સોરઠી બહારવટિયા ભાગ-2/નટના પંખામાં

From Ekatra Wiki
Revision as of 11:16, 20 October 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નટના પંખામાં

“ગઢવા! જમવા મંડો! કેમ થંભી ગયા?” પણ ગઢવો ખાતો નથી. ગામને પાદર નટ લોકોના પંખા (પંખા=ટોળાં) ઊતર્યા છે. સાંજ : પડી ને દિવસ આથમ્યો એટલે શહેરના દરવાજા દેવાઈ ગયા છે ને એક ચારણ મુસાફર બહાર રહી ગયો છે. બે-ત્રણ છોકરાં ચારણને પોતાના ઉતારામાં તેડી લાવ્યાં. બે બાઈઓ હતી તેણે રોટલા ઘડ્યા, ચારણને જમવા બેસાર્યો, પણ ચારણ થાળીમાં હાથ બોળતો નથી. “ગઢવા, વહેમાવ છો?” “તમે કેવાં છો, મા! મારી ચારણદેહ છે, એટલે હું જરાક આંચકો ખાઉં છું.” “ગઢવા! વન થાશો? તો વાત કરીએ.” “માડી! વન તો વાયેય હલે : હું તો પા’ણો થાઉં છું. કહો જે કહેવું હોય તે. હું દેવીનું પેટ છું ઈ ભૂલશો મા.” “ત્યારે, ગઢવા!

પે પાલટીએં પાટ, પંડ પાલટીએં નૈ,
ઘર ઓળખીએં ઘાટ, જગતે જે જેસંગતણા.”

“ગઢવા! બહુ બૂરી પડી છે. તેથી આ લૂગડાં બદલાવ્યાં છે. પણ પંડ્ય નથી અભડાવ્યાં. અમે નટ નથી, અમે ગરાસિયાં છીએ. ગંગાજળિયા રા’નું કુળ છીએ. અમારા પુરુષોને માથે પાદશાનો કોપ ભમે છે.” “કોણ — જેસોજી-વેજોજી તો નહિ?” “એ જ. અમે એનાં ઘરનાં માણસો!” “તમારી આવી દશા, બોન્યું? આ બા’રવટાં? પંડ્ય પર વસ્તર ન મળે? ખાવાની આ રાબ-છાશું?” “હોય, બારોટ! વેળા વેળાની છાંયડી છે. અને ચાર ચોરાશીયુંના મોડ પહેરનારા પુરુષો જ્યારે અનોધાં દુઃખ વેઠે છે, ત્યારે અમથી આટલાં તપ તો તપાય ને! તરવાર લઈને જે દી જોડે ઘૂમશું તે દી વળી વશેકાઈ વદશે. આજ તો આભને ઓળે છોરુડાં ઉઝેરીએ છીએ, ગઢવા!” ચારણે વાળુ કર્યું. પ્રભાતે ચારણે રજા લીધી. કહેતો ગયો કે “માડી! છઉં તો પાદશાહનો દસોંદી. પણ તમારા ઠાકોરને ન ઉગારું તો આ અનાજ કીડાને ખવરાવ્યું સમજજો!” “હજાર હાથવાળો ઉગારશે, ગઢવા! બાકી અમે તો ચૂડા ભાંગવા તૈયાર થઈને જ બેઠીયું છીએ. પણ અમારાં દુઃખને કારણે બા’રવટિયા પાદશાહને શરણે જાય, ઈ તો કદી નહિ થાય.” “જેસોજી-વેજોજી પાદશાહને શરણે જાય? હથિયાર મેલે? તો તો ગંગા અવળી વહે. અને રંગ છે તમને, રજપૂતાણીયું! આમ રઝળીને પણ ધણીઓને પાનો ચડાવો છો, રંગ!”

હજી સૂર ઝળહળે, હજી સાબત ઇંદ્રાસણ,
હજી ગંગ ખળહળે, હજી પરઝળે હુતાશણ.

છપ્પા બોલતાં બોલતાં ચારણનાં રૂંવાડાં બેઠાં થઈ ગયાં અને એણે દુહો લલકાર્યો :

(જો) જેસો ને વેજો જાય, ઓળે અહરાણું તણે,
(તો તો) પે પાંડરૂ ન થાય, કાળી ધેને કવટાઉત.

[જો જેસા-વેજા જેવા અટંકી રજપૂતો પાદશાહને શરણે જાય, તો સૃષ્ટિના નિયમ પલટી જાય : તો તો કાળા રંગની ગાયનું દૂધ પણ કાળું જ બની જાય, ધોળું ન રહે.]