સત્યના પ્રયોગો/વિલાયતની તૈયારી

From Ekatra Wiki
Revision as of 10:29, 13 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૧. વિલાયતની તૈયારી

સને ૧૮૮૭ની સાલમાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી. દેશની તેમ જ ગાંધી કુટુંબની ગરીબાઈ એવી રહી કે અમદાવાદ અને મુંબઈ એમ બે સ્થળ પરીક્ષા દેવાનાં હોય તો તેવી સ્થિતિના કાઠિયાવાડનિવાસી નજીકનું અને સસ્તું અમદાવાદ પસંદ કરે. તેમ મારું થયું. રાજકોટથી અમદવાદ એ મારી પહેલવહેલી એકલા કરેલી મુસાફરી.

પાસ થયા પછી કૉલેજમાં જઈ આગળ ભણતર ચલાવવું એમ વડીલોની ઇચ્છા હતી. મુંબઈમાં પણ કૉલેજ અને ભાવનગરમાં પણ કૉલેજ. ભાવનગરનું ખરચ ઓછું તેથી ભાવનગર શામળદાસ કૉલેજમાં જવાનો ઠરાવ થયો. ત્યાં મને કાંઈ આવડે નહીં, બધું મુશ્કેલ લાગે, અધ્યાપકોનાં વ્યાખ્યાનોમાં ન પડે રસ ને ન પડે સમજ. આમાં દોષ અધ્યાપકોનો નહોતો, મારી કચાશનો જ હતો. તે કાળના શામળદાસ કૉલેજના અધ્યાપકો તો પહેલી પંક્તિના ગણાતા. પહેલી ટર્મ (એટલે સત્ર) પૂરી કરી ઘેર આવ્યો.

કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર એક વિદ્વાન, વ્યવહારકુશળ બ્રાહ્મણ, માવજી દવે હતા. તેમણે પિતાજીના સ્વર્ગવાસ પછી પણ કુટુંબ સાથેનો સંબંધ કાયમ રાખ્યો હતો. તેઓ આ રજાના દિવસોમાં ઘેર આવ્યા. માતુશ્રી અને વડીલ ભાઈ સાથે વાતો કરતાં મારા ભણતર વિશે પૂછપરછ કરી. હું શામળદાસ કૉલેજમાં છું એમ સાંભળી કહ્યું : ‘જમાનો બદલાયો છે. તમ ભાઈઓમાંથી કોઈ કબા ગાંધીની ગાદી સાચવવા માગો તો તે ભણતર વિના નહીં મળે. આ છોકરો હજુ ભણે છે એટલે ગાદી સાચવવાનો બોજો તેની પાસે ઉપડાવવો જોઈએ. તેને હજુ તો ચારપાંચ વર્ષ બી. એ. થતાં જશે, અને તેટલો વખત આપવા છતાં તેને પચાસસાઠ રૂપિયાની નોકરી મળશે, દીવાનપદ નહીં મળે. વળી જો એને ત્યાર પછી મારા દીકરાની જેમ વકીલ બનાવીએ તો વળી બીજાં થોડાં વર્ષે જાય, ને ત્યારે તો દીવાનગીરીને સારું વકીલો પણ ઘણા તૈયાર થયા હોય. તમારે તેને વિલાયત મોકલવો જોઈએ. કેવળરામ (માવજી દવેના દીકરાનું નામ) કહે છે કે ત્યાં ભણતર સહેલું છે. ત્રણ વર્ષમાં ભણીને પાછો આવશે. ખરચ પણ ચારપાંચ હજારથી વધારે નહીં થાય. જુઓને પેલા નવા બારિસ્ટર આવ્યા છે તે કેવા દમામથી રહે છે! તેને કારભારું જોઈએ તો આજે મળે. મારી સલાહ તો છે કે મોહનદાસને તમારે આ વર્ષે જ વિલાયત મોકલી દેવો. મારા કેવળરામને વિલાયતમાં ઘણાય દોસ્તો છે; તેમની ઉપર તે ભલામણપત્રો આપશે એટલે તેને ત્યાં કશી અડચણ નહીં આવે.’

જોશીજી (અમે માવજી દવેને એ નામે સંબોધતા)ને પોતાની સલાહના સ્વીકાર વિશે કંઈ શંકા જ ન હોય તેમ મારી તરફ જોઈ મને પૂછયું :

‘કેમ, તને વિલાયત જવું ગમે તે અહીં જ ભણ્યા કરવું?’ મને તો ભાવતું હતું ને વૈદે બતાવ્યું. હું કૉલેજની મુશ્કેલીઓથી ડર્યો તો હતો જ. મેં કહ્યું, ‘મને વિલાયત મોકલો તો તો બહુ જ સારું. કૉલેજમાં ઝટ ઝટ પાસ થવાય એમ નથી લાગતું. પણ મને દાક્તરી ધંધો શીખવા ન મોકલાય?’

મારા ભાઈ વચ્ચે બોલ્યાઃ

‘એ તો બાપુને ન ગમતું. તારી વાતો કરતાં જ તે કહેતા કે આપણે વૈષ્ણવ હાડમાંસ ચૂંથવાનું કામ ન કરીએ. બાપુનો વિચાર તો તને વકીલ બનાવવાનો જ હતો.’

જોશીજીએ ટાપશી પૂરીઃ

‘મને ગાંધીજીની જેમ દાક્તરી ધંધાનો અણગમો નથી. આપણાં શાસ્ત્રો એ ધંધાને વખોડતાં નથી. પણ દાક્તર થઈને તું દીવાન નથી થવાનો. મારે તો તારે સારુ દીવાનપદ અથવા એથીયે વધારે જોઈએ. તો જ તમારું બહોળું કુટુંબ ઢંકાય. જમાનો દહાડે દહાડે બદલાતો જાય છે ને કઠણ થતો જાય છે, એટલે બારિસ્ટર થવું એ જ ડહાપણ છે.’

માતુશ્રીની તરફ વળીને કહ્યું, ‘આજ તો હું જાઉં છું. મારા કહેવાનો વિચાર કરી જોજો. હું પાછો આવું ત્યારે તૈયારીના સમાચાર સાંભળવાની આશા રાખીશ. કંઈ અડચણો હોય તો મને જણાવજો.’

જોશીજી ગયા. હું તો હવાઈ કિલ્લા બાંધવા મંડી ગયો.

વડીલ ભાઈ વિમાસણમાં પડ્યા, પૈસાનું શું કરવું? વળી મારા જેવા નવજુવાનને એટલે દૂર કેમ મોકલાય!

માતુશ્રીને તો કંઈ ગમ ન પડી. તેને વિયોગની વાત જ ન ગમી. પણ પ્રથમ તો તેણે આમ જ કહ્યું : ‘આપણા કુટુંબમાં હવે વડીલ તો કાકા જ રહ્યા. એટલે પહેલી સલાહ તો તેમની લેવાની રહી. તે આજ્ઞા આપે તો આપણે વિચારવાનું રહ્યું.’

વડીલ ભાઈને બીજો વિચાર સૂઝયો : ‘પોરબંદર રાજ્ય ઉપર આપણો હક છે. લેલીસાહેબ ઍડ્મિનિસ્ટ્રેટર છે. આપણા કુટુંબ વિશે તેમને સારો મત છે. કાકાની ઉપર તેમની ખાસ મહેરબાની છે. તેઓ કદાચ રાજ્ય તરફથી તને થોડીઘણી મદદ કરે.’

મને આ બધું ગમ્યું. હું પોરબંદર જવા તૈયાર થયો. તે કાળે રેલ નહોતી, ગાડામાર્ગ હતો. પાંચ દિવસનો રસ્તો હતો. હું જાતે બીકણ હતો એ તો કહી ગયો છું. પણ આ વેળા મારી બીક નાસી ગઈ. વિલાયત જવાની ઇચ્છાએ મારા ઉપર સવારી કરી. મેં ધોરાજી સુધીનું ગાડું કર્યું. ધોરાજીથી એક દિવસ વહેલા પહોંચવાના ઇરાદાથી ઊંટ કર્યું. ઊંટની સવારીનો પણ આ પહેલો અનુભવ હતો.

પોરબંદર પહોંચ્યો. કાકાને સાષ્ટાંગ પ્રણામ કર્યા. બધી વાત સંભળાવી તેમણે વિચાર કરી જવાબ આપ્યો :

‘વિલાયત જતાં આપણે ધર્મ સાચવી શકીએ કે નહીં એ હું નથી જાણતો. બધી વાતો સાંભળતાં તો મને શંકા આવે છે. જોને, મોટા બારિસ્ટરોને મારે મળવાનું થાય છે ત્યારે હું તો તેમની રહેણીમાં ને સાહેબોની રહેણીમાં કંઈ ભેદ નથી જોતો. તેમને ખાવાપીવાનો કશો બાધ હોતો નથી. સિગાર તો મોઢામાંથી નીકળે જ નહીં. પહેરવેશ જુઓ તોપણ નાગો. એ બધું આપણા કુટુંબને ન છાજે. પણ હું તારા સાહસમાં વિઘ્ન નાખવા નથી માગતો. હું તો થોડા દિવસમાં જાત્રાએ જવાનો છું. મારે હવે થોડાં વર્ષ જીવવાનાં હશે. કાંઠે આવેલો હું તને વિલાયત જવાની – દરિયો ઓળંગવાની – રજા તો કેમ આપું? પણ હું વચમાં નહીં આવું. ખરી રજા તારી બાની. જો તે તને રજા આપે તો તું સુખેથી જજે, હું તને રોકવાનો નથી એટલું કહેજે. મારી આશિષ તો તને છે જ.’

‘આથી વધારાની આશા તમારી પાસેથી મારાથી ન જ રખાય. મારે હવે મારી બાને રાજી કરવી રહી. પણ લેલીસાહેબ ઉપર ભલામણ તો મને આપશો ના?’ હું બોલ્યો.

કાકાશ્રી બોલ્યા : ‘એ તો મારાથી કેમ થાય? પણ સાહેબ ભલા છે, તું ચિઠ્ઠી લખ. કુટુંબની ઓળખાણ આપજે. એટલે જરૂર તને મળવાનો વખત આપશે ને તેમને રુચશે તો મદદ પણ કરશે.’

મને ખ્યાલ નથી કે કાકાએ સાહેબની ઉપરની ભલામણ કેમ ન આપી. મારું ઝાંખું સ્મરણ એવું છે કે વિલાયત જવાના ધર્મવિરુદ્ધ કાર્યમાં એટલી સીધી મદદ આપતાં તેમને સંકોચ થયો.

મેં લેલીસાહેબ ઉપર ચિઠ્ઠી લખી. તેમણે પોતાને રહેવાને બંગલે મને મળવા બોલાવ્યો. એ બંગલાની સીડી ઉપર ચડતાં ચડતાં તેઓ સાહેબ મને મળ્યા, અને ‘તું બી. એ. થા, પછી મને મળજે. હમણાં કંઈ મદદ ન અપાય.’ એટલું જ કહી ઉપર ચડી ગયા. હું ખૂબ તૈયારી કરીને, ઘણાં વાક્યો ગોખીને ગયો હતો. નીચા નમીને બે હાથે સલામ કરી હતી. પણ મારી મહેનત બધી વ્યર્થ ગઈ!

મારી નજર સ્ત્રીનાં ઘરેણાં ઉપર ગઈ. વડીલ ભાઈના ઉપર અપાર શ્રદ્ધા હતી. તેમની ઉદારતાની સીમા નહોતી. તેમનો પ્રેમ પિતાના જેવો હતો.

હું પોરબંદરથી વિદાય થયો. રાજકોટ આવી બધી વાત સંભળાવી. જોશીજી સાથે મસલત કરી. તેમણે કરજ કરીને પણ મને મોકલવાની ભલામણ કરી. મેં મારી સ્ત્રીના ભાગનાં ઘરેણાં કાઢી નાખવાની સૂચના કરી. તેમાંથી રૂપિયા બેત્રણ હજારથી વધારે નીકળે તેમ નહોતું. ભાઈએ ગમે તેમ કરી રૂપિયા પૂરા પાડવાનું બીડું ઝડપ્યું.

માતા કેમ સમજે? તેણે બધી તપાસો શરૂ કરી હતી. કોઈ કહે, જુવાનિયા વિલાયત જઈ વંઠી જાય છે; કોઈ કહે, તેઓ માંસાહાર કરે છે; કોઈ કહે, દારૂ વિના ન જ ચાલે. માતાએ આ બધું મને સંભળાવ્યું. મેં કહ્યું, ‘પણ તું મારો વિશ્વાસ નહીં રાખે? હું તને છેતરીશ નહીં. સોગન ખાઈને કહું છું કે એ ત્રણે વસ્તુથી હું બચીશ. એવું જોખમ હોય તો જોશીજી કેમ જવા દે?’

માતા બોલી, ‘મને તારો વિશ્વાસ છે. પણ દૂર દેશમાં કેમ થાય? મારી તો અક્કલ નથી ચાલતી. હું બેચરજી સ્વામીને પૂછીશ.’ બેચરજી સ્વામી મોઢ વાણિયામાંથી જૈન સાધુ થયા હતા. જોશીજી જેમ સલાહકાર પણ હતા. તેમણે મદદ કરી. તેમણે કહ્યું : ‘હું એ છોકરા પાસે એ ત્રણે બાબતની બાધા લેવડાવીશ, પછી તેને જવા દેવામાં હરકત નહીં આવે.’ તેમણે પ્રતિજ્ઞા લેવડાવી અને મેં માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી. માતાએ આજ્ઞા આપી.

હાઈસ્કૂલમાં મેળાવડો થયો. રાજકોટનો એક યુવાન વિલાયત જાય એ આશ્ચર્ય ગણાયું. જવાબને સારું હું કંઈક લખી ગયેલો. તે પણ જવાબમાં ભાગ્યે વાંચી શક્યો. માથું ફરતું હતું, શરીર ધ્રૂજતું હતું, એટલું મને યાદ છે.

વડીલોના આશીર્વાદ લઈ મુંબઈ જવા નીકળ્યો. મુંબઈની આ પહેલવહેલી મુસાફરી હતી. વડીલ ભાઈ સાથે આવ્યા.

પણ સારા કામમાં સો વિઘ્ન હોય, મુંબઈનું બારું ઝટ છૂટે તેમ નહોતું.