શૃણ્વન્તુ/ઉંગારેત્તિની કાવ્યસૃષ્ટિ

From Ekatra Wiki
Revision as of 06:28, 8 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉંગારેત્તિની કાવ્યસૃષ્ટિ

સુરેશ જોષી

આ મહિનાની શરૂઆતમાં ઇટાલીના કવિ ઉંગારેત્તિનું અવસાન થયું. કાસિમોદોને નોબેલ પારિતોષિક મળ્યું હતું એટલે આપણે એને વિશે થોડુંક જાણ્યું. ઉંગારેત્તિ Ermetismo નામની સાહિત્યિક ચળવળનો જનક હતો. કાસિમોદો એની જ નીપજ લેખાય છે. ઉંગારેત્તિની એકાદ બે કવિતાના અનુવાદ સિવાય આપણે કશું એને વિશે વધુ જાણ્યું નથી. અહીં એની કાવ્યસૃષ્ટિના વાતાવરણને અનુભવવાનો પ્રયત્ન કરીએ.

રિલ્કેએ lament અને praise એ બંનેને કવિનાં કર્તવ્ય લેખે ગણાવ્યાં છે. ઉંગારેત્તિએ પણ આ જ કવિકર્તવ્ય સ્વીકાર્યં છે. એના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ જ છે L’ Allegria (હર્ષ) અને ત્રીજા કાવ્યસંગ્રહનું નામ છે IL Dolore(વિષાદ). એની ‘વિષાદ’ નામની કવિતામાં એ કહે છે: મૃગજળ આગળ તરસ્યા ચંડોળની જેમ મરી જવું, કે સમુદ્રને ઓળંગ્યા પછીથી કાંઠા પરની પહેલી ઝાડીમાં, હવે વધુ ઊડવાની ઇચ્છા ન હોવાથી, લાવરીની જેમ મરી જવું, પણ આંધળી ગોલ્ડફિન્ચ માછલીની જેમ વિષાદને આધારે જીવ્યા કરવું નહીં. એ જ રીતે ‘યાત્રા’ નામના બીજા કાવ્યમાં એ પોતે પોતાની ઓળખ આ પ્રમાણે આપે છે: ઉંગારેત્તિ, તું વેદનાનો માનવી છે, ધૈર્ય ધારણ કરવા માટે તારે માત્ર એકાદ ભ્રાન્તિની જ જરૂર છે. પણ આ તો આપણા જમાનાના માનવીની જ વાત નહીં થઈ? કોઈ વાર આ વેદનાનું સ્મૃતિમાં જડાઈ જાય એવું ચિત્ર માત્ર એકાદ લસરકાથી એ આંકી દે છે: આ હવાનો ઝરૂખો, આ સાંજે એને અઢેલીને ઊભી છે મારી વેદના. કદીક એ પોતાને સન્ત માઇકેલની શિલા જોડે સરખાવે છે અને કહે છે: સન્ત માઇકલની સ્મારક શિલાના જેવો છું હું – ઠંડો, કઠણ, શુષ્ક, વક્રીભૂત ને નર્યો નિષ્પ્રાણ. એ શિલાના જેવો છે મારો વિષાદ જે નરી આંખે દેખાતો નથી. આ જિંદગીની દીર્ઘ યાત્રા કરતાં એને લાગે છે કે કોઈ આંધળાને દોરી જતાં હોય એમ મને દૂર દૂર લઈ જવાય છે.

વિષાદ સાથે સંકળાયેલું હોય છે એકાન્ત. ‘એકાન્ત’ શીર્ષકવાળી કવિતામાં એ ભાવદશાની સુન્દર, મૂર્ત છબિ એણે ઉપસાવી છે. કાવ્યની શરૂઆત ‘પણ’થી થાય છે. એકાન્ત’માં તો નિ:શબ્દતા હોય, એટલે જ તો પોતાની એ વિશેની જુદી જ અનુભૂતિને જાણે વિરોધમાં એની પડછે મૂકતાં કવિ કહે છે: ‘પણ મારા ચિત્કાર વીજળીના કડાકાની જેમ આકાશના ભંગુર ઘણ્ટને ઇજા પહોંચાડે છે.’ કવિનો શબ્દ પણ આવા જ કશાક શૂન્યમાંથી જન્મે છે. આ સમ્બન્ધમાં એમનું આ બે પંક્તિનું કાવ્ય એમની કાવ્યદૃષ્ટિનું દ્યોતક બની રહે છે; ‘એક ફૂલ ચૂંટેલું ને બીજું મળેલું – આ બેની વચ્ચે છે અનિર્વચનીય શૂન્ય.’ આમાં મળેલું ફૂલ તે ઈશ્વરદત્ત કાવ્ય અને ચૂંટેલું ફૂલ તે કવિએ પુરુષાર્થથી પ્રાપ્ત કરેલું કાવ્ય. આ બે વચ્ચે જે અનિર્વચનીય શૂન્ય છે તે હંમેશાં કવિને પડકાર ફેંકે છે. એ અનિર્વચનીયને પડકારીને, એની સાથે ઝૂઝીને જાણે કવિએ શબ્દો આંચકી લેવાના છે. આથી જ આ રીતે નિ:શબ્દતાથી ઊતરડી કાઢેલા શબ્દોની આજુબાજુ મૌનના ઉઝરડા હોય છે. ઊંડે ઊંડે કોઈ ખાણમાંથી ખેંચી કાઢ્યા હોય એવા શબ્દોની આજુબાજુ મૌનની નક્કર શિલાઓનો દાબ વરતાય છે. આથી જ ‘વદાય’ નામની કવિતામાં એ કહે છે: કવિતા એટલે તો સમસ્ત વિશ્વની માનવતા, આપણા પોતાના પ્રાણ, એ પુષ્પિત થઈ ઊઠે છે શબ્દમાંથી. આ પછી કવિ એ શબ્દ વિશે બહુ મહત્ત્વની વાત કરે છે. કેવો હોય છે એ શબ્દ? ઉન્મત્ત ડહોળાયેલાં ફીણમાંથી પ્રગટ થતું નિર્મળ પારદર્શી આશ્ચર્ય! જ્યારે આ મારા મૌનમાંથી હું એક શબ્દ પામું છું ત્યારે મારા જીવનમાંથી જાણે કોતરી કાઢેલી એ અગાધતા છે. આમ કવિને મન શબ્દ મૌનમાં પુરાઈ ગયેલા પાતાળને મુક્ત કરવું તે. એક શબ્દ એની પાછળ આવી અગાધતા, આવું પાતાળ પ્રગટ કર્યે જાય છે.

કવિનો જન્મ એલેક્ઝાન્ડ્રિયામાં થયેલો, પછી પેરિસ ગયેલા ને પછી રોમ. આ બધાં નગરોની નદીઓને કવિ કૃતજ્ઞતાપૂર્વક સ્મરે છે: ‘ઠૂંઠું બનીને ઊભું રહેલું આ વૃક્ષ જ્વાળામુખીના મુખમાં ઊભું છે, હું એને અઢેલીને ઊભો છું.’ જ્વાળામુખીનું મુખ કેવું લાગે છે? ‘એના મુખ પર થાક છે, શ્રોતાઓ આવ્યા પહેલાં કે શ્રોતાઓ ચાલી ગયા બાદ સર્કસના ક્રીડાંગણમાં હોય છે એવો. આ વૃક્ષને અઢેલીને હું જોઈ રહું છું. ચન્દ્ર પર છવાતાં વાદળોની નિ:શબ્દ ગતિ. આ પ્રભાતે હું મારાં અંગ લંબાવું છું જળકુંડીમાં અને પ્રાચીન અવશેષની જેમ નિશ્ચેષ્ટ પડ્યો રહું છું. આ ઇસોન્ઝો નદી વહેતાં વહેતાં મને લિસ્સો બનાવે છે – જેમ એના પથ્થરને બનાવે છે તેમ. હું મારી કાયાને, અસ્થિપિંજરને ઊભું કરીને પાણી ઉપર ચાલું છું કોઈ સર્કસના ખેલાડીની જેમ. યુદ્ધથી મેલાં થયેલાં વસ્ત્ર આગળ ઝૂકીને હું કોઈ બેદુઇન સૂર્યને સેવવા વાંકો વળે તેમ. આ મારી ઇસોન્ઝો, –’ આ વિશ્વના વણાતા પટમાં અનુકૂળ નરમ તન્તુની જેમ વણાઈ જતી નદીઓ. પણ માનવી? કેવો વિસંવાદ એને પીડે છે ત્યારે એ ગૂઢ હાથ એને કણકની જેમ ગુંદે છે. પછી એઓ નાઇલને સંભારે છે ‘આ નાઇલ જેણે મારા જન્મને જોયો, મને ઊછરતો જોયો – વિસ્તરેલાં મેદાનોમાં અજ્ઞાતને માટેની આરતથી બળતી.’ આ પેરિસની સીન નદી, ‘એનો ડહોળાયેલો પ્રવાહ, એમાં મારાં અંગો ફરીથી ગોઠવાયાં.’ હવે જીવનની સન્ધ્યાએ કવિનું ચિત્ત આ બધી નદીઓ માટે ઝૂરે છે. એ નદીની છબિ પારદર્શી બની ઊઠે છે, હવે કવિને પણ પોતાનું જીવન અન્ધકારના પુષ્પના વજ્ર જેવું બની ગયું લાગે છે.

થોડી શી રેખામાં નાજુક પણ આપણી કલ્પનાનાં વિશાળ પરિમાણને વ્યાપી લેતાં ચિત્રો આંકવાની ઉંગારેત્તિની શક્તિ એનાં કાવ્યોની એક નોંધપાત્ર વિશિષ્ટતા છે. પૂર્વના દેશોમાંના વસવાટનાં સ્મરણો આલેખતી એક કવિતામાં એ શક્તિનાં આસ્વાદ્ય પરિણામો જોવા મળે છે: ‘પણે દૂરદૂરના નભોમણ્ડલમાં પેલી રેખા બાષ્પમય બનીને લય પામે છે. બૂટની એડીઓ ખખડે છે, હાથ તાળી પાડે છે, પિપૂડીના તીણા સૂરની જાળીની ભાત ઊપસે છે. સમુદ્રનો રંગ રાખોડી છે. કબૂતરની જેમ એ મૃદુ ચંચળતાથી થરકે છે.’

ઉંગારેત્તિના સમગ્ર કાવ્યસંકલનનું નામ છે. ‘માનવીનું જીવન.’ એમાં જે વાત છે તે ઘવાયેલા માનવીની વાત છે. ‘પ્રાર્થના’ નામના કાવ્યમાં આ માનવીની ઉક્તિ છે. એ ઘવાયેલો આદમી ચાલી નીકળ્યો છે, પણ એનું ગન્તવ્ય સ્થાન કયું છે? જ્યાં માણસ કેવળ પોતાને સાંભળે છે તે એકાન્ત. આ માનવી માનવીઓના મેળા વચ્ચે નિર્વાસિત છે, એની પાસે બચ્યાં છે માત્ર કરુણા અને ઉદ્ધતાઈ. આમ છતાં એ માનવીને માટે જ એ યાતના ભોગવે છે. આ યાત્રાને અન્તે એ પોતે પોતાનામાં પાછો ફરવાને યોગ્ય થશે ખરો? આ એનો પ્રશ્ન છે. એની નિર્જન શૂન્યતામાં હવે કેવળ નામોની જ વસતી રહી છે. એ પ્રભુને પણ પ્રશ્ન પૂછે છે: ‘પ્રભુ, જેઓ તને પ્રાર્થે છે તેઓ તને નામથી વિશેષ ઓળખે છે ખરા?’ શબ્દોની ગુલામી ખાતર એણે હૃદય અને મનને ખણ્ડિત તો નથી કરી નાંખ્યા ને? પવન અને અહીંતહીં રઝળતાં શુષ્ક પાંદડાં (રઝળતા આત્માઓ) – આ પવનને એ તિરસ્કારે છે, એના પ્રાગૈતિહાસિક પશુ શા ચિત્કારને. આ ભગવાન આખરે શું કરી શકશે? એણે માનવીને જીવનની બહાર તો ફેંકી જ દીધો છે, તો શું હવે મરણની બહાર પણ ફેંકી દેશે? એ પ્રભુ સામે કવિની ફરિયાદ છે: ‘પ્રભુ, અમારી નિર્બળતા પર નિગાહ રાખ. અમને નિશ્ચિતતા ખપે છે. તું હવે અમારી હાંસી સુધ્ધાં નથી ઉડાવતો? તો અમારે માટે શોક કર, ક્રૂરતા. હું હવે દીવાલ વચ્ચે જંપી શકતો નથી પ્રેમ વિનાની નરી વાસનામાં. અમને ન્યાયનો છાંટો દેખાડ. તારો કાનૂન – એ શું? વિદ્યુત્થી મારી ગરીબડી લાગણીઓને ફટકાર, મને મુક્ત કર અશાન્તિમાંથી. હું અવાજ વિનાના ઘૂરકવાથી થાક્યો છું.’ આપણે માનવીઓ આખરે કોણ છીએ? વિષાદભરી કાયા, એમાં એક વાર આનન્દનાં ટોળાં ઊમટતાં હતાં. હવે અધબીડી આંખો, થાકના ઘેનમાંથી અર્ધુંપર્ધું જાગવું. આત્મા છે અતિપક્વ ફળ જેવો. હવે હું શું થઈશ, પૃથ્વીમાં પડીને શી દશા થશે મારી? જેઓ જીવી રહ્યા છે તેમાં થઈને જ જાય છે મૃતનો રસ્તો. આપણે પડછાયાઓનો પ્રચણ્ડ પ્રવાહ છીએ. આપણા સ્વપ્નમાં એમનો જ દાણો પાકીને ફાટે છે. જેઓ ચાલી ગયા છે તેમનું અન્તર જ આપણામાં અવશિષ્ટ રહ્યું છે; અને એમના પડછાયાઓમાંથી જ આપણા નામને પ્રાપ્ત થાય છે એનું વજન. તો પછી આપણું ભાવી શું? ખડકાયેલા પડછાયાઓની આશા માત્ર? બીજું કશું જ નહીં અને પ્રભુ, તું પોતે પણ નર્યું સ્વપ્ન? તેથી બીજું કશું તું પણ નહીં બની શકે? એ સ્વપ્ન તે સ્વચ્છ ઉન્માદની સન્તતિ – સવારનાં પંખીઓ શાખાઓનાં વાદળમાં ધ્રૂજે તેમ મારી પાંપણનાં તાંતણે એ થરકતું નથી. એ છે આપણામાં જ, એ આપણો ગૂઢ ઘા છે. આળસથી પડ્યો રહે છે આપણામાં જ. દરેક પ્રભાતે આપણને આગળ હંકારતો પ્રકાશ તે વધુ ને વધુ સૂક્ષ્મ બનતો જતો તન્તુ છે. જો તું હણે નહીં તો અમને આંજી તો નહીં નાંખે ને? બસ આટલો શ્રેષ્ઠ આનન્દ મને આપ. માનવી અને આ એકસૂરીલું વિશ્વ. માનવી એના જ્વરગ્રસ્ત હાથમાંથી મર્યાદાઓ સિવાય કશું પ્રગટ થતું નથી. શૂન્ય સાથે ગંઠાયો છે એ ઊર્ણનાભ, એને ભય છે એના જ ચિત્કારનો, એને જ એ ફોસલાવીને ભ્રષ્ટ કરવા ઇચ્છે છે સ્મરણશિલાઓ. તારું નામ લેવા, તારે વિશે વિચારવાને હે અનન્ત, એની પાસે ઈશ્વરનિન્દા સિવાય બીજું છે શું?

પ્રેમનાં કાવ્યોમાં પણ આછો વિષાદ ભળેલો છે. પણ આ વિષાદનું મૂળ કશાં વ્યક્તિગત કારણોમાં નથી. અસ્તિત્વમાત્રના મૂળમાં જે વિષાદ રહ્યો છે તે જ અહીં પણ વ્યાપી જતો દેખાય છે. ‘જૂન’ નામના કાવ્યમાં આ ભાવ દેખાય છે: ‘જ્યારે આ રાત્રિ મારામાંથી મરણ પામશે અને કોઈક ઇતરની જેમ હું એની નિદ્રાને જોઈ શકીશ, એની સાથે ભળી જશે મોજાંઓનો મર્મર જે મારા ઘરની આજુબાજુના કટિહાર જેવા આવળનાં વૃક્ષો આગળ આવીને થંભે છે. હું ફરીથી જ્યારે તારી કાયામાં જાગીશ ત્યારે તારી કાયા બુલબુલના ટહુકારના જેવી આન્દોલિત થતી હશે, પક્વ ધાન્યકણના રંગની જેમ ચળકતી હશે, જળની પારદર્શકતામાં તારી ત્વચાના સોનેરી વરખ પર અન્ધકારનું ઝાકળ બાઝશે, હવાની રણકતી શિલાને આધારે રહેલી તારી કાયા ચિત્તાના જેવી લાગશે, પડછાયાઓના ખસવા સાથે તું પાંદડાંમાંથી બહાર આવશે, એ ધૂળની અંદરની તારી મૂક ગર્જના મને ગૂંગળાવી મૂકશે. પછી તું તારી આંખો અર્ધી બીડી દેશે. આપણે આપણા પ્રેમને સન્ધ્યાની જેમ ઢળતો જોઈશું. ફરી ગમ્ભીર થઈને તારી આંખોની ક્ષિતિજમાં મારી આફ્રિકાની ભૂમિમાં જેમ જાસ્મીનની કળીઓ બીડાઈ ગઈ છે તેમ આ ક્ષણે તું બીડાઈ જશે. મેં નિદ્રા ખોઈ નાંખી છે. શેરીના કોઈ ખૂણે આગિયાની જેમ હું અડબડિયાં ખાઉં છું. આ રાત મારામાંથી મરી પરવારશે ખરી?’

આ નિમિત્તે જો ઉંગારેત્તિની કવિતા તરફ આપણો કવિ વળે તો સારું.

જૂન, 1970