી આવેલાને આંહી ગરીબ ઘરના સૂકા રોટલા શેનાં ભાવે ?’

સંતુને દાઝ તો એવી ચડી કે ઊજામની જીભ જ ખેંચી કાઢું પણ હવે તો એને કોઈ ઉપર રોષ ઠાલવાની ય પરવા નહોતી રહી. ‘બોલનારનું મોઢું ગંધાય’ એમ મનશું ગાંઠ વાળી એ મૂંગી રહી તેથી તો ઊજમને વધારે શૂર ચડ્યું

‘આના કરતાં તો શાદૂળભા ભેગી જન્મટીપમાં સથવારો પુરાવવા ગઈ હોત તો તું યુ સુખી થાત અને અમે ય સુખી થાત ! ને અમારે ઘરના મોભી જેવા દીકરો નંદવાતો રૈ જાત—’

સાંભળીને સંતુના હૃદયમાં ઝાળ ઊઠી. ઊભા થઈને ઊજમને આડા હાથની એક બૂંહટ ખેંચી કાઢીને એને બોલતી બંધ કરી દેવાનું મન થઈ આવ્યું. પણ વળી વિચાર્યું : ‘હવે મારે જીવવું થોડું ને ઝાઝાં વેર ક્યાં બાંધવાં ?’ અને એ મૂંગી જ બેઠી રહી.

ઊજમને આ મૌનનો ભેદ ન સમજાયો, આડે દિવસે તો એક વેણના સાટામાં સામાં સાત વેણ સંભળાવનારી, ‘રોકડિયા હડમાન ​ જેવી’ સંતુના હોઠ આજે સિવાઈ કેમ ગયા છે?

‘એકલા સોરવતું ન હોય તો હજી ય હાલી જાની શાદૂળભાનો સથવારો કરવા ?’ સંતુનું મૌન તોડવા માટે જ ઊજમે ફરી વાર ઘા મારી જોયો. ‘ઈય બિચારો સુખી થાશે ને તું ય સુખી થઈશ—’

‘હાલી જાઈશ.’ સંતુએ દ્વિઅર્થી ઉત્તર આપ્યો.

ઊજમ આ ઉત્તરનો વાચ્યાર્થ સમજી પણ એનો સંકેતાર્થ સમજવા જેટલી એનામાં ત્રેવડ નહોતી તેથી એ વધારે ઉશ્કેરાટ અનુભવી રહી. પણ એની કમનસીબી તો એ હતી કે હવે સંતુને વધારે ઉગ્ર મહેણાટોણાં મારવા માટે એની પાસે કશા વધારે મુદ્દાઓ નહોતા રહ્યા. ગોબરની હત્યા પછી આજ સુધીમાં એ નિઘૃણમાં નિઘૃણ આક્ષેપ કરી ચૂકી હતી, નિંદ્યમાં નિંદ્ય આળ ચડાવી ચૂકી હતી અને સંતુનો તેજોવધ કરવા માટે તીખી તમતમતી વ્યંગ વાણી ઉચ્ચારવામાં ભાષાની નિઃશેષ વ્યંજના પણ વાપરી છૂટી હતી. હવે એ જે કોઈ વાગ્બાણ ફેંકે કે મહેણુંટોણું ઉચ્ચારે કે વ્યંગવાણીમાં ટાઢા ચાંપે એ સધળું એનાં આગલાં ઉચ્ચારણ કરતાં ઊણું પડે એમ હતું.

તેથી જ તો, સજાયાની ધાર જેવી ઊજમની જીભ આજે પહેલી જ વાર સંતુની મૌનવાણી સમક્ષ મહાત થઈ ગઈ. આડે લાકડે આડે વહેર મૂકવામાં પાવરધી એવી સ્ત્રીને આજે પહેલી જ વાર નાસીપાસ થવાનો પ્રસંગ આવ્યો. ધવાયેલી વીંછણ પોતાને જ ડંખ મારે એમ આ હતપ્રભ સ્ત્રી પણ હવે સંતુને બદલે પોતાને જ સંભળાવવા લાગી.

'કિયા ભાવનાં પાપ ભોગવવાં રૈ ગ્યાં હશે તો આવા માણહ હાર્યે પનારાં પડ્યાં છે... હવે તો ભગવાન મોત મોકલે તો છૂટિયે? પણ માગ્યાં મોત થોડાં જડે ?... રોજના લોઈઉકાળા રિયા... જીવતાં રેવા જેવાંને ભગવાને વે’લાં બરકી લીધાં... ને આવાં દાધારંગાં જીવતાં રિયાં...’ ​અને પછી ઊજમ એકાએક દેવસીને યાદ કરીને રડવા લાગી :

‘કોણ જાણે કોણે પાપે વિજોગ વેઠવાના વારા આવ્યા... મને એકલીને મેલીને હાલી નીકળ્યા... બાર બાર વરહનાં વછોયાં... ફરીદાણ મોંમેળા જ ન થ્યા... જીવતે જીવ મૂવા જેવું ગણાઈ ગયું... હાય રે, હાથે કરીને જ એનું અડદનું પૂતળું બાળવું પડ્યું ને હવે રોજ રાત્યે ઊઠીને ઈ મારે સોણે ભરાય છે... કિયે-છ, કે મારું જીવતેજીવ શરાધ કાં કરી નાખ્યું ? પૂતળું ઘડીને એને દેન કીધું તંયે મને રૂંવેરૂંવે એની ઝાળ લાગી’તી...’

ઘડીભર સંતુ પ્રત્યેનો રોષ ઓસરી ગયો, રોજનો કંકાસ ભુલાઈ ગયો. દેરાણી માટેનાં મહેણાંટોણાં વિસરાઈ ગયાં, અને રુદનની પરાકાષ્ટાએ ભાવોદ્રિક અનુભવતાં ઊજમ જાણે કે અનાગત દેવસી જોડે એકાકાર થઈ ગઈ. પરોક્ષ રીતે અંત્યેષ્ટિ ક્રિયા અને શ્રાદ્ધ સુધ્ધાં પામી ચૂકેલો પતિ કેમ જાણે કે પોતાની નજર સામે જ ઊભો હોય એટલી સાહજિકતાથી એ વાતો કરવા લાગી.

સંતુ માટે આ દૃશ્ય જીરવવું મુશ્કેલ હતું. ઊજમ પતિવિયોગની જે વેદના વેઠી રહી હતી એ સંતુના હૃદયમાં જાણે કે સંક્રાન્ત થઈ રહી હતી. ઊજમ પ્રત્યેનો એનો સઘળો રોષ આ પરિતાપના પારાવારમાં ઓગળી ગયો. લોકાચાર અને લોકરૂઢિનું દાસ્ય વેઠી રહેલી ઊજમે આજ સુધીમાં સંતુ પર કલંકારોપણ કરી કરીને જે સંતાપ કરાવ્યો હતો એની વેદના પણ આ વિયોગિનીના વલવલાટ સમક્ષ વિસરાઈ ગઈ. હૃદયમાં માત્ર મૃત્યુની મીંઢી મીંડ ઘૂંટાઈ રહી. દેવસીનું મૃત્યુ, પરબતનું મૃત્યુ અને છેલ્લે ગોબરનું મૃત્યુ : સર્વભક્ષી મૃત્યુનાં ખડકો વચ્ચે થઈને આ જીવનની ક્ષીણપ્રવાહ સરવાણી વહી રહી હતી. આ દૈવશાપિત ઘરની ઈંટેઈંટમાંથી ઊઠતા મૃત્યુના ઓછાયાઓ અહીં વસનારાંઓને અદૃષ્ટપણે ભીંસી રહ્યા હતા. મૃત્યુની આ મૂંગી ભીંસ સંતુ માટે અદકી ગૂંગળાવનારી બની રહી હતી, કેમકે એના જીવનમાં પતિવિયોગની યાતના ઉપરાંત વળી એક હીન કલંકનું ​આરોપણ થયું હતું.

મૃત્યુની આવી અસહ્ય ભીંસ વચ્ચે આવું કલંકમય જીવન કેમ કરીને જિવાશે ?... સંતુના ઉદ્વિગ્ન ચિત્તમાં એક સ્ફુલ્લિંગ શો પ્રશ્ન ચમક્યો અને બીજી જ ક્ષણે એવો જ એક બીજો વિચારસ્ફુલ્લિંગ પણ ઝબકી ગયો. જીવવું ભલે મુશ્કેલ હોય; મરવું તો સહેલું છે ને ? જીવન ભલે દૈવાધીન હોય, મૃત્યુ, તો મનુષ્યાધીન છે ને ?

આ વિચિત્ર વિચારઝબકારે સંતુની શૂન્ય આંખોને ચમકાવી મૂકી. એણે એક ભયાનક નિર્ણય કરી નાખ્યો.

*