સોરઠી બહારવટિયા ભાગ-2/કેવા નસાડ્યા!

Revision as of 11:00, 20 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કેવા નસાડ્યા!|}} {{Poem2Open}} “અરે મહેરબાન! આંગળી ચીંધ્યાની ગુનેગારી? મારા ગામમાં બહારવટિયા ભરાણા છે એવા વાવડ દીધાનું ઊલટું આ ફળ? સંચોડું ગામ જ સળગાવી દેશો?” “બીજો ઇલાજ નથી. તમે સંધી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કેવા નસાડ્યા!

“અરે મહેરબાન! આંગળી ચીંધ્યાની ગુનેગારી? મારા ગામમાં બહારવટિયા ભરાણા છે એવા વાવડ દીધાનું ઊલટું આ ફળ? સંચોડું ગામ જ સળગાવી દેશો?” “બીજો ઇલાજ નથી. તમે સંધીઓ પણ શામિલ છો. તમારા ગામને સાફ કરવું જ પડશે.” રોઘડા ગામને પાદર ગામેતી તૈયબ સંધી આડો પડી પડી પાઘડી ઉતારે છે, અને એ બે ગોરા સાહેબો ઘાસનો સળગતો પૂળો લઈને ગામને આગ લગાડે છે. વાર્યા રહેતા નથી. ભેળી બલૂચોની ફોજ છે. બે ગોરામાં એક છે ઓખામંડળનો રેસિડેન્ટ રાઈસ ને બીજો છે આસિસ્ટન્ટ પોલિટિકલ હેબર્ટ સાહેબ. બહારવટિયા ગામની અંદર ઝાંપા આડાં ગાડાં મેલીને ઓથ લઈ ગયા છે. ‘હલ્યા અચો! હલ્યા અચો’ એવા ચસકા કરે છે. વાડ્યમાં પૂળો મેલાણો. ગામ સળગ્યું. પણ સામી બહારવટિયાઓની ગોળીઓ સનસનાટ કરતી આવી. ફોજના ત્રણ બલૂચો પડ્યા. ફોજ પાછી હઠી. આખરે તોપ આવી પહોંચી, પણ બે બાર કર્યા ત્યાં તોપ બગડી ગઈ. “વીંટી લ્યો ગામને,” એવો હુકમ દઈ ગોરાઓએ ગામ ફરતો ઘેરો ઘાલ્યો. રાત પડી ગઈ. ગોરાઓ પોતાના તંબૂમાં પેઠા. ચંદ્રમા આથમીને અંધારાં ઊતર્યાં. અને પોષ મહિનાની ટાઢમાં ટૂંટિયાં વાળીને બેઠેલાં કૂતરાં ભસવા લાગ્યાં. પહેરેગીરોએ પોતાની તીણી આંખે અંધારાં ચીરીને જોયું. બૂમ પાડી, “ભાઈ, બહારવટિયા જાય છે.” “ચૂપ રહો! ચૂપ રહો! ટાઢ વાય છે.” કહીને ફોજના બલૂચો સૂતા રહ્યા. સાહેબોના તંબૂ અને બલૂચોની ચોકી, બેય વચ્ચે થઈને બહારવટિયા ચાલી નીકળ્યા પણ કોઈ સળવળ્યું નહિ. સવાર પડ્યું ને સેનામાં શૂરાતન પ્રગટ્યું. બિંગલ ફૂંકાણાં. હુકમ છૂટ્યો કે “હા, ગામ ઉપર હલ્લો કરો.” સેનાએ શાંતિથી ગામ લૂંટ્યું. બલૂચોએ અબળાઓની આબરૂ પાડી. એ અત્યાચાર એક પહોર ચાલ્યો. લૂંટ અને બદફેલી ખતમ કરાવીને ગોરાઓ તંબૂમાં આવ્યા. પોતે બહારવટિયાને કેવી બહાદૂરીથી નસાડ્યા તેનો અહેવાલ લખવા બેઠા.