સોરઠી બહારવટિયા ભાગ-2/સુતાર પરણાવ્યો
“કેવો છો, ભા?”
“સુતાર છું”
“આંહીં શીદ આવ્યો છો? અમારે કાંઈ આ ડુંગરા માથે મેડિયું નથી બંધાવવી.”
“હું આવ્યો છું મારા વખાનો માર્યો, બાપુ! સાંભળું છું કે સહુનાં સંકટ મૂળુ માણેક ફોડે છે.”
“તને વળી કેવાનું સંકટ પડ્યું છે?”
“મારી વેરે સગપણ કરેલી કન્યાને… ગામના સુતાર સવેલી ઉપાડી જાય છે.”
“તે ભાઈ, અમે સહુના વિવા કરી દેવા બહાર નીકળ્યા છીયેં? જા, જઈને તારી નાત ભેળી કર.”
“નાત પાસે ગયો’તો. પણ સામાવાળા પાસે ઠીક ઠીક જીવ છે. નાતને એણે રૂપિયા ચૂકવ્યા ને જમણ દીધું એટલે પછી નાત ગરીબની વાર હવે શેની કરે!”
“નાતેય રુશવત ખાધી? હરામી નાત કાંઈ પેધી છે! તે ભાઈ, તારા રાજાની પાસે જાને?”
“ત્યાંય જઈ આવ્યો. પણ સામાવાળાએ રૂપિયા ચાંપ્યા, રૂપિયા ખાઈને રાજા કહે છે કે તમારી નાતના કામમાં અમે વચ્ચે નહિ આવીએ!”
“આવી નાત ને આવા રાજા!”
“મૂળુભા બાપુ! તમે મારો નિયા કરો. હું રાંડીરાંડનો દીકરો : નાનેથી મારે માથે વે’વાર પડ્યો. વાંસલા ચલાવી ચલાવી પાઈએ પાઈએ નાણાં સંઘર્યાં. પાંચસો કોરી દીધી ત્યારે માંડ વેશવાળ થયું. હું તો કોડે કોડે લગન સમજવા જઉં છું, ત્યાં તો સસરાએ ધક્કો દઈને કહ્યું, ‘જા જા ભિખારી. તને ઓળખે છે કોણ?’ આવો અનિયા? અને તમારું બા’રવટું ચાલે તે ટાણે?”
“હેં એલા, કન્યાનું મન કોના ઉપર છે? તારા ઉપર કે સામાવાળા ઉપર?”
“મારા ઉપર, બાપુ! સામાવાળો તો ફક્ત શાહુકાર છે, કાંઈ મારા જેવો રૂડો નથી. એના હાથમાં વાંસલો ભળે છે જ ક્યાં! ને હું અધરાત સુધી કામ કરું એવો. આ જુવોને મારી ભુજાઉં! સાંજ પડ્યે પાંચ ઝાડવાં કુવાડે કુવાડે પાડી નાખું, ખબર છે?”
“બસ ત્યારે, બાવડાં સાબૂત હોય તો નીકળ અમારી હારે બા’રવટે. લાવ તારો હાથ. આ કોલ દઉં છું. મૂળુ માણેક પંડે તને કોલ દે છે, કે ઈ કન્યા સાથે તુંને જ પરણાવવો. પણ એક શરત કબૂલ છે?”
“બોલો, બાપુ!”
“તુંને પરણાવીએ. પણ એક રાત ઉપર વધારે વાર ઘરે નહિ રે’વાય. એકલે પંડે અમારી સાથે નીકળી જવું પડશે. બા’રવટિયા એટલા તો જોગી જતિ, જાણછ ને?”
સુતાર થોડી વાર ખચકાણો. પરણેતરની એક જ રાત અને તે પછીના સેંકડો સુખી દિવસો સડેડાટ એની આંખ સામેથી નીકળી ગયા. ઘરની શીતળ છાંયડીવાળી કોડ : હેલ્યે પાણી ભરતી સુતારણ : ખભા ઉપર ખેલતાં નાનાં છોકરાં : એ બધુંય સ્વપ્નું એક ઘડીમાં સમાઈ ગયું. ઝબક્યો હોય તેવી ઉતાવળે મૂળુભાને પગે હાથ નાખીને કહ્યું કે “કબૂલ છે, બાપુ! મારે તો ઈ અધરમના કરવાવાળા ઈ સવેલડાં લઈ જનારા શાહુકાર માથે અને ઈ અનીતિનાં દલાલાં આરોગનાર નાતને દરબાર માથે આખો અવતાર વેર વાળ્યે જ છૂટકો છે.”
“રંગ તુંને! બોલ, જાન કે દી ને ક્યાંથી નીકળવાની છે?”
દિવસ અને જગ્યા નક્કી થયાં, બહારવટિયાઓએ છાનામાના ઓડા બાંધ્યા. બરાબર બપોરે સુતારની જાનનાં ગાડાં ખખડ્યાં. વરના માથા ઉપર ટબૂડી ખખડાવીને લૂણ ઉતારતી બહેન ગાઈ રહી છે કે
મેઘવરણા વાઘા વરરાજા!
કેસરભીનાં વરને છાંટણાં.
સીમડીએ કેમ જાશો વરરાજા!
સીમડીએ ગોવાળીડો રોકશે.
ગોવાળીડાને રૂડી રીત જ દેશું
પછી રે લાખેરી લાડી પરણશું!
અને હાથમાં તરવારવાળો વરરાજા મૂછોના આંકડા ચડાવતો બેઠો છે. ત્યાં માર્ગે બોકાનીદાર બહારવટિયા ખડા થઈ ગયા, ગાડાં થંભ્યાં, જાનમાં રીડારીડ થઈ પડી. બંદૂક તાકીને બહારવટિયો બોલ્યો : “કોઈ ઊઠશો મા. ને કોઈ રીડિયું પાડશો મા, અમારે કોઈને લૂંટવા નથી. ફક્ત એક હરામી વરરાજાને જ નીચો પછાડો.” બાવડું ઝાલીને માણસોએ વરને પછાડ્યો. મૂળુએ હાકલ કરી, “હવે કાઢ તારાં ઘરેણાં.” ઘરેણાંનો ઢગલો થયો : મૂળુ પોતાના ભેરુ સુતાર તરફ ફર્યો.“પે’રી લે, ભા!” બહારવટિયે ફરી વાર વર તરફ જોયું. “છોડ્ય મીંઢળ!” મીંઢળ છૂટ્યાં. બહારવટિયે કહ્યું, “બાંધી દ્યો ભેરુને કાંડે!” મીંઢળ દાગીના, તરવાર, તોડાં : તમામ શણગાર વરના શરીરેથી ઊતરીને ભાઈબંધ સુતારને શરીરે શોભાવા લાગ્યાં. “હવે ચડી જા ગાડે, બેલી!” ભાઈબંધ ગાડે ચડ્યો. મૂળુ જોઈ રહ્યો. “વાહ, ઠાવકો જુવાન હો! આ સવેલીચોરના કરતાં તો તુંને આ વેશ વધુ અરઘે છે. એ બાઈ! વરની બોન! તું કેમ ચૂપ થઈ ગઈ? આને માથેથી લૂણ ઉતારવા માંડ. ને સહુ બાઈયું-દીકરીયું જેમ ગાતી’તી તેમ જ ગાવા માંડો, જો આ સવેલીચોરને જીવતો રાખવો હોય તો.”
- ગીત ઊપડ્યાં. લૂણ ઊતરવા લાગ્યાં.
- “હાં, હાંકો જાન. અમે ભેળા છયેં.”
સવેલીચોરને જંગલમાં કેદ રાખી બહારવટિયો મૂળુ પોતાના સાચા ભાઈબંધને પરણાવવા ચાલ્યો. કોઈ ચું કે ચાં કરી શક્યું નહિ. સહુએ થરથરતે શરીરે ઝટપટ વિવાહ ઉકેલ્યા. સાચા વર વેરે કન્યા મંગળ વરતી. જાન પાછી વળી. એ ને એ ગાડે બહારવટિયો વરવહુને એના ગામમાં લઈ ગયો. અને સાંજરે ગામને સીમાડે ઊભા રહી ભાઈબંધને ભલામણ કરી કે “ભાઈબંધ! આપણો કરાર યાદ કરજે. કાલ સવારે સામા ડુંગરામાં આવી મળવાનું છે. નીકર તારું મૉત સમજજે!”