સત્યના પ્રયોગો/મુંબઈમાંસભા

From Ekatra Wiki
Revision as of 05:03, 13 July 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. મુંબઈમાં સભા|}} {{Poem2Open}} બનેવીના દેહાંતને બીજે જ દિવસે માર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૭. મુંબઈમાં સભા

બનેવીના દેહાંતને બીજે જ દિવસે મારે મુંબઈની સભાને સારુ જવાનું હતું. જાહેર સભાને સારુ ભાષણ વિચારવા જેટલો મને વખત નહોતો મળ્યો. ઉજાગરાઓનો થાક લાગ્યો હતો. સાદ ભારે થઈ ગયો હતો. ઈશ્વર જેમ તેમ મને નિભાવી લેશે એમ મનમાં વિચારતો હું મુંબઈ ગયો. ભાષણ લખવાનું તો મને સ્વપ્નેય નહોતું.

સભાની તારીખને આગલે દહાડે સાંજે પાંચ વાગ્યે હુકમ પ્રમાણે હું સર ફિરોજશાની ઑફિસે હાજર થયો.

‘ગાંધી, તમારું ભાષણ તૈયાર છે કે?’ તેમણે પૂછયું.

‘ના જી, મેં તો ભાષણ મોઢેથી જ કરવાનો વિચાર રાખ્યો છે.’ મેં બીતાં બીતાં ઉત્તર આપ્યો.

‘એ મુંબઈમાં નહીં ચાલે. અહીં રિપોર્ટિગ ખરાબ છે, ને આ સભાથી આપણે કશો લાભ ઉઠાવવા માગતા હોઈએ તો તમારું ભાષણ લખેલું જ હોવું જોઈએ ને તે રાતોરાત છપાવું જોઈએ. ભાષણ રાતોરાત લખી શકશો ના?’

હું ગભરાયો. પણ મેં લખવાનો પ્રયત્ન કરવાની હા પાડી.

‘ત્યારે મુનશી તમારી પાસે ભાષણ લેવા ક્યારે આવે?’ મુંબઈના સિંહ બોલ્યા.

‘અગિયાર વાગ્યે,’ મેં ઉત્તર આપ્યો.

સર ફિરોજશાએ મુનશીને તે કલાકે ભાષણ મેળવી રાતોરાત છપાવવા હુકમ કરી મને વિદાય કર્યો.

બીજે દહાડે સભામાં ગયો. ભાષણ લખવાનું કહેવામાં કેટલું ડહાપણ હતું એ હું જોઈ શક્યો. ફરામજી કાવસજી ઇન્સ્ટિટયૂટના હૉલમાં સભા હતી. મેં સાંભળેલું કે સર ફિરોજશા બોલવાના હોય તે સભામાં ઊભવાની જગા ન હોય. આમાં મુખ્યત્વે વિદ્યાર્થી વર્ગ રસ લેનારો હોય.

આવી સભાનો આ મારો પહેલો અનુભવ હતો. મારો સાદ કોઈ નહીં સાંભળી શકે એવી મારી ખાતરી થઈ. મેં ધ્રૂજતાં ધ્રૂજતાં ભાષણ વાંચવાનું શરૂ કર્યું. સર ફિરોજશા મને ઉત્તેજન આપતા જાય. ‘હજુ જરા ઊંચે સાદે’ એમ કહેતા જાય. મને તો લાગે છે કે મારો સાદ તેમ તેમ નીચો પડતો જતો હતો.

પુરાણા મિત્ર કેશવરાવ દેશપાંડે મારી વહારે ધાયા. તેમના હાથમાં મેં ભાષણ મૂક્યું. તેમનો સાદ તો બરાબર જ હતો. પણ પ્રેક્ષકગણ શેના સાંભળે? ‘વાચ્છા’ ‘વાચ્છા’થી હૉલ ગાજી રહ્યો. વાચ્છા ઊઠયા. તેમણે દેશપાંડે પાસેથી કાગળ લીધો ને મારું કામ થયું. સભા તુરત શાંત થઈ, ને અથથી ઇતિ સુધી સભાએ ભાષણ સાંભળ્યું. શિરસ્તા મુજબ જોઈએ ત્યાં ‘શેમ શેમ’ ને જોઈએ ત્યાં તાળીઓ હોય જ. હું રાજી થયો.

સર ફિરોજશાને ભાષણ ગમ્યું. મને ગંગા નાહ્યા જેટલો સંતોષ થયો.

આ સભાને પરિણામે દેશપાંડે તેમ જ એક પારસી ગૃહસ્થ પલળ્યા. પારસી ગૃહસ્થ આજે હોદ્દો ભોગવે છે, એટલે તેમનું નામ પ્રગટ કરતાં ડરું છું. તેમના નિશ્ચયને જજ ખરશેદજીએ ડોલાવ્યો, ને તે ડોલવાની પાછળ એક પારસી બહેન હતી. વિવાહ કરે કે દક્ષિણ આફ્રિકામાં આવે? વિવાહ કરવાનું તેમણે વધારે યોગ્ય ધાર્યું. પણ આ પારસી મિત્રની વતી પારસી રુસ્તમજીએ પ્રાયશ્ચિત્ત કર્યું, ને પારસી બહેનની વતીનું પ્રાયશ્ચિત્ત બીજી પારસી બહેનો સેવિકાનું કામ કરી ખાદી પાછળ વૈરાગ્ય લઈને કરી રહી છે. તેથી આ દંપતીને મેં માફી આપી છે. દેશપાંડેને પરણવાનું પ્રલોભન નહોતું. પણ તે ન આવી શક્યા. તેનું પ્રાયશ્ચિત્ત તો તેઓ પોતે જ કરી રહ્યા છે. વળતાં ઝાંઝીબાર આવતું હતું ત્યાં એક તૈયબજીને મળેલો. તેમણે પણ આવવાની આશા આપેલી, પણ દક્ષિણ આફ્રિકા કંઈ એ આવે? આ ન આવવાના ગુનાનો બદલો અબ્બાસ તૈયબજી વાળી રહ્યા છે. પણ બારિસ્ટર મિત્રોને દક્ષિણ આફ્રિકા આવવા લલચાવવાના મારા પ્રયત્નો આમ નિષ્ફળ ગયા.

અહીં મને પેસ્તનજી પાદશાહ યાદ આવે છે. તેમની સાથે મને વિલાયતથી જ મીઠો સંબંધ હતો. પેસ્તનજીની ઓળખ મને લંડનની અન્નાહાર આપનારી વીશીમાં થયેલી. તેમના ભાઈ બરજોરજીની દીવાના તરીકે ખ્યાતિ હું જાણતો હતો, મળ્યો નહોતો. પણ મિત્રમંડળ કહેતું કે તે ‘ચક્રમ’ છે. ઘોડાની દયા ખાઈ ટ્રામમાં ન બેસે; શતાવધાની જેવી સ્મરણશક્તિ છતાં ડિગ્રીઓ ન લે; મિજાજે એવા સ્વતંત્ર કે કોઈની શેહમાં ન આવે; અને પારસી છતાં અન્નાહારી! પેસ્તનજી છેક તેવા ન ગણાતા. પણ તેમની હોશિયારી પંકાયેલી હતી. તે ખ્યાતિ વિલાયતમાં પણ હતી. પણ અમારી વચ્ચેના સંબંધનું મૂળ તો તેમનો અન્નાહાર હતો. તેમની હોશિયારીને પહોંચવું મારી શક્તિબહાર હતું.

મુંબઈમાં પેસ્તનજીને ખોળી કાઢયા હતા. એ પ્રોથોનોટરી હતા. હું મળ્યો ત્યારે બૃહદ્ ગુજરાતી શબ્દકોશના કામમાં રોકાયેલા હતા. દક્ષિણ આફ્રિકામાંના કામમાં મદદ માગવાની બાબતમાં એકે મિત્રને મેં છોડ્યા નહોતા. પેસ્તનજી પાદશાહે તો મને પણ દક્ષિણ આફ્રિકા ન જવાની સલાહ આપી! ‘મારાથી તમને મદદ તો શી થાય, પણ તમારું દક્ષિણ આફ્રિકા પાછા જવું જ મને પસંદ નથી. અહીં આપણા દેશમાં જ ક્યાં ઓછું કામ છે? જુઓની, આપણી ભાષાની જ સેવા ક્યાં ઓછી કરવાની છે? મારે વિજ્ઞાનને લગતા શબ્દોના અર્થ કાઢવાના છે. આ તો એક જ ક્ષેત્ર. દેશની ગરીબાઈનો વિચાર કરો. દક્ષિણ આફ્રિકામાં આપણા લોકોને મુસીબત છે, પણ તેમાં તમારા જેવા ખરચાઈ જાય એ હું સહન ન કરું. આપણે જો અહીંયા આપણા હાથમાં રાજ્યસત્તા મેળવીએ તો ત્યાં એની મેળે મદદ થઈ રહે. તમને તો હું નહીં સમજાવી શકું, પણ તમારા જેવા બીજા સેવકોને તમારો સાથ કરાવવામાં હું મદદ તો નહીં જ કરું. ‘આ વચન મને ન ગમ્યાં. પણ પેસ્તનજી પાદશાહને વિશે મારું માન વધ્યું. તેમનો દેશપ્રેમ-ભાષાપ્રેમ જોઈ હું મોહિત થયો. અમારી વચ્ચેની પ્રેમગાંઠ આ પ્રસંગથી વધારે સજ્જડ થઈ. તેમનું દૃષ્ટિબિંદુ હું પૂરેપૂરું સમજી શક્યો. પણ દક્ષિણ આફ્રિકાનું કામ છોડવાને બદલે તેમની દૃષ્ટિએ પણ મારે તો તેને વધારે વળગી રહેવું જોઈએ એમ મને લાગ્યું. દેશપ્રેમી એક પણ અંગને બને ત્યાં લગી જતું ન કરે, ને મારે સારુ તો ગીતાનો શ્લોક તૈયાર જ હતો :

શ્રેયાન્સ્વધર્મો વિગુણઃ પરધર્માત્સ્વનુષ્ઠિતાતઃ

સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ શ્લોક ૩૫

ચડિયાતા પરધર્મ કરતાં ઊતરતો સ્વધર્મ સારો છે. સ્વધર્મમાં મોત પણ સારું, પરધર્મ એ ભયકર્તા છે.