સોરઠી ગીતકથાઓ/12.નાગ — નાગમદે

Revision as of 11:36, 21 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|12.નાગ — નાગમદે|}} {{Poem2Open}} ગોહિલવાડમાં ગિરકાંઠાનું રાજુલા ગામ છે. ત્યાં ચાર ગાઉ ઉપર સરોવરડું નામે નાનું ગામડું છે. અસલના કાળમાં ત્યાં સવિયાણા નામનું નાનું શહેર હતું; વાળા રજપૂતો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
12.નાગ — નાગમદે

ગોહિલવાડમાં ગિરકાંઠાનું રાજુલા ગામ છે. ત્યાં ચાર ગાઉ ઉપર સરોવરડું નામે નાનું ગામડું છે. અસલના કાળમાં ત્યાં સવિયાણા નામનું નાનું શહેર હતું; વાળા રજપૂતોનાં ત્યાં રાજ હતાં. ગામધણીનું નામ ધમળ વાળો બોલાય છે. એને ઘેર નાગ વાળો નામે જુવાન દીકરો હતો. નાગનાં રૂપગુણ અને વીરત્વ વિખ્યાત હતાં. સવિયાણાથી એકાદ ગાઉ આઘે એક ડુંગરાની ધાર પડી છે. અત્યારે એ ધારને સરધાર નામે ઓળખે છે. પૂર્વે એને શ્રીધાર કહેતા. ત્યાં માલધારીઓ નેસ પાડતા. એને શ્રીધારના નેસ કહેતા. નેસવાસીઓ ઢોરને પાણી પાવા માટે સવિયાણા શહેરના મોટા તળાવ ઉપર હાંકી જતાં. એક વખત એ શ્રીધારની તળેટીમાં એકસામટા નવ નેસ પડ્યા. એક નેસ ભેડા શાખાના આહીરનો હતો. ભેડા આહીરને ઘેર નાગમદે નામની ભરજુવાન દીકરી હતી. નાગમદે પોતાના બાપના નેસડામાં રોજ પ્રભાતે ભેંસોનાં મહીનું વલોણું ઘુમાવે, નેતરાં તાણતી તાણતી પ્રભાતિયાં ગાય, શ્રીધારથી છેટે સવિયાણાની નજીક વડલા હેઠે આવેલી વાવમાંથી પાણીનાં બેડાં ખેંચી લાવે, એ વાવના થડમાં તળાવ હતું. ત્યાં નહાવા-ધોવા જાય, અને બે-ત્રણ દિવસે માખણ ભેળું થાય તેનું ઘી ઉતારી, તાવણ ભરી સવિયાણા શહેરમાં વેચી આવે. સાટે સાટે ભેંસો સારુ કપાસિયા, ઘર સારુ દાણા, ગોળ, તેલ કે મસાલા લેતી આવે. એક દિવસ એ નવ નેસની બીજી કેટલીક બાઈઓની સાથે આ આહીર-બાળ નાગમદે પણ પોતાની તાવણ વેચવા સવિયાણા શહેરમાં આવે છે અને એક વાણિયાને હાટડે સહુ નેસડીઓ એક પછી એક પોતાની તાવણનાં તોલ કરાવે છે. કુમારિકા નાગમદેનો વારો આવે છે. વાણિયાનાં ત્રાજવાં માંહેના વાસણમાં પોતાની તાવણમાંથી ધાર કરીને પોતે ઘી રેડી રહી છે, તે જ ઘડીએ બજારે અવાજ પડ્યો કે નાગ વાળો આવે છે. પવિત્ર રજપૂત જુવાન નાગ સહુ ગામલોકોના રામરામ ઝીલતો ઝીલતો બજાર સોંસરો ઘોડે ચડીને નીકળે છે, અને એક દુકાને જુવાન વહુ–દીકરીઓનું જૂથ બેઠેલું જોઈ પરનારી સામે ન જોવાય એ ભાવે એ બાજુએ પોતાના મોં આડે ઢાલ ઢાંકી દે છે. નાગમદેએ કચ્છમાંથી આવતાં આવતાં માર્ગે અનેક ઠેકાણે તેમ જ આંહીં નેસડામાં આ નાગ વાળા વિશે મીઠી મીઠી વાતો સાંભળી હતી. જોવાની ઇચ્છા ઝાઝા દિવસની હતી. આજ મીટ માંડીને નિહાળવા રહી ત્યાં પેલું પોતે રેડતી હતી તે તાવણનું ઘી ઠામમાં પડવાને બદલે ભોંય ઉપર ઢોળાયું. પલકમાં પ્રેમ પ્રગટ્યો. ફરી વાર તળાવકાંઠે મળ્યાં. નાગનું અંતર પણ અર્પણ થયું. યાદ ન રહ્યું કે એક રજપૂત છે ને બીજું આહીર છે. એક ગામધણી છે ને બીજી ગરીબ માલધારીની દીકરી છે : બેઉનાં નોખનોખે ઠેકાણે સગપણેય થઈ ચૂક્યાં છે. બેમાંથી એકેયનાં માબાપ કબૂલે જ કેમ? ઊલટું, આ તો અનર્થ થશે એમ સમજી નાગમદેના બાપે ત્યાંથી ઉચાળા ઉપાડ્યા. શ્રીધારનો નેસ એક દિવસ પ્રભાતે સૂમસામ પડ્યો. નાગ આવીને એ ખંડિયેરમાં ભટકતો હતો. મળ્યા વગર કે ખબર પણ કહાવ્યા વગર જે ચાલી ગઈ છે, તેને સંભારતો હતો. એવે ટાણે ભમતાં ભમતાં ત્યાં એક પગભાંગલો ખોડો પાડો બેઠેલો દીઠો. પાડાની હોડે ચિઠ્ઠી બાંધી હતી. લખેલું કે ‘નાગ! હું ફલાણે દિવસે આવીને તને સરોવર-પાળ્યે શંકરના દેવળમાં મળીશ. મારા બાપે તે દિવસે મારાં લગ્ન કરવાનું ઠરાવ્યું છે, પણ હું તો તારી થઈ ચૂકી છું’. માવતરે તજેલો જુવાન નાગ વાળો રાજરિદ્ધિ અને રજપૂતાણી સાથેના ઘરસંસારની લાલચ છોડી નાગમદેની વાટ જોતો દેવળમાં બેઠો. બહુ બેઠો. વદાડ પ્રમાણે પહાડ-કન્યા હાજર થઈ નહીં. હવે એ ક્યાંથી આવે? નહીં આવે. બાપે પરાણે પરણાવી દીધી હશે. મારે હવે જીવીને શો સ્વાદ કાઢવો છે? પોતે પેટમાં કટાર નાખીને દેવળમાં જ આત્મહત્યા કરી. પગથી માથા સુધી ફાળિયું ઓઢી લીધેલું. શબ પડ્યું રહ્યું. માવતરનાં પંજામાંથી છૂટતાં નાગમદેને થોડું મોડું થયું. પણ એ વેગ કરતી આવી પહોંચી. રાત હતી. મંદિરનાં બારણાં અંદરથી બંધ હતાં. બંધ કરીને જ નાગ મૂઓ હતો. નાગમદે માને છે કે હજુ નાગ આવ્યો નથી. પછી અંદર નજર કરતાં નાગને પિછોડી ઓઢીને સૂતેલો દીઠો. સમજી કે ઢોંગ કરે છે. કદાચ ફરી બેઠો થશે! ઘણાંઘણાં મેણાં ને વિનવણાં કર્યાં. પછી લાગ્યું કે ભરનીંદરમાં પડ્યો છે, જગાડ્યો જાગતો નથી. પ્રભાતે લોહીનાં પાટોડાં સૂઝ્યાં. નાગમદે પણ પોતાની ખાતર પ્રાણ છોડનારની સોડ્યમાં જ સદાને માટે સૂતી. સરોવરડા ગામની નજીક સવિયાણા શહેરના, વડલા હેઠેની વાવના, તળાવના ને શિવાલયના અવશેષો, તેમ જ શ્રીધાર (સરધાર)ની ટેકરીઓ મેં જોઈ છે. સ્થાનિક લોકો આ બધાં સ્થળોને વાર્તાનાં સ્થળો તરીકે ઘટાવે છે. 

સવિયાણું સરધાર, નગરામાં નેહચળ ભલું; બવળાં હાટ બજાર, રજવાડું રધિએ ભર્યું. [1] [શ્રીધારના નેસવાળું સવિયાણું શહેર સાચેસાચ સહુ નગરોની અંદર સારું નગર હતું, એની બજારો બહોળી હતી, એનું રાજ પણ રિદ્ધિસિદ્ધિથી ભરપૂર હતું.]

સવિયાણું સરધાર, બેય તરોવડ ટેવીએં, એકે વણજ વેપાર, બીજે મરમાળાં માનવી. [2] [સવિયાણું શહેર અને શ્રીધારનો નેસ, એ બંનેને એકસરખાં જ સમજજો. કેમ કે એકમાં જેમ ધીકતાં વાણિજ્ય વેપાર હતાં, તેમ બીજામાં એ નાનું ગામડું છતાં, મર્માળુ રસિકડાં, હેતાળવાં (નાગમદે સરીખાં) માનવીનો વાસ હતો. એકમાં સ્થૂળ દ્રવ્ય સંપત્તિ હતી, તો બીજામાં સૌંદર્યની ને સ્નેહની સમૃદ્ધિ હતી.]

જે સવિયાણે શોખ, સરધારે નહીં શોખ તે; લાડકવાયાં લોક, પથારીએ ફૂલ પાથરે. [3] [સવિયાણા શહેરમાં જે મોજ અને વિલાસ છે, તે સરધારના નેસમાં નથી. સવિયાણાનાં રસિક લોકો તો પથારીમાં ફૂલ પાથરીને સૂવે છે.]

એવું એક મર્માળ માનવી માથા પર ઘીની તાવણ લઈ એક દિવસ સવિયાણાની હાટબજારે વેચવા આવ્યું. જેનાં વીરત્વ અને રૂપશીલ સાંભળ્યાં હતાં તે નવજુવાન નાગને દીઠો. આંખો ત્યાં ચોંટી રહી એટલે વાણિયાના વાસણમાં ઘી ઠલવનારા કંકુવરણા હાથ લક્ષ્ય ચૂક્યા. વાણિયો કહે કે ‘બાઈ, સામું ધ્યાન તો રાખ! તારું ઘી ઢોળાય છે!’ મોહ પામેલી નાગમદે જવાબ વાળે છે :

ઘોળ્યાં જાવ રે ઘી, આજૂના ઉતારનાં! ધન્ય વારો ધન્ય દિ’, નીરખ્યો વાળ નાગને. [4] [મારી, આજના એક દિવસની છાશમાંથી ઊતરેલું ઘી ધૂળમાં મળતું હોય તો ભલે મળે, એટલું નુકસાન શી વિસાતમાં છે! કેમ કે આજ તો મેં નાગને નીરખ્યો. આજનો દિવસ અને આજનો મારો ઘી ઉતારવાનો વારો તો ધન્ય બન્યો.]

પરનારીઓને દેખીને પવિત્ર શીલનો પુરુષ નાગ એ બાજુ પોતાના મોં આડે ઢાલ ઢાંકે છે. નાગમદે એથી નાગનું મોં જોઈ શકતી નથી; એટલે પોતે મનમાં ને મનમાં લવે છે : બાધી જોવે બજાર, પ્રીતમ! તમણી પાઘને, અમણી કીં અભાગ! ધમળના! ઢાલું દિયો! [5] [હે પ્રિયતમ! બધીયે બજાર — તમામ લોકો — તમારી પાઘડીને જોઈ શકે છે; તો પછી મારાં શાં દુર્ભાગ્ય, કે ઓ ધમળ વાળાના પુત્ર! તમે મારા આડે ઢાલનો અંતરપટ કરો છો?]

2. જળાશય પર મેળાપ

વડલા હેઠળ વાવ, હાલે ને હિલોળા કરે; નાગમદે નાની બાળ, ભેડાની પાણી ભરે. [6] [સવિયાણાને પાદર વડલાની ઘટામાં વાવ આવેલી છે. વાવનું ભરપૂર પાણી દિવસરાત હિલોળે ચડી રહ્યું છે. (કારણ કે ત્યાં થોકેથોક પનિહારીઓ બેડાં બોળી બોળી પાણી ભરે છે.) એ પનિયારીઓના મેળામાં શ્રીધાર નેસથી ભેડા આહિરની નાની વયની પુત્રી નાગમદે પણ હેલ્યો ભરવા આવે છે.]

નાગ ત્યાં થઈને શંકરને દેવળ જવા નીકળે છે. નાગમદે નીરખી રહે છે. સભ્યતા સાચવી શકાતી નથી. ભલે, લોકો હીણું ભાખે! હું શું કરું? અંતરમાં લવે છે :

પાગે બેડી પેરીએં, હાથે ડહકલાં હોય; (પણ) નાગડા! નેવળ નો’ય, આંખ્યું કેરે ઓડડે. [7] [પગને તો બેડી પહેરાવીને રોકી રાખી શકાય છે. હાથ કશું તોફાન કરતા હોય તો તેને પણ હાથકડી જડીને કાબૂમાં રખાય. પરંતુ ઓ નાગ! આ આંખોને માટે તો કોઈ બેડી કે કડી ક્યાં છે? હું શી રીતે મારી દૃષ્ટિ દબાવી રાખું?]

નાગ તો જળાશય ઉપર ગામની બહેન–દીકરીઓનાં જૂથ હોવાથી નજર કર્યા વિના જ સીધો ચાલ્યો જાય છે; એટલે પ્રેમમાં પાગલ બનેલી નાગમદે મનમાં ને મનમાં બોલે છે :

સામસામીયું સગા! મીટું કાં માંડો નહીં? વઢીએં તો વાળા! નેણઝડાકે નાગડા! [8] [હે સ્વજન! સામસામી મીટ કાં નથી માંડતા? માંડો, તો નયનેનયનનું પ્રેમ-દ્વંદ્વ રચી શકીએ.]

ત્રાંબાવરણું તળાવ, પદમણીયું પાણી ભરે; નજર કરોને નાગ! ધમળ સરધારા-ધણી! [9] [એ ત્રાંબા સરીખા ઉજ્જ્વળ ને નિર્મળ તળાવની અંદર સુંદરીઓ પાણી ભરે છે. નાગમદે નહાય છે. ઓ શ્રીધારના ધણી નાગ! નજર તો કરો!]

નાગડા! નાગરવેલ્ય, થડમાંથી લૂઈ થૂંણીયે; કાંક કાંક કૂંપળ મેલ્ય, (અમે) આશા ભરિયાં આવિયાં. [10] [હે નાગ! માળી જેમ નાગરવેલ્યને થડની આસપાસ જરા ખોદીને ધરતી પોચી બનાવે છે, તેને પરિણામે એ વૃક્ષ સહેલાઈથી પોષણ શોષીને ફાલે છે; તે રીતે તું પણ તારી પ્રીતિરૂપી વેલડીને પોચી બનાવ! એમાંથી સ્નેહનાં કૂંપળ ફુટાવ. સખત ને અક્કડ ન રહે, કેમ કે હું આશાભરી આવી છું.]

નાગ નીસરણી નાખ, કયે ઓવારે ઊતરીએં! આમાંથી ઉગાર, (તો) વરીએ વા’લા નાગનેં! [11] [ઓ નાગ! હું તળાવમાં નહાઈ રહી છું, પણ કયે આરેથી હું બહાર નીકળું? ડૂબી મરાય તેટલું ઊંડું આ તળાવ છે માટે તું જો અંદર નીસરણી નાખે, તો હું નીકળીને તને વરું. (આંહીં મર્મમાં, વ્યંગમાં નાગમદે સમજાવે છે કે જીવનના — માબાપ, સગાં, સંસારવ્યવહારનાં — ઊંડા નીરમાં હું ડૂબી રહી છું. તારા પ્રેમની નીસરણી વડે તું મને કિનારે ઉતાર.]

નાગ નજર કર્યે, (મારા) પંડ માથે પાલવ નહીં; અછતનાં અમે, દુબળ ક્યાં જઈ દાખીએં! [12] [હે નાગ! નજર તો કર! મારા દેહ ઉપર વસ્ત્રો નથી. હું આ મારી રંક દશા ક્યાં જઈને દેખાડું? — આંહીં પણ એ જ મર્માર્થ ચાલુ રહે છે.]

આવ્યાં ઊભે દેશ, ગાંજુ કોઈ ગમિયલ નહીં; નાગ! તમારે નેસ, બાંધલ મન બચળાં જીં. [13] [આખો પ્રદેશ જોતી જોતી હું ચાલી આવું છું. પણ બીજું કોઈ ગામ મને ગમ્યું નથી, પણ ઓ નાગ! આંહીં તારા નેસમાં મારું મન નાનાં બચ્ચાંની જેમ મમતા વડે બંધાઈ ગયું.]

3. વિદાય બંનેના સ્નેહ-સંબંધની જાણ થયે ચેતી જઈને નાગમદેનો બાપ પોતાનો પડાવ ઉપાડી ચાલી નીકળે છે. કદાચ સવિયાણાના ગામધણી ધમળ વાળાએ પણ ધમકી આપીને ચાલ્યા જવા કહ્યું હશે.

જાતાના જુવાર! વળતાનાં વોળામણાં; વાળા! બીજી વાર, અવાશે તો આવશું. [14] [નાગમદે મળી શકતી નથી. સંદેશો કહાવે છે : ઓ નાગ વાળા! ચાલ્યાં જનાર પ્રિયજનના પ્રણામ સ્વીકારજે. બીજી વાર તો હવે અવાશે તો આવીશ.]

રાતમાં નેસ ઊપડી ગયો છે. પ્રભાતે નાગ નિત્યની પેઠે મળવા આવે છે. શું જોવે છે :

નહીં વલોણું વાસમાં, નહીં પરભાતી રાગ; નાગમદેના નેસમાં, કાળા કળેળે કાગ. [15]

[પ્રિયજનના નિવાસમાં વલોણાનો ઘેરો નાદ નથી સંભળાતો. પ્રભાતિયાં ગીતોના રાગ પણ કોઈ ગાતું નથી. નાગમદેના સૂમસામ નેસડામાં કાળા કાગડા જ બોલી રહ્યા છે.]

નદી કિનારે નેસ, માળીંગાં માંડ્યાં રિયાં, વા’લાં વળ્યાં વિદેશ, ચાળો લગાડી ચિત્તને. [16] [નદીકાંઠાના આ નેસ (ઝૂંપડા)માં, ભીંતડાં ને માંડછાંડ એમનાં એમ રહી ગયાં છે. એટલી બધી ઉતાવળથી, ઓચિંતાં અમારાં પ્રિયજન, દિલને માયા લગાડીને વિદેશ ચાલ્યાં ગયાં.]

નાગમદેને નેસ, (મન) ખૂતલ ખરણ વારે, પરદેશી ગ્યાં પરદેશ, પોઠીડા પલાણે. [17] [એ પરદેશી તો પોઠિયા પલાણીને પરદેશ ચાલ્યાં ગયાં, પણ મારું અંતર આંહીં નાગમદેના નેસમાં લાકડાંની માફક ખૂતી રહેલું છે.]

નાગમદેને નેસ ભાંગલા પગ ભીંસા તણો; વા’લાં ગિયાં વિદેશ, અવધે આવાણું નહીં. [18] [આ એક ભાંગેલ પગવાળો ભેંસો (પાડો) આંહીં પડ્યો છે. વહાલાં વિદેશે ચાલ્યાં ગયાં છે. અવધિ નક્કી કરી હતી, તે મુજબ વેળાસર મારાથી અવાયું નહીં.]

વારા સારુ વઢતિયું, દિ’માં દસ દસ વાર; વુઢી ક્યાં વઢનાર, નીંઘા ! નીંઘલિયાણિયું ? [19] [ધાન ખાંડવાનો એક ખાંડણિયો (નીંધો) ત્યાં પડ્યો છે. નાગ એને પૂછે છે ઓ નીંધા! પોતાપોતાનું ધાન ખાંડવાના વારા માટે તારા સારુ દિવસમાં દસ દસ વાર લડી પડનારી એ નીંઘલેલ — નવજોબન ઊઘડેલ — આહીરાણીઓ ક્યાં વહી ગઈ?]

4. મંદિરમાં મૃત્યુ માબાપથી તજાયેલો ને હીણાયેલો નાગ પરદેશવાસી નાગમદેએ મોકલેલા સંદેશા મુજબ શંકરના મંદિરમાં વાટ જોવે છે. પણ એ રાત્રિના મુકરર સમયે નાગમદે આવી પહોંચી નથી. અધીરો નાગ આશા છોડીને આત્મઘાત કરે છે. નાગમદે મોડી મોડી આવી પહોંચે છે. દેવાલયમાં બીડાયેલાં દ્વારની જાળી સોંસરવું જોતાં, ચંદ્રમાના અજવાળામાં એ નાગને અંદર સૂતેલો દેખે છે :

સૂતો સોડ્ય કરે, પાંઢેરી પછેડીએ; બોલાવ્યો ન બોલે, નીંભર કાં થ્યો નાગડો! [20] [સફેદ પિછોડીનું પગથી માથા સુધીનું ઓઢણ કરીને પિયુ સૂતો છે. ઘણુંય બોલાવું છું, પણ બોલતો નથી. મારો નાગ આવો નઠોર કાં બની ગયો છે?]

નાગ નામધારી એ પુરુષને નાગ (સાપ) પ્રાણીનું રૂપક આપે છે. પોતે જાણે કે વાદણ (ગારુડણ) બની સ્નેહની મોરલી બજાવે છે!

નીકળ વા’લા નાગ! રાફડ કાં રૂંધાઈ રિયો! (માથે) મોરલીયુંના માર, (તોય) નીંભર કાં થ્યો નાગડો? [21] [હે વહાલા નાગ! (ઊંચી જાતના સાપ!) તારા ઉપર હું મારી પ્રેમ-મોરલીના સંગીત-પ્રહારો કરી રહી છું, તોયે તું રાફડામાં (ભોંણમાં) કેમ રોકાઈ રહ્યો છે? તું મોરલીને સ્વરે તો મોહમાયા વિના કેમ રહી શકે?]

મનની કીધી મોરલી, તનના કીધા ત્રાગ; 

જોવા જનમની જોગણી, નીકળ બારો નાગ! [22] [હે નાગ! મેં મનની મોરલી બનાવી. શરીરને તારનું વાજિંત્ર બનાવ્યું. હું જોગણ બની છું : એવો મારો જોગણવેશ જોવા તું બહાર તો નીકળ.] વગાડું છત્રીશ રાગ, કાંધે જંતરડું કરી; નીકળ બા’રો નાગ! વેશ જોવા વાદણ તણો. [23] [હે નાગ! ખભા ઉપર જંતર (બીન) ઉઠાવીને હું છત્રીશ રાગિણીઓ બજાવી રહી છું. હું વાદણનો વેશ કેવો ભજવી રહી છું તે જોવા તો બહાર નીકળ!]

શું તું મારાથી ફરી બેઠો છે? જાતવંત હોય તે શું બદલે કદી?

નવ કુળ માયલો નાગ, ફણ્ય માંડી પાછો ફરે; જાય ભાગ્યો જળસાપ, નોળી વાટે નાગડા! [24] [ઓ નાગ! વાદી પકડશે એવા ડરથી વિમુખ થઈને ચાલ્યો જનારો સાપ જો નવ ઊંચી ઓલાદના સાપ માંહેલો કોઈ હોય, તો તો વાદીની મોરલી વાગતાંની વારે જ સંગીત ઉપર આકર્ષાઈ, ફુલાઈ, ફેણ ચડાવી, પાછો વળશે; સંગીતને ખાતર જાન ખોવા પણ તૈયાર થશે. પણ મોરલી સાંભળતાં છતાંય જો એ ભાગી જાય તો સમજવું કે એ કોઈ કુલીન સાપ નહીં, પણ પાણીનો વાસી, દેડકાં જેવાં પામર જળચરો ઉપર જ જીવનારો હલકો સાપ હશે. એ જ રીતે મારી પ્રેમ-મોરલી ઉપર તું ન આકર્ષાય તો તને હું સાચો પ્રેમીજન નહીં, પણ પામર મોહાસક્ત મનુષ્ય માની લઈશ.]

પણ નાગ તો નથી જ જાગતો. નથી જવાબ દેતો. એ તો મુડદું સૂતું છે. અણજાણ નાગમદેનું દિલ દુભાય છે :

નવ કુળનો નૈ નાગ, (મારી) વિનતિયે ય વળ્યો નહીં, સેલી નીકળ્યો સાપ, પાણીમાં પાસું દઈ. [25] [ના, ના, આ ઊંચા કુળનો જાતવંત નાગ ન્હોય; મારી આજીજી પર પણ પાછો ન વળનારો આ તો પાણીનો સાપ; પાણીમાં ડૂબકી દઈને સરી ગયો.]

એમ મેણાં મારતાં તો પરોઢ થયું. ચંદ્ર આથમ્યો :

વાળા! જોતાં વાટ, નખતરપતિ નમી ગયો; અંતર થાય ઉચાટ, નરખું ક્યાં જઈ, નાગડી! [26] [હે નાગ વાળા! તારી વાટ જોતાં તો નક્ષત્રનો નાથ ચંદ્ર પણ આથમી ગયો. અંતરમાં ઉચાટ થાય છે, હું ક્યાં જઈ તને નિહાળું?]

કદાચ આ દેવાલયમાં સૂતો છે તે નાગ નહીં હોય. નાગ તો હજુ આવવાનો હશે. ચાલ્યો આવતો હશે :

દિ’ ઊગ્યે દેવળ ચડું, જોઉં વાળાની વાટ; કાળજમાં ઠાગા કરે, નાડ્યુંમાં વાળો નાગ. [27] [દિવસ ઊગ્યો. હું દેવાલયના ઘુમ્મટ પર ચડીને જોઉં છું, કે આઘે આઘે ક્યાંય નાગ આવતો દેખાય છે! મારા કલેજામાં ને મારી નસોમાં વહાલો નાગ ઘા કરી રહેલો છે.]

પ્રભાતના અજવાળામાં સાચા બનાવની જાણ થઈ. અંદર જાય છે. મૃતદેહનું માથું ખોળામાં લે છે, વિલાપ કરે છે :

તમે પાણી અમે પાળ્ય, આઠે પો’રે અટકતાં, તેદુની ટાઢાળ્ય; વરવું વાળા નાગને. [28] [હે વહાલા! પ્રેમરૂપી જળાશયમાં તું પાણીસ્વરૂપ હતો; હું કિનારાસ્વરૂપ હતી. નિરંતર તું ને હું એકબીજાને અફળાઈ, ગાઢ શીતળતા અનુભવતાં. એટલે હવે તો તને જ વરવું રહ્યું.]

સવારે સૌ કોય, મોકાણે આવે મલક, (પણ) રાત્ય ન રોવે કોય, નાંધુ વણની નાગડા! [29] [હે નાગ! સવારે તો સહુ કોઈ સગાં — આખો મુલક વિલાપ કરવા આવે. પણ પ્રિયતમના શબ ઉપર સારી રાત તો સાચી પ્રિયતમા સિવાય બીજું કોણ રોવા બેસે? હું આખી રાત રડી છું.]

માટે હવે તો —

અંગર-ચંદણનાં રૂખડાં, ચોકમાં ખડકું ચ્હે! હું કારણ નાગડો મૂવો, (હવે) બળશું અમે બે. [30] [ઓ દુનિયાનાં લોકો! અગર-ચંદનનાં કાષ્ઠ મંગાવીને ભરચૌટામાં અમારી ચિતા ખડકો. મારે કારણ નાગ મર્યો છે, માટે અમે બંને જણાં હવે ભેગાં જ બળીશું.]  આ કથામાં આલણદે નામનું સ્ત્રીપાત્ર લાવવામાં આવે છે, ને એને નાગની પરણેતર સ્ત્રી તરીકે ઓળખાવાય છે. એ નાગમદેની ઈર્ષ્યાએ સળગે છે. મને એમ લાગે છે કે આ આલણદે નાગની સ્ત્રી હોવાને બદલે બીજી જ એક નેસવાસી કન્યા — નાગમદેથી વધુ રૂપવંતી, રૂપની અભિમાની, નાગના પ્રેમની ઉમેદવાર અને આખરે તિરસ્કાર પામેલી — હોવી જોઈએ. નાગનું મન હરવા માટે એ પોતાના રૂપનો ગર્વ કરે છે :

આભામંડળ વીજળી, ધરતીમંડળ મે, નરાંમંડળ નાગડો, (એમ) અસ્ત્રીયાં આલણદે. [31] [આભમાં જેમ વીજળી શ્રેષ્ઠ, પુરુષમાં નાગ સુંદર, તેમ સ્ત્રીઓમાં આલણદે રૂપવંતી.] પણ નાગ એના રૂપગર્વને તિરસ્કારે છે :

આલણદે! એંકાર, કાયાનો કરીએં નહીં; ઘડેલ કાચો ઘાટ, માટીસું જાશે મળી. [32] [ઓ આલણદે! દેહના સૌંદર્યનો અહંકાર ન કરવો ઘટે. કેમ કે એ તો કાચી માટીના ઘડેલા વાસણ સમાન છે. આખરે તોએ માટીમાં જ મળી જશે.]